Saturday, August 06, 2016

મતભેદ ભૂલીને ભેદભાવની સામે થવાની તક

હાર્દિક પટેલની જામીનમુક્તિ અને ગુજરાતવટા પછી પાટીદાર આંદોલન જરાતરા ટાઢું પડે તે પહેલાં ઉના અત્યાચારનો મુદ્દો આવ્યો અને અભૂતપૂર્વ રીતે છવાઇ ગયો. તેમાં વોટ્‌સએપ પર ફરતી થયેલી વિડીયોથી માંડીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની આવી રહેલી ચૂંટણી જેવાં ઘણાં પરિબળ જવાબદાર ગણાય.

વિપક્ષી નેતાઓની ઉના મુલાકાત અને સંસદમાં માયાવતીએ ઉઠાવેલો ઉના મુદ્દો નકરું રાજકારણ હોઇ શકે છે, પણ સિંહસ્થ કુંભમાં દલિત સાધુઓ સાથે ડૂબકી મારવા આતુર અમિત શાહ સહિતના સત્તાધારી પક્ષના નેતાઓ તો એટલી ઔપચારિકતામાંથી પણ ગયા. પોતાની લાગણીથી તો એ ઉના મુદ્દો ન ઉપાડે, પણ માથે ઉત્તર પ્રદેશની ચૂંટણી જેવો મોટો સ્વાર્થ ગાજતો હોય, છતાં તેમને દલિતોના અજંપાની પરવા ન હોય? તેમને એવું ન થાય કે કમ સે કમ ચૂંટણીલક્ષી કાર્યક્ષમતા- રાજકીય સંવેદનશીલતા તો દેખાડીએ?

પણ ના. એવું ન થયું. ઘણા દિવસ સુધી ભાજપી નેતાઓ એવા વહેમમાં રહ્યા કે સમરસતાની ગળચટ્ટી સરકારી વાતો કરનારા ગુજરાતમાં દલિતો પર ક્યાં પહેલી વારનો અત્યાચાર છે? કકળાટ થોડો ચાલશે ને એની મેળે શમી જશે. અગાઉ થાનગઢમાં ત્રણ જુવાનજોધ દલિતો પોલીસ ગોળીબારમાં માર્યા ગયા અને દલિતોએ થાનગઢમાં સ્વયંભૂ રીતે મહાસંમેલન ભર્યું, ત્યારે પણ સરકાર તરીકે આપણે ક્યાં એ કશું ગણકાર્યું હતું? થાનગઢ કેસમાં ન્યાયી તપાસને બદલે તેનું ફીંડલું વાળી દીધું, તો પણ દલિતોએ આપણું શું બગાડી લીઘું હતું?’

રવિવારના દલિત મહાસંમેલન પછી અને ત્યાર પહેલાં પણ ગુજરાત સરકારને સમજાઇ ગયું હશે કે હવેનું કામ ફાટેલા આભને થીંગડાં દેવાનું છે. આવી સ્થિતિમાં સરકારોનું કામ આંદોલનની નેતાગીરીને પટાવવાનું-મનાવવાનું ને એ ન થાય તો ડરાવવાનું-દબાવવાનું હોય છે, તો સામાજિક નેતાઓનું (અઘરું) કામ સરકારી પ્રલોભનો કે ધમકીઓથી ડગ્યા વિના, લક્ષ્ય ભણી આગળ વધવાનું હોય છે. સામાજિક આંદોલનોની વિશિષ્ટ ભૂમિકા નક્કર તાકાતની કેન્દ્રીય ધરી ઊભી કરવાની હોય છે-- એવી ધરી, જેની સાથે તનથી કે મનથી જોડાઇને સમાજનો દરેક માણસ અન્યાય સામે લડવાની હિંમત મેળવી-કેળવી શકે. અન્યાય સામેની લડતમાં તેને એકલતા નહીં, પણ વ્યાપક ચળવળ સાથેના અનુસંધાનની અનુભૂતિ થાય. ગાંધીજીના ને આંબેડકરનાં આંદોલનનું ઐતિહાસિક વિશ્લેષણ કરીને તેમાંથી નાનામોટા ઘણા ખાંચા કાઢી શકાય, પરંતુ આ બન્નેનાં આંદોલન કેન્દ્રીય ઊર્જા-ચેતના પેદા કરી શક્યાં. તેમના આંદોલનમાં સીધા ન સંકળાયા હોય એવા લોકો પણ એ ઊર્જાનો અહેસાસ કરી શક્યા અને તેમાંથી ઓછેવત્તે અંશે શક્તિ મેળવીને પોતપોતાની રીતે કામ કરી શક્યા.

વર્તમાન દલિત આંદોલન પાસેથી પણ એવી અપેક્ષા રહે કે તે ફક્ત ઉના ઘટના પૂરતી જ નહીં, વ્યાપક સ્તરે ભેદભાવ-અત્યાચારવિરોધી ધરી ઊભી કરે--એક પ્રકારનું ઊર્જાકેન્દ્ર ઊભું કરે. (અહીં અધ્યત્મવાળાની અગડમ્‌ બગડમ્‌ ઊર્જાની નહીં, જનસમુહની એકતામાંથી ઊભી થતી તાકાતની વાત છે.)  સ્થાનિક સ્તરે શોષણ સામે લડતા કે લડવા ઇચ્છતા દલિતો એ ઊર્જાપ્રવાહ સાથે પોતાનું જોડાણ અનુભવે અને તેમાંથી બળ મેળવે. આવી લડાઇમાં કોઇ નેતા ઉદ્ધારક બની શકતો નથી. ગમે તેટલા મહાન નેતાની મોટી કામગીરી પછી પણ, પોતાના શોષણ સામેની લડાઇ દરેકે જાતે લડવી પડે છે. ફક્ત દલિત સમાજનું જ નહીં, આ દેશનું મોટું અહિત ઉદ્ધારકોની લ્હાયમાં જ થયું છે-થઇ રહ્યું છે. કોઇ રાજકીય કે સામાજિક નેતા પોતાના ગામમાં આવે ને કલ્યાણ કરી નાખે એની રાહ જોવાને બદલે દલિતોએ સામે ચાલીને આવી કેન્દ્રીય ધરી સાથે સંકળાવું રહ્યું. કેમ કે, આવી ધરીની ખરી તાકાત તેને મળેલા લોકોના નક્કર સમર્થનમાં હોય છે.

ફક્ત દલિતો જ શા માટે, ભેદભાવના વિરોધી અને પોતે ઊંચ-નીચમાં માનતા નથી, એવો ખ્યાલ સેવતા સૌ બિનદલિતોએ પણ આ ધરી સાથે જોડાઇને તેને બળ પૂરું પાડવું રહ્યું. તેમાં સિવિલ સોસાયટીતરીકે ઓળખાતા જાગ્રત નાગરિક સમાજથી માંડીને ગાંધીવાદી-સર્વોદયી અને સમાજના વિવિધ પ્રશ્નો પર કામ કરનારા લોકો-જૂથો અને સામાન્ય નાગરિકો પણ જોડાય. (મુંબઇના કેટલાક સર્વોદયી મિત્રો ઉના ઘટના નિમિત્તે ભેદભાવવિરોધી ઝુંબેશમાં સામેલગીરીનું આયોજન કરી રહ્યા છે.) ગુજરાતમાં અસંખ્ય સ્વૈચ્છિક સંસ્થાઓ હોવા છતાં, તેમની તાકાતના સરવાળા કે ગુણાકારને બદલે મોટે ભાગે ભાગાકાર જ થતો રહ્યો છે. વ્યક્તિગત મતભેદ અને કેટલીક બાબતોમાં જુદા અભિગમની વંડીઓ ઠેકીને, ભેદભાવવિરોધી મૂળભૂત મુદ્દે એકતા ન સાધી શકાય? એ રીતે વર્તમાન આંદોલન ફક્ત દલિતોની અમુક પેટાજ્ઞાતિ કે તમુક સંગઠનને બદલે, જ્ઞાતિઆધારિત અસમાનતા-અન્યાયમાં ન માનતા સૌ કોઇનું બની રહેવું જોઇએ.

નવી પેઢીના જોશ અને જૂની પેઢીના અનુભવ-સંગઠનશક્તિની યુતિ થાય, તો જ ગુજરાતવ્યાપી અને પરિણામદાયી લડત ઊભી થાય. એ માટે પોતાનું વિત્ત પુરવાર કરી ચૂકેલા જૂની પેઢીના નેતાઓએ સિનિયોરિટી સહજ ભાર કે નેતાસહજ સ્પર્ધાભાવ છોડવો પડે અને નવી પેઢીના નેતાઓએ વડીલોને સાથે રાખીને, તેમના અનુભવનો લાભ લેવા જેટલી નમ્રતા ન હોય તો કેળવવી પડે. વ્યવહારુ કારણોસર કોઇ એક નામ નેતા તરીકે મુકવાનું થાય તો એ નવી પેઢીનું જ હોઇ શકે. કારણ કે એ નામનો ચોપડો લગભગ કોરો હોય. (ફક્ત એટલા પૂરતું પાટીદાર આંદોલનનું ઉદાહરણ લેવા જેવું છે.)  સાથોસાથ, એ સમજ સ્પષ્ટ હોય કે ટોચે દેખાતું એક નામ વ્યવહારુ કારણસર છે. બાકી, અસલી નેતાગીરી સહિયારી છે અને ગમે તે થાય, ગમે તેટલાં રાજકીય કે સામાજિક દબાણ આવે, એ નેતાગીરી મૂળભૂત મુદ્દા પર કોઇ જાતની બાંધછોડ નહીં કરે.

દલિતોની અનામતનાબૂદી માટે સદા ઉત્સુક રહેતા સૌએ આ આંદોલનમાં ખાસ જોડાવું જોઇએ. પરંપરાના નામે માથે મરાયેલાં કામમાંથી-તેના સામાજિક કલંકમાંથી દલિતો મુક્ત થશે અને સમાજનો તેમની સાથેનો વ્યવહાર બરાબરીનો થશે, ત્યારે દલિતોને આપોઆપ સમાન તક મળતી થશે. ત્યાર પછી અનામતની જરૂર નહીં રહે. કાખઘોડી વિશેષાધિકાર નહીં, મજબૂરી હોય છે. એ જરૂર પડ્યે અને વખત આવ્યે દલિતોને પણ સમજાવી શકાશે. સામાજિક સમાનતા અને પ્રમાણસરનું પ્રતિનિધિત્વ સિદ્ધ થયા દલિતો અનામતનો આગ્રહ ચાલુ રાખે, તો તેમનો પણ વાજબી વિરોધ કરી શકાશે. બરાબરીના વ્યવહારની વો સુબહસરકારથી નહીં, સમાજથી આવશે.


અત્યાર લગી પોતપોતાની શક્તિઓ છૂટીછવાયી લગાડી રહેલા સૌ ભેદભાવ-અત્યાચાર સામે લડવા માટે એકમત હોય અને તેની રીતની બાબતમાં મૂળભૂત વાંધા ન હોય, તો આ તેમના માટે બળનો ગુણાકાર કરવાનો મોકો છે. ફક્ત મોકો જ નહીં, (ફરજના અર્થમાં) આ તેમનો ધર્મ પણ છે.

5 comments:

  1. સીધ્ધું જ હૃદયમાંથી નીકળી, મગજમાં Edit થઈ, અહીં ઉતરી આવ્યું છે. વિચારતા કરી દે અને વિચારથી બેચેન કરી દે એવો લેખ.

    ReplyDelete
  2. સરસ લેખ છે. આપ હંમેશા આવા વિષયો ઉપર લખતા રહો છો જે બીજા લેખકો માટે અછૂત છે. આપની હિંમતને સલામ છે.

    ReplyDelete
  3. મોટા સમઢીયાળા ખાતે દલિત યુવાનો પર કરવામાં આવેલ અત્યાચારના રાષ્ટ્રીય પડઘા પડતા સરકારને હરકતમા આવવું પડયુ,નહીંતર મનુષ્ય કરતા ગાયની કિંમત વધારે સમજતી સરકારને આકરાં પગલાં મજબૂરી વશ લેવા પડયા.કારણકે સરકારને ખબર છે કે ગાય દૂધ આપે છે મત નહીં.સરકાર અને સમાચાર માધ્યમો હવે ઉનાની ઘટના બાદ જેમનાં માટે કહેવાતા ગૌરક્ષકો શબ્દ વાપરે છે તેમણે અગાઉ ભેંસ ના માંસ નું વહન કરતા વાહન ચાલકોને કસાઈઓમા ખપાવીને ઢોર માર મારવાના બનાવો બનેલા છે.પરંતુ હાલ મુસ્લિમોનું કોઈ રાજકીય વજન કે પ્રતિનીધિત્વ ન હોઈ તથા તેમની તરફેણ કરવામાં ફાયદા કરતા નુકશાન વધુ દેખાતું હોઈ કોઈ પણ સ્તરે નોંધ લેવાઈ નથી.ઊલટા ચોર કોટવાલકો ડાંટે ઉક્તિ સાર્થક કરતાં અખ્લાકના પરિવારજનો પર ગૌહત્યા ના આરોપની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.ભારતના મુસ્લિમો ની આવી દારૂણ અને હડધૂત પરિસ્થિતિ છેલ્લા 1500 વર્ષોંમાં થઇ નથી મૂઠ્ઠીભર આતંકીઓ કે જેઓ કેહવાતા મુસ્લિમો છે તેમના અપક્રૂત્યો ને ઢાલ બનાવી તમામ મુસ્લિમો પર નિશાન તાકવાનું સરળ બની ગયું છે.બ્રાહ્મણ વાદી માનસિકતા થી પીડાતા લોકો માટે મુસ્લિમ અને દલિત વચ્ચે કોઈ ભેદ રેખા નથી સત્તામાં આવવા અને તેના પર ચીટકી રહેવા માટે તેઓ કોઈને પણ પોતાના દોસ્ત કે દુશ્મન બનાવી શકે છે.ગાયના નામે ચરી ખાનારાઓએ કદી ગાયના કલ્યાણ માટે કશું કર્યુ નથી

    ReplyDelete
    Replies
    1. Bhai Ezaj muslimonu rakkiya pratinidhitwq nathi e haqiqat chhe ane muslimonu vajan komvadi rajkaran ma bin asarkarak thayel chhe ARE JE DALITONE MUSLIMO E VARSO THI MADD KARI E LOKO J 2002 NA TOFANMA KHAS KARINE AHMEDABADMA MUSLIMONI HATYA BALTKAR VAGERE MA SANDOYAYEL CHHE JIGNESH MEWANI UNA KAND BAD AKHLAQ/DADRI NI VAT KARE CHHE PARANTU DADRI AKHLAQ NI HATYA KE DALITO 2002 MA MUSLIMONA KHOON NI HOLI KHELTA HATA TYARE KYA HATO MUSLIMO AVO KOI SAWAL JIGNESH MEWANI NE PUCHHYO NATHI ANE KOI PAN JATNI HSARAM VAGAR DALIT MUSLIM BHAI BHAI NA NARA PUKARE CHHE. PARANTU HARIJANONE JAMINO JOIYE CHHE TEMNE JAMINI MALI JASE PACHHI SU TAMNE SU PHYDO DALITO JETLA SADDAR THASE ETLA TAMARA PAR HULA VADHU KARSE BRHMNA MUSLIM KE VANIYA BRHMAN NO TAMNE SU VANDHO CHHE BRHMNO VANIYVO MUSLIM BADSHAH NAWABNE TYA NOKRIYO DIVAN PADU KARTA JA HATA

      Delete
    2. Dalito je brhmanvadi mansikat no bhog banel chhe tevoj 2002 ma aaj brhman vadivo sathhe maline muslimoni khoon ni holi khelel chhe chhta apne emne gale lagadi ne brahmnvadi vo ne galo appiye chhe to apnio samsyanu samadhan kyathhi thay. gujarat na fake encountersohrabuddin kausarbi ke ishrat jahan ma sandoyyel ips officers dr n k amin pandiyan dines badha harjano hata ane brhaman vadi ips shri kumar sanjiv bhatt rajnish ray rahul sharma vagere e muslmone nyay apvvani kosis karel chhe mate budhhi no upyog kari kon dost ane dushman banavvo ane koni sathhe jodavvu e shikho tamari aa khami tamari muslimoni taqlifnu mul karan chhe

      Delete