Monday, August 29, 2016

ટાગોર-ક્ષિતિમોહન સેન જેવાને પ્રભાવિત કરનાર શિક્ષકઃ કરુણાશંકર ભટ્ટ

Karunashankar Bhatt / કરુણાશંકર ભટ્ટ
‘...ભાઇ કરૂણાશંકરને હું સારી રીતે ઓળખતો હતો. તે ગુજરાતનું રત્ન હતા. તેની સેવા અનુપમ હતી.’ - મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ (સેવાગ્રામ, ૧૦-૩-૪૫)

ઉપર મૂકેલા  ટૂંકા પત્રમાં ઘણી વિશિષ્ટતાઓ છે : પત્ર છેક ૧૯૪૫માં લખાયેલો હોવા છતાં તે ‘બાપુના આશીર્વાદ’ ને બદલે ‘મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ’થી પૂરો થાય છે. તે બે વર્ષ પહેલાંની ગાંધીજયંતિ (૨ ઓક્ટોબર, ૧૯૪૩)ના રોજ મૃત્યુ પામેલા કરુણાશંકરની શોકસભા કે શ્રદ્ધાંજલિગ્રંથ માટે લખાયેલો ઔપચારિક સંદેશ નથી. ગાંધીજી જેવા કડક પરીક્ષક કોઇના માટે ‘ગુજરાતનું રત્ન’ અને ‘અનુપમ સેવા’ જેવાં વિશેષણ શ્રદ્ધાંજલિમાં પણ લૂંટાવી દે એ વાતમાં માલ નથી.

૧૮૭૩માં જન્મેલા કરુણાશંકર કુબેરજી ભટ્ટ વીસ વર્ષની વયે ગાયકવાડી રાજમાં, સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામે શિક્ષક તરીકે જોડાયા, ત્યારે શિક્ષણ અને કેળવણી વિશેના તેમના ખ્યાલ અંગ્રેજી શિક્ષણપદ્ધતિ કરતાં બહુ જુદા હતા. પરીક્ષાઓ અને નંબરોની બોલબાલા તથા માત્ર નોકરી મેળવવા માટે ભણવાનો ખ્યાલ તેમને અકારાં લાગતાં હતાં. બી.એ.-એમ.એ. થઇને શિક્ષણક્ષેત્રમાં આવતા અધ્યાપકો વિશે પણ તેમને ભારોભાર અસંતોષ હતો. પુત્રી કુસુમબહેનને એક પત્રમાં તેમણે ફર્ગ્યુસન કોલેજના બે-ચાર અધ્યાપકોનાં નામ ટાંકીને લખ્યું હતું, ‘(આ લોકોનાં) જીવન એ જ ખરાં જીવન છે. બાકી તો બીજા બધા પોતાના મનને ભાડે ફેરવે છે.’  (૧-૭-૧૯૨૦)

રૂપિયા રળવા ખાતર શિક્ષકની નોકરી કરવી પડે, એ તેમને પોતાને પણ કઠતું હતું. અત્યારની જેમ ત્યારે પણ મોટા ભાગના શિક્ષકો ટ્યુશનમાંથી અઢળક રળી લેવાનાં સ્વપ્નાં જોતા હોય, ત્યારે કરુણાશંકર માસ્તરનું સ્વપ્ન એવું હતું કે તે રૂપિયાની ચિંતા કર્યા વિના આખો વખત અધ્યયન અને અઘ્યાપનમાં મશગૂલ રહી શકે. પરંતુ સંસારજીવનના તકાદાને કારણે એ શક્ય બન્યું નહીં.

સરકારી નોકરીઓ પછી અમદાવાદમાં અંબાલાલ સારાભાઇના પરિવારમાં અને પાછળથી મુંબઇના તુલસીદાસ કીલાચંદ પરિવારમાં તેમણે શિક્ષક તરીકે કામગીરી અદા કરી. સારાભાઇ દંપતી અંબાલાલ- સરલાદેવી સપરિવાર બ્રિટન ગયાં ત્યારે કરુણાશંકરને સાથે લઇને ગયાં હતાં. એ પ્રવાસ દરમિયાન તેમણે એક પત્રમાં પોતાનો કચવાટ ઠાલવતાં લખ્યું હતું,‘દાસત્વ કરીકરીને જેની પાંખ બંધાઇ ગઇ છે તે હવે સ્વતંત્ર કેવી રીતે થાય? હું તો મારા સંબંધમાં આવતા સર્વને કહું છું કે બની શકે તો કોઇ નોકરી ન કરશો. નોકરી સિવાય ઉદરનિર્વાહનો બીજો કોઇ માર્ગ જ નથી? મને પોતાને સુઘ્ધાં સ્વતંત્ર થવાના વિચારો આવ્યા કરે છે...’ (૨૫-૬-૧૯૨૦)

સારાભાઇ પરિવારમાં શિક્ષક તરીકે રહેવાને કારણે, રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાથીદારો સાથે તેમનો પરિચય થયો. ગાંધીજીના આમંત્રણથી એ લોકો અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે અંબાલાલ સારાભાઇના મહેમાન બન્યા હતા. હતા. સારાભાઇ પરિવારની સમૃદ્ધિ-સંસ્કારિતાની સાથોસાથ કોઇ અદૃશ્ય વ્યક્તિનું દૃષ્ટિપૂર્વકનું આયોજન પણ ગુરુદેવથી છાનું ન રહ્યું. તેમણે પોતાના સાથી અને શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેનને તપાસ કરવા કહ્યું. ‘ખિતિબાબુ’ તરીકે ઓળખાતા આચાર્યે શોધી કાઢ્‌યું કે એ અદૃશ્ય વ્યક્તિ કરુણાશંકર માસ્તર હતા.

ત્યારથી રવીન્દ્રનાથ ટાગોર અને ક્ષિતિમોહન સેન સાથે કરુણાશંકરનો સીધો અને ઊંડો સંબંધ બંધાયો. લંડનમાં અંબાલાલ સારાભાઇ અને તેમનાં પત્ની સરલાદેવી (ડો.વિક્રમ સારાભાઇનાં માતા-પિતા) રવીન્દ્રનાથ ટાગોરનું પ્રવચન સાંભળવા ગયાં, ત્યારે ગુરૂદેવે તેમને સામેથી કહ્યું,‘કરુણાશંકરને તો અહીં વિલાયતમાં ઘણી પ્રતિકૂળતાઓ હશે. એમને બિચારાને અહીં શું કરવા લાવ્યા?’

શેઠે જવાબ આપ્યો હતો,‘એેમને તો અહીં ઘર જેવું લાગે છે. અમારા ઘરમાં જ રહે છે. અમે એમને ઘરના માણસ તરીકે ગણીએ છીએ.’ આ સંવાદ પોતાના પત્રમાં નોંધીને કરુણાશંકર લખે છે,‘આ ઉત્તર ખરો છે. આ ઘરમાં રહેવાથી મને તમામ પ્રકારની અનુકૂળતાઓ છે.’ (૨૫-૬-૧૯૨૦)
Gandhi- Kshitimohan Sen / ગાંધીજી- ક્ષિતિમોહન સેન
ધનાઢ્‌ય પરિવારોમાં અને વડોદરા રાજ્યની સરકારી શાળાઓમાં કરુણાશંકરે શિક્ષક તરીકે ઘણાં વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું, પરંતુ તેમની કારકિર્દીનો સૌથી યાદગાર સમયગાળો ૧૯૨૭થી ૧૯૩૦ની વચ્ચે કોસિન્દ્રામાં વીત્યો. માસ્તર પોતે ૧૮૯૩ થી ૧૯૦૦ સુધી સાત વર્ષ કોસિન્દ્રામાં શિક્ષક તરીકે રહી ચૂક્યા હતા. ગામના લોકો પર તેમનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે લગભગ બે દાયકા પછી કોસિન્દ્રાના લોકોએ તેમને શાળા શરૂ કરવા નિમંત્રણ આપ્યું. કરુણાશંકરે ઉત્સાહપૂર્વક કોસિન્દ્રામાં ગુરુકુળ પદ્ધતિથી શાળા શરૂ કરી. શરૂઆતમાં પોતે માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા અને ૧૯૨૭માં અંબાલાલ સારાભાઇની નોકરી છોડીને એ પણ કોસિન્દ્રા વસ્યા. તેમના આમંત્રણથી આચાર્ય ક્ષિતિમોહન સેન અનેક વાર ગુજરાત આવ્યા.  અમદાવાદ જેવા શહેરને બદલે કોસિન્દ્રા જેવા ખૂણાખાંચરાના ગામમાં તેમનાં વ્યાખ્યાન ગોઠવાયાં. એ વ્યાખ્યાનો સાંભળવા માટે  આજુબાજુના ગામડાંના લોકોથી માંડીને અમદાવાદના કેટલાક જાણીતા લોકો કોસિન્દ્રા જતા હતા.

ક્ષિતિમોહન સેનની પ્રતિભા જાણીતી હોવાથી તેમનાં વ્યાખ્યાનોની વિગતવાર નોંધ લેવાતી હતી અને તે ‘પ્રસ્થાન’ જેવા સામયિકમાં પ્રગટ પણ થતી હતી. વર્ષો પછી (૧૯૯૦માં) નાનકભાઇ મેઘાણીએ ક્ષિતિમોહન સેનના પ્રવચન-લેખોનો સંગ્રહ  ‘સાધનાત્રયી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો. ૭૦૦થી પણ વઘુ પાનાં ધરાવતા આ દળદાર ગ્રંથમાં, ક્ષિતિબાબુએ કોસિન્દ્રામાં આપેલાં વ્યાખ્યાનો પણ ‘શિક્ષણસાધના’ અને ‘તંત્રની સાધના’ એ મથાળાં હેઠળ ઉપલબ્ધ બન્યાં. ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, મોહનલાલ પટેલ અને જયંતીલાલ આચાર્યના સક્રિય સહયોગથી તૈયાર થયેલો આ ગ્રંથ અમદાવાદના શાંતિનિકેતન આશ્રમિક સંઘે કરુણાશંકર ભટ્ટને અર્પણ કર્યો હતો.

કોસિન્દ્રાનો પ્રયોગ વિવિધ કારણોસર ત્રણ વર્ષથી વધુ ન ચાલ્યો, ત્યારે પોતાની વિશિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને કરુણાશંકર શાંતિનિકેતન લઇ ગયા અને ત્યાં મૂકી આવ્યા. રવીન્દ્રનાથ પ્રત્યે હતો એવો જ પૂજ્યભાવ તેમને ગાંધીજી માટે પણ હતો. ગાંધીજીના તંત્રીપદે નીકળતા ‘નવજીવન’ના અંકો તે ધ્યાનથી વાંચતા-વંચાવતા. ‘નવજીવન’ વાંચતાં એમને વિચાર આવ્યો કે અંકનાં છાપેલાં પાનાંની વચ્ચે એક-એક કોરું પાનું હોય તો નોંધ કરવામાં કે વિચારો ટપકાવવામાં સરળતા પડે. આ વાત તેમણે ‘નવજીવન’ની કામગીરી સંભાળતા સ્વામી આનંદને કરી, એટલે સ્વામી કરુણાશંકર માટે ‘નવજીવન’ની થોડી નકલો અલગ તૈયાર કરાવતા હતા. તેમના પુત્ર ચંદ્રકાન્તભાઇએ નોંધ્યું છે કે ‘આવું ઘણો વખત ચાલ્યું અને નવજીવનનું ભાઇ ઉપરનું દેવું વધતું ચાલ્યું. બિલો આવ્યા કરતાં, પણ કોઇ પૈસા માટે તગાદો કરતું નહિ. એ બિલ કોણે ભર્યાં એની મને ચોક્કસ ખબર નથી.’

શિક્ષણને વ્યવસાય ગણીને તેમાંથી બે પાંદડે થવું એ કદી કરુણાશંકરનું લક્ષ્ય ન હતું. એટલે છેવટ લગી આર્થિક રીતે સધ્ધર થઇ શક્યા નહીં. પણ તેમણે પોતાના વિદ્યાર્થીઓને આપેલો સંસ્કારવારસો અને તેમના થકી ગુજરાતની આવનારી પેઢીઓને મળેલો ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનનો વારસો સાંસ્કૃતિક ગુજરાતનો અણમોલ ખજાનો છે.

(વિગતો : કરુણાશંકર શતાબ્દી સ્મારક ગ્રંથ, કરુણાશંકર ભટ્ટના પત્રો તથા ક્ષિતિમોહન સેનના લખાણસંગ્રહ ‘સાધનાત્રયી’માંથી)

2 comments:

  1. Anonymous5:14:00 AM

    Enter your comment...सरस माहिती आपी छे. आभार!
    अशोक भार्गव

    ReplyDelete
  2. "ફર્ગ્યુસન કોલેજના બે-ચાર અધ્યાપકોનાં નામ ટાંકીને લખ્યું હતું, ‘(આ લોકોનાં) જીવન એ જ ખરાં જીવન છે. બાકી તો બીજા બધા પોતાના મનને ભાડે ફેરવે છે.’ (૧-૭-૧૯૨૦)" ઊંડી ચોટ કરી ગયું, આ વાક્ય.

    ReplyDelete