Tuesday, March 13, 2012
પ્રાદેશિક પક્ષોઃ ત્રીજા મોરચાની અવેજી?
જાણીતી રમૂજ પ્રમાણે, એક જ ગલીમાં ઉભી રહેતી પાણીપુરીની લારીઓ વચ્ચે હરીફાઇ ચાલી. એક લખ્યું, ‘આ શહેરની શ્રેષ્ઠ પાણીપુરી’. બીજા હરીફોએ ગુજરાત, ભારત અને વિશ્વ સુધી પોતાનો દાવો લંબાવ્યો. પાંચમા લારીવાળાએ લખ્યું, ‘આ ગલીની શ્રેષ્ઠ પાણીપુરી’ અને એની લારી પર સૌથી વઘુ ગીરદી થવા લાગી.
ભારતીય રાજકારણમાં રાષ્ટ્રિય પક્ષોની સામે છેલ્લા બે-ત્રણ દાયકામાં પ્રાદેશિક પક્ષોની સફળતા અને ચઢતી કળા વિશે વિચારતાં આ રમૂજ યાદ આવે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામથી વઘુ એક વાર પ્રાદેશિક પક્ષો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ‘પૂંછડી કૂતરાને હલાવે છે’ એવી અંગ્રેજી કહેણી પ્રમાણે, ફક્ત એક રાજ્યમાં હાજરી અને પ્રભાવ ધરાવતા સ્થાનિક પક્ષો કેન્દ્ર સરકારને નચાવે અને તંગ કરે, એ સિલસિલો હવે ભારતના રાજકારણનો શિરસ્તો બની ગયો છે.
પ્રાદેશિક કે સ્થાનિક પક્ષોનો વધેલો પ્રભાવ દેશનું કેન્દ્રીય માળખું નબળું પડવાથી માંડીને અસ્થિર શાસન સુધીની અનેક આશંકા-ચિંતા જગાડે છે. ઘણાને લાગે છે કે જેવા છે તેવા, પણ બે રાષ્ટ્રિય પક્ષોમાંથી કોઇને ચોખ્ખી બહુમતી મળવી જોઇએ. તેમને લાગે છે કે સ્થાનિક પક્ષો પોતાના ટેકાની આકરી કિંમત વસૂલે છે અને વ્યાપક રાષ્ટ્રહિત કરતાં સંકુચિત પ્રદેશહિત - પક્ષહિતને આગળ મુકે છે. પ્રાદેશિક પક્ષો મુખ્યત્વે વ્યક્તિકેન્દ્રી હોવાથી સરવાળે તે લોકશાહી ઢબે ચાલતા પક્ષોને બદલે વ્યક્તિગત રજવાડાં જેવા બની રહેતા હોવાની પણ ફરિયાદ છે. અલબત્ત, આ તમામ ફરિયાદોનો બીજો પક્ષ એ પણ છે કે કોંગ્રેસ-ભાજપ જેવા રાષ્ટ્રિય પક્ષો તેમના સાથીપક્ષોને ભાગ્યે જ સાથી કે સમોવડીયા ગણીને તેમનું મહત્ત્વ સ્વીકારે છે.
ભારતનું વર્તમાન અને નજીકના ભવિષ્યનું રાજકારણ મોટા પાયે પ્રાદેશિક પક્ષો પર આધારિત હોવાથી, તેમના ઉદયનો અછડતો ઇતિહાસ અને તેમની વર્તમાન સ્થિતિ તપાસીએ.
ખીચડી-યુગ પહેલાં
આઝાદી પછી તરતના અરસામાં ભારતીય રાજકારણમાં એક જ રાષ્ટ્રિય પક્ષ હતોઃ કોંગ્રેસ. જવાહરલાલ નેહરુની પ્રચંડ આભા અને ‘આઝાદી અપાવનાર પક્ષ’ તરીકે કોંગ્રેસની છબીને લીધે, કોંગ્રેસના પ્રતીક સાથે ‘થાંભલો પણ ઊભો રહે તો ચૂંટાઇ આવે’ એવી સ્થિતિ હતી. એ સમયે કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસના મુકાબલે સ્થાનિક પક્ષોની જગ્યા ઊભી થઇ ચૂકી હતી. તેના મૂળમાં વ્યક્તિકેન્દ્રી રાજકારણ અથવા સ્થાનિક પ્રજાની આકાંક્ષાઓ - ઓળખનું રાજકારણ રહેલાં હતાં. જેમ કે, જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા પરિવારનો પક્ષ ‘નેશનલ કોન્ફરન્સ’ અને પંજાબમાં ‘અકાલી દળ’.
રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો દબદબો ઓસર્યો અને ખીચડી સરકારોનો યુગ શરૂ થયો તે પહેલાંથી, એટલે કે સાઠ અને સિત્તેરના દાયકામાં, કેટલાક પ્રાદેશિક પક્ષોનાં મૂળીયાં ઊંડાં ઉતરવા લાગ્યાં હતાં. તામિલનાડુમાં ડીએમકે અને ઓલઇન્ડિયા અન્નાડીએમકે સાઠના દાયકાથી કોંગ્રેસને હંફાવવા લાગ્યા. આઝાદીના બરાબર બે દાયકા પછી તામિલનાડુમાં કોંગ્રેસના દિવસો ભરાઇ ગયા અને ૧૯૬૭ની વિધાનસભા ચૂંટણી પછી પહેલી વાર ત્યાં ડીએમકેની બિનકોંગ્રેસી સરકાર રચાઇ. આ પરિવર્તનનાં એંધાણ ૧૯૬૨ની ચૂંટણીમાં ડીએમકેને ૫૦ બેઠકો મળી ત્યારથી જ આવી રહ્યાં હતાં.
૧૯૬૭ પછી તામિલનાડુમાં કોંગ્રેસ બીજો પણ નહીં - ડીએમકે અને એઆઇએડીએમકે પછીનો- ત્રીજો પક્ષ બની ગયો. ૧૯૭૭માં ડીએમકેની હાર થઇ ત્યારે કોંગ્રેસની ભૂમિકા સાક્ષીની જ રહી. કારણ કે સરકાર એઆઇએડીએમકેની બની.
સુહાસ પળસીકરે તેમના અભ્યાસલેખમાં નોંઘ્યા પ્રમાણે, બિનકોંગ્રેસી પક્ષોનું નોંધપાત્ર વજૂદ ધરાવતું બીજું અગત્યનું રાજ્ય હતું ઓરિસ્સા. આઝાદ ભારતની પહેલી ચૂંટણી (૧૯૫૨)થી ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી (૧૯૭૫) સુધી ત્યાં ગણતંત્ર પરિષદ, જનકોંગ્રેસ અને ઉત્કલ કોંગ્રેસ જેવા પક્ષોનું જુદા જુદા સમયે સારું એવું પ્રતિનિધિત્વ રહ્યું.
વર્તમાન મુખ્ય મંત્રી નવીન પટનાયકના પિતા બીજુ પટનાયક ઓરિસ્સામાં બિનકોંગ્રેસી રાજકારણની ધરી બની રહ્યા.
ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને યુનાઇટેડ ગોઅન પાર્ટીનાં નામ ઉલ્લેખનીય હતાં. કોંગ્રેસથી છૂટા પડેલા સી.રાજગોપાલાચારીના સ્વતંત્રતા પક્ષને સ્થાનિક કે પ્રાદેશિક ન કહી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતમાં ભાઇકાકા જેવા નેતાને કારણે એ પક્ષની ઠીક ઠીક હવા ઉભી થઇ હતી. મહાગુજરાત આંદોલનની આસપાસના સમયમાં ગુજરાતમાં જનતા પરિષદ સ્થપાઇ. જોકે મહાગુજરાત આંદોલનની ગરમી છતાં ૧૯૫૭ની ચૂંટણીમાં લોકસભામાં જનતા પરિષદને બાવીસમાંથી પાંચ અને વિધાનસભામાં ૮૭માંથી ૨૯ બેઠકો મળી હતી.
પંજાબમાં ૧૯૬૯માં પહેલી વાર અકાલી દળને ૧૦૪માંથી ૪૩ બેઠકો મળતાં તેમનું વજન ઊભું થયું, જે હવે સંપૂર્ણતાએ પહોંચ્યું છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં કહેવાય ભાજપ-શિરોમણી અકાલી દળની યુતિ, પણ ભાજપની હાલત હકીકતે અકાલી દળની કાંધે બેઠેલા પક્ષ જેવી છે. અસલી સત્તા અને અસલી વિજય શિરોમણી અકાલી દળનાં જ છે. આ લાગણીનો પડઘો પાડતાં, ભાજપના સાથી, જનતાદળ (યુ)ના નેતા અને બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારે કહ્યું છે કે, ‘ભાજપ-જનતા દળ (યુ) વચ્ચે જે કંઇ યુતિ હતી, એની પર ભાજપે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પડદો પાડી દીધો છે.’ તેમણે જરા સૌમ્ય શબ્દોમાં સ્થાનિક પક્ષોનું મહત્ત્વ સમજવા-સ્વીકારવા ‘રાષ્ટ્રિય પક્ષો’ને સલાહ આપી છે, તો તેમના એક સાથી - રાજ્યસભા સાંસદ શિવાનંદ તિવારીએ ભાજપ માટે ‘કહેવાતો રાષ્ટ્રિય પક્ષ’ જેવો પ્રયોગ પણ કર્યો છે.
