Wednesday, September 28, 2016

પાડોશી પાકિસ્તાન જેવા હોય ત્યારે...

(બોલ્યુંચાલ્યું માફ)

માનો કે ન માનો, પાકિસ્તાન જેવા પાડોશીઓનો પ્રશ્ન પાકિસ્તાન કરતાં પણ વધારે જૂનો છે. પાકિસ્તાન ૧૯૪૭માં બન્યું, પણ પાડોશીઓ ત્યાર પહેલાંના અસ્તિત્ત્વ ધરાવે છે. પાકિસ્તાન વિશે જેમ કહેવાય છે કે તેના ઘણા સામાન્ય નાગરિકોને ભારત સાથે કશી દુશ્મની નથી. એવું જ પાડોશીઓની બાબતમાં પણ કહી શકાય. કેટલાક પાડોશી બહુ સારા, પ્રેમાળ, મદદરૂપ, સહનશીલ, ઉપયોગી હોય છે.

-પણ એક મિનીટ. પાડોશી સારા છેએટલું કહી દેવું પૂરતું નથી. પેલા પાડોશીને પણ સામે આવી લાગણી થવી જોઇએ. બાકી, ‘અમારા પાડોશી કેટલા સારા...નો મહિમા આ રીતે પણ થઇ શકે : ગમે તેટલા મોટા અવાજે ગાયનો વગાડીએ, તો પણ બિચારા લડવાનું તો બાજુ પર, કદી બોલે નહીં ને ભૂલથી નજર મળી જાય તો એ નજર ફેરવી લે. પાડોશી ધર્મનું કેટલું ઉત્તમ ઉદાહરણ...બોલો!  રોજ સવારે, સોસાયટીનો (કે ફળિયાનો) કચરો વળાઇ જાય, પછી અમારી સવાર પડે. પછી કચરો નીકળે. એટલે સરકારની સ્વચ્છતા ઝુંબેશમાં ફાળો નોંધાવવાના ઉત્સાહ સાથે એ કચરો એકઠો કરીને તેને પાડોશીના ઘરની દીવાલ આગળ ઠાલવી દઇએ. બને ત્યાં સુધી ધ્યાન રાખીએ કે એમના ઘરનું કોઇ બહાર ઊભું ન હોય. પણ ક્યારેક કોઇ હોય ને જોઇ પણ જાય, તો તે આંખ આડા કાન કરી લે...ખરેખર પાંચેય આંગળીએ પૂજ્યા હોય તો જ આવા પાડોશી મળે. દિવાળી વખતે અમે છેક એમના ઘર પાસે જઇને બોમ્બ ને ટેટા ફોડીએ. એમનાથી અવાજ સહન થતો નથી. એટલે બિચારા બારીબારણાં બંધ કરીને બેસી રહે અને અમારો કાર્યક્રમ પૂરો થાય પછી જ બહાર આવે. એક વાર અમારા બોમ્બથી એમની બેબી દઝાઇ હતી. તો પણ બિચારાએ કશું બોલ્યા વિના, બેબીને અંદર બોલાવી લીધી. એમની સજ્જનતા પર અમને એટલો વિશ્વાસ કે બહાર જવાનું હોય ત્યારે અમારી એક ચાવી ત્યાં જ હોય--અને અમારી એટલી આત્મીયતા કે અડધી રાતે પણ પાછાં આવીએ (મોટે ભાગે અડધી રાતે જ પાછા આવવાનું હોય) તો પણ તે આંખ ચોળતા ચોળતા જાગે, દરવાજો ખોલે ને હસતા મોઢે ચાવી આપે...આવા પાડોશીઓ હવે ક્યાં મળે છે?’

વાત સાચી છે. હવે આવાજ પાડોશીઓ મળે છે, જે ઉપર વર્ણવી છે એવી ને એ સિવાયની બીજી ઘણી અસભ્યતાઓ આચરીને, વખત આવ્યે પાડોશીધર્મની આણ આપે. કોઇ વાર તેમની દીવાલ પાસે વાહન પાર્ક કર્યું હોય કે કચરાની ઢગલીમાંથી થોડો કચરો ઉડતો ઉડતો તેમના દરવાજા લગી પહોંચી જાય, ત્યારે પહેલાં તો એ બૂમરાણ મચાવે. પછી જાણ થાય કે વાહન તેમના આદર્શપાડોશીનું છે કે કચરો એમની ઢગલીમાંથી ઉડ્યો છે, એટલે એ વધારે ખીજાય અને પાડોશીને ઠપકો આપવા બેસે, ‘અમે સુધરેલા-સિવિક સેન્સવાળા નથી. પણ તમે તો સુધરેલા છો ને. તમારાં તો અમે કેટલાં વખાણ કરીએ છીએ...અમારાં સગાંવહાલાંમાં પણ તમને બધાં ઓળખે. કારણ કે અમારા મોઢેથી કોઇનાં વખાણ ભાગ્યે જ નીકળે. પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે અમારા જેવા થઇ જશો, તો પછી અમે વખાણ કોનાં કરીશું? ને તમારી સજ્જનતાનો ભાવ કેવી રીતે પુછાશે?’

આવા પાડોશીઓને ત્રાસવાદી ગણવાની જોગવાઇ એકેય ત્રાસવાદવિરોધી કાયદામાં હોતી નથી. કાયદામાં ને બંધારણમાં આટઆટલા સુધારાની માગણી કરનારા જાગ્રત નાગરિકોમાંથી કોઇએ પણ હજુ સુધી ઘરઆંગણના ત્રાસવાદ સામે સરકાર ક્યારે જાગશે?’ એવો સવાલ ઉઠાવ્યોે નથી. એકેય અત્યાચારપ્રતિબંધક ધારામાં પણ પાડોશીઓ દ્વારા થતા અત્યાચારનો સમાવેશ કરાતો નથી, એ જ દર્શાવે છે કે આપણા કાયદા કેટલા અપૂરતા છે. હવે વિશ્વ પર્યાવરણ દિવસથી માંડીને પ્રતિબંધિત પુસ્તક દિવસસુધીનાં ઉજવણાં થાય છે, પણ રાષ્ટ્રીય દુષ્ટ પાડોશી હૃદયપરિવર્તન સપ્તાહકે રાષ્ટ્રીય માથાભારે પાડોશીપ્રતિકાર દિનજેવી ઉજવણી હજુ કોઇને સુઝી નથી--અને નકામા પાડોશીઓ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે પાડોશીપીડન વર્ષઉજવતા રહે છે.

સારા પાડોશીઓનો એક જ પ્રકાર હોય છે, પણ દુષ્ટ કે ત્રાસદાયક પાડોશીઓના ઘણા પ્રકાર છે. તે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક ઉપરાંત આધ્યાત્મિક ત્રાસ પણ આપી શકે છે. (મોટેથી ભજનો વગાડીને કે આખા દિવસની કથા લાઉડસ્પીકરનાં ભુંગળાં દ્વારા પ્રસારિત કરીને). તેમાંથી કેટલાક ખરાબ પાડોશીઓ એવા હોય છે, જેમનો સમાવેશ તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથીમાં કરવાનો થાય, જ્યારે કેટલાક બરાબર જાણે છે કે તે શું કરી રહ્યા છે અને એનાં પરિણામ જાણીને જ એ કરતા હોય છે. એટલું જ નહીં, ધાર્યું પરિણામ ન મળે અને પાડોશી પૂરતી માત્રામાં હેરાન થયો હોય એવું ન લાગે, તો તે નિરાશ થાય છે, ખીજે ભરાય છે અને એ બાબતે પણ ઝઘડો કરી શકે છે.

દુર્લભ પ્રજાતિની જેમ સારા પાડોશી લુપ્ત થવાનો ભય રહે છે, પણ ખરાબ પાડોશીઓ નહીં મળે તો શું થશે?’ એવો વિચાર કદી આવતો નથી--વિચાર તો ઠીક, સપનું પણ આવતું નથી. કેમ કે, કેટલાક ત્રાસવાદી પાડોશીઓ સપનામાં પણ ત્રાસ આપી શકે છે. નિરાશાવાદના પ્રતિક તરીકે નહીં, પણ વાસ્તવિકતાના સ્વીકાર તરીકે કહી શકાય કે, આ જગત છે ત્યાં સુધી ખરાબ પાડોશીઓ કદી ખૂટવાના નથી--અને એવું માનવા માટે આસ્તિક હોવાની પણ જરૂર નથી.

ફિલસૂફો કહે છે કે માણસ નહીં, તેનો સમય ખરાબ હોય છે. પરંતુ માણસની આ વ્યાખ્યામાં ઘણા પાડોશીઓનો સમાવેશ થતો નથી. એમની અનિષ્ટતા સમયની મોહતાજ નથી હોતી. સારા-ખરાબ કોઇ પણ સમયમાં એ સાતત્યપૂર્વક એકસરખા ખરાબ રહી શકે છે. એક કાગડો મરે તો સો ગાયોનાં શિંગ ઠરેએવી કહેણી મુજબ, કેટલાક પાડોશીઓ એકે હજારા પ્રકારના હોય છે. તેમના ન હોવાથી આખા વિસ્તારમાં સભ્યતા અને શાંતિ પથરાઇ શકે. પરંતુ બીજી કહેવત પ્રમાણે, બિલ્લી તાકી રહે એટલે શિંકું ભાંગી જતું નથી. કેવળ ઇચ્છવા માત્રથી ખરાબ પાડોશીઓ એમ ઉચાળા ભરતા નથી. એ તમને પૂર્વજન્મમાં માનતા કરીને જ --અને તેમની પાડોશમાં રહેવું પડ્યું એ પૂર્વજન્મનાં કર્મનું ફળ હોવાથી, એ ભોગવ્યા વિના તમારો છૂટકારો નહીં થાય, એવી ખાતરી કરાવીને જ-- જંપે છે.


કહેવતમાં પાડોશીને પહેલો સગોગણાવાયો છે, તે યથાર્થ છે. કારણ કે સગાંની જેમ પાડોશીઓની પસંદગી પણ આપણા હાથમાં નથી હોતી. જે મળે તેમની સાથે પડ્યું પાનું નિભાવી લેવું પડે છે. પાડોશીઓથી કંટાળીને માણસ ઘર બદલે, તો નવી જગ્યાએ નવા પાડોશીઓ જૂના જેવા નહીં મળે, એવી આશા રાખી શકાય છે, પણ એની કોઇ ખાતરી નથી હોતી. લગ્નની જેમ પાડોશીઓમાં પણ અસલિયતની ખબર પડે ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હોય છે...ને માણસ બિચારો એમ કેટલાં ઘર બદલતો ફરે

Tuesday, September 27, 2016

ડહાપણની દાઢનો દુખાવો

આજકાલ વિચિત્ર સમય ચાલે છે. વડાપ્રધાનની મોટા ભાગની નીતિઓના ટીકાકાર રહેલા લોકોને પાકિસ્તાન મુદ્દે તેમનું સમર્થન કરવાનો પ્રસંગ આવ્યો છે, જ્યારે વડાપ્રધાનની ફિલ્મી ડાયલોગબાજીને તેમનું સામર્થ્ય માની બેઠેલા લોકો વિચારી રહ્યા છે કે આ શું થઇ ગયું? આ એ જ માણસ છે કે તેમનો થ્રી-ડી હોલોગ્રામ?

અગાઉનું પુનરાવર્તન કરીને પણ કહેવાનું થાય કે પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે વડાપ્રધાનની વર્તમાન નીતિને સમર્થન આપવામાં તેમના ટીકાકારોને કશો ખચકાટ થવો જોઇએ નહીં (જો તે એમની નીતિના ટીકાકાર હોય તો). જેમનું મગજ ઠેકાણે હોય—એટલે કે એક યા બીજા રાજકીય પક્ષને ગિરવે મુકાયેલું ન હોય—તે સહેલાઇથી સમજી શકશે કે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દેવું, એ કોઇ રીતે ઇચ્છનીય વિકલ્પ નથી. કેટલાંક યુદ્ધોથી ટૂંકા ગાળે તબાહી ને લાંબા ગાળે શાંતિ સ્થપાય છે, એવું ઇતિહાસના કેટલાક દાખલા ટાંકીને પુરવાર કરી શકાતું હોય તો પણ નહીં. કેમ કે, આવા દાખલા નિયમ નહીં, અપવાદ હોય છે. માટે, યુદ્ધખોર માનસિકતા ન દેખાડવાની નીતિ વડાપ્રધાને અપનાવી હોય તો તેમને ટેકો આપવો પડે. તેમની ટીકા કરનારાને સમજાવવા પણ પડે કે ભાઇ, યુદ્ધ એ મોબાઇલ પર મફતિયા રમવાની ગેમ નથી. એમ યુદ્ધ ન થાય.

પરંતુ ખરી મુશ્કેલી વડાપ્રધાનના સમર્થકોની છે—ખાસ કરીને એવા સમર્થકોની, તેમાંથી ઘણા અત્યારે આઘાતમાં છે. તેમણે ધારેલું કે જે હિંદુહૃદયસમ્રાટ નેતાએ મણિનગર વિધાનસભાની ચૂંટણીમાં ત્યારના પાકિસ્તાની વડા પરવેઝ મુશર્રફની ખબર લઇ નાખી હતી (બોલીને જ વળી), એ દેશના વડાપ્રધાન તરીકે તો પાકિસ્તાનીઓને તેમના ઘરમાં ઘુસીને મારશે. આવી માન્યતા ને અપેક્ષા માટે તેમનો વાંક પણ કેટલો કાઢવો? એક તો ભક્તહૃદય. ઉપરથી સાહેબ પોતે જ બધી હદો વટાવીને પાકિસ્તાનનો વિરોધ કરતા હોય ને પાનો ચઢાવતા હોય. એ વખતે સ્થાનિક મુસ્લિમોને પણ પાકિસ્તાનની હરોળમાં બેસાડીને તેમનો એકડો કાઢી નાખવાનો હોય-તેમની ન્યાયની લડતની ક્રૂર ઉપેક્ષા કરવાની હોય. ત્યારે મિંયા મુશર્રફનો ઉપયોગ કરી લેવામાં શો વાંધો? ભારતવિરોધી લાગણીનો ઉપયોગ પાકિસ્તાનના નેતાઓ પોતાના સ્વાર્થ માટે કરી શકતા હોય, તો પાકિસ્તાનવિરોધી લાગણીનો ઉપયોગ ભારતીય નેતા પોતાના સ્વાર્થ માટે કેમ ન કરી શકે?

પરંતુ હવે વડાપ્રધાન તેમના હોદ્દાની ગંભીરતાને શોભે એવાં નિવેદન કરે છે. ત્યારે તેમના જ ભૂતકાળના પ્રચારના આધારે તેમને સુપરમેન ધારી બેઠેલા લોકોને છેતરાયાનો અનુભવ થાય છે. તેમને લાગે છે, જાણે સુપરમેન હવામાં ઉડવાને બદલે પાણીમાં બેસી ગયો. એટલે તેમની પ્રતિક્રિયા આઘાતની અથવા આઘાતમિશ્રિત રોષની છે. તે ખુલ્લેઆમ વ્યક્ત પણ થઇ રહ્યો છે. બીજો વર્ગ એવો હતો, જે યુપીએના શાસનથી કંટાળીને અને તેની સરખામણીમાં નરેન્દ્ર મોદીએ બતાવેલાં સપનાં પર આશા બાંધીને તેમનો મતદાર બન્યો. એવા વર્ગને પણ નિરાશાનો અનુભવ થઇ રહ્યો છે—અને એ માટે તેમણે કાશ્મીર કટોકટી સુધી રાહ નથી જોઇ. મોંઘવારી અને કાળાં નાણાંથી માંડીને બીજા અનેક મોરચે વડાપ્રધાન બનતાં પહેલાં નરેન્દ્ર મોદીએ જે દાવા કર્યા હતા, તે બોદા પુરવાર થયા છે.

તે દાવા કરતા હતા, ત્યારે આ દાવા અવાસ્તવિક છે એવી ટીકા કરાનારાને મોદીદ્વેષી ગણી લેવાતા હતા. પરંતુ હવે નરેન્દ્ર મોદી દાવા મુજબનો એકેય ચમત્કાર કરી શક્યા નથી, એવું ઝાઝા કકળાટ વગર સ્વીકારી લેવાય છે અને તેનાં તાર્કિક કારણ આપવાનો પ્રયાસ થાય છે. ભારત જેવા વિશાળ અને આર્થિક સહિતની સમસ્યાઓથી ગ્રસ્ત દેશમાં ચમત્કારો શક્ય નથી. એટલે ચમત્કારિક ઝડપે બદલાવ ન આવે, એમાં નરેન્દ્ર મોદીનો વાંક નથી. પણ તેમનો વાંક લોકોને ચમત્કારોની જૂઠી આશા આપીને, બદલામાં મત ઉઘરાવી લેવાનો છે. ગુજરાતીમાં એને છેતરપીંડી કહેવાય. રાજકારણમાં એ બહુ સામાન્ય છે. બધા પક્ષો એ કરે છે. નરેન્દ્ર મોદી તેમાં વિશેષ પ્રતિભાશાળી છે. એટલે તે બહોળું ભક્તવૃંદ અને અનુયાયીવર્ગ ધરાવે છે.

તેમના ભક્તવૃંદમાં કેટલાક એકદમ રીઢા કંઠીબંધા છે. કોઇ પણ સ્થિતિની જેમ અત્યારે પણ તે આક્રમક બચાવ માટે પ્રવૃત્ત થઇ ગયા છે. હવે તે વડાપ્રધાનના રાજદ્વારી શાણપણ પર ઓવારી જાય છે. રાતોરાત તેમને વ્યૂહાત્મક સંયમ (સ્ટ્રેટેજિક રીસ્ટ્રેઇન્ટ)નું મહત્ત્વ સમજાયું છે અને તે બીજાને સમજાવવા લાગી પડ્યા છે. એટલું જ નહીં, તે હવામાં મહેણાં મારે છે કે વડાપ્રધાનના ટીકાકારોને તો ટીકાની ટેવ પડી. પહેલાં યુદ્ધની વાતો કરતા હતા ત્યારે પણ ટીકા ને હવે યુદ્ધ નથી કરતા ત્યારે પણ ટીકા. આ રીઢી પ્રજાતિ એ હકીકત ન સમજવાનો ડોળ કરે છે કે ટીકા વડાપ્રધાનના વર્તમાન ઠરેલપણાની નહીં, તેમનાં બેવડા ધોરણની અને તે વિશે કશો અફસોસ કે પસ્તાવો વ્યક્ત ન કરવાની થઇ રહી છે.

શું વડાપ્રધાન કે શું તેમના ટીકાકારો, ભૂતકાળની ભૂલમાંથી શીખવું એ દરેકનો મૂળભૂત અધિકાર છે. એક વાર કે અનેક વાર ખોટું કર્યું હોય, એટલે ભવિષ્યમાં ફક્ત સાતત્ય ખાતર તેનું પુનરાવર્તન કરવું એ શાણપણ નથી. એ દૃષ્ટિએ વડાપ્રધાને અગાઉ પાકિસ્તાનનું શું કરવું જોઇએ, એ વિશે બેફામ નિવેદનબાજી કરી હોય અને તેના ભરપૂર રાજકીય લાભ ખાટ્યા હોય, તેમ છતાં સત્તા પર આવ્યા પછી તે જવાબદારીપૂર્વક વર્તે તો તે આનંદની વાત છે. પરંતુ તે અને તેમના ભક્તો એવી અપેક્ષા રાખતા હોય કે વડાપ્રધાન હવે યોગ્ય રીતે વર્તે છે, એટલે ભૂતકાળનાં કોઇ નિવેદન માટે તે ઉત્તરદાયી નથી, તો એ તેમની સમજ નહીં, ભક્તિ છે. ગુજરાતની મુસ્લિમવિરોધી હિંસા વખતે પણ, ઘા પર મલમપટ્ટીના પ્રયાસ કર્યા વિના કે એવા પ્રયાસોને મદદરૂપ થયા વિના, એક તબક્કે અચાનક નરેન્દ્ર મોદીએ વિકાસની દિશામાં મોરો ફેરવી દીધો. પછી એવો પ્રચાર શરૂ થયો કે હવે એકની એક વાત ક્યાં સુધી કરશો. જૂનું ભૂલીને આગળ વધો. મુવ ઓન.

વાત સાચી. આગળ તો વધવું જ પડે, પણ ભૂતકાળમાં કરેલી લીલાઓનું શું? એના વિશે કમ સે કમ અફસોસની લાગણી તો અસરકારક રીતે વ્યક્ત કરવી પડે કે નહીં? કમ્યુનિકેશનના નિષ્ણાત ગણાતા વડાપ્રધાનની જીભ એ વખતે કેમ ઝલાઇ જાય છે? પાકિસ્તાન સાથે યુદ્ધ નથી કરતા, એ સારું જ છે. પણ ટ્વિટર પર એવો ટહુકો તો કરી દો કે અગાઉ મેં જે આક્રમકતાની વાતો કરી, તેમાં કોંગ્રેસવિરોધનું રાજકારણ અને વિપક્ષમાં હોવાનો ઉત્સાહ ભળેલાં હતાં. (અંગત મહત્ત્વાકાંક્ષા ભળેલી હતી, એવા પ્રામાણિક એકરારની અપેક્ષા તો લોકોએ પણ છોડી દીધી છે.) પોતાના વાજામાંથી નવા ને કાનને રાહત પહોંચાડે એવા સૂર કાઢતી વખતે એટલું તો કહેવું પડે કે વર્ષો સુધી જે વાજું વગાડ્યે રાખ્યું તે ખોટું હતું ને એનો અહેસાસ હવે થઇ રહ્યો છે.

વડાપ્રધાનને દેર સે આયે, દુરસ્ત આયેનો એકરાર છાજે કે મેરી મરજીની ટપોરીગીરી, એ તેમના ભક્તોએ વિચારવાનું છે. 

Monday, September 26, 2016

પુસ્તક પ્રતિબંધ : શબ્દ વિરુદ્ધ સત્તા

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જાણીતા અને દુનિયાભરમાં લોકશાહી મૂલ્યોની ઠેકેદારીનો દાવો કરતા અમેરિકામાં સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું પ્રતિબંધિત પુસ્તક સપ્તાહતરીકે ઉજવાય છે. આમ જુઓ તો તે લોકશાહી ને આઝાદીનું જ પરિણામ છે, પણ અમેરિકા જેવા દેશમાં મોટી સંખ્યામાં પુસ્તકો પર પ્રતિબંધ મૂકાય કે એ માટેના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે, એ પણ વાસ્તવિકતા છે. અમેરિકાના લાયબ્રેરી એસોસિએશનની વેબસાઇટ પરથી આવાં પુસ્તકોની યાદી વાંચતાં સવાલ થાય : આ વાંધાજનકલાગેલાં પુસ્તકોની યાદી છે કે ક્લાસિક પુસ્તકોની?’  જેમ કે, ધ એડવેન્ચર્સ ઓફ હકલબેરી ફીન (માર્ક ટ્‌વેઇન), કેચ-૨૨ (જોસેફ હેલર), ફોર હુમ ધ બેલ ટોલ્સ (અર્નેસ્ટ હેમિંગ્વે), ગોન વિથ ધ વિન્ડ (માર્ગારેટ મિશેલ), મોબી ડીક (હર્મન મેલવિલ), ટુ કિલ અ મોકિંગબર્ડ (હાર્પર લી)... આ યાદી ઘણી લાંબી છે ને તેમાંથી  ઘણાં પુસ્તકો પર યાદગાર ફિલ્મો બની છે. છતાં, કોઇ એક તબક્કે થોડા કે ઘણા લોકોને આ પુસ્તકો સામે વાંધો પડ્યો હતો અને તેમણે આ પુસ્તકો પર પ્રતિબંધ આણવાના સફળ-નિષ્ફળ પ્રયાસ કર્યા.

પુસ્તક પ્રતિબંધ જેવો વિષય ગુજરાત અને ગુજરાતી પુસ્તકો માટે પરદેશીગણવા જેવો નથી. થોડાં વર્ષ પહેલાં ભૂતપૂર્વ ભાજપી નેતા જસવંતસિંઘે લખેલા પુસ્તક ઝીણા : ઇન્ડિયા, પાર્ટિશન ઇન્ડીપેન્ડન્સપર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. કારણ? નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદ હેઠળની ગુજરાત સરકારને લાગ્યું હતું કે આ પુસ્તકમાં સરદાર પટેલની અણછાજતી ટીકા કરવામાં આવી છે. મુશ્કેલી ફ્‌કત એટલી જ હતી કે પ્રતિબંધ ફટકારતાં પહેલાં આ દળદાર પુસ્તક વાંચવાની પ્રાથમિક તસ્દી સરકારે લીધી ન હતી. આવાં પગલાં પાછળ રાજકારણ સિવાય ભાગ્યે જ બીજું કંઇ કારણ હોય છે. સરદારને પટેલતરીકે સીમિત કરી દેવાની માનસિકતા ધરાવતા કેટલાક લોકોની પ્રેરણાથી કે સરદારનું અપમાન એટલે ચરોતરનું અપમાનએવી ભાવનાથી વલ્લભ વિદ્યાનગરમાં આ પુસ્તકવિરોધી દેખાવો થયા હતા. સ્વાભાવિક છે કે ત્યાં પણ કોઇએ આ બધું કરતાં પહેલાં પુસ્તક વાંચવાની જરૂર જોઇ ન હતી. (વલ્લભ વિદ્યાનગર જે રીતે વલ્લભ વિદ્યાઉદ્યોગનગર બની ગયું છે, તે જોતાં એવી અપેક્ષા પણ શી રીતે રખાય?)

રાજકારણથી જ પ્રેરાઇને રાજીવ ગાંધીએ સલમાન રશદીના ધ સેતાનિક વર્સીસપર પ્રતિબંધ મૂકી દીધો હતો. શાહબાનુ કેસની જેમ સેતાનિક વર્સીસનો પ્રતિબંધ પણ મુસ્લિમ મતબેંકને રીઝવવાનો--અને સરવાળે મુસ્લિમોમાં રહેલા પ્રગતિશીલ વર્ગને હાંસિયામાં ધકેલીને રૂઢિચુસ્તોને પ્રોત્સાહન આપનારો પુરવાર થયો. આ પ્રતિબંધની કમાલ એ હતી કે રાજીવ ગાંધીએ પુસ્તક આવે, વંચાય ને તેની સામે વાંધો વ્યક્ત થાય તે પહેલાં, તેની પર પ્રીએમ્પ્ટિવપ્રતિબંધ મૂકી દીધો હતો. ઉપરથી એવી દલીલ પણ કરી હતી કે આ પ્રતિબંધ પુસ્તકના હિતમાં છે. વર્ષો પછી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં રશદીનું આવવાનું છેલ્લી ઘડીએ રદ થયું, ત્યારે પ્રતિબંધ-માનસિકતાની યાદ ફરી તાજી થઇ.

જેમ્સ લેઇને શિવાજીનું ચરિત્ર લખ્યું ત્યારે બાળ ઠાકરેના શિવસૈનિકોએ પુસ્તક સામે ભારે તોફાન મચાવ્યું. પુસ્તકનો જવાબ પુસ્તકથી આપવાની ક્ષમતા કે વૃત્તિ ન હોવાથી, તેમણે દુર્લભ દસ્તાવેજો-પુસ્તકો ધરાવતી પૂણેની ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાં તોડફોડ મચાવી અને તેમને પોતાના સાંસ્કૃતિક વારસાની કેટલી કદર છે તે દર્શાવી આપ્યું. આઝાદી પહેલાં કેથરિન મેયોએ લખેલા ભારતદ્વેષી પુસ્તક મધર ઇન્ડિયાને ગાંધીજીએ ગટર ઇન્સ્પેક્ટરનો રીપોર્ટગણાવ્યું હતું અને તેની સામે શાબ્દિક વિરોધ થયો હતો. એ વખતે અંગ્રેજ સરકારને બોમ્બ બનાવવાની રીત આલેખતાં પુસ્તકોથી માંડીને સામ્યવાદી વિચારધારાનાં પુસ્તકો સામે વાંધો પડતો હતો ને તેમની પર તત્કાળ પ્રતિબંધ મૂકી દેવાતો હતો. રાજકીય અને સામાજિક ક્રાતિકારી નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલે વનસ્પતિની દવાઓજેવા છેતરામણા નામે બોમ્બ બનાવવાની રેસિપીઆપી હતી. એ અંગ્રેજ સરકારને પચી નહીં, તો ભઠ્ઠીનામે સામ્યવાદી નવલકથા ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો.

પીપલ્સ બુક હાઉસ દ્વારા પ્રકાશિત, ચંદ્રભાઇ ભટ્ટની આ નવલકથાની લાંબા સમય પછી નવી આવૃત્તિ બહાર પડી. એ નિમિત્તે ધનવંત ઓઝાએ લખ્યું હતું,‘સાહિત્યના ઇતિહાસમાં મેક્સિમ ગોર્કી કૃત ‘‘મધર’’ (મા) જેવી ક્રાંતિકારી સામ્યવાદી આંદોલનની મહાકથાઓ વિશ્વ સાહિત્યના નભોમંડળમાં પ્રશિષ્ટ નવલકથા લેખે જો પ્રકાશે છે, તો આપણા ચંદ્રભાઇની ‘‘ભઠ્ઠી’’નું ગુજરાતના સાહિત્ય વ્યોમમાં એવું જ મહત્ત્વનું સ્થાન છે.

આઝાદી પછી ભઠ્ઠી જેવી નવલકથાઓ પ્રકાશિત થઇ શકી, પણ કેટલીક બાબતોમાં સેન્સરશીપની કડકાઇ ચાલુ રહી. મહારાષ્ટ્ર-ગુજરાત અલગ પડ્યાં તે પહેલાં, મુંબઇ રાજ્યમાં મુખ્ય મંત્રી મોરારજી દેસાઇ પણ તેમના રૂઢિચુસ્ત વલણ માટે જાણીતા અને નામીચા હતા. સાદગી, પ્રામાણિકતા અને ગાંધીવાદની બીજાને સતત વાગ્યા કરે એવી અણીઓ ધરાવતા મોરારજીભાઇએ આલ્બર્ટો મોરેવિઆ કૃત વુમન ઓફ રોમના ગુજરાતી અનુવાદ સ્ત્રીસામે અદાલતી કાર્યવાહીનો હુકમ આપ્યો હતો. પુસ્તકનો અનુવાદ કરનાર જયાબહેન ઠાકોરને વર્ષ ૨૦૧૧માં વિખ્યાત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની સાથે મળવાનું થયું, ત્યારે તેમણે આ કેસ વિશે વાત કરી હતી.

રવાણી પ્રકાશન ગૃહના તારાચંદ રવાણી, ધનવંત ઓઝા, જયંતિ દલાલ જેવા લોકોએ વિશ્વની ક્લાસિક કૃતિઓ ગુજરાતીમાં આણવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો, તેના ભાગરૂપે વુમન ઓફ રોમની પસંદગી કરવામાં આવી. અંગ્રેજીમાં એમ.એ. થયેલાં, ત્યારે ૩૦ વર્ષનાં જયાબહેને એ કામ સ્વીકાર્યું. પરંતુ પુસ્તકના બન્ને ભાગ પ્રકાશિત થયા પછી કોઇ પ્રાથમિક શિક્ષકે પુસ્તકમાંથી કેટલાક ફકરા ટાંકીને મુખ્ય મંત્રી મોરારજી દેસાઇને ફરિયાદ કરતો પત્ર લખ્યો. મોરારજીભાઇએ તપાસ કરવાને બદલે સીધો અદાલતી કાર્યવાહી કરવાનો હુકમ અમદાવાદના કલેક્ટર લલિતચંદ્ર દલાલને આપ્યો. દલાલે જયાબહેનને મળવા બોલાવ્યાં અને કહ્યું કે પુસ્તકમાંથી કેટલાક ફકરા અને વાક્યો કાઢી નાખો, તો આ બઘું આગળ વધતું અટકાવી શકાય તેમ છે.
 
Jaya Thakor/ જયાબહેન ઠાકોર
જયાબહેને તેમાં સંમત થવાને બદલે, દલાલને સંદર્ભ સમજાવ્યો અને પુસ્તકમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવાની ના પાડી. ત્યાર પછી દલાલે કાર્યવાહી આગળ વધારી નહીં, પણ મહાગુજરાત આંદોલનમાં તેમની બદલી થતાં, તેમના સ્થાને આવેલા કલેક્ટર હીરડીયા પર ફરીથી દબાણ આવ્યું હશે. એટલે સરકાર વતી ચાર જણ પર કેસ માંડવામાં આવ્યો : પુસ્તકનો પહેલો ભાગ છાપનાર (વિખ્યાત વાર્તાકાર અને વડોદરામાં પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા) કિશનસિંહ ચાવડા, અમદાવાદમાં પુસ્તકનો બીજો ભાગ છાપનાર નવભારત પ્રેસ, અનુવાદિકા જયાબહેન ઠાકોર અને પ્રકાશક તારાચંદ રવાણી.


આ કેસમાં ઉમાશંકર જોશી સહિતના સાહિત્યકારોએ અદાલતમાં જુબાની આપી અને અશિષ્ટતા-શિષ્ટતા-કળા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપ્યો. તેની વિગતો આવતા સપ્તાહે.

Friday, September 23, 2016

માણસના અવાજની લગભગ અસલ જેવી નકલ : વેવનેટ


આવાઝકી દુનિયાકે દોસ્તોં’ --આ શબ્દપ્રયોગ વિચારતાં રેડિયોના કાર્યક્રમોની દુનિયા અને ઉદ્‌ઘોષકો-શ્રોતાઓ વચ્ચેની સંબંધસૃષ્ટિ તાજી થાય. સ્માર્ટ ફોનના જમાનામાં માલિકનો ટાઇપ કરેલો નહીં, પણ બોલાયેલો હુકમઝીલતાં અને ખપજોગી વાત કરી જાણતાં વિવિધ સહાયકો આવાઝકી દુનિયાનો જ વિસ્તાર છે.

માણસ અને મશીન એકબીજા સાથે વાતો કરે અને મશીન તેને જેટલું પઢાવ્યું હોય તેટલું નહીં, પણ પોતાની મેળે બોલી શકે--એ સંશોધકોની બહુ જૂની કલ્પના રહી છે. પરંતુ કમ્પ્યુટર દ્વારા પેદા કરાયેલા અવાજ કૃત્રિમતાનો અમીટ ઠપ્પો ધરાવે છે. જૂના વખતની વિજ્ઞાનકથા આધારિત ફિલ્મોથી માંડીને કી-બોર્ડ જેવાં વાદ્યોમાં કમ્પ્યુટર કે રોબોટનો અવાજ ત્રૂટક અને માણસને બદલે મશીન બોલે છે એવું પહેલી જ તકે જાહેર કરી દેનારો હતો. ત્યાર પછી માણસના અવાજમાં વિવિધ શબ્દોનું ભંડોળ રેકોર્ડ કરીને, તેમાંથી મશીન પાસે જુદાં જુદાં વાક્યો બોલાવવાનું પ્રચલિત બન્યું. તેનું સૌથી દેશીઉદાહરણ રેલવે સ્ટેશન પર થતી ટ્રેનોની અવરજવર વિશેની જાહેરાતો છે. તેમાં ટ્રેનના નામ-નંબર-પ્લેટફોર્મ નંબરથી માંડીને આવવા-જવાના સમય જેવી અનેક વિગતોના ટુકડા અગાઉથી સાગમટે રેકોર્ડ કરી દેવાય છે. પછી જરૂર પ્રમાણે એ ટુકડાને જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવામાં આવે છે. પરંતુ એ વાક્ય પ્રસારિતથતું હોય ત્યારે તેની કૃત્રિમતા ઉડીને આંખે વળગે--કે કાનને વાગે--એવી હોય છે.

માણસનો અવાજ પેદા કરવાની નહીં, પણ માણસના રેકોર્ડ થયેલા શબ્દોમાંથી ઇચ્છિત વાક્યો બનાવવાની ટેક્‌નોલોજી સ્પીચ સિન્થેસીસતરીકે ઓળખાય છે. વધારે ટેક્‌નિકલ નામ છે TTS (ટેક્સ્ટ ટુ સ્પીચ) આ ટેક્‌નોલોજી આદર્શ કરતાં ઘણી દૂર એ રીતે હતી કે તેમાં ઇનપુટના કૂવામાં હોય, એટલું જ આઉટપુટના હવાડામાં આવે. ધારો કે ગુલઝાર જેવા કોઇના અવાજમાં એક હજાર શબ્દો રેકોર્ડ કરાવી દીધા હોય અથવા અમિતાભ બચ્ચનની એક ફિલ્મના બધા સંવાદનો શબ્દેશબ્દ છૂટો પાડી દેવામાં આવે તો? એટલા શબ્દોની મર્યાદાની અંદર તેમના અવાજમાં કોઇ પણ વાક્ય બોલાવી શકાય--એવું વાક્ય, જે એ કદી બોલ્યા જ ન હોય. છતાં અવાજ તો તેમનો અસલ જ રહે. પરંતુ એ શબ્દભંડોળની બહારનો એક પણ શબ્દ એ અવાજમાં બોલાવી શકાય નહીં.

પહેલી નજરે સહેલી અને અકસીર લાગતી આ ટેક્‌નોલોજી વિશે જરા વધારે વિચારતાં સમજાશે કે શબ્દ ભલે એક હોય, પણ વાક્યે વાક્યે તે જુદી રીતે, જુદા ભાવ અથવા વજન સાથે બોલાતો હોય છે. માણસનું વાક્ય મશીન જેવું લાગતું નથી, તેમાં ભાવની ભૂમિકા બહુ અગત્યની છે. રેકોર્ડ થઇ ચૂકેલા શબ્દના ભાવમાં ફેરફાર ન કરી શકાય, એટલે અવાજ અસલ હોવા છતાં, આખું વાક્ય કૃત્રિમ લાગે. તેનો રસ્તો કાઢવા માટે શબ્દો ઉપરાંત તેના ઉચ્ચારની લઢણ જેવી વિગતોનો સંગ્રહ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી. ત્યાર પછી કોઇ પણ વાક્ય બનાવવાનું થાય, ત્યારે મશીન પાસેથી શબ્દોની પસંદગી ઉપરાંત ભાવની-ઉચ્ચારની ઢબની પસંદગી પણ કરાવી શકાય, એ શક્ય બન્યું. પેરામેટ્રિક TTS’ તરીકે જાણીતી આ પદ્ધતિ એક ડગલું આગળ હોવા છતાં, તેના થકી સાંભળવા મળતા અવાજની ગુણવત્તા વધારે કૃત્રિમ લાગતી હતી. બેઠેબેઠા શબ્દોને બદલે  તેમાં ભાવ ઉમેરવાની પ્રક્રિયા વધી, એમાં છેવટના પરિણાની કૃત્રિમતા પણ વધી.

આમ, મશીન પાસેથી લગભગ માણસ જેવા અવાજમાં ધાર્યું બોલાવવાનો મામલો થોડો ગુંચવાયેલો ને થોડો અટકી પડેલો જણાતો હતો. ત્યાં ગયા સપ્તાહે ગુગલની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર કામ કરતી કંપની ડીપમાઇન્ડની એક જાહેરાત મથાળાંમાં ચમકી. આ કંપનીએ શબ્દોને અવાજમાં ફેરવતી વખતે કૃત્રિમતાનો જે પ્રશ્ન ઊભો થાય છે, તેને દૂર કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદ લીધી.  એ માટે ડીપમાઇન્ડના સંશોધકોએ વેવનેટ’/Wavenet નામે ક્રાંતિકારી સોફ્‌ટવેર વિકસાવ્યું છે. અગાઉની ટેક્‌નોલોજીમાં પહેલાં માણસ પાસેથી શબ્દો બોલાવીને તેની બેન્કબનાવવામાં આવતી હતી. તેમાંથી શબ્દો કે અક્ષરો છૂટા પાડીને, માણસના અવાજમાં નવાં વાક્યો બનાવી શકાતાં હતાં. મૂળભૂત રીતે એ કોપી-પેસ્ટનું સુધરેલું સ્વરૂપ થયું, જ્યારે વેવનેટનો અભિગમ સર્જન કરવા જેવો છે. તેમાં પણ માણસના અવાજની જરૂર પડે છે--અવાજને પ્રયોગશાળામાં પેદાકરાતો નથી. પરંતુ માણસ દ્વારા બોલાયેલા શબ્દો કે અક્ષરોનો સંગ્રહ કરવાને બદલે, માણસના અવાજનાં મૂળભૂત મોજાંનું જ વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે તેમાં ફક્ત શબ્દો કે અક્ષરો જ નહીં, બોલનારના ચઢાવઉતાર, લઢણો, શ્વાસોચ્છવાસ સહિતની અઢળક બારીક વિગતો કમ્પ્યુટર નોંધે છે. આટલું ઝીણું કાંતવું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિના અશક્ય છે. કેમ કે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતાં કમ્પ્યુટર પાસે પ્રચંડ સંગ્રહક્ષમતા અને વિશ્લેષણક્ષમતા હોય છે. (આ જ ડીપમાઇન્ડકંપનીની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સીસ્ટમે ચેસ કરતાં પણ પેચીદી ગણાતા આલ્ફાગોરમતમાં વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને હરાવી દીધો હતો, એ સમાચાર બહુ જૂના નથી.)

લેખિત શબ્દોને અવાજમાં ફેરવવા માટે વેવનેટનો અભિગમ મૂળગામી છે. તે શબ્દો કે અક્ષરોને નહીં, અવાજના મૂળભૂત ઘટકોને પકડે છે અને તેનું વિશ્લેષણ કરીને પુષ્કળ માહિતીનો સંગ્રહ કરે છે. આ કામ કેટલી બારીકીથી થાય છે, તેનો એક નમૂનો ડીપમાઇન્ડના બ્લોગ પર આપવામાં આવ્યો છે. આ ટેક્‌નોલોજીમાં અવાજની પ્રત્યેક સેકંડનું નહીં, એક-એક મિલી સેકન્ડનું એટલે કે એક સેકન્ડના હજારમા ભાગનું વિશ્લેષણ અને અંકન (રેકોર્ડિંગ) કરવામાં આવે છે. આ કામ ભારે કૂથાવાળું છે. ફક્ત એક જ સેકન્ડના રેકોર્ડિંગનાં ૧૬ હજારથી પણ વધારે સેમ્પલ મળે છે. એટલું જ નહીં, એ દરેક સેમ્પલ તેની આગળનાં બધાં સેમ્પલ સાથે સીધો સંબંધ ધરાવે છે. કારણ કે માણસ જ્યારે બોલે છે ત્યારે તેના માટે તો એ સળંગ, અવિરત પ્રક્રિયા છે. એટલે વિશ્લેષણ કરતી વખતે પૂર્વાપર સંબંધ સમજવો જરૂરી બને છે. એક મિલી સેકન્ડના સેમ્પલનો સ્વતંત્ર રીતે ભાગ્યે જ કશો અર્થ નીપજી શકે, પણ તેને આગળનાં બધાં સેમ્પલના સંદર્ભે સમજવામાં આવે, તો તે અર્થપૂર્ણ બની રહે.

કોઇ પણ ધ્વનિનું એક સેકન્ડના ૧૬ હજાર કે વધુ ટુકડામાં વિશ્લેષણ કરતી અને માહિતી મેળવતી આ ટેકનોલોજી ફક્ત બોલાયેલા શબ્દોને નહીં, સંગીત સહિતના કોઇ પણ અવાજને સમજીશકે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કમાલ એ છે કે અઢળક માહિતીના સંગ્રહના આધારે તે નવી માહિતી પેદાકરી શકે છે. સિતારના સંગીતનાં અઢળક રેકોર્ડિંગ તેને આપવામાં આવે, તો તેમાંથી એ પોતાની રીતે મૌલિકસંગીત સર્જી શકે છે. ડીપમાઇન્ડના સંશોધકોએ જાહેર કર્યું છે કે વેવનેટના ઝીણવટભર્યા દ્વારા વિશ્લેષણના પ્રતાપે હવે શબ્દને અવાજમાં ફેરવવાથી મળતું પરિણામ અસલ સાથે ૫૦ ટકા જેટલું સામ્ય ધરાવે છે, જે બહુ મોટી સિદ્ધિ ગણાય. અંગ્રેજી અને ચીની મેન્ડેરિન ભાષાનાં વાક્યોનાં આ રીતે પેદા કરાયેલાં સેમ્પલ અને મશીને સર્જેલા પિયાનોસંગીતના નમૂના બ્લોગ પર મૂકવામાં આવ્યા છે.


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ટેક્સ્ટ-ટુ-સર્ચના સંગમે  અનેક રોમાંચકારી સંભાવનાઓ જગાડી છે.  કુમાર સાનુએ ગાયેલું કોઇ ગીત કિશોરકુમારના અવાજમાં કે લતા મંગેશકરે ગાયેલું કોઇ ગીત ગીતા દત્તના અવાજમાં સાંભળવા મળે એ ટેકનોલોજીની દૃષ્ટિએ હવે વિજ્ઞાનકથાનો નહીં, એકાદ દાયકા દૂરના ભવિષ્યનો મામલો લાગે છે.

Wednesday, September 21, 2016

દાદરો કે લિફ્‌ટ?

(બોલ્યુંચાલ્યું માફ)

પગથીયાં ચઢું કે ન ચઢું? આવો હેમ્લેટ સવાલ ઘણા શહેરીઓને  વારંવાર મૂંઝવે છે. તેમનો અંતરાત્મા કહે છે, ‘હે જીવ, તારી ત્રણ-ચાર મણની કાયાને જરા કષ્ટ આપ, તો ભલું થવા માટે તારે આવતા જન્મની રાહ નહીં જોવી પડે. આ જન્મમાં જ તારું ભલું થશે. ડાયેટિશ્યન જોડે જવું નહીં પડે, જિમના રૂપિયા બગાડવા નહીં પડે, ડાયેટ કોક પીવી નહીં પડે ને મોંઘાદાટ સલાડ ખાવાં નહીં પડે. વિચાર છોડ અને કર્મ કર. લિફ્‌ટ છોડ ને દાદરા ચઢ.

પરંતુ અંતરાત્માના અવાજ સાંભળનારની ભારતમાં કેવી દશા થાય છે, તે ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ ભારતવર્ષના લોકોએ જોઇ લીધું. એમ પાછા આપણા લોકો હોશિયાર વિદ્યાર્થી. તરત શીખી ગયા કે આ રસ્તે ન જવાય. એટલે તેમણે પહેલાં તપાસ કરી : અંતરાત્માને ફિક્સ ડિપોઝીટમાં મૂકવાથી વ્યાજ-બ્યાજ મળે ખરું? ખબર પડી કે નાણાંકીય વ્યવહારમાં એની ખાસ કશી કિંમત નથી. એને વેચવાની ને ગીરવે મૂકવાની અનેક વ્યવસ્થાઓ છે, પણ એને વણવપરાયેલો છતાં હેમખેમ રાખીને નાણાંકીય ફાયદો મેળવવાની કોઇ સ્કીમ જડી નહીં. ત્યારથી અંતરાત્માના અવાજનું વજન ભાજપની વરિષ્ઠોની સમિતિના સભ્યો જેવું થઇ ગયું : લખવામાં નામ મોટું, પણ વ્યવહારમાં કશું ઉપજે નહીં.

દાદરા અને લિફ્‌ટના દ્વિભેટે ઉભેલો માણસ અંતરાત્માની અસલિયત વિશે વિચારવાનું શરૂ કરે તે પહેલાં જ તેના બહિરાત્માનો અવાજ શરૂ થઇ જાય છે, ‘હે જીવ (હા, ભારતમાં આધ્યાત્મિક પરંપરા મજબૂત હોવાથી, સંબોધનો આવી રીતે જ થાય), જન્મ્યો ત્યારે તારું વજન શેરમાં હતું. પછી તું મણમાં ગયો ને હવે ટન ભણી ધસી રહ્યો છું. તારું જીવનધ્યેય પ્રગતિ અને વિકાસ છે--અને તું ચતુર નાગરિક હોવાને કારણે જાણે છે કે ભારતમાં શ્રમ કરનાર શોષાય છે ને શ્રમ કરાવનાર કમાય છે. લાંબા રસ્તા લેનાર પાછળ રહે છે ને ટૂંકા રસ્તા અપનાવાર આગળ નીકળી જાય છે. તો પછી હે ત્રણ-મણીયા, તું પણ દાદરા ચઢવાનો ને પરસેવા પાડવાનો મોહ છોડીને, લિફ્‌ટનો શરણે જા. એમાં જ તારું હિત છે. એમાં જ તારી પ્રગતિ છે.

કેટલાક બહિરાત્માઓમાં પણ આધ્યાત્મિકનો પેટાપ્રકાર હોય છે. તે દેહધારીને ભોગવાદના રસ્તે ચડાવવાનો આભાસ આપ્યા વિના, પૂરી સાત્ત્વિકતાથી કહે છે,‘જો ઇશ્વરે ઇચ્છ્‌યું હોત કે તારે દાદરા જ ચઢવા, તો તેમણે લિફ્‌ટ ને લિફ્‌ટનો શોધનાર બનાવ્યાં ન હોત ને એસ્કેલેટર પણ શોધ્યાં ન હોત. ઇશ્વર તને મણમાંથી સવા છ શેર બનાવવા ઇચ્છતા નહીં હોય. એટલે તારી કારકિર્દીને આપે કે ન આપે, પણ તને લિફ્‌ટ આપી છે. એની ઉપેક્ષા અને અવગણના કરવી, એ દૈવી ડીઝાઇનનું અવમાન છે. આ સંસારના નાવનું સુકાન તું ઇશ્વરના હાથમાં સોંપ અને દાદરા ચઢવાનું કષ્ટ લેવાને બદલે, ઇશ્વરીય પ્રસાદ જેવી લિફ્‌ટનો ઉપયોગ કર. શ્રી રામચંદ્ર જે રીતે લંકા પહોંચ્યા, એ જ રીતે લંકાથી પાછા અયોધ્યા ન જઇ શક્યા હોત? પણ તેમણે પુષ્પક વિમાનનો ઉપયોગ કર્યો. તું પણ મિથ્યા શ્રમનો મોહ ટાળ અને લિફ્‌ટનો ઉપયોગ કર. એમ કરતાં તને જરા પણ ખચકાટ થતો હોય તો, લિફ્‌ટના કારણે તારો જેટલો સમય બચ્યો હોય, એટલા સમય માટે તું ઉપર જઇને હરિસ્મરણ કરજે. બસ?’  એેસ્કેલેટર હોય ત્યારે તે કહે છે,‘ઇશ્વરેચ્છા વિના પાંદડું પણ હાલતું નથી એ તને ખબર છે. અહીં તો આખેઆખો દાદરો હાલે ને ચાલે છે. તો પછી તેને ઇશ્વરેચ્છા ગણીને તેને અનુસરવામાં ક્ષોભ શાને?’

દાદરા ચઢવા એ ફક્ત શારીરિક શ્રમનો મામલો નથી. કેટલાક લોકો કાચી ક્ષણે (મેડિકલ ટેસ્ટના રીપોર્ટ આવ્યા પછી તરતની મિનીટોમાં) પ્રતિજ્ઞા લઇ બેઠા હોય છે કે મારે કાગડાકૂતરાના મોતે મરવું નથી. માટે હવે હું આજીવન, જ્યાં સુધી શક્ય હશે ત્યાં દાદરા જ ચઢીશ.શરૂઆતમાં તેમને પાણી દેખી કરે સ્નાનની જેમ, દાદરા જોઇને તેમને ચઢવાનો જ વિચાર આવે છે.

પ્રતિજ્ઞાપાલનના આરંભિક ગાળામાં મલેશિયાના પેટ્રોનાસ ટાવર કે દુબઇના બુર્જ ખલીફા કે પેરિસના એફિલ ટાવરને જોઇને તેમને પહેલો વિચાર આ ઇમારતોની ભવ્યતાનો નહીં, પણ તેમાં કેટલા દાદરા હશે અને એ ચડતાં મને કેટલી વાર લાગે, એ આવે છે. તેમને લાગે છે કે આખું વિશ્વ એક દાદરો છે ને મારો જન્મ એ દાદરા પર ચઢઉતર કરવા માટે જ થયો છે. ક્યારેક વહેલે પરોઢીયે તેમને એવું પણ સ્વપ્ન આવે છે કે કુતુબમિનારના દાદરા ચઢવાની શરૂઆત કરે છે અને ટોચે પહોંચતાં તેમનું કોલેસ્ટેરોલ ધડામ્‌ દઇને સામાન્ય થઇ જાય છે-વજન દસ-વીસ કિલો ઘટી જાય છે.

આવા અરસામાં પ્રતિજ્ઞાપાલકો માટે ઘણી વાર દાદરા ચઢવા કરતાં પ્રતિજ્ઞાપાલનનો--અને દાદરા ચઢવા કરતાં, પોતે દાદરા ચઢઉતર કરે છે તે જાહેર કરવાનો આનંદ વધી જાય છે. પરંતુ તપસ્વી વિશ્વામિત્ર માટે જે કામ મેનકાએ કર્યું, ઉપવાસીઓ માટે ફરાળી જે કામ કરે છે, એવા જ કોઇ અવતાર કાર્ય માટે એસ્કેલેટરની શોધ થઇ હશે. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ મોલમાં એસ્કેલેટર પર પાંચમા માળે પહોંચ્યા હોત અને ત્યાં ઉભેલા ગુરુ દ્રોણે તેમને પૂછ્‌યું હોત, ‘દાદરેથી આવ્યો કે લિફ્‌ટમાં?’, તો સત્યવાદી ધર્મરાજાનો શો જવાબ હોત? ‘નરો વા, કુંજરો વાનો આશરો લીધા વિના તે ગણગણાટીભર્યા અવાજમાં નહીં, ખોંખારીને કહી શક્યા હોત કે દાદરેથી.જ્યોતીન્દ્ર દવેના પ્રખ્યાત નિબંધ મારી વ્યાયામસાધનામાં દંડબેઠક કર્યા?’ એવા વડીલોના સવાલના જવાબમાં નાયક કર્તા અધ્યાહાર રાખીને કહે છે,‘કર્યા.એવો આત્મવિશ્વાસ એસ્કેલેટરમાં ઉપર આવેલો માણસ દાદરા ચઢવા વિશે અનુભવે છે. પોતે ભલે દાદરા ચઢ્‌યો ન હોય, પણ દાદરો પોતે તો ઉપર ચઢ્‌યો ને. આમ પણ, શું સ્થિર છે ને શું ગતિમાન, એ સાપેક્ષ બાબત છે. પૃથ્વી ફરતી હોવા છતાં સ્થિર લાગે છે ને મકાન કે વૃક્ષ સ્થિર ઉભું હોવા છતાં (ચોક્કસ પ્રકારનાં પેયની અસર તળે) ગતિમાન લાગી શકે છે. એ વિશે મિથ્યાભિમાન કેવું? કેટલાક સત્યનિષ્ઠ પ્રતિજ્ઞાપાલકો ચાલુ એસ્કેલેટરે પગથીયાં ચઢવાનું ચાલુ રાખે છે, જેથી એસ્કેલેટરના પાપે દાદરો ચઢ્‌યાનું પુણ્ય ગુમાવવું ન પડે.

વચ્ચે એક સમયગાળો એવો હતો, જ્યારે પગથીયાં ચઢવાં એ ડાઉનમાર્કેટચેષ્ટા ગણાતી હતી : ભણેગણે તે નામું લખે ને ના ભણે તે દીવો ધરેએવી જૂની કહેવતની જેમ, ‘સમૃદ્ધો લિફ્‌ટમાં મહાલે ને શ્રમિકો દાદરા ચઢેએવું મનાતું હતું. ધીમે ધીમે આરોગ્યની સમસ્યાઓ વધવા માંડી અને ઉપર જવા માટે નહીં, પણ વજનકાંટો નીચે ઉતારવા કે સ્થાયી રાખવા માટે પગથિયાંનો મહિમા શરૂ થયો. તેમાં મુશ્કેલી ફક્ત એક જ હતી : પગથિયાં ચઢવામાં એક પણ રૂપિયો ખર્ચવાનો ન હતો કે ઘરની બહાર પણ નીકળવાનું થતું ન હતું. તેથી જેમને કસરત જ કરવી હોય તેમને એ બહુ ઉપયોગી લાગે, પરંતુ કોઇ પણ કાર્ય નાણાં ખર્ચવાથી જ સંતોષકારક રીતે પૂરું થાય એવી દૃઢ માન્યતા ધરાવતા લોકોથી માંડીને, મોર્નિંગ વોક પૂરું થયા પછી ભરપેટ નાસ્તો કરીને ઘરે જતા ઘણાને કસરત તરીકે દાદરા અનુકૂળ આવતા નથી.


માણસના બીજા કેટલાક સંબંધોની જેમ દાદરા સાથેનો તેનો સંબંધ એટલો લપસણો છે કે ગાફેલ રહેનાર વ્યક્તિને પછડાવાનો વારો આવે છે--અને દાદરાને કદી વાગતું નથી.