Friday, August 26, 2016

‘સરકારી’ ગાયો અને ગાંધીનગર


ગોરક્ષા વિશેનાં મહેણાંટોણાં સાંભળીને એવો નિર્ણય લેવામાં આવે કે દરેક મંત્રીઓએ ઓછામાં ઓછી એક ગાય બાંધવી તો? હસવાની જરૂર નથી. દોઢેક દાયકા પહેલાં તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઇના જમાનામાં ખરેખર આદેશ બહાર પડાયો હતો કે પશુધનની ચિંતાના પ્રતીક તરીકે દરેક પ્રધાનોએ એક-એક ગાય બાંધવી. બદલાયેલા સમયમાં ગોસેવા અને ગોરક્ષા વિશેના વિવાદ પછી ફરી એવો આદેશ કરવામાં આવે તો?

***

ગાયો બાંધવા અંગે મંત્રીઓ ગંભીર બને (ક્યારેક તો ગંભીર બનવું પડશે ને) તો બીજાં બધાં ગામો પહેલાં ગાંધીનગર ગોકુળિયું ગામ બની જશે. મંત્રીઓના બંગલામાંથી આવતા ગાયોની ભાંભરણના અવાજો અને તેમનાં છાણમૂત્રની પવિત્ર ગંધના પ્રતાપે ગાંધીનગર જેવું કાવાદાવાપ્રધાન શહેર પણ કોઇ તીર્થધામ જેવું પવિત્ર’  ગણાવા લાગશે. પ્રધાનો અને ગાયોના સહઅસ્તિત્વની રાજકીય-સામાજિક-આર્થિક અસરો સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની રહેશે. રાજકીય ક્ષેત્રે, કોંગ્રેસના ઘણા  સિંહોને ઘેર ગાય બંધાયા પછી પક્ષ પોતાના ચૂંટણીપ્રચારમાં કહી શકશે,’અમારો પક્ષ શાંતિનું વચન આપે છે. કારણ કે અમારા રાજમાં સિંહોને ઓગણે ઉભેલી ગાયો પણ સલામત છે.ભાજપી સભ્યો ગુજરાતની ગાયોની અસ્મિતાની વાત કરીને ગુજરાતની સાડા છ કરોડ ગાયોનો જયજયકાર કરશે. જ્યારે પણ તોતિંગ મંત્રીમંડળની જ્યારે પણ  ટીકા થાય ત્યારે મુખ્ય મંત્રી કહી શકશે,’વહીવટી કાર્યો માટે વધારે મંત્રીઓની જરૂર ન હતી, પણ વધુ મંત્રીઓ રાખીએ તો એ બહાને વધુ ગાયોનું ધ્યાન રાખી શકાય એ જ અમારી ભાવના છે.

કેટલાક ઉત્સાહી મંત્રીઓ તેમની ગાયોની પીઠ ઉપર પણ લાલ બત્તી ફીટ કરાવી શકે છે, જેથી મંત્રીઓની માફક તેમની ગાયો પણ બહાર ચરવા નીકળે ત્યારે આજુબાજુના લોકો પર અમથેઅમથા રોલા પાડી શકે. ગાયો માટે ક્લાસ વન કેડરના ગોપાલક, ગોપાલકની ઓફિસ અને ગાયની ગમાણને સાંકળતું સ્પ્લિટ એસી, ગોપાલકની મદદ માટે (એટલે કે ખરેખરું કામ કરવા માટે) ક્લાસ ટુ કક્ષાનો એક સહાયક, તેના ધક્કાધુક્કી ખાવા માટે ક્લાસ ફોર કક્ષાનો એક કર્મચારી, એ ઉપરાંત દરેક ગાય દીઠ બે ગાયમિત્ર’, ગાયની ગમાણમાં ફોનની અલગ લાઇન, (ઘણા મંત્રી ભલે ન બની શક્યા, પણ ગાયને આઇટી-સેવી બનાવવા માટે) વાઇફાઇ કનેક્શન, વખતોવખત ગાયને બહાર ફેરવવા માટે ટ્રેલરવાળી કાર, એ કાર માટે એક ડ્રાઇવર, કારનું પેટ્રોલ એલાઉન્સ, ગાયનું ઘાસ ઉગાડવા માટે જમીનનો ટુકડો, એ જમીનની દેખરેખ રાખવા માટે એક  ખેડૂત.....આમ , ગાયના પ્રતાપે રાજ્યમાં વ્યવસાય અને રોજગારીની ઉજ્જવળ તકો ઉભી કરી શકાશે અને વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરી શકાશે.

બે નંબરી મિલકતો કોના નામે કરવી તેની સમસ્યાથી પીડાતા હોય એવા પ્રધાનો માટે ઘરઆંગણે બંધાયેલી ગાયો કામધેનુ સાબીત થશે. પ્રધાનોની ગાયોના નામે ચાર ફ્લેટ-બે જમીન-એક ફેક્ટરી બોલતાં હશે અને પ્રધાનશ્રી પોતે સાદગીપૂર્ણ જિંદગી જીવતા હશે. નાણાંકોથળી સાથે આવનારા ગ્રાહકોને પ્રધાનશ્રી કહેશે,’જુઓ, હું તો કંઇ લેતો નથી. બાય ધ વે, તમે ગોમાતાનાં દર્શન કર્યાં?’ એકાદબે અનુભવો પછી સમજુ પાર્ટીઓકહેશે,‘હું તમને ક્યાં કંઇ આપું છું, સાહેબ? હું તો પરમ આદરણીય પરમ શ્રદ્ધેય ગાયમાતા માટે ભેટ લાવ્યો છું.ઘણા પ્રધાનોને નડતી વ્યવહારુ સમસ્યા સમયની અછતની છે. ના, તેમને કામ કરવા માટે સમય ઓછો પડે છે એવું નથી. તકલીફ એ વાતની છે કે ઉદ્‌ઘાટનો અને બીજા કાર્યક્રમોનાં આમંત્રણોને તે પૂરતો ન્યાય આપી શકતા નથી. બીજી તરફ, નિમંત્રકોને મંત્રીજી કરતાં તેમના આશીર્વાદની  જરૂર વધારે હોય છે. આ સમસ્યામાં પણ ગાય મદદરૂપ થઇ શકે છે. હવે પછી ઓછા મહત્ત્વના કાર્યક્રમોમાં મંત્રીશ્રી આયોજકોને પૂછી શકે છે,‘‘મારું શીડ્યુલ બહુ ટાઇટ છે, પણ મારી ગાય આવે તો ચાલશે?’’ અને મોટા ભાગના નિમંત્રકો આ વિકલ્પ સાથે સંમત થઇ જાય તો નવાઇ ન લાગવી જોઇએ.  લાંબા ગાળે નિમંત્રકો પ્રધાનો કરતાં ગાયોનું ધ્યાન વધારે રાખવા માંડે એવું પણ બની શકે. ટીવી ચેનલના પત્રકારો કોઇ પણ બનાવ પછી મુખ્ય મંત્રીની ગાયના બાઇટ્‌સલેવા માટે ગમાણની આગળપાછળ આંટા ફેરા મારતા હોય અને છાપા-મેગેઝીનના પત્રકારો મુખ્યમંત્રીની ગાયનો પહેલવહેલો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુપ્રગટ કરીને કોલર ઉંચા રાખે એવી પણ સંભાવના ઓછી નથી.

કેટલાક દીર્ઘદૃષ્ટાઓ કહે છે કે ગાયો રાખવાની પ્રેક્ટિસને કારણે, પ્રધાનપદું ન હોય તો પણ પ્રધાનો માટે રોજગારીનો પ્રશ્ન નહીં થાય. ગાયના દૂધના લગવા બાંધીને તે વ્હાઇટનીમાતબર કમાણી કરી શકશે. બીજા ધંધાઓની માફક આ ધંધાની નેટ પ્રેક્ટિસ પણ ચાલુ પ્રધાનપદાએ  શરૂ કરી દેવામાં વાંધો નથી. આમેય પ્રધાનપદે રહીને કેટલાક પ્રધાનો બીજાના નામે કરવા જેવા અને ન કરવા જેવા અનેક ધંધા કરતા જ હોવાની સામાન્ય છાપ છે. તેની સરખામણીમાં આ પૌષ્ટિકધંધો શું ખોટો? અલબત્ત, ટીવી ચેનલના પત્રકારોને જોઇને ઘણા મંત્રીઓ રંગમાં આવી જાય છે, એ ધ્યાનમાં રાખતાં કેમેરા સામે ગાય દોહવાના શો કરવા નહીંએવી ચેતવણી પક્ષના હાઇકમાન્ડે આપવી પડશે. ઘરે ગાય બંધાયા પછી મંત્રીઓને ઘેર ફોન કરતાં સાહેબ મિટિંગમાં છેની સાથોસાથ સાહેબ ગમાણમાં છેએવા સંદેશા સાંભળવાની તૈયારી પણ રાખવી પડશે. (સાહેબે ગમાણમાં રહેવાનું ચાલુ કર્યું? સરસ, સરસ. છેવટે તેમને લાયક જગ્યા મળી ખરી.એવા કોઇ પ્રતિભાવો આપવાની મનાઇ છે. -હુકમથી)  

ગાયોના આગમનથી મંત્રીઓ પર થનારી અસરો વિશે ઘણી વાત થઇ, પણ મંત્રીઓની સોબતનો ગાયો પર કેવો પ્રભાવ પડશે? ઘણા મંત્રીઓ અને તેમના અનુચરો ચરવાની કળા જાણે છે, પણ ગાયો મંત્રીઓ પાસેથી કઇ આવડત ગ્રહણ કરશે એ જોવાનું રહે છે. મંત્રીઓને ઘેર બંધાયેલી મોટા ભાગની ગાયોમાં પૂછડું અમળાયા પછી જ ચાલવાનો ગુણ વિકસે તો નવાઇ નહીં. મંત્રીઓના ઘરે રહી આવેલી ગાયોની રીસેલ વેલ્યુ પણ ઘટી જશે. આવી ગાયોના માલિકો ફરિયાદ કરશે,’આ અમારી ભૂરીમાં પણ એના જૂના માલિકની અસર આવી છે. ખાવામાં તો શૂરીપૂરી છે, પણ દૂધ આપવાનું થાય ત્યારે આઘીપાછી થાય છે.લાંબા ગાળે, ટૂંકા પગ અને મોટું પેટ ધરાવતી ગાયોની નવી જાતિ વિકસે તો તેને (કાંકરેજી કે હરિયાણીની જેમ) ગાંધીનગરી જાતિ તરીકે ઓળખી શકાય. 

No comments:

Post a Comment