Saturday, August 13, 2016

નામ અને અટકમાં જ ઘણું બધું બળ્યું છે

(દિવ્ય ભાસ્કર, તંત્રી લેખ, ૧૩-૮-૧૬)

શાહરૂખખાનની અમેરિકાના એરપોર્ટ પર વઘુ એક વખત અટકાયત થાય, એ કંઇ રાષ્ટ્રિય ચર્ચા કે ચિંતાનો વિષય નથી. લાગલગાટ ત્રણ વખત અમેરિકાની મુલાકાત દરમિયાન શાહરૂખખાનની અમેરિકાના એરપોર્ટ પર વિશેષ પૂછપરછકરવામાં આવી. આ પ્રકારની પૂછપરછમાં કામચલાઉ અટકાયતથી માંડીને અકળાવનારા-અણીદાર પ્રશ્નો પૂછાતા હોય છે. વિશ્વભરમાં ત્રાસવાદનો જે માહોલ છે અને આતંકી હુમલાનો જે ઓથાર છે, એ જોતાં કોઇ પણ દેશ--ખાસ કરીને અમેરિકા જેવો દેશ--વઘુ પડતી સાવચેતી દાખવે એ સમજી શકાય એવું છે. શાહરૂખખાન પણ એ સમજે છે અને એટલે જ, કોઇ પ્રકારની વીઆઇપી  વ્યવસ્થાની કે છૂટછાટની તેમની અપેક્ષા નથી. પરંતુ દરેક વખતે શાહરૂખખાનની અટકાયત થવાનું કારણ તેમના નામની પાછળ આવતું ખાનછે. તેનો સીધો અર્થ એ છે કે શાહરૂખકરતાં ખાનનું વજન અમેરિકાના અફસરો માટે વધારે છે.

મુસ્લિમો પ્રત્યે શંકાથી જોવાની અને તેમની વિશેષ પૂછપરછ કરવાની તો અમેરિકા સહિતના ઘણા દેશોની નીતિ છે. તે અન્યાયી હોવા છતાં, સલામતીનાં કારણોસર અને ત્રાસવાદની ભીતિ આગળ ધરીને એ વર્તણૂંકને હવે તો સત્તાવાર સ્વરૂપ આપી દેવાયું છે. એટલું જ નહીં, સામા પક્ષે પણ એ અગવડને સ્વીકારી લીધી છે. પરંતુ શાહરૂખખાન  જેવા જાણીતા અભિનેતાના કિસ્સામાં આવું થાય તે મુસ્લિમો પ્રત્યેની ભડક- ફોબિયા કેટલો ઊંડો ઉતરેલો છે અને એવો ફોબિયા ધરાવનારા કેવી ભીંત ભૂલી શકે છે, તે દર્શાવે છે. સલામતી ખાતર વ્યક્તિની ઓળખ અને તેને લગતા પુરાવા માગવામાં આવે, તે વ્યવસ્થાનો ભાગ હોઇ શકે છે. પરંતુ વ્યક્તિની ઓળખની ખાતરી આપતા પુરાવા જરૂર કરતાં અનેક ગણા વધારે હોય, તેમ છતાં વ્યક્તિની ધાર્મિક ઓળખને કારણે તેની કનડગત કરવામાં આવે, એ વિચિત્ર અને અનિચ્છનીય બાબત છે. શાહરૂખખાનની પૂછપરછ દરમિયાન તેમણે આરંભે જ પોતાના વ્યવસાય વિશે વાત કરી હશે. ત્યાર પછી ઓછામાં ઓછી તસ્દીથી અને ઇન્ટરનેટની મદદથી એરપોર્ટના અફસરો તેમની ઓળખાણની ખરાઇ કરી શક્યા હોત. પરંતુ દરેક વખતે આટલું સાદું પગલું તે લઇ શકતા નથી--તેમના પોતાના પ્રમુખ બરાક ઓબામાએ પોતાના પ્રવચનમાં શાહરૂખખાનનો ઉલ્લેખ કર્યો હોય તો પણ નહીં. શાહરૂખખાને સૌમ્યતાપૂર્વક ટિ્‌વટર પર આ ગેરવર્તણૂંકનો ઉલ્લેખ કરતાં ભારતમાં અમેરિકાના રાજદૂતે તેમની માફી માગી લીધી છે અને ફરી આવું નહીં થાય તેની ખાતરી આપી છે. પરંતુ શાહરૂખખાન જેટલા પ્રસિદ્ધ ન હોય એવા લોકોનું શું?

ધર્મના નામે આવી ભેદભાવજનક વર્તણૂંક અમેરિકામાં મુખ્યત્વે સપ્ટેમ્બર ૧૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા પછી શરૂ થઇ, પરંતુ ગુજરાતમાં-ભારતમાં હજુ ઘણો વ્યવહાર હજુ અટકઆધારિત છે. અજાણ્યા માણસની અટક જાણવી, તેના આધારે તેની જ્ઞાતિ સમજી કે ધારી લેવી અને એ પ્રમાણે તેની સાથે વર્તન કરવું, એ વાંધાજનક નહીં, વ્યવહારનો હિસ્સો ગણાય છે. વિવિધ જ્ઞાતિઓના--ખાસ કરીને સામાજિક કોટિક્રમમાં નીચલી ગણાતી જ્ઞાતિઓના લોકો સાથે થતો ભેદભાવભર્યો વ્યવહાર હજુ પણ અટક્યો નથી અને ભેદભાવ રાખનારામાંથી મોટા ભાગના તેને પોતાનો જન્મસિદ્ધ-જ્ઞાતિસિદ્ધ અધિકાર ગણે છે. એટલે એ બાબતે શરમ અનુભવવાનો કે માફી માગવાનો સવાલ ઊભો થતો નથી. ભારતની જ્ઞાતિપ્રથા શેક્સપિયરના શાણપણને ખોટું પુરવાર કરે છે. ફૂલને ગમે તે નામે બોલાવવાથી તેની સુગંધમાં ભલે ન ફરક પડતો હોય, પણ ગમે તે અટક ધરાવતા માણસને એ નિયમ લાગુ પડતો નથી. તેને મળતી તકથી માંડીને તેની આવડતની કદર અને તેના પ્રત્યેની વર્તણૂંક જેવી ઘણી પાયાની બાબતોનો આધાર અટક પર હોય છે અને અટકનો આધાર જન્મ પર.

શાહરૂખખાનની અટકાયતની ચર્ચાથી વાજબી રીતે દુઃખી થયેલા ભારતીયો પોતાના અટકપ્રેમ અને અટકદ્વેષ વિશે પણ થોડું વિચારે તો સારું.

No comments:

Post a Comment