Saturday, August 20, 2016

દેશની શોભા, દેશનો ડે: સિંધુની સાક્ષીએ...

એક હતાં અંગ્રેજી લેખિકા નામે શોભા ડે. એ ખરેખર તો હતાંનહીં, હજુ પણ છે. તેમણે ફિલ્મી--અને ઘણી વાસ્તવિક--સાસુઓને છાજે એવી રીતે મહેણું માર્યું હતું કે ઓલિમ્પિકમાં ગયેલી ભારતની ટુકડી જીતીને મેડલ લેવા નહીં, ફક્ત સેલ્ફી પડાવવા ગઇ છે. તેમણે એ વખતે ખાલી હાથપાછી ફરનારી ભારતની ટીમને લગભગ ગબ્બર-અંદાજમાં બહુત નાઇન્સાફી હૈકહીને ઝૂડી પાડી. એમ પણ કહ્યું કે રૂપિયાનો અને સંસાધનોનો કેવો બગાડ. શોભાબહેનનો કહેવાનો ગૂઢાર્થ એવો હશે કે રૂપિયા અને સંસાધનોનો બગાડ કરવા માટે આપણે આટલા બધા રાજકારણીઓ રાખ્યા છે અને એ બધા દેશમાં રહીને એ જ કામ અસરકારક રીતે કરી શકતા હોય, તો એ માટે બીજા લોકોએ પરદેશ જવાની શી જરૂર

દેશમાં પૂરો વરસાદ પડે કે ન પડે, લાગણીની ખેતી પૂરતી માત્રામાં થાય છે. એટલે ગમે ત્યારે લાગણીદુભાવનો પાક લણી શકાય. શોભા ડેના ટ્વિટથી કેટલાકને સાદું દુ:ખ થવાને બદલે, તેમનો દેશપ્રેમ ઘવાયો. તેમને લાગ્યું, જાણે ઓલિમ્પિકમાં ગયેલા ખેલાડીઓ કાળિયાર છે ને શોભા ડે સલમાનખાન. સૌ જાણે છે કે, ફક્ત આટલું જ લાગ્યું હોત તો કશો પ્રશ્ન ન હતો. સલમાનને કશું ન થયું એમ શોભા ડેને પણ કશું ન થાત. પરંતુ કેટલાકને એક ડગલું આગળ વધીને એવું લાગ્યું, જાણે ઓલિમ્પિકની ભારતીય ટુકડી પવિત્ર ગાયછે અને શોભા ડે...

પછી તો વાર શાની? ટ્વિટર પર 17,576મું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. (હા, ટ્વિટર પર દરેક વિવાદ વખતે માહોલ એવો જ ઊભો થાય છે, જાણે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોય.) આ યુદ્ધ શમે તે પહેલાં ભારતની કુસ્તીબાજ સાક્ષી મલિકે રિંગમાં તેની હરીફ ખેલાડીને અને રિંગની બહાર શોભા ડેને પછડાટ આપીને રિઓ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો ચંદ્રક જીતી લીધો. પણ શોભા ડે એમ હાર માને એવાં, કાચાં દેશભક્ત નથી. બેડમિંગ્ટન ખેલાડી સિંધુની સુવર્ણચંદ્રક જીતવાની શક્યતા હતીત્યારે તેના માટે તેમણે સિલ્વર ક્વિન?’ જેવો બીજો ટોણો માર્યો. લોકો ફરી શોભા ડેના નામનો કકળાટ કરવા લાગ્યા.


શોભા ડેને પણ થયું હશે કે તેમણે કેવા નગુણા દેશમાં જનમ લીધો. તેમના એક અળવીતરા પછી (અને તેના પરિણામે અઢળક ગાળો ખાવાથી) ભારતને એક કાંસ્ય ચંદ્રક મળતો હોય, તો દેશ કાજે શોભા ડેએ ફરીથી ગાળો ખાઇને દેશને ગોલ્ડ મેડલ અપાવવાની કોશિશ કરી. પણ લોકો તેમની ભાવના સમજી શક્યા નહીં. ખરેખર તો આવતી ઓલિમ્પિકમાં ભારતની ટીમ સાથે શોભા ડેને મોકલવાં જોઇએ, જેથી તે રોજ મહેણાં મારે અને ટીમના ખેલાડીઓ રોજ મેડલ જીતી શકે.

2 comments:

  1. Anonymous6:26:00 PM

    મોદી વિદેશમાં જઈને ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો મોટી વસ્તીના આધારે કરે, સૌથી વધુ નવયુવાનો ભારતમાં હોવાનો દાવો કરે અને જયારે ઓલિમ્પિક્સમાં શારિરિક ક્ષમતા વાત આવે દેશ અતિ નબળો પુરવાર થાય઼. ત્ય઼lરે આ બાબત શોભા ડે ટ્વીટર દ્વારા જણાવે તો શું ખોટું છે? જવાબદારી આપણી સરકાર અને મંત્રીઓ પર આવી એટલે ભક્તોને દુ:ખ થાય઼ તે સ્વાભાવિક છે. વિજય઼ ગોયલ જેવા સ્પોર્ટ્સ મંત્રી માત્ર સેલ્ફી લેવા, મોદીની નકલ ન કરવા જેવી નકલ કરે અને તે માટે રિઓમા નિયમોનું ઉલ્લંઘન કરે તો પત્રકારો ચિંટિયો ભરેજ.

    ReplyDelete
  2. સવાસો કરોડનો દેશ અને ચંદ્રક વગરના બાર તેર દિવસ કાઢવા અઘરા તો પડે જ .. શોભા ડે ના ટ્વિટ સાથે ભલે પુરેપુરા સંમત ન થવાય તેમ સાવ એકંદરે અસંમત થવાય એવું પણ ન હતું... ભારતીય ખેલકૂદનો ઇતિહાસ અને વર્તમાન જોતા તો એમનો બળાપો ખેલાડીઓ કરતા આમાં ખેલતા રાજકારણ તરફ વધુ હતો. ખેલ મહાકુમ્ભોના નામે ગુજરાતમાં પણ કરોડો રૂપિયાના તાયફાઓ કરવામાં આવી રહ્યા છે છતાં પણ કશું નક્કર પરિણામ આવ્યું નથી.. કે નથી કોઈ જવાબદેહી બનતી.. એક ટીવી ચેનલમાં સ્પોર્ટ્સ પત્રકાર ( કદાચ નામ મલય કે એવું હતું ) એમણે પોતાનો અભિપ્રાય આપતા એવું કહ્યું હતું કે આ વખતની ટીમમાં પણ જે ડોક્ટર ગયા તે કોઈ રેડીયોલોજીસ્ટ છે અને કોઈના નજીકના સગા છે.. જે ફક્ત કોમ્બીફ્લેમ આપી જાણે છે.. દીપા ,સાક્ષી કે સંધુની મહેનત સફળતા સર આંખો પર પણ એ સિવાય બીજા સોથી વધુ ખેલાડીઓ ગયા હતા તે તમામની નિષ્ફળતાને એક ત્રાજવે તોળી ન શકાય.. કેટલાક થોડા માટે રહી ગયા હશે.. પણ ઓવરઓલ આટલી મોટી ટીમ છતાં મેડલોની મોટી ખોટ દર્શાવે છે કે ક્યાંક તો સિલેક્શન પ્રોસેસમાં કાચું કપાય છે.. બજેટ અને સંશાધનોની કમીતો કદાચ એક જ ઝાટકે પૂરી કરી શકાય પણ નાત – જાત તો ઠીક પણ પ્રદેશ કે ઝોનવાદના ભૂતને નાથીને ભારતીયતાને જ માપદંડ બનાવી અગામી ઓલેમ્પીકમાં અર્જુન દ્રષ્ટિથી પસંદગી કરાય તો જ મેડલોની હારમાળા સર્જાશે.. એવો મારો મત છે..

    ReplyDelete