Tuesday, March 06, 2012

રેડિયો: રોમાંચનું રજવાડું

રેડિયોના ઉલ્લેખમાત્રથી અત્યારે સત્તર સવાલ ઉભા થાયઃ એફ.એમ.? ડીટીએચ? કાર-રેડિયો? ઇન્ટરનેટ પરની રેડિયો સર્વિસ છે? કે મોબાઇલ પર એફ.એમ. આવે છે એની વાત કરો છો?

રેડિયો ઘરનું એક સાધન મટીને ફક્ત સર્વિસ બની ગયો છે. એટલે કે, રેડિયો વગાડવા માટે ‘રેડિયો’ હોવો જરૂરી નથી. અલાયદાં સીડી પ્લેયરમાં ટુ-ઇન-વન તરીકે આવતા રેડિયોથી લઇને હથેળીમાં સમાઇ જાય એટલાં ડિજિટલ પ્લેયરમાંથી રેડિયો સ્ટેશનો પકડી અને સાંભળી શકાય છે- નોબ એટલે કે ચક્કર ધુમાવ્યા વિના અને ‘દોરી’ ફેરવ્યા વિના..
ડિજિટલ યુગમાં ઇન્ટરનેટના વ્યાપ પછી કોઇ રેડિયો શા માટે સાંભળે? ગીતપ્રેમીઓ માટે જૂનાં-નવાં ગીત ઇન્ટરનેટ પરથી અઢળક માત્રામાં મળે છે અને ઇચ્છા થાય ત્યારે વગાડી શકાય છે. સમાચારો માટે રેડિયો પર આધાર રાખવાનો પ્રશ્ન નથી. ટીવી ચેનલો પર અભાવ થઇ જાય એટલી હદે ઠલવાય છે. વેબસાઇટો પણ તેમાં પાછળ નથી. એ સિવાયના મનોરંજન કાર્યક્રમો પણ સંખ્યાબંધ ટીવી ચેનલો પર ચોવીસ કલાક ચાલુ હોય છે. આ સ્થિતિમાં રેડિયોનું લાયસન્સ/ Radio Licence હોય અને તે પોસ્ટ ઓફિસમાં જઇને ફી ભરીને રીન્યું કરાવવું પડતું હોય, એવા સમયની કલ્પના પણ અત્યારે ક્યાંથી આવે?

છતાં, રેડિયો અને બીજી સુવિધાઓમાં લોટરી અને ચેક જેવો તફાવત છે. પોતાની પાસે જે હોય તેમાંથી પસંદ કરેલાં ગીત વગાડવામાં મઝા તો આવે, પણ રેડિયોમાં ઉદ્‌ઘોષકોના વાર્તાલાપ (એફ. એમ.પર રેડિયો જોકીના સુપરફાસ્ટ ઝડપે બોલાતાં વાક્યો) સાથે ‘હવે પછી કયું ગીત આવશે?’ની જે ઇંતેજારી રહે, તે વધારાનો આનંદ હોય છે. જે આવવાનું હોય તે આપણા હાથમાં ન હોય અને તે આવે ત્યારે જ ખબર પડે, એની જુદી મઝા હોય છે- જિંદગીમાં તેમ જ નાના પાયે રેડિયો સાંભળતી વખતે.

ભારતમાં ‘વિવિધભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવા’- એટલે કે કમર્શિયલ સર્વિસ ૧૯૫૭માં શરૂ થઇ ત્યાર પહેલાં- અને પછી પણ- ઓલ ઇન્ડિયા રેડિયોનું એકચક્રી રાજ હતું. ભલભલા ઉસ્તાદો-પંડિતો ને ખાંસાહેબો રેડિયો માટે ગાતા-વગાડતા. ઉસ્તાદ ફૈયાઝખાં જેવા કેટલાકને શ્રોતાઓના સમુહને બદલે રેડિયો સ્ટેશનના સ્ટુડિયોમાં ગાવામાં મઝા આવતી નહીં અને ‘રેકોર્ડિંગ ચાલુ છે’ એમ સૂચવતી લાલ બત્તીથી ‘જી ગભરાતા હૈ’ની લાગણી થતી. એવા નાનામોટા વાંધા છતાં રેડિયો પાસે શાસ્ત્રીય સંગીતના જૂના કલાકારોનો સમૃદ્ધ સંગ્રહ થયો, જેમાંથી કેટલોક હવે સીડી પર ઉપલબ્ધ બન્યો છે.

શાસ્ત્રીયતાના આગ્રહને કારણે રેડિયો પર ગાતી વખતે હાર્મોનિયમ સાથે રાખવાની મનાઇ હતી. એક દંતકથા પ્રમાણે, મહાન ગાયક કુંદનલાલ સહગલ/ KL Saigal રેડિયો સ્ટેશને રેકોર્ડિંગ માટે ગયા ત્યારે, કાયદા પ્રમાણે હાર્મોનિયમ નહીં વાપરી શકાય એ જાણ્યા પછી, રોષે ભરાઇને સ્વસ્તિવચનો સંભળાવીને ચાલી નીકળ્યા હતા. (રેડિયો ઉદ્‌ઘોષકોના તકિયાકલામ જેવું ‘આવાઝકી દુનિયાકે દોસ્તોં’ યોગાનુયોગે સહગલે જ એક ફિલ્મ ‘દુશ્મન’માં રેડિયોસિંગરની ભૂમિકા દ્વારા પ્રચલિત બનાવ્યું હતું.) નૂરજહાંનાં ગીતોથી જાણીતી ફિલ્મ ‘જુગનુ’ના સંગીતકાર ફિરોઝ નિઝામી અને ‘તારી આંખનો અફીણી’થી પ્રખ્યાત સંગીતકાર અજિત મર્ચંટ રેડિયોમાં કામ કરી ચૂક્યા હતા. અજિત મર્ચંટે અનેક જાણીતા હિંદી પાર્શ્વગાયકો પાસે બિનફિલ્મી ગુજરાતી ગીત ગવડાવ્યાં હતાં.

ફક્ત સંગીતના જ નહીં, લેખનના ક્ષેત્રે પણ સઆદત હસન મંટો/S.H.Manto, કૃષ્ણ ચંદ્ર, ઉપેન્દ્રનાથ અશ્ક જેવા ઘણા નામી લેખકો રેડિયોમાં નોકરિયાત રહી ચૂક્યા હતા. ટૂંકી વાર્તાના મહાન લેખક તરીકે જાણીતા બનેલા મંટો રેડિયો માટે નાટકો લખતા હતા. પ્રતિભાશાળી માણસોનો મુકામ હોવા છતાં રેડિયોનું તંત્ર છેવટે સરકારી હતું. તેમાં સર્જકતા સામે બાબુશાહીનું અને ગુણવત્તા સામે હોદ્દાનું પલ્લું હંમેશાં નમેલું રહેતું.

ગાંધીજીના જીવનનાં અંતીમ તબક્કામાં, તેમનાં પ્રાર્થનાસભાનાં પ્રવચનો ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા રેકોર્ડ કરવામાં આવતાં હતાં. તેમની હત્યાના થોડા દિવસ પહેલાં તેમની પર બોમ્બ ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો, તે ધડાકાનો અવાજ અને બધાને શાંત પાડવાનો ગાંધીજીનો પ્રયાસ ઓલ ઇન્ડિયા રેડિયોના રેકોર્ડિંગમાં ઝીલાઇ ગયો છે. ‘હિંદ છોડો’ ચળવળ વખતે પોલીસથી ભાગતા ફરતા ક્રાંતિકારીઓ ખાનગી રાહે રેડિયો સ્ટેશનો ચલાવતા હતા. સુભાષચંદ્ર બોઝે ભારતમાંથી અંગ્રેજોને હાથતાળી આપ્યા પછી બર્લિન પહોંચીને એક રેડિયો પ્રવચનમાં ગાંધીજીને પહેલી વાર ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવ્યા હતા.

રેડિયોનાટકો, કવિ સંમેલન, વાર્તાપઠન, જુદા જુદા વિષયો પરનાં ફીચર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિઘ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતા હતા, પરંતુ રેડિયો પરની સૌથી લોકપ્રિય વાનગી હોય તો એ ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી. ભારતની ફિલ્મોમાં ગીતો અભિન્ન અંગ હતાં. પચાસનો દાયકો હિંદી ફિલ્મસંગીતના ઇતિહાસમાં નિર્વિવાદપણે સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. પરંતુ એ સમયના કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી બી.વી.કેસકર શાસ્ત્રીય સંગીતના કટ્ટર આગ્રહી હતા. તેમણે ફિલ્મસંગીતને છીછરું અને સંભવતઃ રાષ્ટ્રિય સેવા પરથી અપ્રસારણયોગ્ય ગણીને તેની પર પ્રતિબંધ ફટકારી દીધો.

તેનો સીધો અને ભરપૂર ફાયદો ભારતના પાડોશી દેશ સિલોન - પછીનું નામ ‘શ્રીલંકા’-ના રેડિયો સ્ટેશને લીધો. રેડિયો સિલોન/ Radio Ceylonના પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સયાની બ્રાન્ડ ઉદ્‌ઘોષણાનો સિક્કો પડી ગયો અને કંઇક સંચાલકો તેમની નકલ કરવા લાગ્યા. અમીન સયાની કદી રેડિયો સિલોનના કર્મચારી ન હતા. તે મુંબઇથી વ્યાવસાયિક ધોરણે કાર્યક્રમો તૈયાર કરીને મોકલી આપતા હતા. છતાં, એ રેડિયો સિલોનનો પર્યાય બની રહ્યા. શ્રીલંકામાં રહીને તેની હિંદી સર્વિસ માટે કામ કરનારા ગોપાલ શર્મા, મનોહર મહાજન, વિજયાલક્ષ્મી ડીસેરમ જેવાં ઘણાં ઉદ્‌ઘોષકોએ હિંદી ફિલ્મોને સાંકળતા અનેક મૌલિક કાર્યક્રમો તૈયાર કર્યા. તેમાં શ્રોતાઓની પણ સામેલગીરી આવકારી. તેના એક કાર્યક્રમ ‘વાક્યગીતાંજલિ’માં એક વાક્યના દરેક શબ્દ પરથી શરૂ થતાં જુદાં જુદાં ગીત વગાડવામાં આવતાં. તેના માટે જુદા જુદા શબ્દો પરથી શરૂ થતાં ગીતોની યાદી બનાવવાની શરૂઆત કરનાર એક શ્રોતા હતા કાનપુરના ‘હરમંદિરસિંઘ હમરાઝ’/ Harmandir Singh 'Hamraaz'. તેમની પ્રવૃત્તિનો વિસ્તાર એટલો થયો કે ત્રણ-ચાર દાયકાની મહેનતથી તેમણે ૧૯૩૦થી ૧૯૮૦ સુધીની તમામ ફિલ્મોનાં ગીતોની વિગતવાર માહિતી આવરી લેતો પાંચ ભાગનો હિંદી ફિલ્મ ગીતકોશ/Hindi Film Geet Kosh તૈયાર કર્યો.

રોજ સવારે સાડા સાતથી આઠ જૂનાં ગીતોના કાર્યક્રમમાં છેલ્લું ગીત કુંદનલાલ સહગલનું જ મૂકવાની પરંપરા પણ રેડિયો સિલોનની ઓળખ અને વિશિષ્ટતા બની રહી. શ્રીલંકા જેવા દેશનું રાષ્ટ્રિય રેડિયો સ્ટેશન ભારતનાં- હિંદી ફિલ્મી ગીતો વગાડીને ભારતભરના સંગીતપ્રેમીઓમાં છવાઇ જાય, એ વિશિષ્ટ ઘટના હતી. જાહેરખબરો થકી કમાણી કરાવતા આ ચાહકવર્ગનું એટલું ઘ્યાન રાખવામાં આવતું કે ૧૯૭૩માં શ્રીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાનના મૃત્યુ નિમિત્તે એક અઠવાડિયાનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો, ત્યારે પણ હિંદી ફિલ્મી ગીતોને લગતા કાર્યક્રમોનું પ્રસારણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

રેડિયો સિલોનની ટક્કર લેવા માટે ભારતમાં વિવિધભારતી શરૂ થયું, ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. પ્રયોગશીલતા અને મૌલિકતાની બાબતે પણ વિવિધભારતીનું તંત્ર ઘણી હદે સરકારી તંત્ર પુરવાર થયું. એમ તો ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસના ફિલ્મી ગીતોકેન્દ્રી કાર્યક્રમો પણ લોકપ્રિય બન્યા. વર્ષો વીતતાં શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનનું પ્રસારણ રેડિયોમાં ઝીલવાનું અઘરૂં બનતું ગયું અને એ માટેનાં સમય-વૃત્તિ શ્રોતાઓમાં ઘટતાં ગયાં. પ્રસારણ નબળું હોય ત્યારે રેડિયોનું એરિયલ પકડીને આખો કાર્યક્રમ સાંભળનારા શ્રોતાઓની પેઢી બદલાઇ ગઇ.

હવે સ્થાનિક એફ.એમ. રેડિયો સ્ટેશનોના જમાનામાં રેડિયો નિરાંત નહીં પણ ઉતાવળનું અને મનોરંજન કરતાં પણ વધારે મુસાફરી કે ડ્રાઇવિંગ વખતે અથવા વાળ કપાવતી વખતે ટાઇમપાસ કરવાનું સાધન બન્યો છે. વિવિધભારતી હજુ કર્ણપ્રિય અને ખરા અર્થમાં જૂનાં ગીતો સાંભળવા માટેનું ઠેકાણું છે. બાકી, ખાનગી એફ.એમ. સ્ટેશનો પર દસ વર્ષ પહેલાંનાં ગીત જૂનાં અને ‘શોલે’ વિન્ટેજ ગણાય છે.

રેડિયોના રજવાડાનું આઘુનિક ટેકનોલોજીમાં વિલીનીકરણ થાય કે તે જુદા સ્વરૂપે ટકી રહે, તેનો અફસોસ ન હોય. કોઇ પણ ટેકનોલોજી કે શોધની એ જ નિયતી હોય છે. ભારતની ત્રણ-ચાર પેઢીઓના જીવનને રેડિયોએ જે આપ્યું, તેનાથી સંતોષ માનવો રહ્યો.

9 comments:

 1. લેખ ખુબજ ગમ્યો. દરિયા ની નજીક મારું ગામ હોવાથી અમે સીલોન ખુબ જ સાંભળ્યું. હપ્તે કે શ્રોતા , વાક્ય ગીતાંજલિ, જબ આપ ગા ઉઠે , શીર્ષક સંગીત, જેવાકાર્ય ક્રમો ના વાર અને સમય હજુ યાદ છે! મેં ઘણા પત્રો લખ્યા અને દલ્વીર સીંગ પરમાર સાથે સારી મૈત્રી કેળવી. શ્રીલંકા -રેડીઓ સીલોન એ અમારી જીન્દગી નો મહત્વનો અધ્યાય છે! તમે મજા કરાવી દીધી!

  ReplyDelete
 2. સરસ લેખ. જુના મિત્રની વાત વાંચતો હોય એવું લાગ્યું.આભાર.

  ReplyDelete
 3. Anonymous11:22:00 PM

  સરસ લેખ! હા હવે રેડિયો સાંભળીએં છીએં-પણ ફકત કારમાં.(કવચિત)

  ReplyDelete
 4. Urvishbhai, bahuj saras lekh... thank you

  ReplyDelete
 5. સરસ લેખ છે. કચ્છના નાનકડા ગામમાં વિતેલા બાળપણની યાદ આવી ગઇ.

  ReplyDelete
 6. દૃશ્ય માધ્યમ કલ્પના માટે અવકાશ રહેવા દેતું નથી, જ્યારે રેડિયો જેવું શ્રાવ્ય માધ્યમ તમારી કલ્પનાને મુક્ત ગગન આપે છે. રેડિયો નાટકો માત્ર સંવાદને આધારે રજુ થાય છે, તેમ છતાં, આપણી આંખ સામે (ખરેખર તો મગજમાં) એક રંગમંચ ખડો થઈ જાય છે! સૌની પોતાની કલ્પના, સૌનો પોતાનો રંગમંચ! આ સ્વાયત્તતા દૃશ્ય માધ્યમમાં નથી. આટલું રેડિયોની તરફેણમાં એક નિવૃત્ત રેડિયો કર્મચારી તરફથી!
  અનિશ્ચિતતાની જે મઝા છે તે આપણે રેકૉર્ડ કરી લીધેલાં ગીતોમાં ન મળે, એટલે જ એ જ ગીતો રેડોયો પર સાંભળવાની મઝા છે.

  ReplyDelete
 7. utkantha10:55:00 AM

  જે આવવાનું હોય તે આપણા હાથમાં ન હોય અને તે આવે ત્યારે જ ખબર પડે, એની જુદી મઝા હોય છે- જિંદગીમાં તેમ જ નાના પાયે રેડિયો સાંભળતી વખતે.
  akdam sachi vat...

  ReplyDelete
 8. રેડિયોની મીઠી યાદ્સફર માટે શ્રી ઉર્વીશભાઇને અભિનંદન અને આભાર.
  યાદ આવે છે એ દિવસો જ્યારે અમે - હું અને મારા ત્રણ જીગરી મિત્રો - રેડીયો ઑસ્ટ્રૅલીયા, જે માત્ર અમારા એચ એમ વી રેડિયો પર 'પકડાતું' અને તે પણ માંડ માંડ, પર ટેસ્ટ મૅચની રનીંગ કોમેન્ટરી સાંભળવા વહેલી સવારે એકઠા થતા કે પછી મૅલ્વીન ડી મૅલ્વોના ગંભીર અવાજમાં કોઇ પણ ખાસ 'સમાચાર' સાંભળતા. બિનાકા ગીતમાલાની પ્રસિધ્ધિ અમીન સાયાની કે કારણે હતી કે અમીન સાયાની ની પ્રસિધ્ધિ બિનાકાને કારણે તે કદી વિચાર્યું નહોતું પરંતુ તે બન્નેની પ્રસિધ્ધિ એ ખુદ બિનાકા [ટુથપૅસ્ટ]ને કેટલી મદદ કરી તે ચર્ચાપત્ર બનાવી અને અભ્યાસ દરમ્યાન સહાધ્યાયીઓની દાદ મેળવવામાં રેડિયોનું યોગદાન પણ યાદ આવે.

  ReplyDelete
 9. ખુબ સુંદર લેખ. બહુ બધું યાદ કરાવ્યું!
  મરફી બેબી! એસ.એસ.સી.માં આવ્યો ત્યારે મર્ફી મ્યુંઝીશીયનની કંપની મળી હતી!
  Its surprising and a fact that 'ખાનગી એફ.એમ. સ્ટેશનો પર દસ વર્ષ પહેલાંનાં ગીત જૂનાં અને ‘શોલે’ વિન્ટેજ ગણાય છે'!
  ઉર્દૂ સર્વિસના નિયમિત શ્રોતાઓના નામ આજે પણ યાદ છે! સિયાલકોટ સે આશીર બટ, નસીર બટ ઔર ચાંદ બટ. રોહતક સે સતપાલ ચૌધરી ઔર શક્તીપાલ ખુરાના. આપણે ત્યાં રાજકોટ સે મધુસુદન ભટ્ટ, આરતી, પૂજા ઔર પપ્પુ!

  ReplyDelete