હા, વર્તમાન સમયમાં ‘રાષ્ટ્રિય પક્ષ’ હોવું એ માનવાચક નહીં, પણ મશ્કરીસૂચક વિશેષણ બની ગયું છે- ગામડાના લોકો જેમ શહેરીઓને ‘ભણેલાગણેલા થઇને આટલું નથી આવડતું?’નો ઉપાલંભ આપ્યા કરે એવી રીતે.
એકમાંથી અનેક
આઝાદ ભારતના રાજકારણને પક્ષીય દૃષ્ટિએ મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવે છેઃ ૧૯૫૨ થી ૧૯૬૭ સુધીનો કોંગ્રેસયુગ, જેમાં છૂટાછવાયા અપવાદોને બાદ કરતાં કોંગ્રેસનું વર્ચસ્વ સંપૂર્ણપણે જળવાયેલું રહ્યું. ત્યાર પછી ૧૯૬૭થી ૧૯૮૯ દરમિયાન વિરોધ પક્ષોની તાકાતમાં વધારો થતો રહ્યો. કટોકટી પછી ૧૯૭૭માં થયેલી ચૂંટણી થકી દેશને પહેલી બિનકોંગ્રેસી મોરચા સરકાર મળી, પણ એ પ્રયોગ લાંબું ટક્યો નહીં અને ફરી એક વાર ઇંદિરા ગાંધીની હત્યા (૧૯૮૪) સુધી અને તેમની હત્યાથી પેદા થયેલી સહાનુભૂતિને કારણે રાજીવ ગાંધીની પહેલી મુદત (૧૯૮૯) સુધી કોંગ્રેસનું રાજ તપ્યું. ત્યાર પછીનાં દસ વર્ષ (૧૯૮૯-૧૯૯૮) ભારે અંધાઘૂંધીથી ભરેલાં હતાં. તેમાં ચંદ્રશેખર, વી.પી.સંિઘ, દેવે ગૌડા, ઇન્દરકુમાર ગુજરાલ જેવા વડાપ્રધાનો આવ્યા.
કોંગ્રેસનું એકચક્રી શાસન પૂરું થવા બદલ લોકોએ રાહતનો શ્વાસ લીધો, પણ તેના વિકલ્પે સ્થિર અને અસરકારક મોરચા સરકારોને બદલે રાજકીય શંભુમેળા જ આવ્યા. એ અરસાના સૌથી પ્રભાવશાળી સ્થાનિક નેતાઓમાં આંધ્ર પ્રદેશના એન.ટી.રામારાવને યાદ કરવા પડે, જે તામિલનાડુના એમ.જી.રામચંદ્રનની જેમ જ, ફિલ્મ અભિનેતા તરીકેની પોતાની પ્રચંડ લોકપ્રિયતાને રાજકારણમાં પરિવર્તીત કરી શક્યા અને કોંગ્રેસને હંફાવવામાં સફળ રહ્યા. બિનકોંગ્રેસી-બિનભાજપી-બિનડાબેરી અને ગરીબલક્ષી, ટૂંકા રસ્તે લોકપ્રિયતા મેળવવા કંઇ પણ કરી છૂટનારા પક્ષ તરીકે તેલુગુદેસમ્નું મોડેલ એટલું ચાલ્યું કે એક સમયે ગુજરાતમાં (અગાઉ કિમલોપ- કિસાન મજદૂર લોક પક્ષ સ્થાપી ચૂકેલા) ચીમનભાઇ પટેલ ‘ગુજરાતદેસમ્’ પક્ષ સ્થાપે એવી હવા હતી. ગુજરાતની અસ્મિતા, ગુજરાતની જીવાદોરી (નર્મદાબંધ), ગુજરાતગૌરવ, નયા ગુજરાત જેવાં સૂત્રો દ્વારા પ્રાદેશિકતાની લાગણી ઉશ્કેરવામાં ચીમનભાઇ પટેલ વર્તમાન મુખ્ય મંત્રીના પૂર્વસૂરિ હતા.
