Monday, August 15, 2016
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની વાતો, સાક્ષી-પત્રકાર દુર્ગાદાસની નજરે
સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ
જેવા પ્રસંગો પહેલી વાર બને ત્યારે અને પછીથી થોડાં વર્ષ સુધી મહિમાવંતા રહે છે, પણ
ધીમે ધીમે તે ઔપચારિકતા અને પછી તો કેવળ ‘રજા’માં ફેરવાય છે--એવી રજા, જ્યારે
ચેનલ પર આવતી પરેડ કે દેશભક્તિની ફિલ્મોથી જ આ દિવસ હોવાનો અહેસાસ થાય. સાથોસાથ, એવું
પણ બને છે કે આઝાદી મળી એ દિવસની-એ સમયની મોટા ભાગની વિગતો ભૂલાઇ જાય છે ને
જવાહરલાલ નેહરુના અડધી રાતના ‘ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની’ પ્રવચન જેવી કેટલીક ગણીગાંઠી
બાબતો જ સંભારાતી રહે છે.
‘ફ્રીડમ એટ મિડનાઇટ’
(લેરી કોલિન્સ અને દોમિનિક લેપિયર) જેવાં લોકરંજક પુસ્તકો
ભારે મહેનત-જહેમતથી લખાયાં હોવા છતાં, તેમાં ઇતિહાસના નામે મરીમસાલો ભરેલી હકીકતો અને
મુખ્યત્વે માઉન્ટબેટનનું દૃષ્ટિબિંદુ રજૂ
થયું. રસઝરતી નવલકથાના અંદાજમાં રજૂ થયેલા આવા અર્ધઇતિહાસે એકંદરે ઇતિહાસથી દૂર
રહેતા લોકોને આકર્ષ્યા. સાથોસાથ, ઘણાં અર્ધસત્યો પણ વહેતાં કર્યાં અથવા સત્યોને
નાટ્યાત્મક સ્વરૂપ આપીને તેને બહેલાવ્યાં. તેની સરખામણીમાં ‘ઇન્ડિયા
: ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર’ (૧૯૬૯) મથાળા પરથી જ સમજાય છે તેમ, એક અગત્યના
સમયખંડનું ઉપયોગી દસ્તાવેજીકરણ છે. તેના લેખક હતા જાણીતા પત્રકાર અને ‘હિંદુસ્તાન
ટાઇમ્સ’ના તંત્રી દુર્ગા દાસ. એ સમયે ટોચના પત્રકાર ગણાતા દુર્ગાદાસને
ગાંધી-ઝીણા-બાદશાહખાનથી માંડીને બીજી-ત્રીજી હરોળના નેતાઓ અને સામાન્ય માણસો સાથે
દુર્ગા દાસનો સંપર્ક અને સંવાદ રહ્યો, જેના પરિણામસ્વરૂપે લોકપ્રિય ઇતિહાસમાં ન નોંધાઇ હોય
એવી ઘણી વિગતો તેમનાં સંભારણાંના પુસ્તકમાં (‘ફ્રીડમ એટ મિડનાઇટ’ કરતાં
ઓછી રસાળ, પણ ઘણી વધારે આધારભૂત રીતે) આવી.
Durga Das (with tie-suit-spectacles) with Stafford Cripps and Gandhiji / ગાંધીજી અને સ્ટેફર્ડ ક્રિપ્સ સાથે (ચશ્મા-ટાઇવાળા) દુર્ગાદાસ |
એ પ્રમાણમાં જાણીતી વાત છે કે
માઉન્ટબેટને ઉતાવળ કરીને ૧૯૪૮ને બદલે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭નો દિવસ નક્કી કર્યો, ત્યારે
દિલ્હીના જ્યોતિષીઓએ ૧૪ ઓગસ્ટ વધારે શુકનિયાળ હોવાનો વર્તારો કાઢ્યો. આઝાદી
પહેલાં ગાંધીજીએ તેમનો એકેય સત્યાગ્રહ કે સુભાષચંદ્ર બોઝે તેમની ઘણી યોજનાઓ કે
સરદાર પટેલે તેમનો એકેય કાર્યક્રમ જ્યોતિષીને પૂછીને નક્કી કર્યા હોય એવો દાખલો ન
હતો. પણ આઝાદીના પ્રસંગે જાણે કશો ચાન્સ લેવા ન માગતા હોય તેમ, જ્યોતિષીઓની
આગાહી ગંભીરતાથી લેવામાં આવી. આ તરફ માઉન્ટબેટને આપેલી ૧૫ ઓગસ્ટની તારીખ ફરે એમ ન
હતી. એટલે દુર્ગા દાસે લખ્યું છે કે, જવાહરલાલ નેહરુએ વચલો રસ્તો કાઢ્યો. તેમણે ૧૪મી
ઓગસ્ટની બપોરથી કેન્દ્રીય ધારાસભાના સત્રની શરૂઆત કરી અને બરાબર ઝીરો અવર એટલે
કે ૧૪મીની રાતે ૧૨ વાગ્યે સ્વતંત્રતાની
જાહેરાત કરી. આઝાદ થતા દેશ માટે આ બહુ સારી કે અનુસરવા યોગ્ય પરંપરા ન કહેવાય.
પરંતુ અંગ્રેજોનું શાસન દૂર થવાનો અને પોતાની સત્તા મળવાનો આનંદ એટલો હતો કે તેમાં
આવી બાબતો ગૌણ બની.
૧૪મીની રાતે થયેલી બીજી જાહેરાત
માઉન્ટબેટનને આઝાદ ભારતના પહેલા ગવર્નર જનરલ બનાવવાની હતી. સામાન્ય સંજોગોમાં આ
નિર્ણય સામે પણ ભવાં તંગ થઇ શક્યાં હોત. પરંતુ આઝાદીના ઉત્સવમાં એ પણ ભૂલાઇ ગયું.
એ રાત્રે સુચેતા કૃપાલાની અને નંદિતા કૃપાલાનીએ ‘જનગણમન’ની પહેલી કડી ગાઇ. (ત્યારે એ
રાષ્ટ્રગીત બન્યું ન હતું.) કલકત્તાની કોમી આગ ઠારવા ગયેલા ગાંધીજી ૧૪-૧૫ ઓગસ્ટના
એ સમારંભોમાં ગેરહાજર હતા. દુર્ગા દાસે નોંધ્યું છે કે આકાશવાણીનો પ્રતિનિધિ ૧૪ની
સાંજે ગાંધીજીનો સંદેશ લેવા ગયો, ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું,‘આઇ
હેવ રન ડ્રાય.’ (મારી સરવાણી સુકાઇ ગઇ છે એટલે કે કશું કહેવાનું નથી.) ગાંધીજીની જેમ આચાર્ય કૃપાલાણીમાં
પણ કલકત્તામાં હતા. તેમણે આત્મકથામાં લખ્યું છે કે (તેમનાં પત્ની) સુચેતા
રાષ્ટ્રગીત ગાવાનાં હોવાથી તેનું પ્રસારણ સાંભળવા માટે, તેમણે મહેનતથી રેડિયોવાળું કોઇ
ઘર શોધ્યું અને ત્યાં જઇને ‘જનગણમન’ સાંભળ્યું. પરંતુ એ પ્રસંગે સંખ્યાબંધ શહીદોના નારા
જેવું ‘વંદે માતરમ્’ ન ગવાયું, એ બદલ આચાર્ય કૃપાલાણીએ ખેદ પણ પ્રગટ કર્યો. દુર્ગા દાસે નોંધ્યા પ્રમાણે, ઇકબાલનું
‘સારે જહાંસે અચ્છા’
પણ તે રાત્રે ગવાયું હતું.
૧૫મી ઓગસ્ટે ભારતના પહેલા વડાપ્રધાન
તરીકે પંડિત નેહરુએ લાલ કિલ્લા પરથી
રાષ્ટ્રઘ્વજ ફરકાવ્યો. ત્યાંથી તેમણે સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા અને આઝાદ હિંદ
ફોજ સહિતના તમામ રાજકીય કેદીઓને છોડી મૂકવાની જાહેરાત કરી. એ વખતની બે નાની છતાં રસપ્રદ
બાબતો દુર્ગા દાસે નોંધી છે : મોટી સંખ્યામાં લોકો ‘માઉન્ટબેટનકી જય’ પોકારતા
હતા. એક એવા માણસની જય,
જે ભારતને ગુલામ બનાવનાર રાજનો પ્રતિનિધિ હતો. એ ‘જય’ બોલાવવાની
ભારતીય ઉત્સુકતા-કમ-માનસિકતાનું પરિણામ હતું. દુર્ગા દાસ સાથેની વાતચીતમાં એક વાર
ગાંધીજીએ કહ્યું હતું,‘જવાહર ઇચ્છે છે કે અંગ્રેજો જાય ને અંગ્રેજિયત રહે. હું ઇચ્છું છું કે
અંગ્રેજોને મિત્ર તરીકે રહેવું હોય તો રહે, પણ અંગ્રેજિયત જાય.’
૧૫ની ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમમાં
અને સડકો પર ઉમટી પડેલા લોકોમાંથી ઘણા સાથે દુર્ગા દાસે વાત કરી. તેમણે લખ્યું છે,‘મોટા
ભાગના લોકો ગાંધીજીને સ્વરાજ આણનારા ગણતા હતા અને હવે રામરાજ આવશે, એવી
અપેક્ષા સેવતા હતા.’ ગામડાંના હજારો લોકો દિલ્હીમાં આઝાદીના ‘મેળા’ માટે ઉમટ્યા હતા. તેમાંથી એકને
દુર્ગા દાસે દિલ્હી આવવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમને જવાબ મળ્યો,‘રાજા
જવાહરલાલનાં દર્શન કરવા.’
અંગ્રેજી રાજ ગયું હતું, પણ રૈયતમાંથી નાગરિક બનવાની
પ્રક્રિયા દેશ સામેનો સૌથી મોટો અને કદાચ સૌથી ઓછો દેખીતો પડકાર હતી. એ સમસ્યા હજુ પણ ઊભી જ છે. (‘તાજપોશી’ અને ‘ગુજરાતનો
નાથ’ જેવાં મથાળાં હજુ ક્યાં દૂર થયાં છે?)
અંગ્રેજોનું રાજ ગયું, પણ
ગાંધીજી સિવાયના ભારતીય નેતાઓએ ધારેલી આસાનીથી ભાગલા ન પડ્યા. સરહદની બન્ને બાજુ લોહીયાળ હુલ્લડ થયાં. તેનો
સૌથી વધારે ઘા પંજાબને વેઠવાનો આવ્યો. ૧૫ ઓગસ્ટ પછીના માંડ પંદર દિવસમાં પંડિત
નેહરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકતઅલીએ પંજાબ (પાકિસ્તાન)ના લ્યાલપુર અને લાહોરની મુલાકાત લેવાનું નક્કી
કર્યું. પંડિત નેહરુ સાથે ગયેલા થોડા ભારતીય પત્રકારોમાં દુર્ગા દાસનો પણ સમાવેશ
થતો હતો. મોટી સંખ્યામાં (દુર્ગા દાસના અંદાજ પ્રમાણે, પાંચેક લાખ) હિંદુઓ-શીખો સલામત
રીતે ભારત આવવા ઇચ્છતા હતા અને એ માટેની વ્યવસ્થાની શોધમાં હતા. દુર્ગાદાસે લખ્યું
છે કે, ‘(અમે પહોંચ્યા) એ દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો. એટલે એકાદ ડઝન સ્ત્રીઓ અમારા
ઉતારે સરકિટ હાઉસ પર આવી અને તેમણે પંડિત નેહરુને રાખડી બાંધી. એ વખતે અમારી બધાની
આંખ ભીની થઇ.
એ મુલાકાત વખતે દુર્ગા દાસ પંજાબના
ગવર્નરને મળ્યા. બીજા ઘણા હોદ્દાની જેમ એ હોદ્દે પણ એક અંગ્રેજ (ફ્રાન્સિસ મુડી)
હતા. દુર્ગાદાસને તેમણે પૂછ્યું,‘તમે અહીં શું કરવા આવ્યા?’ દુર્ગા દાસે કહ્યું,‘તમે
ને આપણે છૂટા મુકેલા ભયાનક રાક્ષસે નિર્દોષ લોકોની કેવી દશા કરી છે એ જોવા માટે.’ તરત
અંગ્રેજ ગવર્નરે દાઢમાં કહ્યું,‘તમારે આઝાદી જોઇતી હતી ને. આ લો તમારી આઝાદી.’ બીજા
ઘણા અંગ્રેજ અફસરોએ પણ હિંસા શમાવવામાં સહકાર આપવાને બદલે, ‘લો, તમારી આઝાદી’વાળું
વલણ રાખ્યું હતું. છતાં, ડો.રાધાકૃષ્ણન્
૧૪મીની રાતના ઐતિહાસિક કાર્યક્રમમાં અંગ્રેજ પ્રજાના રાજકીય ડહાપણ અને સાહસની
પ્રશસ્તિ કરી રહ્યા હતા.
ઉતાવળે લઇ લેવાયેલી આઝાદી પછી બાકી રહેલો
નાગરિક ઘડતરનો કાર્યક્રમ સંભારવો અને યથાશક્તિ આગળ વધારવો એ પણ ૧૫ ઓગસ્ટની ઉજવણી જ
ગણાય.
Labels:
history/ઇતિહાસ,
media,
Nehru,
pakistan
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment