Thursday, August 18, 2016

ભાઇ, તુમ રાખી બંધવાઓગે યા નહીં?

વર્ષના બાકી દિવસોમાં પાણીપૂરીવાળા ભૈયાને સ્મરતી બહેનો એક દિવસ પોતપોતાના અસલી કે માનેલા ભૈયાનો વારો કાઢે છે. રક્ષાબંધનનો તહેવાર, ગાઇડો અને અપેક્ષિતોના સહારે પાસ થયેલા મોટા ભાગના લોકો જાણે છે તેમ, ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. રાખડીઓ માટે ફિલ્મી કવિઓ ગાઇ ઉઠે છે : યે બંધન હૈ કચ્ચે ધાગોંકા. ગાંધીજીએ સૂતરના તાંતણે આઝાદી લાવવાની વાત કરી હતી. બહેનો (રાખડીઓના) સૂતરના તાંતણે ભાઇઓના ઘરમાં આબાદી લાવવાની કામના કરે છે.

રક્ષાબંધન એટલો મોટો તહેવાર નથી કે એ દિવસે અખબારો બંધ રહે. તે એટલો નાનો તહેવાર પણ નથી કે એ દિવસે બેંકો ચાલુ રહે. રક્ષાબંધનશબ્દના સમાસવિગ્રહ અંગે વિગ્રહને પૂરતો અવકાશ છે. તેનું પ્રચલિત અર્થઘટન રક્ષાનું બંધનછે, પણ વાસ્તવમાં રક્ષા (રક્ષણ) માટે બંધનકે કેટલાક કિસ્સામાં રક્ષા દ્વારા બંધનવધુ યોગ્ય વિકલ્પો લાગે છે.  હિંદીભાષી વિસ્તારોમાં આ તહેવાર રાખીતરીકે ઓળખાય છે.

રાખડીના મહત્ત્વ વિશે કુંતી-અભિમન્યુથી માંડીને રાણી કર્માવતી-હુમાયુની કથાઓ પ્રચલિત છે. તહેવારનું સાચું મહત્ત્વ સમજવા આદર્શ ભાઇ કે બહેન પાસેથી નહીં, પણ ટપાલી પાસેથી સમજી શકાય છે. શ્રાવણી પૂનમના દસ-પંદર દિવસ પહેલાં મોટી પોસ્ટ ઓફિસમાં રાખડીઓના સંભવિત પૂર સામે પાળ બાંધવાની તૈયારીઓ શરૂ થાય છે. ખાનગીકરણનું મોજું પોસ્ટ ઓફિસ સુધી પહોંચે, તો પોસ્ટ ઓફિસમાં રૂપિયા ભરી દેવાથી સંબંધિત ભાઇના સરનામે એક સરસ છાપેલા કાગળ સાથે રાખડી પોસ્ટ થઇ જાય, એ પણ અશક્ય લાગતું નથી. પોસ્ટ ઓફિસો હિંમત કરે, તો મીઠાઇની દુકાનોવાળા પાછળ નહીં રહે. એ લોકો મિક્સ મીઠાઇના પેકમાં વચ્ચેથી ત્રણ કાજુકતરી કાઢીને ત્યાં સરસ રાખડી ગોઠવીને, આખા પેકેટને રક્ષાપેકેટતરીકે વેચશે.

