Wednesday, February 29, 2012

સઆદત હસન મંટોને વ્યંગ-અંજલિ

એક માણસ મરે તો એ કરુણતા કહેવાય, પણ મરનારા વધારે હોય તો એમનાં મોત કેવળ સંવેદનશૂન્ય ‘આંકડો’ બની રહે, એવી કહેણી દસ વર્ષ પહેલાં ગુજરાતમાં વઘુ એક વાર સાચી પડી. કોમી હિંસાના દાવાનળમાં માણસોની સાથે સીધીસાદી, કોઇ લેબલ વગરની સંવેદના પણ જાણે બળીને રાખ થઇ. એ માહોલના ઊંડા આઘાત અને ક્ષુબ્ધ માનસિક અવસ્થામાં લખાયેલી કેટલીક વ્યંગકથાઓ માણસની હેવાનિયતનો ભોગ બનેલા સૌ મૃતકો ઉપરાંત એ મહાન કથાકારને પણ અંજલિરૂપ છે, જેનું નામ હતું સઆદત હસન મંટો.

ભારતના ભાગલા સમયે માણસની પાશવતાથી સ્તબ્ધ મંટોએ ખુલ્લી આંખે જે જોયું, તેને કઠણ કાળજે અને સાહિત્યકારની સંવેદનશીલતા સાથે આલેખ્યું. તેમાંથી નીપજી ‘સ્યાહ હાશિયે’ની ટચૂકડી વ્યંગકથાઓ. એ તરાહ પર લખાયેલી આ કથાઓનો હેતુ સનસનાટી પ્રેરવાનો કે લાગણી ઉશ્કેરવાનો હરગીઝ નથી. એક માણસ બીજા માણસ સાથે કેટલો ક્રૂર બની શકે તેનું બયાન તેમાં છે. આશય એટલો જ કે આટલી દેખીતી અમાનવીય વર્તણૂંક પહેલાં ન સમજાઇ હોય તો કદાચ હજુ સમજાય અને તેના વિશે પસ્તાવો થાય. પોતાની કથાઓ વિશે મંટોએ જે કહ્યું હતું, એવું જ કંઇક આ લધુકથાઓ વિશે કહેવાનું થાય કે ‘એ તમને અસહ્ય (નાકાબિલે બરદાશ્ત) લાગે તો માનજો કે વાસ્તવિકતા જ અસહ્ય હતી.’

***
સમજણ

સળગતી ટ્રેન અને બળેલા મૃતદેહો જોઇને બાળકે માતાને પૂછ્‌યું, ‘આ લોકોને કોણે માર્યા?’

‘મુસ્લિમોએ.’

‘કેમ?’ બાળકે પૂછ્‌યું.

‘બેટા, એ લોકો મુસ્લિમ છે અને આ લોકો હિંદુ હતા એટલે.’

‘પણ મમ્મી, બેન્ચ પર મારી સાથે બેસતો આરિફ મુસ્લિમ છે. તો પણ અમે કદી લડ્યા નથી.’

‘બેટા, તમે લોકો હજુ અણસમજુ છો.’
***

ક્રૂરદર્શન

૬૦ લોકોને જીવતા જલાવી દેવાનું ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી, કડકમાં કડક સજાને પાત્ર કૃત્ય.
- એક દિવસના સમાચાર
ગઇ કાલે થયેલી ૬૦ નિર્દોષોની હત્યાના ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી કૃત્યથી ભભૂકી ઉઠેલા રોષમાં બીજી કોમના ૨૫૦થી વધારે લોકોની હત્યા. ધીમે ધીમે ઠંડો પડી રહેલો લોકોનો રોષ.
- બીજા દિવસના સમાચાર
***

પસંદગી

કપડાંનો એક વૈભવી શો રૂમ તૂટ્યો. ટોળું અંદર ફરી વળ્યું. લૂંટ મચી. અપ ટુ ડેટ કપડાંવાળી એક યુવતીએ કહ્યું, ‘મને પસંદગીમાં જરાય વાર નહીં લાગે. હું પરમ દિવસે જ અહીં આવી હતી.’

***

પૂર્વતૈયારી

‘એ લોકોનું ટોળું આવે છે. જે હોય તે, લાકડી-ધારિયાં-પાઇપો લઇને તૈયાર રહેજો. આ વખતે ખબર પાડી દેવી છે.’

‘પણ તમને કોણે કહ્યું?’

‘કહેવાનું કોણ હતું? કાલે જ અમે એમની દુકાનો સળગાવી છે. હવે એ લોકો થોડા શાંત બેસી રહેશે?’

***

ભાઇચારો
‘સાંજે પૂરીઓ વણવા આવી જજો.’

‘કેમ? પ્રસંગ કાઢ્‌યો છે?’

‘ના રે. બાજુના ગામમાં એ લોકોના પાંચ જણને જીવતા સળગાવી દેવા બદલ પોલીસ આપણા પચીસ ભાઇઓની ધરપકડ કરીને અહીં લઇ આવી છે. રોજ જુદી જુદી પોળવાળા તેમને જમાડે છે. આજે આપણો વારો છે.’
***

બચ્ચાંનો ખેલ નથી

નવ વર્ષની એક છોકરી રાત્રે મમ્મીને પૂછતી હતી, ‘આપણે મેળામાંથી ગદા ને તલવાર લાવ્યા હતા, એ ક્યાં છે?’

‘અત્યારે મને તારાં રમકડાં શોધવાનો ટાઇમ નથી. સૂઇ જા છાનીમાની.’ મમ્મીએ છણકો કર્યો.

‘ના, મારે અત્યારે જ જોઇએ. હું બહાર રમતી હતી ત્યારે બધા કહેતા હતા કે રાત્રે એમનાવાળા તલવારો લઇને આપણાવાળાને મારવા આવવાના છે. મારે મારી તલવાર લઇને બારી આગળ બેસી રહેવું છે.’

***

ડંખઃ જૂતાંનો અને આત્માનો

‘આ કોની દુકાન છે?’

ટોળામાંથી જવાબ મળ્યો, ‘એ લોકોની.’

આ સાથે જ બૂટચંપલની દુકાનનું શટર તૂટ્યું. ટોળું કામે લાગી ગયું. સૌએ સાથે લઇ શકાય એટલાં બૂટચંપલ લીધાં. એવામાં ટોળાના આગેવાનની નજર એક ખૂણે લટકતી ભગવાનની છબી પર પડી. તરત એ બોલ્યો,

‘ભાઇઓ, તમારું કામ પતી ગયું હોય તો બહાર નીકળી જઇએ. આ દુકાન આપણા ભાઇની જ લાગે છે.’

***

ફરજપરસ્તી

‘મને જવા દો. મારા પાર્ટનર તમારી કોમના છે. મારા મિત્રો તમારી કોમના છે. મારા પાડોશી તમારી કોમના છે. મારી છોકરીની બહેનપણીઓ પણ તમારી કોમની છે.’

‘એમ? તો તને ઉપર પહોંચાડવાની ફરજ પણ અમારી કોમની જ કહેવાય.’

બીજી મિનિટે આગના ભડકા દેખાયા અને કારમી ચીસો સંભળાઇ. ફરજ અદા થઇ ચૂકી હતી.
***

કોશિશ

‘સળગાવી દો આ લોન્ડ્રી. એ બી એમની જ છે.’ એવા પોકાર થતાં, લોન્ડ્રીની આજુબાજુ રહેતા લોકો બારીમાં આવી ગયા. તેમણે ટોળાને કહ્યું, ‘રહેવા દો ભાઇ, લોન્ડ્રી એમની છે, પણ એમાં કપડાં તો આપણા લોકોનાં જ છે.’

‘તો શું થયું? લોન્ડ્રી તો બળશે જ.’

‘એમ? તો પછી અમને અંદરથી અમારાં કપડાં કાઢી લેવા દેશો?’

***

માનવતા

લોકોને જીવતા જલાવવાનો આતંક પુરબહારમાં હતો. કોઇએ ટ્રેનમાં જલાવ્યા તો કોઇએ બહાર.

‘એ લોકોએ તો ટ્રેનમાં બૈરાં-છોકરાં બધાને જીવતાં સળગાવ્યાં હતાં, પણ આપણાવાળાએ થોડી માનવતા રાખી છે.’ એક જાણકારે પૂરી ગંભીરતાથી કહ્યું, ‘નાનાં બાળકોને પોલીસ સ્ટેશને છોડીને ફક્ત મોટાંને જ સળગાવ્યાં છે.’
***

13 comments:

  1. યોગેશ જોગસન11:22:00 PM

    રુંવાડા ઉભા થઇ જાય એવી બાબત રજુ કરી છે આપે. આપણા દંભી લોકોમાં જો થાદાઘની માનવતા બચી હશે તો આ વાંચી હવે એમ નહિ કહે કે જે થયું તે સારું ટ્યુ. ચમત્કારની જરૂર હતી. માણસને માણસ વેતરે એ કેવો ચમત્કાર. ધર્મનું અફીણ ચડાવેલા લોકોને અફીણ નો નશો ઉતરશે ત્યારે પાપાચાર સમજાશે. ઉર્વીશભાઈ તમે જે સંદેશો (વાસ્તવિકતા) સમાજને આપવા માંગો છો તે અફીણના નશામાં ધૂત નહિ સમજી શકે.

    ReplyDelete
  2. મંટો ને ઉચિત વેળાએ યાદ કર્યો.....આ સંબંધે બીજી કંઈક વાત કરવી છે.પ્લીઝ મને તમારો મેઈલ આઈ ડી. મળશે...? મારું મેઈલ આઈ ડી :raajupatel@gmail.com.

    ReplyDelete
  3. आह! तुने क्या किया मुझकोही फाश कर दिया
    में ही तो एक राज़ था सीनए काएनात में----इकबाल

    ReplyDelete
  4. Anonymous7:03:00 AM

    Urvishbhai..speechless.

    ReplyDelete
  5. Anonymous7:14:00 AM

    સઆદતહસન મંટોની રચનાઓની સૂચિ:
    http://bazmewafa.wordpress.com/wp-admin/post.php?post=9281&action=edit

    ReplyDelete
  6. हृदयद्रावक!

    ReplyDelete
  7. Anonymous8:50:00 PM

    ખૂબ સરસ. ધોબી ની દુકાન પર થી નાનકડો પ્રસંગ યાદ આવ્યો.
    ૨૦૦૨ માં ભાવનગર ખાતે જ્યારે હોસ્ટેલ માં રહી ને ભણતો હતો, ત્યારે ધોબી(મુસ્લિમ) ની દુકાન ને આગ લગાડવામાં આવી (અસામાજિક તત્વો દ્વારા) એની જાણ થતા જ દોડ્યા હતા. અમારા બધા વિદ્યાર્થીઓ ના કપડા તેમને આપતા હતા. જ્યારે આગ શાંતિ પડી અને તેમની દુકાન પાસે ગયા, ત્યારે બિચારા દુકાનવાળા ભાઈ એટલું જ બોલ્યા "તમારા કપડા બળી ગયા છે. માફ કરજો તમને પરત નહિ આપી શકું".

    ReplyDelete
  8. /* લોકોને જીવતા જલાવવાનો આતંક પુરબહારમાં હતો. કોઇએ ટ્રેનમાં જલાવ્યા તો કોઇએ બહાર.

    ‘એ લોકોએ તો ટ્રેનમાં બૈરાં-છોકરાં બધાને જીવતાં સળગાવ્યાં હતાં, પણ આપણાવાળાએ થોડી માનવતા રાખી છે.’ એક જાણકારે પૂરી ગંભીરતાથી કહ્યું, ‘નાનાં બાળકોને પોલીસ સ્ટેશને છોડીને ફક્ત મોટાંને જ સળગાવ્યાં છે.’*/

    Nice piece of fiction Mr writer...i don't really think u'll be approving my comment but even then i hope after ur these two articles...u can stand ur face in mirror ! pity !! May god bless u !!!

    ReplyDelete
    Replies
    1. Dear Hitesh, Truth is always hard to believe, and easy to oppose. Just like mentality like yours the riots does happen in modern century. Be generous and get generousness from others. See that, author did publish your comment (though u thought that it won't get published) because he is generous.

      Delete
  9. Anonymous6:01:00 PM

    Well written and true demonstration of that time when mankind turned into animals like dogs. Every "hardcore communal person" is going to oppose your thoughts but i suggest to be strong about your views, and they really dont deserve to understand your thoughts. Just because the people like them make the situation worse.. Remember truth is always hard to believe. Well written. Bravo... and yes, Salute to Sa-aa-dat hasan manto's thoughts.

    ReplyDelete
  10. ભરતકુમાર12:53:00 AM

    ઉર્વિશભાઇ , મંટોનો પહેલવહેલો પરિચય વિનોદબાબુએ મંટો એક બદનામ લેખક પુસ્તક દ્વારા કરાવેલો , ને એ પછી એ નામના નાના નાના ચમકારા અલપઝલપ મળતા , પણ આવી રીતે એની શબ્દસૃષ્ટિમાંથી પસાર થવાનું નહોતું બન્યું . આજે એ તરસ થોડીક સંતોશાઇ , પણ આનંદ થતો નથી, પીડા થાય છે. માણસ જેવો માણસ જીવજંતુની જેમ રહેંસાઇ જાય , ને કોઇને અરેરાટી ય ન થાય. અહી વાત ફક્ત માનવીની છે , ને એ વ્યથાને ય ધર્મના પરિપ્રેક્ષ્યમાં જોવાની મુકવાની બાલિશ ને અમાનવીય હરકતો થાય છે, ત્યારે થાય કે લાગણી એ સાબિત કરવાની વસ્તુ છે કે અનુભવવાની ? ' ઝબકાર ' બ્લોગ પર ગુરુ રજનીકુમારે મૂકેલી વાર્તાનું શિર્ષક -' મગજ રજા પર છે.' તીવ્રપણે યાદ આવી જાય છે . સંવેદનાનો વિકલ્પ તર્કશક્તિ ન જ હોઇ શકે , એ વાત સમજવા માટે બહુ બુધ્ધિશાળી હોવું જરૂરી નથી . આ વાતમાં તે વળી દલીલ કે પ્રતિદલીલ થઇ શકે ?

    ReplyDelete
  11. @bharatkumar: a clarification: these shorties are not written by Manto. It's written as a tribute to him.

    ReplyDelete