Saturday, August 27, 2016

ધર્મના નામે ભેદભાવ સામે લડાઇ અને જીત

(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, 27-8-16)

સ્ત્રીઓ માટે અરધી આલમજેવા શબ્દપ્રયોગ વપરાતા રહ્યા છે, પરંતુ સમાન વ્યવહારની વાત આવે ત્યારે ઘણી બાબતોમાં આમન્યા કે આબરુના નામે, આદર કે તુચ્છકારના બહાને, તેમનો એકડો કાઢી નાખવામાં આવે છે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશ એવો એક મુદ્દો હતો. લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ માટે જાણીતા સંપ્રદાયના ધર્મધુરંધરો સ્ત્રીઓનો ચહેરો સુદ્ધાં ન જુએ અને તેમની ઘરે પધરામણી કરી હોય, તો ઘરના સ્ત્રીવર્ગે એક ઓરડામાં પુરાઇ જવું પડે, જેથી ધર્મધુરંધરની તેમની પર નજર પડે. આવા દેખીતા અસમાન-અન્યાયી વ્યવહાર પર રૂપાળી દલીલોનો ઢાંકપિછોડો કરવાથી વાસ્તવિકતા બદલાઇ જતી નથી અને આવા વ્યવહારને વાજબી ઠરાવી શકાતો નથી.

ભેદભાવનો સવાલ કોઇ સંપ્રદાયવિશેષ કે ધર્મવિશેષ પૂરતો મર્યાદિત નથી. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં પણ મહિલાઓની ઝુંબેશ પછી તેમનો પ્રવેશ શક્ય બન્યો હતો. આશરે ચારસો વર્ષથી મહિલાઓ માટે બંધ રહેલાં એ મંદિરનાં દ્વાર સ્ત્રીઓ માટે ખુલ્યાં, ત્યાર પછી પણ કેટલાક ધર્મગુરુઓને તે ખટક્યું હતું. જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છેએવાં સંસ્કૃત વાક્યો ટાંકીને સંતોષ મેળવી લેનારા ધર્મધુરંધરો પાસે અને ભેદભાવગ્રસ્ત, હાડોહાડ પુરૂષપ્રધાન માનસિકતા ધરાવતા લોકો પાસે બીજો કોઇ વિકલ્પ કે દલીલ ન રહે ત્યારે એમાંથી કેટલાક કહે છે,‘ફક્ત હિંદુ મંદિરોની પાછળ કેમ પડી જાવ છો?’

આ દલીલનો સાદો જવાબ એ છે કે સમાનતામાં માનતી દરેક વ્યક્તિએ પારકા ધર્મ કે સંપ્રદાય પ્રત્યે આંગળી ચીંધતાં પહેલાં, પોતાના  ધર્મ-સંપ્રદાયની સફાઇની પહેલ કરવી પડે. પરંતુ આ ચર્ચામાં વધુ એક પરિમાણ અને વધુ બળ ઉમેરનારા સમાચાર એ છે કે મુંબઇની વિખ્યાત હાજીઅલી દરગાહમાં મહિલાઓનો પ્રવેશ હવે શક્ય બનશે. અત્યાર લગી ધર્મના નામે એવો દાવો કરવામાં આવતો હતો કે પુરૂષ સંતની દરગાહ પર સ્ત્રીઓને આવવા દેવાય નહીં. જન્મદાતા સ્ત્રીને અપવિત્રગણવાનો દંભ ધર્મવિશેષ કરતાં પણ વધારે પુરૂષપ્રધાન સમાજ અને માનસિકતાની પેદાશ છે. આટલો સીધો અને સાદો અન્યાય એકેય ધર્મને માન્ય ન હોઇ શકે. સમાજની વચ્ચે રહેતા ગમે તેટલા પવિત્ર માણસને, ગમે તેવાં પવિત્ર કારણોસર સ્ત્રીઓનો બહિષ્કારકરવાનો--તેમને છેટી રાખવાનો અધિકાર નથી, એ ધર્મોના પપૂધધૂઓને કેમ સમજાતું નહીં હોય? અને તેમનો જયજયકાર કરનારા મોટા વર્ગને પણ (જેમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે) એ કેમ ખટકતું નહીં હોય?

આધુુનિક સમયમાં દેશનું બંધારણ કેટલાક મૂળભૂત અન્યાયોની બાબતમાં તમામ ધર્મપુસ્તકો કરતાં વધારે ન્યાયી પુરવાર થયું છે. તેનાથી ધર્મસત્તાઓ કે કહેવાતી પવિત્ર પરંપરાઓની સામે આધુનિકતાની-આધુનિક મૂલ્યોની આવશ્યકતા સિદ્ધ થાય છે. હાજીઅલી દરગાહના કિસ્સામાં પણ સમજાવટથી મહિલાઓને પ્રવેશ મળ્યો નથી. બોમ્બે હાઇકોર્ટે મહિલાઓને દાખલ થવા દેવાનો હુકમ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે બંધારણના આર્ટિકલ ૧૪ (કાયદા સમક્ષ સૌ સમાન છે), આર્ટિકલ ૧૫ (ધર્મના આધારે ભેદભાવ ન રાખી શકાય), આર્ટિકલ ૧૯ (ચોક્કસ પ્રકારની સ્વતંત્રતાઓ) અને આર્ટિકલ ૨૧ (અંગત જીવન અને સ્વતંત્રતાઓનું રક્ષણ) પ્રમાણે દરગાહમાં જવા ઇચ્છતી કોઇ પણ સ્ત્રીને ત્યાં જવાનો અધિકાર છે.


અલબત્ત, શનિ શિંગણાપુર કે હાજીઅલીની સામે કેરળનાં સબરીમાલા જેવાં મંદિરો પણ છે, જે એક વાર માસિકની વયમાં પ્રવેશેલી સ્ત્રીઓને, તે રજોનિવૃત્ત ન થઇ જાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ આપતાં નથી. આવાં ધર્મસ્થાનો અને આ પ્રકારના પ્રતિબંધોનું સમર્થન કરનારા બીજું તો ઠીક, સૌથી વધારે બદનામી પોતાના ધર્મની કરે છે. ધર્મ વિશેની આટલી છીછરી અને સંકુચિત સમજ ધરાવતા લોકો ધર્મના ઠેકેદાર કે સંરક્ષક બને, ત્યારે એ ધર્મને કે ધર્મના એ ફાંટાને સડી જતાં કોણ અટકાવી શકે? આ સડો અદાલતી ચુકાદાથી નહીં, સામાજિક પહેલથી અટકે તે ઇચ્છનીય ગણાય.

No comments:

Post a Comment