વી.પી.સિંઘથી માંડીને ચીમનભાઇ પટેલ સુધીના નેતાઓથી બનેલા જનતા દળનું પોતાનું આયુષ્ય બહુ ન રહ્યું, પણ તેના અનેક ટુકડા થયા જે બે દાયકા પછીના વર્તમાન રાજકારણમાં બિનકોંગ્રેસી-બિનભાજપી પ્રાદેશિક પક્ષો તરીકે મહત્ત્વનાં પરિબળ બન્યા છે. એવા પક્ષોમાં જ્યોર્જ ફર્નાન્ડિસ-જયા જેટલીથી જાણીતો સમતા પક્ષ, નીતિશકુમારનો જનતા દળ(યુ), લાલુપ્રસાદનો રાષ્ટ્રિય જનતા પક્ષ, મુલાયમસિંઘનો સમાજવાદી પક્ષ, ઓરિસ્સાનું બીજુ જનતા દળ, કર્ણાટકમાં દેવે ગૌડાનું જનતા દળ, રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી વગેરેનો સમાવેશ કરી શકાય. એ સિવાય આસામ ગણ પરિષદ, શિવ સેના, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, બહુજન સમાજ પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ, એન.ટી.રામારાવના જમાઇ ચંદ્રાબાબુની આગેવાની હેઠળનો તેલુગુદેસમ્ પ્રાદેશિક છતાં રાષ્ટ્રિય રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે- અથવા ભજવી ચૂક્યા હોય- એવા પક્ષો છે.
બિનકોંગ્રેસી-બિનભાજપી ધરી
ભારતમાં કોંગ્રેસના દાયકાઓને એકહથ્થુ શાસનને કારણે, મોટા ભાગના પક્ષો કોંગ્રેસી શાસન સામેના અસંતોષમાંથી રચાયા છે. એટલે યુતિ સરકાર બનાવવાની થાય ત્યારે આ પક્ષોને કોંગ્રેસ કરતાં ભાજપ સાથે જોડાવું વઘુ માફક આવે છે. જોકે, કોમવાદી રાજકારણ સાથે ભાજપની છેડાછેડીને કારણે, ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં સાથી રહી ચૂકેલા પક્ષો હવે ભાજપથી સલામત અંતર રાખીને ત્રીજી ધરી રચી શકે એટલા સક્ષમ બની રહ્યા છે.
ઉત્તર પ્રદેશ જીતેલા યાદવ પિતા-પુત્ર મુલાયમ-અખિલેશ, બિહાર કબજે કરીને બેઠેલા નીતિશકુમાર, ઓરિસ્સામાં ઊંડાં મૂળીયાં નાખવામાં સફળ થનાર બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયક, બંગાળમાં ડાબેરીઓને ઉખેડી નાખનાર તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનર્જી, તામિલનાડુમાં કરૂણાનિધી પરિવારને પછાડનાર એઆઇડીએમકેનાં જયલલિતા, પંજાબમાં સતત બીજી મુદત જીતવાનો ઇતિહાસ રચનાર બાદલ પિતા પુત્ર અને તેમનું શિરોમણી અકાલી દળ- આ તમામ નેતાઓ અગાઉ કદી ન હતા એટલા મજબૂત -અને તે પણ એક સાથે મજબૂત-અત્યારે બન્યા છે. તેમને કોંગ્રેસ કે ભાજપના હુક્કા ભરવાની હવે જરૂર નથી. એ સૌ પોતપોતાનાં પ્રાદેશિક હિત અથવા એજેન્ડા કેવી રીતે અને ક્યાં સુધી જાળવી શકે છે, એ બેશક મહત્ત્વનો પ્રશ્ન છે. ૨૦૧૪ની ચૂંટણીપૂર્વે આવી કોઇ ધરી ન પણ રચાય. છતાં ભાજપ-કોંગ્રેસનો કંગાળ અને બીજા પક્ષોનો આટલો મજબૂત દેખાવ ચાલુ રહ્યો, તો સરકાર યુપીએની બને કે એનડીએની, પણ આગામી વડાપ્રધાન કોંગ્રેસ કે ભાજપ- બેમાંથી એકેય પક્ષના ન હોય એવું બની શકે છે.
Labels:
history/ઇતિહાસ,
politics
Subscribe to:
Post Comments (Atom)
good
ReplyDelete"એ બેશક મહત્ત્વનો પ્રશ્ન છે. ૨૦૧૪ની ચૂંટણીપૂર્વે આવી કોઇ ધરી ન પણ રચાય. છતાં ભાજપ-કોંગ્રેસનો કંગાળ અને બીજા પક્ષોનો આટલો મજબૂત દેખાવ ચાલુ રહ્યો, તો સરકાર યુપીએની બને કે એનડીએની, પણ આગામી વડાપ્રધાન કોંગ્રેસ કે ભાજપ- બેમાંથી એકેય પક્ષના ન હોય એવું બની શકે છે". Perhaps it would prove a suicidal and or born again for horses of all categories.
ReplyDelete