Wednesday, September 28, 2016
પાડોશી પાકિસ્તાન જેવા હોય ત્યારે...
(બોલ્યુંચાલ્યું માફ)
માનો કે ન માનો, પાકિસ્તાન જેવા પાડોશીઓનો પ્રશ્ન પાકિસ્તાન કરતાં પણ વધારે જૂનો છે. પાકિસ્તાન ૧૯૪૭માં બન્યું, પણ પાડોશીઓ ત્યાર પહેલાંના અસ્તિત્ત્વ ધરાવે છે. પાકિસ્તાન વિશે જેમ કહેવાય છે કે તેના ઘણા સામાન્ય નાગરિકોને ભારત સાથે કશી દુશ્મની નથી. એવું જ પાડોશીઓની બાબતમાં પણ કહી શકાય. કેટલાક પાડોશી બહુ સારા, પ્રેમાળ, મદદરૂપ, સહનશીલ, ઉપયોગી હોય છે.
માનો કે ન માનો, પાકિસ્તાન જેવા પાડોશીઓનો પ્રશ્ન પાકિસ્તાન કરતાં પણ વધારે જૂનો છે. પાકિસ્તાન ૧૯૪૭માં બન્યું, પણ પાડોશીઓ ત્યાર પહેલાંના અસ્તિત્ત્વ ધરાવે છે. પાકિસ્તાન વિશે જેમ કહેવાય છે કે તેના ઘણા સામાન્ય નાગરિકોને ભારત સાથે કશી દુશ્મની નથી. એવું જ પાડોશીઓની બાબતમાં પણ કહી શકાય. કેટલાક પાડોશી બહુ સારા, પ્રેમાળ, મદદરૂપ, સહનશીલ, ઉપયોગી હોય છે.
-પણ એક મિનીટ. ‘પાડોશી સારા છે’ એટલું કહી દેવું
પૂરતું નથી. પેલા પાડોશીને પણ સામે આવી લાગણી થવી જોઇએ. બાકી, ‘અમારા પાડોશી કેટલા સારા...’નો મહિમા આ રીતે પણ થઇ શકે : ‘ગમે તેટલા મોટા અવાજે ગાયનો વગાડીએ, તો પણ બિચારા લડવાનું તો બાજુ પર, કદી બોલે નહીં ને ભૂલથી નજર મળી જાય તો એ નજર
ફેરવી લે. પાડોશી ધર્મનું કેટલું ઉત્તમ ઉદાહરણ...બોલો! રોજ સવારે, સોસાયટીનો (કે ફળિયાનો) કચરો વળાઇ જાય, પછી અમારી સવાર પડે. પછી કચરો નીકળે. એટલે સરકારની સ્વચ્છતા ઝુંબેશમાં ફાળો
નોંધાવવાના ઉત્સાહ સાથે એ કચરો એકઠો કરીને તેને પાડોશીના ઘરની દીવાલ આગળ ઠાલવી
દઇએ. બને ત્યાં સુધી ધ્યાન રાખીએ કે એમના ઘરનું કોઇ બહાર ઊભું ન હોય. પણ ક્યારેક
કોઇ હોય ને જોઇ પણ જાય, તો તે આંખ આડા
કાન કરી લે...ખરેખર પાંચેય આંગળીએ પૂજ્યા હોય તો જ આવા પાડોશી મળે. દિવાળી વખતે
અમે છેક એમના ઘર પાસે જઇને બોમ્બ ને ટેટા ફોડીએ. એમનાથી અવાજ સહન થતો નથી. એટલે
બિચારા બારીબારણાં બંધ કરીને બેસી રહે અને અમારો કાર્યક્રમ પૂરો થાય પછી જ બહાર
આવે. એક વાર અમારા બોમ્બથી એમની બેબી દઝાઇ હતી. તો પણ બિચારાએ કશું બોલ્યા વિના, બેબીને અંદર બોલાવી લીધી. એમની સજ્જનતા પર અમને
એટલો વિશ્વાસ કે બહાર જવાનું હોય ત્યારે અમારી એક ચાવી ત્યાં જ હોય--અને અમારી
એટલી આત્મીયતા કે અડધી રાતે પણ પાછાં આવીએ (મોટે ભાગે અડધી રાતે જ પાછા આવવાનું
હોય) તો પણ તે આંખ ચોળતા ચોળતા જાગે,
દરવાજો ખોલે ને
હસતા મોઢે ચાવી આપે...આવા પાડોશીઓ હવે ક્યાં મળે છે?’
