Tuesday, September 27, 2016
ડહાપણની દાઢનો દુખાવો
આજકાલ વિચિત્ર સમય ચાલે છે. વડાપ્રધાનની મોટા
ભાગની નીતિઓના ટીકાકાર રહેલા લોકોને પાકિસ્તાન મુદ્દે તેમનું સમર્થન કરવાનો પ્રસંગ
આવ્યો છે, જ્યારે વડાપ્રધાનની ફિલ્મી ડાયલોગબાજીને તેમનું સામર્થ્ય માની બેઠેલા
લોકો વિચારી રહ્યા છે કે આ શું થઇ ગયું? આ એ જ
માણસ છે કે તેમનો થ્રી-ડી હોલોગ્રામ?
અગાઉનું પુનરાવર્તન કરીને પણ કહેવાનું થાય કે
પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે વડાપ્રધાનની વર્તમાન નીતિને સમર્થન આપવામાં
તેમના ટીકાકારોને કશો ખચકાટ થવો જોઇએ નહીં (જો તે એમની નીતિના ટીકાકાર હોય તો). જેમનું
મગજ ઠેકાણે હોય—એટલે કે એક યા બીજા રાજકીય પક્ષને ગિરવે મુકાયેલું ન હોય—તે
સહેલાઇથી સમજી શકશે કે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દેવું, એ કોઇ રીતે ઇચ્છનીય
વિકલ્પ નથી. કેટલાંક યુદ્ધોથી ટૂંકા ગાળે તબાહી ને લાંબા ગાળે શાંતિ સ્થપાય છે,
એવું ઇતિહાસના કેટલાક દાખલા ટાંકીને પુરવાર કરી શકાતું હોય તો પણ નહીં. કેમ કે,
આવા દાખલા નિયમ નહીં, અપવાદ હોય છે. માટે, યુદ્ધખોર માનસિકતા ન દેખાડવાની નીતિ
વડાપ્રધાને અપનાવી હોય તો તેમને ટેકો આપવો પડે. તેમની ટીકા કરનારાને સમજાવવા પણ
પડે કે ભાઇ, યુદ્ધ એ મોબાઇલ પર મફતિયા રમવાની ગેમ નથી. એમ યુદ્ધ ન થાય.
પરંતુ ખરી મુશ્કેલી વડાપ્રધાનના સમર્થકોની છે—ખાસ
કરીને એવા સમર્થકોની, તેમાંથી ઘણા અત્યારે આઘાતમાં છે. તેમણે ધારેલું કે જે હિંદુહૃદયસમ્રાટ
નેતાએ મણિનગર વિધાનસભાની ચૂંટણીમાં ત્યારના પાકિસ્તાની વડા પરવેઝ મુશર્રફની ખબર લઇ
નાખી હતી (બોલીને જ વળી), એ દેશના વડાપ્રધાન તરીકે તો પાકિસ્તાનીઓને તેમના ઘરમાં
ઘુસીને મારશે. આવી માન્યતા ને અપેક્ષા માટે તેમનો વાંક પણ કેટલો કાઢવો? એક તો ભક્તહૃદય. ઉપરથી સાહેબ પોતે જ બધી હદો
વટાવીને પાકિસ્તાનનો વિરોધ કરતા હોય ને પાનો ચઢાવતા હોય. એ વખતે સ્થાનિક
મુસ્લિમોને પણ પાકિસ્તાનની હરોળમાં બેસાડીને તેમનો એકડો કાઢી નાખવાનો હોય-તેમની
ન્યાયની લડતની ક્રૂર ઉપેક્ષા કરવાની હોય. ત્યારે મિંયા મુશર્રફનો ઉપયોગ કરી
લેવામાં શો વાંધો? ભારતવિરોધી
લાગણીનો ઉપયોગ પાકિસ્તાનના નેતાઓ પોતાના સ્વાર્થ માટે કરી શકતા હોય, તો
પાકિસ્તાનવિરોધી લાગણીનો ઉપયોગ ભારતીય નેતા પોતાના સ્વાર્થ માટે કેમ ન કરી શકે?
પરંતુ હવે વડાપ્રધાન તેમના હોદ્દાની ગંભીરતાને
શોભે એવાં નિવેદન કરે છે. ત્યારે તેમના જ ભૂતકાળના પ્રચારના આધારે તેમને સુપરમેન
ધારી બેઠેલા લોકોને છેતરાયાનો અનુભવ થાય છે. તેમને લાગે છે, જાણે સુપરમેન હવામાં
ઉડવાને બદલે પાણીમાં બેસી ગયો. એટલે તેમની પ્રતિક્રિયા આઘાતની અથવા આઘાતમિશ્રિત
રોષની છે. તે ખુલ્લેઆમ વ્યક્ત પણ થઇ રહ્યો છે. બીજો વર્ગ એવો હતો, જે યુપીએના
શાસનથી કંટાળીને અને તેની સરખામણીમાં નરેન્દ્ર મોદીએ બતાવેલાં સપનાં પર આશા
બાંધીને તેમનો મતદાર બન્યો. એવા વર્ગને પણ નિરાશાનો અનુભવ થઇ રહ્યો છે—અને એ માટે
તેમણે કાશ્મીર કટોકટી સુધી રાહ નથી જોઇ. મોંઘવારી અને કાળાં નાણાંથી માંડીને બીજા
અનેક મોરચે વડાપ્રધાન બનતાં પહેલાં નરેન્દ્ર મોદીએ જે દાવા કર્યા હતા, તે બોદા
પુરવાર થયા છે.
તે દાવા કરતા હતા, ત્યારે ‘આ દાવા અવાસ્તવિક છે’ એવી
ટીકા કરાનારાને ‘મોદીદ્વેષી’ ગણી
લેવાતા હતા. પરંતુ હવે નરેન્દ્ર મોદી દાવા મુજબનો એકેય ચમત્કાર કરી શક્યા નથી,
એવું ઝાઝા કકળાટ વગર સ્વીકારી લેવાય છે અને તેનાં તાર્કિક કારણ આપવાનો પ્રયાસ થાય
છે. ભારત જેવા વિશાળ અને આર્થિક સહિતની સમસ્યાઓથી ગ્રસ્ત દેશમાં ચમત્કારો શક્ય
નથી. એટલે ચમત્કારિક ઝડપે બદલાવ ન આવે, એમાં નરેન્દ્ર મોદીનો વાંક નથી. પણ તેમનો
વાંક લોકોને ચમત્કારોની જૂઠી આશા આપીને, બદલામાં મત ઉઘરાવી લેવાનો છે. ગુજરાતીમાં
એને છેતરપીંડી કહેવાય. રાજકારણમાં એ બહુ સામાન્ય છે. બધા પક્ષો એ કરે છે. નરેન્દ્ર
મોદી તેમાં વિશેષ પ્રતિભાશાળી છે. એટલે તે બહોળું ભક્તવૃંદ અને અનુયાયીવર્ગ ધરાવે
છે.
તેમના ભક્તવૃંદમાં કેટલાક એકદમ રીઢા કંઠીબંધા છે.
કોઇ પણ સ્થિતિની જેમ અત્યારે પણ તે આક્રમક બચાવ માટે પ્રવૃત્ત થઇ ગયા છે. હવે તે
વડાપ્રધાનના રાજદ્વારી શાણપણ પર ઓવારી જાય છે. રાતોરાત તેમને વ્યૂહાત્મક સંયમ
(સ્ટ્રેટેજિક રીસ્ટ્રેઇન્ટ)નું મહત્ત્વ સમજાયું છે અને તે બીજાને સમજાવવા લાગી
પડ્યા છે. એટલું જ નહીં, તે હવામાં મહેણાં મારે છે કે ‘વડાપ્રધાનના
ટીકાકારોને તો ટીકાની ટેવ પડી. પહેલાં યુદ્ધની વાતો કરતા હતા ત્યારે પણ ટીકા ને
હવે યુદ્ધ નથી કરતા ત્યારે પણ ટીકા.’ આ રીઢી
પ્રજાતિ એ હકીકત ન સમજવાનો ડોળ કરે છે કે ટીકા વડાપ્રધાનના વર્તમાન ઠરેલપણાની
નહીં, તેમનાં બેવડા ધોરણની અને તે વિશે કશો અફસોસ કે પસ્તાવો વ્યક્ત ન કરવાની થઇ
રહી છે.
શું વડાપ્રધાન કે શું તેમના ટીકાકારો, ભૂતકાળની
ભૂલમાંથી શીખવું એ દરેકનો મૂળભૂત અધિકાર છે. એક વાર કે અનેક વાર ખોટું કર્યું હોય,
એટલે ભવિષ્યમાં ફક્ત સાતત્ય ખાતર તેનું પુનરાવર્તન કરવું એ શાણપણ નથી. એ દૃષ્ટિએ
વડાપ્રધાને અગાઉ પાકિસ્તાનનું શું કરવું જોઇએ, એ વિશે બેફામ નિવેદનબાજી કરી હોય
અને તેના ભરપૂર રાજકીય લાભ ખાટ્યા હોય, તેમ છતાં સત્તા પર આવ્યા પછી તે
જવાબદારીપૂર્વક વર્તે તો તે આનંદની વાત છે. પરંતુ તે અને તેમના ભક્તો એવી અપેક્ષા
રાખતા હોય કે વડાપ્રધાન હવે યોગ્ય રીતે વર્તે છે, એટલે ભૂતકાળનાં કોઇ નિવેદન માટે
તે ઉત્તરદાયી નથી, તો એ તેમની સમજ નહીં, ભક્તિ છે. ગુજરાતની મુસ્લિમવિરોધી હિંસા
વખતે પણ, ઘા પર મલમપટ્ટીના પ્રયાસ કર્યા વિના કે એવા પ્રયાસોને મદદરૂપ થયા વિના,
એક તબક્કે અચાનક નરેન્દ્ર મોદીએ ‘વિકાસ’ની દિશામાં મોરો ફેરવી દીધો. પછી એવો પ્રચાર શરૂ
થયો કે ‘હવે એકની એક વાત ક્યાં સુધી કરશો. જૂનું ભૂલીને
આગળ વધો. મુવ ઓન.’
વાત સાચી. આગળ તો વધવું જ પડે, પણ ભૂતકાળમાં
કરેલી લીલાઓનું શું? એના
વિશે કમ સે કમ અફસોસની લાગણી તો અસરકારક રીતે વ્યક્ત કરવી પડે કે નહીં? કમ્યુનિકેશનના નિષ્ણાત ગણાતા વડાપ્રધાનની જીભ એ
વખતે કેમ ઝલાઇ જાય છે? પાકિસ્તાન
સાથે યુદ્ધ નથી કરતા, એ સારું જ છે. પણ ટ્વિટર પર એવો ટહુકો તો કરી દો કે ‘અગાઉ મેં જે આક્રમકતાની વાતો કરી, તેમાં
કોંગ્રેસવિરોધનું રાજકારણ અને વિપક્ષમાં હોવાનો ઉત્સાહ ભળેલાં હતાં.’ (‘અંગત
મહત્ત્વાકાંક્ષા ભળેલી હતી’, એવા
પ્રામાણિક એકરારની અપેક્ષા તો લોકોએ પણ છોડી દીધી છે.) પોતાના વાજામાંથી નવા ને
કાનને રાહત પહોંચાડે એવા સૂર કાઢતી વખતે એટલું તો કહેવું પડે કે ‘વર્ષો સુધી જે વાજું વગાડ્યે રાખ્યું તે ખોટું
હતું ને એનો અહેસાસ હવે થઇ રહ્યો છે.’
વડાપ્રધાનને ‘દેર સે
આયે, દુરસ્ત આયે’નો એકરાર છાજે કે ‘મેરી મરજી’ની
ટપોરીગીરી, એ તેમના ભક્તોએ વિચારવાનું છે.
Labels:
bjp,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
pakistan
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment