Sunday, September 11, 2016

દીકરીઓનો દાદા બચ્ચનને ખુલ્લો પત્ર

પ્રિય બિગ બી-દાદા

તમે અમારા માટે એક જાહેર પત્ર લખીને ગયા હતા, જે અમારે મોટાં થયા પછી વાંચવાનો હતો. અમને લાગે છે કે હવે અમે મોટાં થયાં છીએ. એટલે તમારો એ પત્ર વાંચ્યો. સાચું કહીએ દાદા? એ પત્ર શરૂ થયો, એ સાથે જ અમારા મનમાં પાછળ ટિંગ ટોંગનો અવાજ સંભળાયો અને પત્ર પૂરો થયો, એટલે એ જ અવાજ ફરી સંભળાયો. પછી ખ્યાલ આવ્યો કે આવો અવાજ તો જાહેરખબર શરૂ ને પૂરી થાય, ત્યારે આવતો હોય છે. તમારે, નેચરલી અમારા ભવિષ્યની ચિંતા કરીને જ, એટલી બધી જાહેરાતો ને પ્રમોશનો કરવાં પડ્યાં છે કે આ પત્ર પણ તમારા ઉત્સાહી માર્કેટિંગનો એક ભાગ હોય એવું લાગે છે.

તમને થશે કે આ તો સલાહ બૂમરેન્ગ થઇ. સાવ એવું નથી. અમને તમારી લાગણીની કદર છે. અમને ખબર છે કે દરેક દાદા બચ્ચન હોય કે ન હોય, પોતાનાં દોહિતરાં માટે તે આવી જ લાગણી સેવે છે. પણ એ બધાના માથે પોતાની આવનારની ફિલ્મનો પ્રચાર કરવાની મજબૂરી હોતી નથી. એટલે, એ લોકો પોતાની દૌહિત્રીઓ-પૌત્રીઓને જે કહેવાનું હોય, તે ઘરમેળે જ કહી દે છે. તમારી જેમ એમને જાહેર પત્રો લખવા પડતા નથી. તમારી વાત જુદી છે.

અમારા બન્નેમાંથી આરાધ્યાની મમ્મી પણ માને છે કે તમારી વાત જુદી છે. એ કહેતાં હતાં કે તમે તેમનું લગ્ન અભિષેકમામા સાથે કરતાં પહેલાં એક ઝાડ સાથે કરાવ્યું હતું. એ જાણ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે હરિવંશરાયદાદાની આબરૂ જાળવવાની બધી જવાબદારી તમે અમારી પર કેમ ઢોળી દીધી છે. અમે એ પણ વાંચ્યું કે તેજીદાદી કેટલાં સોલિડ હતાં. તો પછી તમે એવું કેમ ધારી લીધું કે અમારે દાદાઓનો જવારસો જાળવવો જોઇએ? અથવા એને જ આગળ લઇ જવો જોઇએ? અમે તો તેજીદાદીથી બહુ પ્રભાવિત થયાં છીએ ને અમારી મમ્મીઓ પણ અમારા માટે ગ્રેટ છે. પરંતુ આખા પત્રમાં તમને ન તો તમારાં મમ્મી યાદ આવ્યાં, ન અમારાં મમ્મી. 
હશે, ઉંમર ઉંમરનું કામ કરે.


દાદા તરીકે તમે ખરેખર ગ્રેટ હતા, એવું ઘણા લોકો માને છે. તેનું કારણ તમારું શાણપણ કે તમારા બ્લોગ નહીં, તમે કરેલી જાહેરખબરોની સંખ્યા છે. તમે સમાજની પરવા ન કરવાનું તમારા પત્રમાં અમને શીખવ્યું છે. તેમાં સમાજની સાથે માર્કેટ ઉર્ફે બજારની ચિંતા ન કરવાનું પણ તમે અમને કહ્યું હોત, તો અમને તમારી સલાહ વધારે નક્કર લાગી હોત. ઘણી વાર આપણે જે ન કરી શકીએ, તે પોતાની પછીની પેઢી પાસેથી કરાવવાની ઇચ્છા મોટપણે માણસમાં જાગતી હોય છે. આશા રાખીએ કે તમારા પત્રમાં એવું કોઇ તત્ત્વ નહીં હોય અને કેવળ લાગણી જ હશે.

1 comment: