Wednesday, September 07, 2016
આધાર કાર્ડ અને અધ્યાત્મ
ગરીબ માણસનું નામ લક્ષ્મીચંદ હોય કે જૂઠાબોલાનું નામ
સત્યવાન હોય, એવો જ મામલો આધાર
કાર્ડ તરીકે ઓળખાતા સરકારી દસ્તાવેજમાં થાય છે. જેની પાસેથી આધારની આશા હોય અથવા
જે આધાર આપનારું કહેવાતું હોય, એવું કાર્ડ
કઢાવવા જતાં અચ્છાખાસા માણસને પણ સદંતર નિરાધારપણાનો અહેસાસ થઇ શકે છે. આખા
કુટુંબનું પાલનપોષણ કરનાર કે સરકારી વેરા ભરનાર નાગરિકોને આધાર કાર્ડ કઢાવતી વખતે ‘હું કોણ છું?’ અથવા ‘હું જે છું તે જ છું કે
બીજું કંઇ છું? અથવા ‘હું છું, તે સત્ય છે કે મારો ભ્રમ?’ એવા
અસ્તિત્ત્વવાદી સવાલો જાગી શકે છે. નરસિંહ મહેતાની પંક્તિમાં ફેરફાર સાથે તેને
જ્ઞાન થાય છે કે ‘હું છું, હું છું, એ જ અજ્ઞાનતા.’ કારણ કે, આધાર કાર્ડ માટે ફક્ત ‘હોવું’ પૂરતું નથી. પોતાના હોવાનો સત્તાવાર પુરાવો કઢાવતી વખતે થતી માથાકુટને કારણે
માણસને નરસિંહ મહેતાને બદલે ગાલિબ પણ સાંભરી શકે છે અને તેને થાય છે : ‘ડુબોયા મુઝકો હોનીને, ન હોતા મૈં તો (આધાર કાર્ડકા) ક્યા હોતા?’
અદાલતો માટે ઘણી વાર કહેવાય છે કે તે ન્યાયની નહીં, પુરાવાની અદાલતો છે. એવી જ રીતે, સરકારી તંત્રમાં કામ કરતાં વધારે (અથવા, કામની નહીં) પ્રક્રિયાની બોલબાલા હોય છે.
પ્રક્રિયા જેમ ગુંચવાડાભરી, તેમ પરિણામ વધારે
ચોક્કસ એવું સરકાર માને છે. ચતુર લોકો જોઇ શકશે કે આ વાક્યના બે ભાગ છે. સરેરાશ
વિદ્યાર્થીઓ જેમ આવડતા સવાલો પાકા કરીને, તેના જવાબ બેઠ્ઠા લખીને પરીક્ષાની વૈતરણી પાર કરી જાય છે. એ જ અંદાજમાં સરકાર
વાક્યના બે ભાગમાંથી આવડતો પહેલો ભાગ એટલી ચોક્સાઇથી અમલમાં મૂકે છે કે તેને આખી
પ્રક્રિયામાંથી પાસિંગ કરતાં વધારે માર્ક મળી જાય. કામ વિશે ભલે એવું ન કહી શકાય, પણ પ્રક્રિયા વિશે ચોક્કસ એવું કહી શકાય કે તે ‘ચોક્સાઇભરી’ બને તેની પૂરતી કાળજી ઉપરથી નીચે સુધીના, વર્ગ એકથી વર્ગ ચાર સુધીના કર્મચારીઓ લે છે. તેમની આ જહેમતના પરિણામે, આધાર કાર્ડ કઢાવવાનો કોઇ એક તબક્કો (કર્મચારીની
બેદરકારીથી જ વળી) ઝડપથી પૂરો થઇ જાય,
તો પણ તેની આગળ
અને પાછળના તબક્કા પોતાની જગ્યાએ અડીખમ રહે છે. આ પ્રક્રિયામાં એક સ્વપ્ને સવાર ન
પડી જાય, તેનું પૂરતું ઘ્યાન
રાખવામાં આવે છે. એમ કરવા પાછળનો આશય અરજદારની આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો હોય છે.
આધારકાર્ડ જો સહેલાઇથી નીકળી જાય,
તો તે કઢાવવાની
પ્રક્રિયાની ગૂઢતા (જેને સંસારીઓ ગૂંચવાડો કહે છે) જતી રહે. ભારતના આધ્યાત્મિક
વારસાથી પરિચિત લોકો જાણે છે કે ગુઢતા હોય ત્યાં જ બ્રહ્મજ્ઞાનની આશા રહે છે.
સહેલાઇથી મળતું બ્રહ્મજ્ઞાન લોકોને ખપતું નથી. જે પ્રાપ્ત કરવા માટે લોકો
હિમાલયમાં હાડ ગાળવા જતા હોય, એ ચીજ સરકારી
ઓફિસમાં આધાર કાર્ડ કઢાવવાના નિમિત્તે મળી જતી હોય, તો બધી અગવડ કે બધો ગૂંચવાડો વસૂલ નથી?
આધાર કાર્ડ કઢાવતી વખતે માણસ ગભરામણ અનુભવે, તો એ સ્વાભાવિક છે. દૂરબીન જેવા યંત્રમાં જોઇને
આંખો પહોળી કરવાની કવાયત તો અગાઉ ચશ્માના નંબર કઢાવતી વખતે કરી હોય, પણ કયા સારા માણસને પોતાનાં આંગળાની છાપ કે કયા
ભણેલા માણસને પોતાના અંગુઠાનાં નિશાન આપવાની પ્રેક્ટિસ હોય? અને એ કરતી વખતે માણસ શી રીતે સહજ રહી શકે? છાપ લેવા બેઠેલા કર્મચારીઓને એટલા બધા અને એવા
જુદા જુદા નમૂના જોડે કામ પાડવાનું આવે કે છાપ લેવાના મશીન પર તેમનો ચહેરો
મૂકવામાં આવે, તો તેની પર
અજંપાની-ઉતાવળની છાપ જરૂર દેખાય. એમાં પણ બન્નેમાંથી એક પક્ષનો વીરરસ પ્રધાન હોય
ત્યારે તેમનું વલણ ચીનની જેમ, કારણ-અકારણ
વડચકાં ભરવાનું થઇ જાય છે.
આ બધા પછી પણ આંગળાંની છાપ હેમખેમ લેવાઇ ગઇ, તો ગંગા નાહ્યા. કારણ કે, ઘણાં બાળકોનાં કે વડીલોનાં આંગળાંની છાપ કેમેય
કરીને ઉપસતી નથી. મશીન પર આંગળાં મૂકાવીને સંચાલક સ્કેન કરે છે, પણ સ્ક્રીન પરનું ચોકઠું કોરુંકટ દેખાય છે.
એટલે સંચાલક એવી રીતે અકળાય છે, જાણે આંગળાંધારીએ
બેદરકારીથી પોતાનાં આંગળાંની છાપ ખોઇ નાખી હોય અથવા તેમનાં આંગળાંની આળસના લીધે
છાપ ઉપસતી ન હોય. ‘તમે લોકો કેવા છો? તમારાં પોતાનાં આંગળાંની છાપ પણ સાચવી શકતા નથી?’ એવું બોલ્યા વિના, પણ એવો જ ભાવ અવાજમાં લાવીને તે આંગળાધારીને
કહે છે,‘થોડી વાર રહીને ટ્રાય
કરજો. જાવ. આંગળાં ધોઇને, સાફ કરીને, તેની પર વેસેલીન ઘસીને આવજો.’ આ વાત એવા અંદાજમાં કહેવાય છે કે આંગળાંધારીને
તેમાં ‘શું જોઇને આધાર કાર્ડ
કઢાવવા આવી પડ્યા છો? જાવ, મોં ધોઇને આવજો’--એવો ધ્વનિ સંભળાય છે. તેમને લાગે છે કે આ કારકુનને આંગળીઓ આપી, ત્યારે એણે તો પહોંચો પકડ્યો.
બાર વરસનું બાળક હોય કે બોંતેર વર્ષના વડીલ, પોતાનાં આંગળાંની છાપ પડતી નથી, એ જ્ઞાન પ્રાપ્ત થતાં જ તેમની સામે ઓળખની
કટોકટી આવીને ઊભી રહે છે. ગઝલના રવાડે ચડેલા લોકોને ચિનુ મોદી અને કલાપિની સહિયારી
પ્રેરણથી એવો વિચાર પણ આવી જાય છે કે ‘નક્કી, ભૂતકાળમાં ગુલાબો
ચૂંટવાના પાપને લીધે તેમનાં આંગળાંની છાપ કોઇ અદૃશ્ય કાતરથી કપાઇ ગઇ હોવી જોઇએ.
નહીં તો ના બને આવું...’ અત્યાર સુધી
મતદાન માટેના ઓળખપત્ર કે ઇન્કમટેક્સ માટેના પાનકાર્ડ જેવા દસ્તાવેજોને લીધે એવા
ભ્રમમાં હોય છે કે તેમનું ભારતનું નાગરિકપદું ભારત-નેપાળ સરહદ જેવું અફર છે, પરંતુ છાપ અદૃશ્ય થઇ ગયા પછી તેમને સમજાય છે કે
એ મામલો ભારત-ચીન કે ભારત-પાકિસ્તાન સરહદ જેવો વિવાદાસ્પદ છે. તેમને પગ નીચેથી
(ભારતની) જમીન ખસી ગયાનો અહેસાસ થાય છે અને ‘કાયદો છોડશે નહીં, સમાજ સ્વીકારશે
નહીં’ પ્રકારની અમંગળ આશંકાઓ
સતાવવા લાગે છે.
આંગળાં પર છાપ કેવી રીતે ‘ઉગાડવી’ એ તેમના માટે ‘પ્રાણપ્રશ્ન’ તો નહીં, પણ ‘કાર્ડપ્રશ્ન’ જરૂર બને છે. છાપ લેનારને વૈકલ્પિક વ્યવસ્થાઓ વિશે (આંગળાંની છાપ તો ઠીક, આંગળાં કે હાથ જ ન હોય તો?) ખબર હોતી નથી ને જાણવામાં રસ પણ હોતો નથી. એટલે
તે અને બીજા કેટલાક અનુભવીઓ આંગળાં પર પેટ્રોલિયમ જેલી ઘસવાથી માંડીને, આંગળાંનાં ટેરવાંને ઇંટો પર ઘસવાની સલાહ આપે
છે. પરંતુ એ પ્રયોગોમાં સફળતાની કોઇ ખાતરી હોતી નથી--અને ઇંટ ઘસાઇ જાય, પણ આંગળાંની છાપ ન ઉપસે, એવું બની શકે છે.
આધારકાર્ડનો સત્તાવાર હેતુ ઓળખ આપવાનો અનેે વ્યવહારમાં
સરળતા ઉભી કરવાનો છે. પરંતુ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકો જાણે છે ઓળખ મેળવવી
કેટલી અઘરી છે અને ઓળખનું કેટલું મહત્ત્વ છે. ઓળખ અને ઓળખપત્ર બે બહુ જુદી બાબતો
છે અને મહદ્ અંશે તે પરસ્પર વિરોધી પણ હોઇ શકે છે. એટલે કે, જેમની ઓળખ અત્યંત જાહેર હોય, એવા લોકોને ઓળખપત્રની જરૂર નથી પડતી.
(અમેરિકાનાં એર પોર્ટ સિવાય) અમિતાભ બચ્ચન ક્યાંક જાય અને તે પોતાનું ઓળખપત્ર
બતાવે, તો લોકો ‘તમે પણ સાહેબ, શું મજાક કરો છો?’ એવું કહે. પણ
સીધાસાદા નાગરિકોને બધા પુરાવા આપ્યા પછી ને વિધી કર્યા પછી પણ, આંગળાંની છાપ ન પડે તો ઓળખ વિનાના, ‘નિરાધાર’ જ રહેવાનો વારો આવે છે.
Subscribe to:
Post Comments (Atom)
"આધાર"ની વાત...તેં પણ સાચી વાત,તમારી પોતીકી શૈલીમાં,બરાબર 'ધાર કાઢી' સુંદર રીતે રજૂ કરી છે.વાહ!👌
ReplyDeleteભલે આંગળીઓના ટેરવા આધાર કાર્ડ માટે અસક્ષમ સાબીત થયા. પણ તમારી કલમે તો તે બધાને ધારદાર, કાતીલ અને પેલાતંત્રને વીચારતા અને તેમનું યંત્ર સુધારવા માટે દોડતા કરે તો સારુ. આ તો પાડાના વાંકે પખાલી ને ડામ છે.
ReplyDelete