વાત સાચી છે. હવે ‘આવા’ જ પાડોશીઓ મળે છે, જે ઉપર વર્ણવી છે એવી ને એ સિવાયની બીજી ઘણી
અસભ્યતાઓ આચરીને, વખત આવ્યે
પાડોશીધર્મની આણ આપે. કોઇ વાર તેમની દીવાલ પાસે વાહન પાર્ક કર્યું હોય કે કચરાની
ઢગલીમાંથી થોડો કચરો ઉડતો ઉડતો તેમના દરવાજા લગી પહોંચી જાય, ત્યારે પહેલાં તો એ બૂમરાણ મચાવે. પછી જાણ થાય
કે વાહન તેમના ‘આદર્શ’ પાડોશીનું છે કે કચરો એમની ઢગલીમાંથી ઉડ્યો છે, એટલે એ વધારે ખીજાય અને પાડોશીને ઠપકો આપવા
બેસે, ‘અમે સુધરેલા-સિવિક
સેન્સવાળા નથી. પણ તમે તો સુધરેલા છો ને. તમારાં તો અમે કેટલાં વખાણ કરીએ
છીએ...અમારાં સગાંવહાલાંમાં પણ તમને બધાં ઓળખે. કારણ કે અમારા મોઢેથી કોઇનાં વખાણ
ભાગ્યે જ નીકળે. પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે અમારા જેવા થઇ જશો, તો પછી અમે વખાણ કોનાં કરીશું? ને તમારી સજ્જનતાનો ભાવ કેવી રીતે પુછાશે?’
આવા પાડોશીઓને ત્રાસવાદી ગણવાની જોગવાઇ એકેય ત્રાસવાદવિરોધી
કાયદામાં હોતી નથી. કાયદામાં ને બંધારણમાં આટઆટલા સુધારાની માગણી કરનારા જાગ્રત
નાગરિકોમાંથી કોઇએ પણ હજુ સુધી ‘ઘરઆંગણના
ત્રાસવાદ સામે સરકાર ક્યારે જાગશે?’
એવો સવાલ
ઉઠાવ્યોે નથી. એકેય અત્યાચારપ્રતિબંધક ધારામાં પણ પાડોશીઓ દ્વારા થતા અત્યાચારનો
સમાવેશ કરાતો નથી, એ જ દર્શાવે છે
કે આપણા કાયદા કેટલા અપૂરતા છે. હવે ‘વિશ્વ પર્યાવરણ
દિવસ’થી માંડીને ‘પ્રતિબંધિત પુસ્તક દિવસ’ સુધીનાં ઉજવણાં થાય છે, પણ ‘રાષ્ટ્રીય દુષ્ટ પાડોશી હૃદયપરિવર્તન સપ્તાહ’ કે ‘રાષ્ટ્રીય માથાભારે
પાડોશીપ્રતિકાર દિન’ જેવી ઉજવણી હજુ
કોઇને સુઝી નથી--અને નકામા પાડોશીઓ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ‘પાડોશીપીડન વર્ષ’ ઉજવતા રહે છે.
સારા પાડોશીઓનો એક જ પ્રકાર હોય છે, પણ દુષ્ટ કે ત્રાસદાયક પાડોશીઓના ઘણા પ્રકાર
છે. તે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક ઉપરાંત આધ્યાત્મિક ત્રાસ પણ
આપી શકે છે. (મોટેથી ભજનો વગાડીને કે આખા દિવસની કથા લાઉડસ્પીકરનાં ભુંગળાં દ્વારા
પ્રસારિત કરીને). તેમાંથી કેટલાક ખરાબ પાડોશીઓ એવા હોય છે, જેમનો સમાવેશ ‘તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી’માં કરવાનો થાય, જ્યારે કેટલાક
બરાબર જાણે છે કે તે શું કરી રહ્યા છે અને એનાં પરિણામ જાણીને જ એ કરતા હોય છે.
એટલું જ નહીં, ધાર્યું પરિણામ ન
મળે અને પાડોશી પૂરતી માત્રામાં હેરાન થયો હોય એવું ન લાગે, તો તે નિરાશ થાય છે, ખીજે ભરાય છે અને એ બાબતે પણ ઝઘડો કરી શકે છે.
દુર્લભ પ્રજાતિની જેમ સારા પાડોશી લુપ્ત થવાનો ભય રહે છે, પણ ‘ખરાબ પાડોશીઓ નહીં મળે તો શું થશે?’ એવો વિચાર કદી આવતો નથી--વિચાર તો ઠીક, સપનું પણ આવતું નથી. કેમ કે, કેટલાક ત્રાસવાદી
પાડોશીઓ સપનામાં પણ ત્રાસ આપી શકે છે. નિરાશાવાદના પ્રતિક તરીકે નહીં, પણ વાસ્તવિકતાના સ્વીકાર તરીકે કહી શકાય કે, આ જગત છે ત્યાં સુધી ખરાબ પાડોશીઓ કદી ખૂટવાના
નથી--અને એવું માનવા માટે આસ્તિક હોવાની પણ જરૂર નથી.
ફિલસૂફો કહે છે કે માણસ નહીં, તેનો સમય ખરાબ હોય છે. પરંતુ ‘માણસ’ની આ વ્યાખ્યામાં ઘણા પાડોશીઓનો સમાવેશ થતો
નથી. એમની અનિષ્ટતા સમયની મોહતાજ નથી હોતી. સારા-ખરાબ કોઇ પણ સમયમાં એ
સાતત્યપૂર્વક એકસરખા ખરાબ રહી શકે છે. ‘એક કાગડો મરે તો સો ગાયોનાં શિંગ ઠરે’ એવી કહેણી મુજબ, કેટલાક પાડોશીઓ
એકે હજારા પ્રકારના હોય છે. તેમના ન હોવાથી આખા વિસ્તારમાં સભ્યતા અને શાંતિ પથરાઇ
શકે. પરંતુ બીજી કહેવત પ્રમાણે, બિલ્લી તાકી રહે
એટલે શિંકું ભાંગી જતું નથી. કેવળ ઇચ્છવા માત્રથી ખરાબ પાડોશીઓ એમ ઉચાળા ભરતા નથી.
એ તમને પૂર્વજન્મમાં માનતા કરીને જ --અને તેમની પાડોશમાં રહેવું પડ્યું એ
પૂર્વજન્મનાં કર્મનું ફળ હોવાથી, એ ભોગવ્યા વિના
તમારો છૂટકારો નહીં થાય, એવી ખાતરી
કરાવીને જ-- જંપે છે.
કહેવતમાં પાડોશીને ‘પહેલો સગો’ ગણાવાયો છે, તે યથાર્થ છે. કારણ કે સગાંની જેમ પાડોશીઓની
પસંદગી પણ આપણા હાથમાં નથી હોતી. જે મળે તેમની સાથે પડ્યું પાનું નિભાવી લેવું પડે
છે. પાડોશીઓથી કંટાળીને માણસ ઘર બદલે,
તો નવી જગ્યાએ
નવા પાડોશીઓ જૂના જેવા નહીં મળે, એવી આશા રાખી
શકાય છે, પણ એની કોઇ ખાતરી નથી
હોતી. લગ્નની જેમ પાડોશીઓમાં પણ અસલિયતની ખબર પડે ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હોય
છે...ને માણસ બિચારો એમ કેટલાં ઘર બદલતો ફરે?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment