Monday, September 26, 2016

પુસ્તક પ્રતિબંધ : શબ્દ વિરુદ્ધ સત્તા

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જાણીતા અને દુનિયાભરમાં લોકશાહી મૂલ્યોની ઠેકેદારીનો દાવો કરતા અમેરિકામાં સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું પ્રતિબંધિત પુસ્તક સપ્તાહતરીકે ઉજવાય છે. આમ જુઓ તો તે લોકશાહી ને આઝાદીનું જ પરિણામ છે, પણ અમેરિકા જેવા દેશમાં મોટી સંખ્યામાં પુસ્તકો પર પ્રતિબંધ મૂકાય કે એ માટેના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે, એ પણ વાસ્તવિકતા છે. અમેરિકાના લાયબ્રેરી એસોસિએશનની વેબસાઇટ પરથી આવાં પુસ્તકોની યાદી વાંચતાં સવાલ થાય : આ વાંધાજનકલાગેલાં પુસ્તકોની યાદી છે કે ક્લાસિક પુસ્તકોની?’  જેમ કે, ધ એડવેન્ચર્સ ઓફ હકલબેરી ફીન (માર્ક ટ્‌વેઇન), કેચ-૨૨ (જોસેફ હેલર), ફોર હુમ ધ બેલ ટોલ્સ (અર્નેસ્ટ હેમિંગ્વે), ગોન વિથ ધ વિન્ડ (માર્ગારેટ મિશેલ), મોબી ડીક (હર્મન મેલવિલ), ટુ કિલ અ મોકિંગબર્ડ (હાર્પર લી)... આ યાદી ઘણી લાંબી છે ને તેમાંથી  ઘણાં પુસ્તકો પર યાદગાર ફિલ્મો બની છે. છતાં, કોઇ એક તબક્કે થોડા કે ઘણા લોકોને આ પુસ્તકો સામે વાંધો પડ્યો હતો અને તેમણે આ પુસ્તકો પર પ્રતિબંધ આણવાના સફળ-નિષ્ફળ પ્રયાસ કર્યા.

પુસ્તક પ્રતિબંધ જેવો વિષય ગુજરાત અને ગુજરાતી પુસ્તકો માટે પરદેશીગણવા જેવો નથી. થોડાં વર્ષ પહેલાં ભૂતપૂર્વ ભાજપી નેતા જસવંતસિંઘે લખેલા પુસ્તક ઝીણા : ઇન્ડિયા, પાર્ટિશન ઇન્ડીપેન્ડન્સપર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. કારણ? નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદ હેઠળની ગુજરાત સરકારને લાગ્યું હતું કે આ પુસ્તકમાં સરદાર પટેલની અણછાજતી ટીકા કરવામાં આવી છે. મુશ્કેલી ફ્‌કત એટલી જ હતી કે પ્રતિબંધ ફટકારતાં પહેલાં આ દળદાર પુસ્તક વાંચવાની પ્રાથમિક તસ્દી સરકારે લીધી ન હતી. આવાં પગલાં પાછળ રાજકારણ સિવાય ભાગ્યે જ બીજું કંઇ કારણ હોય છે. સરદારને પટેલતરીકે સીમિત કરી દેવાની માનસિકતા ધરાવતા કેટલાક લોકોની પ્રેરણાથી કે સરદારનું અપમાન એટલે ચરોતરનું અપમાનએવી ભાવનાથી વલ્લભ વિદ્યાનગરમાં આ પુસ્તકવિરોધી દેખાવો થયા હતા. સ્વાભાવિક છે કે ત્યાં પણ કોઇએ આ બધું કરતાં પહેલાં પુસ્તક વાંચવાની જરૂર જોઇ ન હતી. (વલ્લભ વિદ્યાનગર જે રીતે વલ્લભ વિદ્યાઉદ્યોગનગર બની ગયું છે, તે જોતાં એવી અપેક્ષા પણ શી રીતે રખાય?)

રાજકારણથી જ પ્રેરાઇને રાજીવ ગાંધીએ સલમાન રશદીના ધ સેતાનિક વર્સીસપર પ્રતિબંધ મૂકી દીધો હતો. શાહબાનુ કેસની જેમ સેતાનિક વર્સીસનો પ્રતિબંધ પણ મુસ્લિમ મતબેંકને રીઝવવાનો--અને સરવાળે મુસ્લિમોમાં રહેલા પ્રગતિશીલ વર્ગને હાંસિયામાં ધકેલીને રૂઢિચુસ્તોને પ્રોત્સાહન આપનારો પુરવાર થયો. આ પ્રતિબંધની કમાલ એ હતી કે રાજીવ ગાંધીએ પુસ્તક આવે, વંચાય ને તેની સામે વાંધો વ્યક્ત થાય તે પહેલાં, તેની પર પ્રીએમ્પ્ટિવપ્રતિબંધ મૂકી દીધો હતો. ઉપરથી એવી દલીલ પણ કરી હતી કે આ પ્રતિબંધ પુસ્તકના હિતમાં છે. વર્ષો પછી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં રશદીનું આવવાનું છેલ્લી ઘડીએ રદ થયું, ત્યારે પ્રતિબંધ-માનસિકતાની યાદ ફરી તાજી થઇ.

જેમ્સ લેઇને શિવાજીનું ચરિત્ર લખ્યું ત્યારે બાળ ઠાકરેના શિવસૈનિકોએ પુસ્તક સામે ભારે તોફાન મચાવ્યું. પુસ્તકનો જવાબ પુસ્તકથી આપવાની ક્ષમતા કે વૃત્તિ ન હોવાથી, તેમણે દુર્લભ દસ્તાવેજો-પુસ્તકો ધરાવતી પૂણેની ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાં તોડફોડ મચાવી અને તેમને પોતાના સાંસ્કૃતિક વારસાની કેટલી કદર છે તે દર્શાવી આપ્યું. આઝાદી પહેલાં કેથરિન મેયોએ લખેલા ભારતદ્વેષી પુસ્તક મધર ઇન્ડિયાને ગાંધીજીએ ગટર ઇન્સ્પેક્ટરનો રીપોર્ટગણાવ્યું હતું અને તેની સામે શાબ્દિક વિરોધ થયો હતો. એ વખતે અંગ્રેજ સરકારને બોમ્બ બનાવવાની રીત આલેખતાં પુસ્તકોથી માંડીને સામ્યવાદી વિચારધારાનાં પુસ્તકો સામે વાંધો પડતો હતો ને તેમની પર તત્કાળ પ્રતિબંધ મૂકી દેવાતો હતો. રાજકીય અને સામાજિક ક્રાતિકારી નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલે વનસ્પતિની દવાઓજેવા છેતરામણા નામે બોમ્બ બનાવવાની રેસિપીઆપી હતી. એ અંગ્રેજ સરકારને પચી નહીં, તો ભઠ્ઠીનામે સામ્યવાદી નવલકથા ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો.

પીપલ્સ બુક હાઉસ દ્વારા પ્રકાશિત, ચંદ્રભાઇ ભટ્ટની આ નવલકથાની લાંબા સમય પછી નવી આવૃત્તિ બહાર પડી. એ નિમિત્તે ધનવંત ઓઝાએ લખ્યું હતું,‘સાહિત્યના ઇતિહાસમાં મેક્સિમ ગોર્કી કૃત ‘‘મધર’’ (મા) જેવી ક્રાંતિકારી સામ્યવાદી આંદોલનની મહાકથાઓ વિશ્વ સાહિત્યના નભોમંડળમાં પ્રશિષ્ટ નવલકથા લેખે જો પ્રકાશે છે, તો આપણા ચંદ્રભાઇની ‘‘ભઠ્ઠી’’નું ગુજરાતના સાહિત્ય વ્યોમમાં એવું જ મહત્ત્વનું સ્થાન છે.

આઝાદી પછી ભઠ્ઠી જેવી નવલકથાઓ પ્રકાશિત થઇ શકી, પણ કેટલીક બાબતોમાં સેન્સરશીપની કડકાઇ ચાલુ રહી. મહારાષ્ટ્ર-ગુજરાત અલગ પડ્યાં તે પહેલાં, મુંબઇ રાજ્યમાં મુખ્ય મંત્રી મોરારજી દેસાઇ પણ તેમના રૂઢિચુસ્ત વલણ માટે જાણીતા અને નામીચા હતા. સાદગી, પ્રામાણિકતા અને ગાંધીવાદની બીજાને સતત વાગ્યા કરે એવી અણીઓ ધરાવતા મોરારજીભાઇએ આલ્બર્ટો મોરેવિઆ કૃત વુમન ઓફ રોમના ગુજરાતી અનુવાદ સ્ત્રીસામે અદાલતી કાર્યવાહીનો હુકમ આપ્યો હતો. પુસ્તકનો અનુવાદ કરનાર જયાબહેન ઠાકોરને વર્ષ ૨૦૧૧માં વિખ્યાત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની સાથે મળવાનું થયું, ત્યારે તેમણે આ કેસ વિશે વાત કરી હતી.

રવાણી પ્રકાશન ગૃહના તારાચંદ રવાણી, ધનવંત ઓઝા, જયંતિ દલાલ જેવા લોકોએ વિશ્વની ક્લાસિક કૃતિઓ ગુજરાતીમાં આણવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો, તેના ભાગરૂપે વુમન ઓફ રોમની પસંદગી કરવામાં આવી. અંગ્રેજીમાં એમ.એ. થયેલાં, ત્યારે ૩૦ વર્ષનાં જયાબહેને એ કામ સ્વીકાર્યું. પરંતુ પુસ્તકના બન્ને ભાગ પ્રકાશિત થયા પછી કોઇ પ્રાથમિક શિક્ષકે પુસ્તકમાંથી કેટલાક ફકરા ટાંકીને મુખ્ય મંત્રી મોરારજી દેસાઇને ફરિયાદ કરતો પત્ર લખ્યો. મોરારજીભાઇએ તપાસ કરવાને બદલે સીધો અદાલતી કાર્યવાહી કરવાનો હુકમ અમદાવાદના કલેક્ટર લલિતચંદ્ર દલાલને આપ્યો. દલાલે જયાબહેનને મળવા બોલાવ્યાં અને કહ્યું કે પુસ્તકમાંથી કેટલાક ફકરા અને વાક્યો કાઢી નાખો, તો આ બઘું આગળ વધતું અટકાવી શકાય તેમ છે.
 
Jaya Thakor/ જયાબહેન ઠાકોર
જયાબહેને તેમાં સંમત થવાને બદલે, દલાલને સંદર્ભ સમજાવ્યો અને પુસ્તકમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવાની ના પાડી. ત્યાર પછી દલાલે કાર્યવાહી આગળ વધારી નહીં, પણ મહાગુજરાત આંદોલનમાં તેમની બદલી થતાં, તેમના સ્થાને આવેલા કલેક્ટર હીરડીયા પર ફરીથી દબાણ આવ્યું હશે. એટલે સરકાર વતી ચાર જણ પર કેસ માંડવામાં આવ્યો : પુસ્તકનો પહેલો ભાગ છાપનાર (વિખ્યાત વાર્તાકાર અને વડોદરામાં પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા) કિશનસિંહ ચાવડા, અમદાવાદમાં પુસ્તકનો બીજો ભાગ છાપનાર નવભારત પ્રેસ, અનુવાદિકા જયાબહેન ઠાકોર અને પ્રકાશક તારાચંદ રવાણી.


આ કેસમાં ઉમાશંકર જોશી સહિતના સાહિત્યકારોએ અદાલતમાં જુબાની આપી અને અશિષ્ટતા-શિષ્ટતા-કળા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપ્યો. તેની વિગતો આવતા સપ્તાહે.

2 comments:

  1. Replies
    1. Anonymous11:30:00 PM

      વાહ ખૂબ ઊંડાણથી પ્રતિબંધિત પુસ્તકો વિષે જાણવા મળ્યું .

      Delete