Saturday, August 06, 2016

મુખ્ય મંત્રી ન બની શકેલાઓનું શું કરવું?

હાઇકમાન્ડ દ્વારા થતી વરણીમાં મોટે ભાગે આવું જ થાય છે : એક જણ (મુખ્ય મંત્રી કે બીજું કંઇ પણ) બને છે અને બાકીના ઇચ્છુકો બની જાય છે.લોકશાહીની કેટલીક મહાન મર્યાદાઓમાંની એક એ છે કે આવા હોદ્દે ફક્ત એક જ જણને બેસાડવાની જોગવાઇ હોય છે. બાકી, ચોવીસ કલાક ચાલતા ઉદ્યોગોની પાળી (શિફ્‌ટ)ની જેમ, મુખ્ય મંત્રીપદની પણ પાળીઓ ચાલતી હોત તો કેટલું સારું? દરેક પાળી ચાર કલાકની. દર ચાર કલાકે મુખ્ય મંત્રી બદલાય. આમ એક દિવસમાં રાજ્યને જુદા જુદા છ મુખ્ય મંત્રીઓની પ્રતિભાનો લાભ મળે અને રાજ્યનો વિકાસ છ ગણો વધારે ઝડપથી થાય.

દરેક પાળી ચાર કલાકની જ રાખવી, એવું ક્યાંય લખેલું નથી--અને ધારો કે લખેલું હોય તો પણ તેને ભૂંસી શકાય છે. વ્યવહારુ અને લોકશાહીના હિતમાં યોગ્ય રસ્તો છે : પક્ષના અસંતુષ્ટોની સંખ્યાના આધારે પાળીના કલાક નક્કી કરવા. અહીં અસંતુષ્ટશબ્દ વ્યાપક અર્થમાં વાપર્યો છે. તેમાં હાઇકમાન્ડે કે બીજા કોઇએ નકારાત્મક અર્થ જોવો નહીં. હાઇકમાન્ડમાં ગયા પછી જેમની કમાન છટકી જાય છે એવા લોકોએ પણ યાદ રાખવું કે તે પણ ક્યારેક અસંતુષ્ટ હતા અથવા તેમને હાઇકમાન્ડમાં જગ્યા ન મળી હોત, તો તે પણ અસંતુષ્ટ જ ગણાતા હોત. પોલિટિકલ સાયન્સવાળા ભલે ગમે તે કહે, ભારતનું લોકશાહીનું અસલી બળ શાસક પક્ષ કે વિરોધ પક્ષ નહીં, અસંતુષ્ટ પક્ષ છે.

જેમ અનામત ૪૯.૫ ટકાથી વધારે ન હોઇ શકે, એવી હદ સર્વોચ્ચ અદાલતે બાંધી છે, તેમ દરેક પાળી એક કલાકથી ઓછી ન હોઇ શકે, એવી મર્યાદા પહેલેથી ઠરાવી દેવી પડે, જેથી અસંતુષ્ટોની સંખ્યા અને રાજ્યની સેવા કરવાની તેમની તાલાવેલી કાબૂમાં રહી શકે.  તેમ છતાં, લાંબા ગાળે પ્રશ્નો ઊભા થાય તો દરેક પાળીની સમયમર્યાદા એક વર્ષની કે છ મહિનાની રાખી શકાય, જેથી દર છ મહિને-વર્ષે નવા અસંતુષ્ટોને તક આપી શકાય. આ રીતે પાંચ વર્ષમાં સત્તાધારી પક્ષના બધા ધારાસભ્યોને મુખ્ય મંત્રી બનવાની તક મળી જાય અને રાજ્યમાં તેમનો એકેય ધારાસભ્ય અસંતુષ્ટ ન રહે. આ જોઇને વિપક્ષના ધારાસભ્યોને પણ પ્રેરણા મળશે અને પક્ષ જીતે તો મુખ્ય મંત્રી બનવાની તકની આશાએ તે અંદરોઅંદર લડી મરવાને બદલે મહેનતથી પક્ષને જીતાડવાની કોશિશ કરશે. (ટૂંકમાં, ગુજરાત કોંગ્રેસ જેવું નહીં કરે.)

અસંતુષ્ટોની સાથે સંકળાયેલો--તેમના માથે મચ્છર-માખી-મધમાખીની જેમ ગણગણાટ કરતો શબ્દ છે : શિસ્ત. રાજકારણમાં--ખાસ કરીને રાજકીય પક્ષોમાં શિસ્તનું બહુ મહત્ત્વ છે. નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટામાં મોટા નેતાએ સ્વીકારેલી શિસ્તની વ્યાખ્યા છે : જે બીજાએ પાળવી જોઇએ તે.દરેક જણ એવું માને છે કે બીજા બધાએ શિસ્ત પાળીને પક્ષને અને દેશને ઊંચો લાવવો જોઇએ. પક્ષો અને દેશ જ્યાં છે ત્યાં કેમ છે, તેનો જવાબ શિસ્તની આ વ્યાખ્યામાંથી મળી જવો જોઇએ.

2 comments:

  1. "પોલિટિકલ સાયન્સવાળા ભલે ગમે તે કહે, ભારતનું લોકશાહીનું અસલી બળ શાસક પક્ષ કે વિરોધ પક્ષ નહીં, અસંતુષ્ટ પક્ષ છે." -બસ, આ જ વાસ્તવ છે ભારતિય રાજકારણનું અને પ્રજા તરીકેનું આપણું કર્તુત્વ...કેમ કે આ ત્રણે ય પક્ષોને આપણે જ ત્યાં ચૂંટી મોકલીએ છીએ. "મુખડા દેખો દર્પણમેં!"

    ReplyDelete
  2. ગંભીર સૂચિતાર્થ વાળો હાસ્યલેખ છે કે હાસ્યપ્રદ( કોઈએ 'હાસ્યાસ્પદ' ન વાંચવું) સૂચિતાર્થ વાળો ગંભીર લેખ એ ચર્ચાનો મુદ્દો બની રહેશે.

    ReplyDelete