Tuesday, August 23, 2016

સામાજિક ચળવળ વિ. રાજકીય નેતાગીરી

રાજકીય પક્ષો અને તેમની નેતાગીરીની એક લાક્ષણિકતા છે : લોકો તેમને ગમે તેટલી ગાળો દે, પણ ખરી સત્તા તેમની પાસે જ રહે છે. લોકશાહીમાં બનવું એવું જોઇએ કે ગામ-તાલુકા-જિલ્લા સ્તરની નાગરિક સંસ્થાઓ રાજ્યના અને એકંદરે રાષ્ટ્રના રાજકારણ-રાજકારણીઓ પર થોડોઘણો પ્રભાવ પાડે. એમાં પણ NGO તરીકે ઓળખાતી સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકા વિશેષ મહત્ત્વની હોય. કારણ કે, એ સંસ્થાઓ લોકોથી વિમુખ થયેલા રાજનેતાઓના સામા છેડે હોય છે. તે લોકોની વચ્ચે રહીને, લોકોની સમસ્યાઓ ઉજાગર કરે અને તેમને ઉકેલવાનો પણ યથાશક્તિ-યથામતિ પ્રયાસ કરે. કેટલાક મુદ્દે સરકાર પર દબાણ કરે ને કેટલાક મુદ્દે સમાજ પર. પરંતુ વ્યવહારમાં આ આદર્શ બહુ ઊંચો પુરવાર થાય છે.

યાદ રહે કે રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાપિત કોંગ્રેસ અને ભાજપની શરૂઆત પણ એક યા બીજા પ્રકારની ચળવળોથી થઇ હતી. એટલું જ નહીં, તેમને પણ પોતાનો પ્રભાવ જમાવતાં પહેલાં લાંબો સંઘર્ષ કરવો પડ્યો. મિડીયાના ટેકાથી સેલિબ્રિટીબનીને કામચલાઉ લોકપ્રભાવ ઊભો કરી શકાય, પણ લાંબા ગાળાની અસર માટે એટલું પૂરતું નથી. ગાંધીજીના વ્યક્તિત્વ અને તેમની અસરને કારણે તેમના આગમન પછીનાં વર્ષોમાં કોંગ્રેસનું સ્વરૂપ સત્તા વગરના પણ મૂળીયાં ધરાવતા-ફેલાવતા રાજકીય પક્ષ અને રાષ્ટ્રીય સ્તરના NGOના સંમિશ્રણ જેવું બન્યું. અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો તેમાં જોડાયા અને આવડત-દાનત પ્રમાણે કામે લાગ્યા. આ પુણ્યને કારણે અનેક મોટી મર્યાદાઓ છતાં કોંગ્રેસનો સુરજ આઝાદી પછી દાયકાઓ સુધી તપી શક્યો. 

હિંદુ હિતના દાવાને રાજકીય મૂડીમાં બદલવા આતુર અને કોમવાદીનો ધબ્બો ધરાવતી હિંદુ સંસ્થાઓને એ દરમિયાન લાંબું તપ કરવું પડ્યું. 1975-77 વખતે કટોકટીના વિરોધ ટાણે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ માટેની રાજકીય અસ્પૃશ્યતા દૂર થઇ. ત્યાર પહેલાં અને પછી સંઘના અનેક કાર્યકરોએ વર્ષો સુધી ધગશથી કામ ચાલુ રાખ્યું. સંઘની સંકુચિત- કોમવાદી વિચારસરણી માટેના તીવ્ર વિરોધ છતાં, એ સ્વીકારવું પડે કે સ્વૈચ્છિક સંસ્થાઓ-સંગઠનો સાતત્ય, ઉત્સાહ અને ધીરજ જેવા ગુણોની બાબતમાં સંઘ કરતાં એકંદરે ઘણાં પાછળ રહ્યાં. તેનું પરિણામ ગુજરાતમાં ઘણાં વર્ષથી અને ભારતમાં થોડાં વર્ષથી દેખાઇ રહ્યું છે.

ગાંધીનો નમૂનો અથવા મોડેલ જ્યાં ઘરનુંગણાવું જોઇએ, એ ગુજરાતમાં ગાંધીસંસ્થાઓને લાગેલા કાટ પછી સ્વૈચ્છિક સંસ્થાઓના ઉદયથી નવી આશા જાગી હતી. સરકારી ગેરવહીવટની કમી એ ઠીક ઠીક પ્રમાણમાં પૂરી કરે અને નાગરિકોને અન્યાય સામે લડતા-જવાબ માગતા કરે, એવું એક તબક્કે લાગતું હતું. સ્વૈચ્છિક સંસ્થાઓ થકી કેટલાક તેજસ્વી અને બિનરાજકીય અગ્રણીઓ મળ્યા, જેમણે દૃષ્ટિપૂર્વક, સંસ્થાના માધ્યમથી સજ્જ કાર્યકરો તૈયાર કરવાનું- સમાજના છેવાડા સુધી પહોંચવાનું કામ ઉપાડ્યું. શરૂઆતનાં વર્ષોમાં આર્થિક અભાવ હતો ત્યારે એ કામ સરસ અને પ્રમાણમાં ઘણું નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું હતું. પરંતુ વિદેશી ભંડોળનો ધોધ વહેતો થયા પછી ધીમે ધીમે મુશ્કેલીઓની શરુઆત થઇ.

ફોરેન ફંડિંગની તાત્ત્વિક ટીકાનો કે તેના નામમાત્રથી મોં મચકોડવાનો સવાલ નથી. ભારત સરકાર હોય કે હિંદુત્વવાદીઓ કે ઇસ્લામવાદીઓ, આ બધા અઢળક વિદેશી ભંડોળ મેળવે જ છે. એમાં કોઇએ દંભ કરવા જેવો નથી. પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓના મામલે વિદેશી ભંડોળે જુદા પ્રકારનું નુકસાન કર્યું : તેનાથી સંસ્થાઓની સ્થાનિક જવાબદેહી મહદ્ અંશે ખતમ થઇ ગઇ. એટલે કે, કામ લોકોનું કરવાનું (અથવા એવો દાવો કરવાનો), પણ કેવું-કેટલું કામ કર્યું અને આગળની દિશા શી હશે, તેનો હિસાબકિતાબ લોકોને નહીં, ભંડોળ આપનાર વિદેશી સંસ્થાઓને આપવાનો--ફક્ત આર્થિક જ નહીં, તમામ પ્રકારનો હિસાબ. એક કામ ઉપાડ્યું હોય ને એ સરસ રીતે ચાલતું હોય, તેમ છતાં એ કામ આગળ ચાલુ કેમ ન રહ્યું, એવો સવાલ ઘણી વાર થાય. તેનો એક સંભવિત જવાબ : બીજે વર્ષે ફંડિંગ એજન્સીએ એ મુદ્દે નહીં, પણ બીજા કોઇ મુદ્દે ફંડિંગ આપવાનું નક્કી કર્યું હશે.

આ પ્રક્રિયામાં સ્વૈચ્છિક સંસ્થાઓ આર્થિક સલામતીની જાળમાં ફસાવા લાગી અને ધીમે ધીમે અસલામતીથી પીડાવા લાગી. તેનું કરુણ પરિણામ એ આવ્યું કે એક જ સમસ્યા અંગે કામ કરતી બે સંસ્થાઓ ઘણી વાર એકબીજાને પૂરક કે સાથી તરીકે નહીં, પણ હરીફ અને ભાગ પડાવનાર તરીકે જોવા લાગી. વખત એવો આવ્યો કે આવી સંસ્થાઓ સ્વતંત્ર રીતે સરકાર સાથે કામ પાડી શકે--તેના દીધેલા પ્રોજેક્ટ કરી શકે, પણ એકબીજી સંસ્થાઓ સાથે મળીને કામ ન કરી શકે. લોકોનું કામ કરવામાં ને ખાસ તો એ કામ કાગળ પર બતાવવામાં સંસ્થાઓનું મોટું આર્થિક હિત સંકળાયેલું છે, એવો ખ્યાલ આવ્યા પછી ઘણા લોકોનું વલણ બદલાયું. તે સંસ્થાઓ પ્રત્યે ભાવથી નહીં, ‘તમારા લીધે અમને ફાયદો થાય છે, એના કરતાં અમારા લીધે તમને વધારે ફાયદો થાય છેએ રીતે જોવા લાગ્યા. આ બાબતમાં અપવાદો હશે, પણ સામાન્ય સ્થિતિ આ જ બની.

સ્વૈચ્છિક સંસ્થાઓની ઘેરી બની રહેલી નિષ્ફળતા પછીના અરસામાં અન્ના હજારેથી માંડીને જિજ્ઞેશ મેવાણી સુધીના જુદા જુદા નેતાઓ છેલ્લાં થોડાં જ વર્ષોમાં સમાજને મળ્યા છે. એ બધાની શક્તિઓ અને મર્યાદાઓ છતાં તેમની વચ્ચે એક મુખ્ય સામ્ય હોય તો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમોમાં તેમને મળેલા બેહિસાબ કવરેજનું. રાજકીય પક્ષોને જે કવરેજ અઢળક રૂપિયા આપીને ખરીદવું પડે તે (ઘણાખરા કિસ્સામાં) આ આગેવાનોને સામેથી મળ્યું. સમાજમાં સ્થાપિત અનિષ્ટોને ઝકઝોરે-હચમચાવે એવા નેતાઓને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળવું જ જોઇએ. એ આ નેતાઓનો હક નહીં, માધ્યમોની ફરજ છે. પરંતુ સોશ્યલ મિડીયાયુગમાં પ્રમાણભાન જળવાય તે અઘરું છે અને મિડીયાની પ્રસિદ્ધિનો અતિરેક ગમે તેવા ઝૂઝારુ-તેજસ્વી નેતાને ચીલાચાલુ સેલિબ્રિટીમાં ફેરવી શકે છે, તેને રાષ્ટ્રીય નેતાગીરીની આભાસી કીકઆપી શકે છે--અને જમીન સાથેનો તેનો નાતો અસરકારક રીતે કાપી શકે છે.

આવું થયા પછી રાજકીય નેતાઓની ઘણી નબળાઇઓ સામાજિક ચળવળના નેતાઓમાં પ્રવેશી શકે છે, પણ રાજકીય નેતાઓ પાસે રહેલી પક્ષના વિશાળ અને મૂળિયાં ધરાવતા સંગઠનની તાકાત તેમની પાસે હોતી નથી. મિડીયા આસમાને બેસાડી ચૂક્યું હોય ત્યારે પાયો ચણવાનું કામ નિરર્થક અને સમયના બગાડ જેવું લાગી શકે છે. પરંતુ મિડીયા સાથ છોડી દે (જે હંમેશાં બનતું જ હોય છે) ત્યારે એ જ પાયો ભોંયમાં ભંડારાઇ જતાં અટકાવે છે અને બેઠા થવાનો-જમીન પર ઊભા રહેવાનો-આગળ વધવાનો મજબૂત આધાર પૂરો પાડે છે.

ખોવાઇ ગયેલા અન્ના હજારેથી વિપરીત અરવિંદ કેજરીવાલે ઇન્સ્ટન્ટ સફળતાનું મોડેલ આપ્યું, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેમણે દિલ્હીમાં પોતાનો આધાર કેટલો મજબૂત બનાવ્યો હતો--અને ઉતાવળે આંબા પકવવા ગયેલા આપની રાષ્ટ્રીય સ્તરે શી દશા થઇ એ યાદ રાખવા જેવું છે.

1 comment:

  1. તમામ જરુરી મુદ્દા નિરપેક્ષ રીતે આવરી લેવાયા છે.અભિનંદન .

    ReplyDelete