Monday, March 26, 2012
ગુજરાતી નાટકોના ઓછા જાણીતા ‘સુંદરી’ : અમૃત જાની

Amrut Jani in Female Role

સાત-આઠ દાયકા પહેલાં નાટકોમાં સ્ત્રીભૂમિકા કરીને છવાઇ ગયેલા અમૃત જાની/Amrut Jani આજીવન રંગમંચ સાથે સંકળાયેલા રહ્યા.જન્મશતાબ્દિ વર્ષે તેમનું અને તેમની આત્મકથામાં ઝીલાયેલા યુગની અત્યારે આશ્ચર્યજનક લાગે એવી વિશિષ્ટતાઓનું સ્મરણ
વર્ષ ૧૯૨૭. મૂંગી ફિલ્મો શરૂ થઇ હતી, પણ બોલતી ફિલ્મોના યુગને હજુ વાર હતી. બોલતા-ગાતા મનોરંજન માટે પ્રજાનો મુખ્ય આધાર મુંબઇથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલી વિવિધ નાટકમંડળીઓ પર હતો. ફિલ્મ કંપનીઓ- સ્ટુડિયોની જેમ દરેક નાટકમંડળીની ખૂબીઓ અને વિશિષ્ટતાઓ હતી. સ્ટાર અભિનેતાઓથી માંડીને નિર્દેશક સુધીના સૌ પગારદાર રહેતા. ફરક એટલો કે નાટકમંડળીઓએ પોતાના આખા સ્ટાફ સાથે ફરવું પડતું.‘નાટક-ચેટક’નું કામ ભદ્ર વર્ગમાં એવું હીણપતભર્યું ગણાતું કે બનીઠનીને નાટક જોવા જવાય, એનાં પાત્રો પર ફીદા થવાય, પણ ‘નાટકિયા’ સાથે સંબંધ ન બંધાય. એ જ કારણથી, મુખ્યત્વે મસાલા-મનોરંજનનાં પર્યાય જેવાં નાટકોમાં સ્ત્રી પાત્રો માટે અભિનેત્રીઓનો સદંતર અભાવ હતો- અને નાટકોમાં સ્ત્રી ભૂમિકાઓ કરતા અભિનેતાઓનો જબરો પ્રભાવ હતો.
હીરોઇનની ભૂમિકા માટે જરૂરી ગણાતી કુમળી વયે- પંદર વર્ષે- અમૃત જાની રાજકોટની એક સાંસ્કૃતિક સંસ્થાના નાટક ‘ભારતગૌરવ’માં નાયિકા બન્યા. ૧૭ જુલાઇ, ૧૯૧૨ના રોજ જન્મેલા અમૃતભાઇ આમ તો આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં વિદ્યાર્થી, પણ તેમના પિતા જટાશંકર જાનીએ ચાર દાયકા સુધી નાટકોમાં કામ કરીને અભિનેતા-દિગ્દર્શક તરીકે ખ્યાતિ મેળવી હતી. પત્નીના મૃત્યુ પછી તે ‘મારા દીકરાને નાટકિયો નથી બનાવવો’ એવા નિર્ધાર સાથે નાટકની દુનિયા છોડીને આવી ગયા. પરંતુ કપરી આર્થિક સ્થિતિમાં રાજકોટના જાણીતા ગૃહસ્થોએ નાટકના રોલ માટે રૂ.ત્રીસની ઓફર કરતાં, તે ના પાડી શક્યા નહીં. યોગાનુયોગે મુંબઇની વિખ્યાત નાટક કંપની ‘રોયલ’/Royal એ વખતે રાજકોટમાં હતી. તેના કર્તાહર્તાઓ ‘ભારતગૌરવ’માં ચંદ્રગુપ્ત મૌર્યની પ્રેમીકાની ભૂમિકામાં અમૃત જાનીને જોઇને એવા પ્રભાવિત થયા કે મહિને ત્રીસ રૂપિયા અને ખાવું-પીવું-રહેવું, એવી શરત સાથે તેમણે અમૃત જાનીને રોકી લીધા.
દીકરાને નાટકથી દૂર રાખવા ઇચ્છતા પિતા માટે એ કપરો નિર્ણય હતો. પણ કુટુંબની આર્થિક સ્થિતિ જોતાં અને ‘રોયલ’માં એક જૂના પરિચિતની હૈયાધારણ પછી તેમણે મંજૂરી આપી. રૂપિયા ત્રીસનો માસિક પગાર ૧૯૨૭માં કેટલો ગણાય? અમૃત જાનીએ તેમની આત્મકથા ‘અભિનયપંથે’માં લખ્યું છે તેમ, એ સમયે મોરબી રાજ્યના ફોજદારને એટલો પગાર મળતો ન હતો. નાટકોમાં કુમળી વયના છોકરાઓની શરૂઆત સામાન્ય રીતે ખાવા-પીવા-રહેવાની શરતે થતી. અંદર રહીને તે ઘડાય અને કંઇક હીર બતાવે ત્યાર પછી પગારની વાત આવે.
કિશોર વયે છોકરાઓનો અવાજ સ્ત્રૈણ હોય અને શારીરિક ફેરફારો શરૂ થયા ન હોય, એટલે સ્ત્રી પાત્રોમાં તે સહેલાઇથી ઢળી શકે. છોકરાનો દેખાવ ખરેખરી સુંદરીને પાણી ભરાવે એવો કરવા માટે કેવી જહેમત લેવાતી તેનું પણ ઝીણવટભર્યું વર્ણન ‘અભિનયપંથે’માં અમૃતભાઇએ આપ્યું છે. ‘મેક-અપ’ માટે ત્યારે ‘પાવડર’ જેવો સીધોસાદો શબ્દ વપરાતો હતો અને ‘પાવડર-રૂમ’નો સરંજામ આટલોઃ બે મોટા વાટકામાંથી એકમાં પાણી અને બીજામાં સફેદ પાવડરની ભૂકી. નાની વાટકીઓમાં પીળા રંગના કટકા, લાલ રંગની ભૂકી. એક વાટકીમાં તેલમાં મિક્સ કરેલો અને બીજીમાં પાણીમાં ઘોળેલો કાળો રંગ. પફ-પાવડરનો એક ડબો, વેસેલીનની શીશી અને કોપરેલ તેલની વાટકી.
પહેલાં લાલ રંગમાં અને પછી પાણીમાં આંગળી બોળીને અરીસા ઉપર ‘ઓમ’ અને ‘શ્રી’ લખીને મેક-અપની શરૂઆત થાય. શરીરનો જે ભાગ વસ્ત્રોની બહાર દેખાવાનો હોય તેની પર સાવચેતીપૂર્વક રંગ ચોપડવાનો. મોઢાના રંગ સાથે તેનું મેચંિગ થવું જોઇએ. પાવડર સુકાઇ જાય પછી લાલ રંગની ભૂકી થોડા પાણીમાં ભેળવીને તેનાથી ગાલ પરની સુરખી કરવાની. આંખની ઉપરની ભ્રમર (‘નેણ’) કાળા રંગમાં દીવાસળીની સળી બોળીને ચીતરવાની. આંખમાં આંજણ અને લાલ રંગમાં સળી બોળીને ચાંલ્લા કરવાના. પરંતુ નેણ-આંજણ-ચાંલ્લા કરતાં પહેલાં કોરિયોગ્રાફરને પાવડર (મેક-અપ) બરાબર થયો છે કે નહીં, એ બતાવી દેવાનું. કોરિયોગ્રાફર માટે એ સમયનો પ્રચલિત શબ્દ હતો ‘નાચ-માસ્તર’. (એવી જ રીતે વાળની વિગનો વહીવટ કરનાર વિગ-માસ્તર અને હાર્મોનિયમ વગાડનાર પેટી-માસ્તર)
કંપનીનો નિયમ એવો કે બધા છોકરાઓએ વાળ કપાવવાના નહીં. લાંબા વાળ રાખવાના. એ લોકો પોતાને શોભે એવા વાળ ઓળીને વિગ-માસ્તર પાસે જાય. એ તેમને ચોટી ગૂંથી આપે કે અંબોડો વાળી આપે. દરેક અભિનેતાને પોતાની ભૂમિકા પ્રમાણેનાં વસ્ત્રો ડ્રેસખાતામાંથી મળે. દરેકના નામ સાથે ત્યાં એનાં કપડાં લટકતાં હોય. સ્ત્રીપાઠ કરતા છોકરાઓના શરીરના વળાંકો બતાવવા માટે કપડાના દડા વપરાય. ‘લ્યો, આ છાતી પહેરો’ એટલી સહજતાથી ડ્રેસ-માસ્તર વાત કરે. અમૃતભાઇએ લખ્યું છે કે જેમ એક કુંવારી કન્યાને લગ્નમંડપમાં તેનાં સગાંવહાલાંની સ્ત્રીઓ સંભાળે એવી રીતે તૈયાર કરનારા સંભાળ રાખે. છેલ્લે દાગીનાખાતામાં જઇને દરેક પોતપોતાને લગતા દાગીના પહેરે. તેમાં ખોટા મોતીનો હાર, ગળામાં ચપોચપ પહેરાતો ગંઠો, મોતીની બંગડીઓ અને એરીંગ.
આ રીતે તૈયાર થયેલા છોકરાઓ પર ઘણા પ્રેક્ષકો મોહી પડતા, તેમને ભેટસોગાદો આપીને તેમની નજીક જવાના પ્રયાસ કરતા અને દરેક વ્યવસાયમાં હોય છે એવા સ્વૈચ્છિક કે ફરજિયાત શોષણના બનાવો પણ બનતા. પરંતુ છેવટનો આધાર વ્યક્તિની પોતાની ઉપર અને નાટકમંડળીની શિસ્ત પર રહેતો. રોયલ નાટકમંડળીના માલિક મહાશંકર અને કંપનીના આધારસ્તંભ જેવા પારસી અભિનેતા-દિગ્દર્શક સોરાબજી કાત્રક આ બાબતમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા હતા.
નાટકકંપનીઓ એક ગામમાં લાંબો નિવાસ કરીને બીજે ગામ જતી હોય ત્યારે ઘણી વાર કંઇક લોકોનાં ગામમાં લેણાં ચૂકવવાનાં બાકી રહી જતાં. પણ ‘રોયલ’ની એવી પરંપરા હતી કે ગામ છોડવાનું હોય તેના અઠવાડિયા પહેલાંથી તે જાહેરાત કરે કે ‘સંસ્થા પાસે યા તો સંસ્થાના કોઇ પણ કાર્યક્ર પાસે કોઇ વ્યક્તિનું કંઇ પણ લેણું નીકળતું હોય તો બે-ચાર દિવસમાં જાતે આવીને લઇ જાય.’
પ્રસિદ્ધ નાટ્યલેખક જામને ‘રોયલ’ માટે ‘સોનેરી જાળ’ નામે એક નાટક લખ્યું હતું. તેમાં વૈષ્ણવ સંપ્રદાયના એક મહારાજના અનીતિમય વ્યવહાર અંગે ચાલતા કેસનો વિષય હતો. નાટક સફળ થયું, પણ વૈષ્ણવ સમાજ નારાજ થયો. તેમણે પહેલાં ધમકી મોકલી. તેની અસર ન થઇ એટલે ‘નાટક બંધ કરો તો અમે મોટી રકમ આપીએ’ એવી વાત કરી. છતાં, કંપનીએ નાટક ભજવવાનું ચાલુ રાખ્યું. નાટક મંડળીઓ સંપૂર્ણપણે ધંધાદારી હોવા છતાં, ‘રોયલ’ જેવી કેટલીક કંપનીઓ કે વ્યક્તિગત રીતે ઘણા લોકો માટે નાટક કેવળ રૂપિયા કમાવાનું સાધન ન હતું. વપરાઇને લપટા પડી ગયેલા શબ્દોમાં કહેવું હોય તો કંપનીનું વાતાવરણ ‘પરિવાર જેવું’ રહેતું.
સૌનું રસોડું સહિયારું. રસોડાની ઘંટડી વાગે એટલે વારાફરતી બધા જમવા જાય. આત્મકથામાં અમૃતભાઇએ કેટલાંક વર્ણન એટલાં ઝીણવટભર્યાં અને આબેહૂબ કર્યાં છે કે એ કોઇ સજ્જ સાહિત્યકારના લખાણ જેવાં લાગે. જમવાની જગ્યા અને રસોડા વિશે તેમણે લખ્યું છે, ‘એક મોટા સમુહને માટે જેમ લોજ-વીશીમાં રસોઇ થતી હોય અને જેવા પ્રકારની હવામાં ઘેરાયેલી વાસ આવે તેવી અહીં પણ આવતી હતી.’ બધા લોકો પરિવારના સભ્યો ખરા, પણ જ્ઞાતિના ચોકાથી પરિવારના બંધન કરતા વધારે મજબૂત. અમૃતભાઇના જ શબ્દોમાં : ‘રસોઇ બનતી તેની લગોલગ લાકડાની આડશવાળા ચોકઠામાં બ્રાહ્મણભાઇઓ જમવા બેસતા. તેનાથી એકાદ ફૂટ દૂર, બીજી એવી જ કરેલી જગ્યામાં નાયકબંઘુઓની જગ્યા મુકરર થયેલી હતી...નાની-નાની એવી બે-પાંચ આડશવાળી જગ્યામાં સંસ્થાના દરજીભાઇ, વાળંદભાઇ વગેરે અને પછીના એવા જ ભાગમાં પારસી અને મુસ્લિમ બિરાદરો કે જે લગભગ, ત્યાં બેસીને જમવાને બદલે પોતાના ટિફિનમાં જમવાનું ભરાવી લઇ જતા અને પોતાની રહેવાની અગર અન્ય અલાયદી જગ્યાએ બેસી જમતા... વાસણ માંજી રહેલા બે ભાઇઓ પાસે થાળી-વાટકાનો ઢગલો પડેલો હતો. જે જે જમવા આવતા, તે તેમાંથી થાળી-વાટકો લઇ, પોતપોતાના ચોકામાં જમવા બેસી જતા.’
નાટક મંડળીમાં એક તરફ પરિવાર જેવું વાતાવરણ, બીજી તરફ આર્થિક અને અંદરોઅંદરની ખટપટો અને થોડાં વર્ષો પછી નાટકમંડળીઓના અંતનો આરંભ- એ પરિસ્થિતિને કારકિર્દીના ચડાવઉતાર સાથે અમૃત જાનીએ કેવી રીતે જોઇ? તેની વાત આવતા અઠવાડિયે.
Labels:
drama,
history/ઇતિહાસ,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Post Comments (Atom)
સરસ માહિતિ મળી જે નટ્યવિકાસના ઇતિહાસને ઉજાગર કરે છે.
ReplyDeleteSuperb, Urvishbhai. Thank you.
ReplyDeleteઅહીં આ ફોટા કેવા સરસ લાગે છે? કોપી કરવા પડશે !
ReplyDeleteબીજા ભાગની રાહ જોઉં છું.
Vow...Very Interesting..
ReplyDeleteસરસ ...જયશંકર સુંદરી વિશેની જાણ હતી ..પણ અમ્રુત સુંદરી વિશે પ્રથમ વાર વાંચ્યુ ...જૂના નાટકો તથા કલાકારો વિશે જાણવું ગમે ...ફિલ્મના જૂના સંસ્મરણો ભાઈ( વિઠ્ઠલ પંડ્યા)ના પુસ્તક અસલી નક્લી ચહેરામાં છે એ સહજ આપની જાણ માટે ...સંજય પંડ્યા
ReplyDelete