રાખડીઓની ઉત્ક્રાંતિની ઝડપ અત્યાર સુધી ઘણી ધીમી રહી છે. કાંડે બાંધેલી રાખડી ચહેરાની આગળ ધરતાં અડધો ચહેરો ઢંકાઇ જાય, એવી કિંગસાઇઝની રાખડીઓ વર્ષો સુધી પ્રચલિત રહી. કાંડાથી બાવડાં સુધી બલોયાં ચડાવતી રબારી બહેનોની માફક, નાનપણમાં આખો હાથ રાખડીથી ભરી દેવાનો શોખ પણ ઘણાએ કર્યો હશે. ત્યાર પછી જાપાનની એક પણ કંપનીના પ્રયાસ વિના, રાખડીઓનું કદ સંકોચાતું ગયું. કચ્ચા ધાગાને બદલે નક્કર રાખડીઓ બજારમાં મળવા લાગી. ચાંદીની રાખડી ભાઇ-બહેનના પ્રેમમાં મૂડીવાદનો સંસ્પર્શ લઇ આવી. બહેનો હોંશેહોંશે ચાંદીની રાખડીઓ ખરીદવા લાગી, પણ થોડા અનુભવ પછી ભાઇઓને ચાંદીની રાખડીમાં પ્રેમને બદલે જુલમનાં દર્શન થવા લાગ્યાં. દશેરા સુધી રાખડી પહેરી રાખવામાં માનતા લોકો માટે ચાંદીની રાખડી નકામી હતી. એટલે શાંત ક્રાંતિ દ્વારા રાખડીબજારમાંથી ચાંદીની રાખડીનું વર્ચસ સમાપ્ત થયું. ત્યાર પછી રાખડીવાળાં કાર્ડ પણ આવ્યાં ને ગયાં. હવે ઘડિયાળોને સ્ટીલની રાખડી તરીકે જાહેર કરવામાં આવે તો નવીનતા લાગે.

રાખડીની માફક રાખડી બાંધનાર-બંધાવનાર વચ્ચેના સંબંધોમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ગોરમહારાજો ડઝનબંધ ગોટાથી સજ્જ થઇને સવારના પહોરમાં પોતાના યજમાનોને ઘેર ત્રાટકે છે. ઘરના સ્ત્રી સભ્યો સહિતના તમામ સભ્યોને પરાણે (અને કચકચાવીને) રાખડી બાંધે છે અને દક્ષિણા લીધા પછી વિદાય થાય છે. આ જાતની પ્રભુપ્રસાદીપામેલા લોકો ગોરના ગયા પછી પહેલું કામ નિઃશંકપણે રાખડી તોડવાનું કરતા હશે (એ રાખડી તોડવી જ પડે, કારણ કે તેની ગાંઠ છોડવા માટે બંધાયેલી હોતી નથી.) કેટલાક પ્રગતિશીલ યજમાનો કાળક્રમે ગોર પાસે રાખડી બંધાવવાનો શારીરિક ત્રાસ સહન કરવાને બદલે, ઘરના સભ્યો જેટલી રાખડીઓ લઇને યથાયોગ્ય દક્ષિણા આપીને ગોરને વિદાય કરે છે. જેમને સગી બહેનો ન હોય તેમને અડોશપડોશમાં રહેતી બહેનોથી માંડીને દૂરદેશાવરમાં વસેલી પિતરાઇ બહેનો રાખડીની ખોટ સાલવા દેતી નથી. કેટલીક વખત આજુબાજુની બહેનોની સંખ્યા ખૂબ વધી જાય ત્યારે ભાઇ સાવ જુદા સંદર્ભમાં અફસોસ કરે છે,‘મારે એક સગી બહેન હોત તો કેટલું સારું થાત.’ (આ બધાની જફામાંથી ઉગરી જવાત.) 

બહેનોના તમામ પ્રકારોમાં સૌથી જુદો અને વિશિષ્ટ પ્રકાર છે : ધર્મની બહેનો. ફિલ્મી ભાષામાં તે મુંહબોલી બહેનતરીકે ઓળખાય છે. લોહીની સગાઇ ન હોય તેવી કન્યા કે સ્ત્રીને બહેન તરીકેનું સન્માન આપવાની ભાવના પ્રશંસનીય કહેવાય, પણ કેટલાક લોકોને ચા બનાવવા જેટલી સહજતાથી બહેનો બનાવવાનો શોખ હોય છે. એ જ રીતે કેટલીક બહેનોને પણ ધર્મના ભાઇઓ બનાવવાનું વ્યસન હોય છે. (લગ્નવિષયક જાહેરાતોની ભાષામાં કહી શકાય : આ મામલે ઉંમરનો કોઇ બાધ હોતો નથી.) આ જાતની વૃત્તિ ધરાવતાં ભાઇ કે બહેન હંમેશાં ભાઇ-બહેન વગરનાં હોતાં નથી. કેટલાક કિસ્સામાં સગા ભાઇઓ સાથે અબોલા રાખતી બહેન ધર્મના (ભાઇ કે ભાઇઓ)ને રાખડી બાંધે છે અને ભાઇઓ સગી બહેનોને વહેતી મુકીને ધર્મની બહેનો પર પ્રેમ વરસાવે છે. બહેનો ભાઇઓને બાંધે એટલા જ પ્રેમભાવથી ભાઇઓ પોતાની મનગમતી ચીજવસ્તુઓને રાખડી બાંધે છે. થોડાં વર્ષો પહેલાં ટ્રાન્ઝિસ્ટરના એરીયલને, સાઇકલના અરીસાને કે કબાટના હેન્ડલને સુદ્ધાં રાખડીઓ બંધાયેલી જોવા મળતી હતી. એ રિવાજ ચાલુ રહ્યો હોત તો અત્યારે મોબાઇલ ફોનના એરિયલ પર કે કમ્પ્યુટરના માઉસ વાયરની ફરતે રાખડી બંધાયેલી જોવા મળત.


