Thursday, May 02, 2013

પાની જો આગ લગાયે..

(બે બુધવાર પહેલાંનો લેખ)

ગુજરાતમાં પાણીની અછત છે કે નહીં, એ મુખ્ય મંત્રી વડાપ્રધાન બની શકશે કે નહીં, એ પ્રકારનો સવાલ બની ચૂક્યો છેઃ શ્રદ્ધાળુ વર્ગ કહે છે કે ‘સવાલ જ નથી ને.’ એટલે કે પાણીની અછત નથી ને મુખ્ય મંત્રી વડાપ્રધાન બની જશે. વાસ્તવિકતા જોનારો વર્ગ કહે છે, ‘સવાલ જ નથી ને... પાણીની તંગી અને વડાપ્રધાન બનવા આડેની આટલી બધી અડચણો દેખાતી નથી?’

ગુજરાતની પાણીસમસ્યા સંદર્ભે વાસ્તવિક વાતચીત સત્તાવાર નિવેદનોથી આગળ વધતી નથી, પરંતુ આ વિવાદ સાથે સંકળાયેલા અમુક લોકોની કાલ્પનિક મુલાકાત લીધી હોય તો?

આવું વિચારીને આંખી મીંચી એટલે ભાજપી પ્રવક્તા હાજર થઇ ગયા. તેમની સાથેનો કાલ્પનિક સંવાદઃ

સવાલઃ ગુજરાતમાં પાણીની તંગી વિશે તમારું શું કહેવું છે?

પ્રવક્તાઃ જવા દો ને, અમારા કોઇમાં પાણી જ નથી. નહીંતર, સાહેબનો કાન પકડીને તેમને વાસ્તવિક સ્થિતિ બતાવી ન હોત?

સઃ તમારી નિખાલસતા કાબિલેદાદ છે, પણ હું તો ખરેખરા પાણીની વાત કરું છું...સ્પિરિટ નહીં...પાણી..વૉટર...

પ્રવક્તાઃ તમે આવ્યા ત્યારથી અત્યાર સુધી કોઇએ તમને પાણીનો પણ ભાવ નથી પૂછ્‌યો?

સઃ અરે હોય? ખોટું કેમ કહેવાય? મને બહાર વેઇટિંગમાં જ ઠંડા પાણીની બોટલ આપી દીધી હતી.

પ્રવક્તાઃ તો પછી પાણીની ક્યાં તકલીફ છે? તમે પત્રકાર થઇને આંખે જોયેલું-જાતે અનુભવેલું લખવાને બદલે ગુજરાતવિરોધીઓની ચડવણીમાં આવી જાવ છો? તમે તો ગુજરાતી છો. અત્યારે તમારે ગુજરાતમાંથી મઘ્ય પ્રદેશમાં ખસેડાનારા સિંહોની ચિંતા કરવાની હોય કે સાવ પાણી જેવી પાણીની સમસ્યાની?

સઃ પણ પાણીને અને સિંહોને શી લેવાદેવા? ગિરના થોડા સિંહ મઘ્ય પ્રદેશમાં નહીં જાય, તો સૌરાષ્ટ્રના લોકોને પાણી મળી જશે?

પ્રવક્તાઃ જોયું? જોયું? બધા આટલું સંકુચિત વિચારતા હોય તો પછી ગુજરાત ક્યાંથી આગળ આવે? એ તો ઠીક છે કે સાહેબ આવા ફાલતુ સવાલોમાં વખત બગાડ્યા વગર દિલ્હીમાં રહીને સતત ગુજરાતનું હિત જુએ છે, એટલે વાંધો નથી આવતો...

સઃ પણ નર્મદા યોજનાનું શું થયું? તમારા સાહેબ તો કહેતા હતા કે નર્મદા યોજના થકી એ સૌરાષ્ટ્રને પાણી પાણી કરી દેશે...

પ્રવક્તાઃ તમે લખનારા થઇને ‘પાણી પાણી કરી દેવું’ એ શબ્દપ્રયોગનો અર્થ સમજતા નથી, એમાં સાહેબનો વાંક? પણ તમને લોકોને કોઇ પણ બાબતમાં સાહેબને સોયા ભોંકવાની ટેવ પડી ગઇ છે. ઇમાનદારીથી કહેજો, સાહેબની વાતો સાંભળીને સૌરાષ્ટ્રના લોકો પાણી પાણી થઇ ગયા હતા કે નહીં?

સઃ ના કેમ કહેવાય? કેશુભાઇ પણ કહે છે કે સૌરાષ્ટ્રવાળાએ તેમની વાત સાંભળીને નહીં ને સાહેબની વાતો પર પાણી પાણી થઇ જઇને એમને જીતાડી દીધા.

પ્રવક્તાઃ હું ફક્ત એટલું જ કહીશ કે સાહેબ નવી હાઇ ટેક ઓફિસમાં બેસી ગયા છે. હવે તમે એમના પરચા જોજો...

સઃ એમ? નવી ઓફિસમાંથી એ સૌરાષ્ટ્ર સુધી પાણીની પાઇપલાઇન કાઢવાના છે? વાહ, સરસ સમાચાર છે...

પ્રવક્તાઃ તમે પણ શું ખોટેખોટું ઝૂડ્યે રાખો છો? મેં એવું ક્યાં કહ્યું કે એ સૌરાષ્ટ્રમાં પાણી આપશે? તમને તો પાણી સિવાય બીજું કંઇ દેખાતું જ નથી. એક માણસની આખ્ખી જિંદગીની મહત્ત્વાકાંક્ષા દાવ પર લાગી હોય ને રોજ એ મહત્ત્વાકાંક્ષા પર હિચકારા હુમલા થતા હોય, ત્યારે એ રાજ્યના સન્નિષ્ઠ નાગરિક તરીકે આપણી શી ફરજ છે? આપણે આપણાં પાણીનાં રોદણાં રડવાનાં હોય કે સાહેબની પડખે ઊભા રહેવાનું હોય?
જીવનમાં પ્રાથમિકતા જેવું પણ કંઇ હોય કે નહીં?

( પ્રવક્તા નારાજ થઇને જતા રહે છે.)
***

બીજું ઘ્યાન કોંગ્રેસના પ્રવક્તાનું ધર્યું, એટલે એ પણ બે-ચાર દિવસની વધેલી દાઢી સાથે હાજર થઇ ગયા.

સવાલઃ કેમ આવા દેદાર છે? વધેલી દાઢી ને ચહેરા પર નૂર નથી...

પ્રવક્તાઃ કંઇ નહીં. આ તો કોંગ્રેસની લેટેસ્ટ ફેશન છે- રાહુલ ગાંધી સ્ટાઇલ અને હા, ગુજરાતમાં પાણીની અછતના વિરોધમાં અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે દાઢી નહીં કરીએ.

સવાલઃ ધન્ય છે તમારા પ્રજાપ્રેમને, પણ તમારી પ્રતિજ્ઞામાં પોતાની દાઢી કરવાનો બાધ હશે. એકબીજાની દાઢી તો થાય ને? તમારા પક્ષની તો એ લાંબી ને ઊજળી પરંપરા રહી છે...

પ્રવક્તાઃ ગુજરાતની પ્રજા પાણી વિના ટળવળી રહી છે ને તમને મજાક સૂઝે છે?

સવાલઃ મજાકની દરેકની પોતપોતાની સ્ટાઇલ હોય છે. કોઇને મજાક સૂઝે ને કોઇને જળચેતના યાત્રા.

પ્રવક્તાઃ એમ કહીને તમે અમારી જળચેતના યાત્રાની ઠેકડી ન ઉડાડો. અમે કશું કરીએ નહીં ત્યારે તમે લોકો જ અમારી ટીકા કરો છો અને પાણીના પ્રશ્ને યાત્રા કાઢીએ તો પણ તમને વાંકું પડે છે?

સવાલઃ ખરેખર તો તમારી યાત્રાનું નામ ‘જડચેતના યાત્રા’ હોવું જોઇએ. કારણ કે સૌથી પહેલાં તો તમારા જડ થઇ ગયેલા પક્ષમાં ચેતના આણવાની જરૂર છે. એ કામ થશે તો બાકીનું બઘું લડી લેવાશે. બોલો લખી દઉં તમારા નામે કે ‘આગામી મહિને કોંગ્રેસ દ્વારા યોજાનારી જડ-ચેતના યાત્રા’?

(સવાલ સાંભળીને કોંગ્રેસી પ્રવક્તા વૉક આઉટ કરી ગયા.)
***

હવે વારો હતો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો. તેમણે પોતાના બંગલામાં સ્વિમિંગ પુલ તૈયાર કરાવ્યો હોવાના અહેવાલ અખબારોમાં ચમક્યા હતા. પણ કુલપતિએ ટીકાથી વિચલિત નહીં થવાનો બોધપાઠ મુખ્ય મંત્રી પાસેથી બરાબર ગ્રહણ કર્યો છે. તેમની સાથે વાસ્તવિક સવાલજવાબ શક્ય ન બને, પણ કાલ્પનિક મુલાકાતમાં ક્યાં કોઇ બાધ- કે તેમના બાઉન્સર પણ- નડવાના છે?

કાલ્પનિક મુલાકાત પહેલાં તેમને કાલ્પનિક ફોન કર્યો ત્યારે સામેથી રેકોર્ડેડ સંદેશો સાંભળવા મળ્યો, ‘થોડી વાર પછી ફોન કરો. અત્યારે તે ફોન લઇ શકે એવી સ્થિતિમાં નથી.’ એ સાંભળીને મનમાં અનેક કલ્પનાચિત્રો ખડાં થઇ ગયાં, પણ એ સૌને વિખેરીને ફરી આંખ મીંચી, એટલે કુલપતિશ્રી કાલ્પનિક મુલાકાત માટે હાજર.

સવાલઃ નમસ્કાર

કુલપતિઃ નમોસ્કાર, નમોસ્કાર, શું લેશો?

સવાલઃ બસ, અત્યારે સવાર સવારમાં તો ઇન્ટરવ્યુ જ...

કુલપતિઃ વાંધો નહીં. બાકી ફીલ ફ્રી..આપણે ત્યાં કોઇ જાતનો બાધ નથી.

સવાલઃ મને ખ્યાલ છે. પણ મારે તો તમને પેલા સ્વિમિંગ પુલ વિશે પૂછવું છે.

કુલપતિઃ એમાં પુછવાનું શું? તમે પણ નહાવા આવી જજો. જોઇએ તો એમાં પાણીને બદલે તમે કહો એ પીણું ભરાવી દઇશું, બસ? એમાં આટલો બધો કકળાટ શાનો?

સવાલઃ કકળાટ એટલા માટે છે કે ગુજરાતમાં લોકોને પીવાનું પાણી મળતું નથી ને તમે સ્વિમિંગ પુલમાં ઘુબાકા મારો એ કેમ ચાલે?

કુલપતિઃ આ તો કેવી વાત છે? કાલે ઉઠીને તમે કહેશો કે ગુજરાતમાં આટલાં છોકરાં નિશાળમાં અધવચ્ચેથી ઉઠી જાય છે ને તમે કુલપતિ થઇ જાવ તે કેમ ચાલે?

સવાલઃ આ બે સરખામણી જ જુદી છે. અસલી મુદ્દો પાણીનો છે.

કુલપતિઃ તો ગુજરાતમાં પાણી ન મળે એમાં હું શું કરું? મારે સ્વિમિંગ પુલ નહીં બનાવવાનો? આ તે કેવી બેહૂદી વાત છે? મારો સ્વિમિંગ પુલ તે કંઇ નર્મદા યોજના છે કે તેના બનવા-ન બનવા પર ગુજરાતની પાણીની સમસ્યા ઉકલવાનો આધાર હોય? અને નર્મદા બંધ બનાવીને પણ તમે શું ઉખાડી લીઘું? ત્યાં કંઇ કહેતા નથી ને મારા સ્વિમિંગ પુલ સામે વાંધા પાડવા આવી જાવ છો? અહીંથી નીકળો છો કે પછી બોલાવું બાઉન્સરોને?

(આ સંવાદથી મુલાકાતનો અવિધિસર અંત આવી ગયો)

5 comments:

  1. Cant read properly...on my comp there are rectangle marks in between words

    ReplyDelete
  2. "એક માણસની આખ્ખી જિંદગીની મહત્ત્વાકાંક્ષા દાવ પર લાગી હોય ને રોજ એ મહત્ત્વાકાંક્ષા પર હિચકારા હુમલા થતા હોય, ત્યારે એ રાજ્યના સન્નિષ્ઠ નાગરિક તરીકે આપણી શી ફરજ છે? આપણે આપણાં પાણીનાં રોદણાં રડવાનાં હોય કે સાહેબની પડખે ઊભા રહેવાનું હોય? જીવનમાં પ્રાથમિકતા જેવું પણ કંઇ હોય કે નહીં?" અદભૂત...

    ReplyDelete
  3. Anonymous8:18:00 PM

    Urvish lal , tame pan IPL ni season ma SIX o uper SIX O maro cho

    ReplyDelete
  4. Anonymous12:39:00 AM

    પાની પાની કરા ગઈ મુઝકો કલંદર કી બાત
    તુ ઝૂકા જબ ગૈર કે આગે,તેરાયે તન ન તેરા યે મન,--ઇકબાલ

    ReplyDelete
  5. સચોટ અને વેધક કટાક્ષ! બહુ ગમ્યો. આભાર...

    ReplyDelete