Friday, August 12, 2016

પહેલાં ઇંડુ કે પહેલી આમલેટ?

ના, આ ઉત્ક્રાંતિના રહસ્યને લગતો નહીં, ભોજન પસંદગી અંગેનો સવાલ છે. અને તેની ચર્ચા કરવા માટે તેનો સ્વાદ લેવાનું બિલકુલ જરૂરી નથી. ઇંડાનું નામ સાંભળીને ઘણાનું મોં મચકોડાશે, તો ઘણાના મોંમાં પાણી આવશે. પરંતુ આ લેખ એક પણ વાર ઇંડાનું સેવન કર્યા વિના લખાયો છે, એ જાણ્યા પછી કેટલાકને થશે : આટલા વર્ષમાં એક ઇંડું પણ ન ખાધું? ધૂળ પડી જીવતરમાં. કારણ કે તેમના મતે ઇંડાં એ (કોઇના દિમાગ પછીનો) સર્વોત્તમ ખોરાક છે. ઇંડાં ખાવાં જોઇએ કે નહીં એ બાબતે વર્ષોથી એવું પ્રચારયુદ્ધ ચાલે છે કે સામાન્ય માણસના મગજનો ખીમો થઇ જાય. એક પક્ષ ગાઇ-વગાડીને કહે છે,‘સંડે હો યા મંડે, રોજ ખાઓ અંડે’. બીજો પક્ષ ઋષિમુનિઓની પુણ્યપ્રકોપવાળી ભાષામાં કહે છે,‘જેના ખોરાકમાં ઇંડું, તેના આરોગ્યમાં મીંડું.

આરોગ્યપ્રેમીઓ રોજ સવારે ઇંડું નાખેલું દૂધ પીવાનો મહિમા ગાય છે.  ઇંડાં ગરમ પડતાં હોવાથી શિયાળામાં દૂધમાં ઇંડું નાખીને ખાવાનું માહાત્મ્ય વિશેષ છે. ખડમાંકડી જેવું શરીર ધરાવતાં બાળકોનાં માબાપને વડીલો સલાહ આપે છે,‘ના હોય તો આને રોજ દૂધમાં ઇંડું આપવાનું ચાલુ કરો. નહીંતર મોટો થઇને હણહણતા ઘોડા જેવો થવાને બદલે ચિકન જેવો જ રહેશે.ઇંડું ખાવાની સૂગ ધરાવતા લોકો સામે દલીલ કરે છે,‘દૂધ અને ઇંડાંનું સંયોજન એટલું શક્તિદાયક હોય તો પોલ્ટ્રીફાર્મવાળા તેમનાં મરઘાંને દૂધ પાઇને કેમ ઘોડા જેવાં કેમ નથી બનાવી દેતા?’  ઇંડાં ખાવાથી તંદુરસ્તી વધે છે કે નહીં એનો નીવેડો આવે, એ દરમિયાન જાહેરાતો પ્રસારિત કરનારાં માધ્યમોની આર્થિક તંદુરસ્તી નિર્વિવાદપણે વધે છે.

તંદુરસ્તીની લાલચ ઇંડાં ખાવા અને ખવડાવવા પાછળનાં મુખ્ય પ્રેરક પરિબળોમાંનું એક છે. કેટલાક મિત્રો પોતાની કલ્પી લીધેલી તાકાત માટે ઇંડાંને જશ આપે છે. આમલેટ અને ઇંડાંના માનદ્‌ પ્રચારકોની સંખ્યા બહુ મોટી છે. આમલેટ બની હોય ત્યારે ખાઉં કે ન ખાઉંના વિચારમાં હેમ્લેટ બની જનારને માનદ્ પ્રચારકો સમજાવે છે, ખાઇ લે. કંઇ ન થાય. આ તો પૂડા જેવું લાગે.ઘણાખરા હેમ્લેટો સમજાવટથી પલળી જાય છે અને કેટલાક મને પૂડો નથી ભાવતોએવો જવાબ આપીને તેમનું આમલેટ-બ્રહ્મચર્યટકાવી રાખે છે. એ જ રીતે મસાલો નાખીને ખવાતાં બાફેલાં ઇંડાં (બોઇલ્ડ’)ની નિર્દોષતા દેખાડવા માટે તેની સરખામણી બાફેલા બટાટા સાથે કરવામાં આવે છે. (તેમાંથી સૂકી ભાજીનું શાક બનતું નથી એ જુદી વાત છે.) ઇંડાંના ઔષધિય ગુણો આગળ ધરીને ઘણા શોખીનો મરચાં અને તેલથી ભરપૂર એવી લારીની આમલેટ પર તૂટી પડે છે. તેમના કિસ્સામાં, ગુજરાતનાં નશાબંધી વિભાગના સૂત્રની માફક, એ લોકો તંદુરસ્તી બનાવે તે પહેલાં જ તંદુરસ્તી એમને બનાવી જાય છે.

પહેલાંના વખતમાં ઇંડાંપ્રેમની શરૂઆત સામાન્ય રીતે ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખવાળી અવસ્થામાં થતી હતી. મુગ્ધાવસ્થામાં કિશોરો (અને કેટલીક કિશોરીઓ) માનતાં કે આમલેટ ખાવી એ જુવાન બનવાનો શોર્ટ કટ છે. અત્યારના મુક્ત વાતાવરણની સરખામણીમાં પહેલાં કડક પ્રતિબંધો અમલી હતા. મરજાદી ઘરમાં આમલેટશબ્દ બોલ્યા પછી પણ નહાવું પડે અને પાંઉતરીકે ઓળખાતી બ્રેડ મુસ્લિમોનો ખોરાક ગણાતી હોય, એ સંજોગોમાં આમલેટ ચોરીછૂપીથી ખાવાની ચીજ ગણાતી હતી. નાના ગામમાં આમલેટની એકાદ લારી બસસ્ટેશન કે રેલવે સ્ટેશન પર ઊભેલી હોય. સાંજ પડે જુવાનો તાજી હવા ખાવાના બહાને બહાર નીકળે અને વડીલશ્રીની બસ/ટ્રેન આવવાનો ટાઇમ ન હોય એવા સમયે લારી પાછળ બેસીને સાવચેતીપૂર્વક આમલેટને ન્યાય આપે એવો રિવાજ હતો. આમલેટ ખાધા પછી ખુલ્લી હવા અને પાનમસાલાનું સેવન કરીને, તેની ગંધ દૂર થઇ જાય પછી ઘરે પાછા ફરવાથી ઇવનિંગ વોકનો આનંદ અને આમલેટનો સ્વાદ એકસાથે પ્રાપ્ત થતાં હતાં.

આમલેટ ચોરીછૂપી ખાવાના વાંધા હોય, ત્યારે એને ઘરે બનાવવાનો વિચાર સુદ્ધાં કેવી રીતે થઇ શકે? અલબત્ત, વડીલો લાંબા સમય માટે ઘરની બહાર ગયા હોય ત્યારે એ દિવસ પણ આવતો. ત્રીસીના દાયકામાં બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવાનો જે જાતના રોમાંચ અને પરાક્રમનો અનુભવ કરતા હતા, એવી જ લાગણી આમલેટ-યજ્ઞમાટે સજ્જ યુવાનોને થતી હતી. ધીમા અવાજે થતી ખૂસરપૂસર, ખખડાટ ન થાય એમ કઢાતાં વાસણો, અંતરમાં ઉભરાતો ઉત્સાહ, છતાં વારેવારે ઉચાટથી દરવાજા તરફ જતી નજર, બારણે ટકોરાનો આભાસ- આ માહૌલમાં કંઇક રંધાતું હોવાની ગંધ ટાળવાનું કામ અઘરું હતું. તેમાં આમલેટ બની જાય પછી યાદ આવે છે કે બ્રેડ લાવવાની રહી ગઇ, એટલે જાણે કાવતરું ખુલ્લું પડી જવાનું જોખમ. બોમ્બ બનાવવાની ક્રિયામાં સામેલ થઇ ચૂકેલા લોકો અધવચ્ચેથી બહાર નીકળી શકે નહીં અને અમસ્તી પણ એકલા ઘરમાં ચાર-પાંચ છડેછડા છોકરાઓની હાજરી પાડોશીઓમાં શંકા પ્રેરવા માટે પૂરતી હોય. એટલે શંકાને દૂર રાખવા માટે નીચે રમતા બાળકને બરફગોળો કે ચોકલેટની લાલચ આપીને બ્રેડ લાવવા માટે મોકલાતો હતો.

અંતે એ ઘડી આવી પહોંચતી, જ્યારે ઘરમાં બેસીને આમલેટ ખાવાનું સ્વપ્ન સાકાર થતું. દરેક આનંદોની જેમ એ આનંદનો સમયગાળો બહુ ટૂંકો રહેતો. ત્યાર પછી ખૂન કરીને સગડ મિટાવી દેતા ચબરાક ખૂનીના અંદાજથી, વાસણોની તેમ જ રસોડાની સાફસફાઇ કરવામાં આવતી હતી અને રસોડાનું વાતાવરણ અગરબત્તીની પવિત્ર સુગંધથી મહેંકી ઉઠતું હતું. આવી સિચ્યુએશનમાં વડીલશ્રી થોડા દિવસને બદલે થોડા કલાક પછી ઘરમાં આવે એટલે યુવાનોને સમજાતું હતું કે છાનું ને છપનું કૈં થાય નહીંએ કડી ઝાંઝરની જેમ આમલેટને પણ લાગુ પડે છે.  નસકોરાં ઊંચાં-નીચાં કરતાં, ઝીણી આંખ કરીને વડીલ પૂછતા હતા,‘આ ગંધી શેની આવે છે?’ અને પોતે જોયેલી દિવાળીઓને યોગ્ય ઠરાવતા, સ્ત્રીવર્ગ આઘોપાછો થતાં, થોડો દમ મારીને પૂછતા,‘અલ્યા, બધી સાફ કરી ગયા કે એકાદ વધી છે?’

ઇંડાંનો ભોજનમાં ઉપયોગ કરવાનો બાધ હતો, ત્યારે પણ સભાસમારંભોમાં તેનો છૂટથી ઉપયોગ થતો હતો. લોકશાહીમાં જનસામાન્યની ઇચ્છાઓની મુક્ત અભિવ્યક્તિ ઘણી વખત ઇંડાંના પ્રહાર દ્વારા અભિવ્યક્ત થતી હતી. ટેલેન્ટ ઇવનિંગોમાં પણ રફી અને કિશોરકુમારનો વહેમ રાખતા ઘણા ગાયકોની કારકિર્દીઓ  પર ઇંડાનો પ્રહાર થતો, ઇંડૂ ફૂટતું અને અંદરની જરદી સાથે કંઇક સંગીતમય કારકિર્દીઓ રોળાઇ જતી.


ઇંડાંનો બાધ ધરાવતા ઘણા લોકો પ્રતીકાત્મક રૂપે ઇંડાંની પરેજી પાળતા હોતા નથી. કેટલાક પિતાશ્રીઓ પોતાની ઉંમરલાયક કન્યાનું કેન્વાસિંગ કરતી વખતે સામે ચાલીને તેને સોનાંનાં ઇંડાં આપતી મરઘી તરીકે રજૂ કરે છે. મુરતિયો આ મરઘીની ચાંચનાં પ્રહારો સહન કરીને પણ તેને લાડ લડાવે અને બદલામાં સોનાનાં ઇંડાં મેળવે એવી કન્યાના પિતાની અપેક્ષા હોય છે.  ઇંડાંવિરોધીઓ ઇંડાંપ્રેમીઓને ગર્ભહત્યારા તરીકે નવાજે છે અને ઇંડાંપ્રેમીઓ બધા ઇંડામાં જીવ હોતો નથી, એવો ખુલાસો આપે છે. જોકે, સોનોગ્રાફી કરાવીને ગર્ભમાં રહેલી પુત્રીની હત્યા કરવા બાબતે બંને પક્ષોમાં સંપૂર્ણ સંમતિ પ્રવર્તે છે. 

1 comment:

  1. Hiren Joshi USA6:20:00 AM

    Good read as my self experienced story; narrated with comical situations and comparisons. Keep up your articles on such light subjects instead of political-problematic-serious issues; those make life cumbersome for a common-man of India.

    ReplyDelete