રક્ષાબંધનના દિવસે માત્ર પ્રેમનું જ વાતાવરણ હોય છે, એવું માનવું ભૂલભરેલું છે. અનેક દીસંતા કોડીલા કોડામણા યુવકોને એ દિવસ કયામતના દિન જેવો લાગે છે. સામાન્ય રીતે ક્લાસરૂમમાંથી ગાયબ રહેતા યુવાનો રક્ષાબંધનના દિવસોમાં કોલેજમાંથી ગુમ થઇ જાય છે. ઘણા કુંવારા ઓફિસમાં બોસનો રોષ વહોરીને પણ રક્ષાબંધનના આગળના દિવસે, અગાઉથી જાણ કર્યા વિના રજા પાડે છે. એ દિવસે ઘરે આરામ કરવાને બદલે એ લોકો ભૂર્ગભવાસ સેવે છે. રક્ષાબંધન વીતી ગયા પછી હાશ, બચી ગયાના સંતોષ સાથે તે ઓફિસમાં પાછા ફરે છે. તેમને બોસનું ફાયરિંગ સાંભળી લેવું પરવડે છે, પણ સંભવિત પ્રિયતમા રાખડી બાંધે એવી સંભાવના તેમને પોસાતી નથી. આખું વર્ષ તાંતણો તાંતણો ગૂંથીને ભાઇ નાડાછડી માટે મહેનત કરતા હોય, ત્યારે વન ફાઇન મોર્નિંગ બહેનનાડાછડીને બદલે રાખડી સાથે પ્રગટ થાય, ત્યારે ભાઇની હાલત પલળી ગયેલી રેશમી રાખડી જેવી થાય છે. એનાથી તદ્દન ઉલટા પ્રકારના એટલે કે માનેલી બહેનને પોતાના સાળાની બહેન બનાવવાના કિસ્સાની પણ નવાઇ નથી. એ રીતે લગ્ન થયા પછી બહેને બે-ચાર વર્ષ પહેલાં પોસ્ટ કરેલી રાખડી ભૂતપૂર્વ ભાઇ’ (અને વર્તમાન પતિ)ને મળે તો?  ‘રાજશ્રી પ્રોડક્શન્સનો વિષય બની શકે એવી શક્યતાઓ ધરાવતી આ સિચ્યુએશન હજુ સુધી જાણમાં આવી નથી, એ બદલ પોસ્ટ ખાતાની પ્રશંસા કરવી રહી. આ જાતનાં પાત્રો રક્ષાબંધનને  પ્રેમનો જ તહેવાર ગણે છે. તેમની પ્રેમસંબંધી દૃષ્ટિ વિશાળ છે એટલું જ.

4 comments:

 1. વાહ, બરાબરના ખીલ્યા છો આ લેખમાં.

  ReplyDelete
 2. સરસ લેખ

  ReplyDelete
 3. આ તહેવાર ભાઈબહેનનો તહેવાર ક્યારથી બન્યો એ સંશોધનનો વિષય છે. જહાંગીરનામામાં જહાંગીર લખે છે કે રક્ષાબંધન બ્રાહ્મણોનો,શમીપૂજન ક્ષત્રિયોનો, દિવાળી વૈશ્યોનો અને હોળી શૂદ્રોનો તહેવાર છે.

  ReplyDelete
 4. Hiren Joshi USA7:34:00 PM

  Enjoyed your article.

  ReplyDelete