Wednesday, March 28, 2012

શ્રોતાપુરાણઃ ‘કાનસેન’ના પિતરાઇ

ગીતસંગીતના કાર્યક્રમોમાં અનેક પ્રકારના શ્રોતાઓ આવે છે. બસો-પાંચસો વર્ષ પહેલાં એમના વૈવિઘ્ય વિશે લખાયું હોત તો ‘સંગીતપ્રતિભાવરત્નાકર’ જેવો કોઇ ગ્રંથ બહાર પાડી શકાત. તેમાં એવા ઉલ્લેખ આવતા હોત કે દરબારમાં તાનસેન ગાતા હતા ત્યારે તેમની સાથેસાથે, મોટેથી, આજુબાજુ બેઠેલાઓને ખલેલ પડે એવી રીતે ગાવા બદલ, અકબરે કોઇનું ડોકું ધડથી અલગ કરી નાખ્યું હતું અથવા અમીર ખુસરોનું સિતારવાદન સાંભળતી વખતે હાથ જોરજોરથી હલાવનાર એક દરબારીનો હાથ ગુસ્સે ભરાયેલા અલાઉદ્દીન ખિલજીએ કાપી નાખ્યો હતો.

આવી ઘાતકી ઘટનાઓ સંગીત નિમિત્તે બની નથી, એ માટેનો જશ અકબર કે અલાઉદ્દીન ખિલજીને જ આપવો પડે. બાકી, સાંભળનારા લોકો તો અત્યારે છે એવા જ એમના જમાનામાં પણ હશે. દા.ત.

ગાનસેન

ગાનાર તાનસેન પરથી સારા શ્રોતા ‘કાનસેન’ તરીકે ઓળખાય છે, પણ કેટલાક શ્રોતાઓને ફક્ત એટલાથી ધરવ થતો નથી. પોતે સારા-જાણકાર શ્રોતા છે અને સારું સંગીત વાગતું હોય ત્યારે પોતે જાત પર કાબૂ ન રાખી શકે એટલી હદે ભાવવિભોર થઇ જાય છે- આવું બતાવવા માટે તે સાથે સાથે ગાવા લાગે છે. સ્ટેજ પરથી મહંમદ રફીનું ગીત ચાલુ થાય, એ સાથે ગાનસેનો પણ મુખડું ઉપાડે છે. ઘણાં ગુનાઇત કૃત્યો માટે પ્રેરક ગણાતા અંધારાનો લાભ લઇને, આજુબાજુ બેઠેલાની શરમ છોડીને, ગાનસેનો પોતાની જગ્યા પર મોટે મોટેથી રાગડા તાણવા બેસી જાય છે.

સ્ટેજ પરથી ગવાતું ગીત અને આજુબાજુની બેઠક પરથી ગવાઇ રહેલું એ જ ગીત- એના કારણે ગાનસેનોની આજુબાજુના શ્રોતાઆને ‘સરાઉન્ડ સાઉન્ડ’નો અહેસાસ થાય છે, પણ એ સુખદ નથી હોતો. કારણ કે ‘સરાઉન્ડ’માંથી આવતો ‘સાઉન્ડ’ ખરેખર ‘નોઇઝ’ (ઘોંઘાટ)ની કક્ષાનો હોય છે. ગીત સાથે એકતાર થઇ ગયેલા કેટલાક ગાનસેનો તો ગીતના શબ્દો ઉપરાંત વચ્ચે આવતું સંગીત પણ મોઢેથી ગાય છે. હોલમાં આજુબાજુમાં આવો એકાદ ગાનસેન આવી જાય તો કાર્યક્રમની મઝા બગાડવા માટે એ પૂરતો નીવડી શકે છે. કારણ કે કાર્યક્રમ પૂરો થયા પછી આપણે સ્ટેજ પરથી ગવાતાં ગીત સાંભળ્યાં કે આજુબાજુમાં બેઠેલા ત્રાસવાદી ગાનસેનનાં- એવો ગૂંચવાડો થાય છે.

ગાનસેનોનો ત્રાસ અટકાવવા માટે પહેલો વિકલ્પ સહેજ કરડાકીપૂર્વક એમની તરફ ડોક ફેરવીને થોડો વખત ત્રાટક કરવાનો છે. એ રીતે કેટલાક નવોદિતો અથવા તેમની સાથે આવેલા શરમાય છે. તે કોણી મારીને ગાનસેનને ગાતો બંધ કરે છે. રીઢા ગાનસેનો પર આવાં નિઃશબ્દ બાણ કામ કરતાં નથી. તેમને વિનમ્રતાપૂર્વક ગાવાનું બંધ કરવા કહી શકાય. પરંતુ તે અજમાવતાં પહેલાં અંધારામાં ઝઘડો કરવાની માનસિક સજ્જતા રાખવી પડે છે. કારણ કે ઘણા ગાનસેનો માને છે કે પોતે ટિકિટ લઇને હોલમાં આવ્યા હોવાથી સાથે ગાવું એ તેમનો અધિકાર છે, બીજા શ્રોતાઓના શ્રવણસુખના ભોગે તે પોતાનો અધિકાર ભોગવીને જંપશે અને બીજાને જંપીને સાંભળવા નહીં દે.

ત્રીજો વિકલ્પ પહેલી નજરે જરા આક્રમક અને ક્યારેક અશિષ્ટ લાગે, પણ એ સૌથી વધારે અકસીર નીવડી શકે છે. આજુબાજુ બેઠેલા ગાનસેનનો ત્રાસ બહુ વધી જાય, તો એક ચિઠ્ઠી તેમના સુધી પહોંચાડવી. તેમાં લખવું ‘ભાઇ/બહેન, તમારો અવાજ ભલે ફાટેલા ઢોલ જેવો/ટ્રાફિક પોલીસની સિસોટી જેવો/ નળમાંથી પ્લાસ્ટિકની ડોલમાં પડતી પાણીની ધાર જેવો/ઘોઘરો/બેસૂરો/કર્કશ/ હોય, તો પણ ધરાર ગાવાનો તમારો આત્મવિશ્વાસ કાબિલેદાદ છે. આખું ગીત ન આવડતું હોય તો ફક્ત મુખડાના શબ્દો અને બાકીનું લા લા લા કરીને પણ તમે જોડે ગાવાનું ચૂકતા નથી. તમારી નિષ્ઠાથી પ્રભાવિત થઇને હું, ભારતનો નાગરિક, તમને અત્યારે ને અત્યારે જ ‘અ-સુરશ્રી’ના ખિતાબથી સન્માનિત કરું છું. આવતી ૨૬મી જાન્યુઆરીએ દિલ્હી આવી જજો અને ત્યાં સુધી ગાવાનું બંધ કરજો.’

હાથસેન

ઘણા ગાયકોની જેમ ઘણા શ્રોતાઓ પણ સંગીતની સાથે ભયંકર રીતે હાથ ન હલાવે ત્યાં સુધી તેમને સંતોષ વળતો નથી. તેમને હાથસેન તરીકે ઓળખવામાં ખાસ અતિશયોક્તિ નથી. કારણ કે સંગીતનો પ્રતિભાવ તે હાથની વિવિધ અદાઓથી વાળે છે. કેટલાક જાણે પોતે ગીતના સંગીતકાર હોય અને ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરી રહ્યા હોય તેમ બન્નેે હાથ સૂર પ્રમાણે હલાવે છે- ઊંચાનીચા કરે છે. તેમને જોઇને શરૂઆતમાં એવું લાગે કે હોલમાં મચ્છરોનો ઉપદ્રવ ઘણો છે (જે બહુ સામાન્ય બાબત ગણાય છે) અને તે મચ્છરોને પોતાનાથી દૂર રાખવા માટે હાથ હલાવી રહ્યા છે. થોડો વખત થયા પછી સમજાય છે કે આખા મામલામાં મચ્છરો બિચારાં નિર્દોષ છે અને પેલા ભાઇ કે બહેન સંગીતના પ્રભાવથી હાથની હંિસક હિલચાલો કરી રહ્યા છે.

બીજા પ્રકારના હાથસેનોને ફક્ત હવામાં હાથ હલાવીને સંતોષ થતો નથી. તે ખુરશીના હાથા પર તબલાં વગાડીને સ્ટેજના રીધમ વિભાગને યથાશક્તિ સહકાર આપવા પ્રયાસ કરે છે. ભલું હોય તો કેટલાક ગાનસેનો હાથસેન પણ હોય છે. એટલે કે, મોઢેથી એ રાગડા તાણે ને હાથથી ખુરશીના હાથા પર તાલ પુરાવે. તેમના આ ઘ્વનિપ્રદૂષણથી આજુબાજુના શ્રોતાઓનું જે થવાનું હોય તે થાય, પણ તેમને પૈસાવસૂલનો આનંદ મળે છે. ભોગેજોગે બાજુમાં જ કોઇ હાથસેન બેઠેલો હોય તો તેનો હાથ પકડીને હાથાસરસો દબાવી રાખવાની તીવ્ર ઇચ્છા જાગે છે, જેની પર સભ્યતા ખાતર અંકુશ રાખવો પડે છે.

દાદસેન

અસલ ટેવ તો મુશાયરાની પણ, કેટલાકમાં એ સંસ્કાર એટલો પ્રબળ હોય છે કે ગીત શરૂ થયું - ન થયું ને આખો હોલ સાંભળે તેમ ‘વાહ, વાહ’, ‘બહોત અચ્છે’, ‘ક્યા બાત હૈ’ જેવા ઉદ્‌ગારોનું જાહેર પ્રસારણ કરે છે. એમના બરાડાના શૉક અને આફ્‌ટરશૉકનાં મોજાં હોલમાં ફરી વળે એટલા પૂરતું મૂળ ગીત ઢંકાઇ જાય છે. મોજાં શમે અને ફરી કંઇક તેમના કાને પડે એટલે ફરી એક વાર ‘જીયો, જીયો’, ‘માર ડાલા’ જેવા પોકારના આઘાતમોજાં હોલમાં ફેલાય છે. આમ ને આમ, એમની દાદ મેળવનાર ગીતનો મોટા ભાગનો હિસ્સો દાદના અવાજોમાં જ ડૂબી જાય છે. તેમની આજુબાજુ બેઠેલા શ્રોતાઓને એવું લાગે છે જાણે તે સ્ટેજ પરનું ગીત નહીં, પણ તેમની બાજુમાંથી અપાતી દાદ સાંભળવા આવ્યા છે.

ઘણા લોકો એટલા અધિકારથી અને એટલી ખોટી જગ્યાએ બરાડા પાડીને દાદ આપે છે કે આજુબાજુ બેઠેલામાંથી થોડાને લધુતાગ્રંથિ થઇ જાય. એમને લાગે કે ગીતમાં એવી ઘણી જગ્યાઓ છે, જેમાં આપણને ખબર પડતી નથી પણ આ જાણકાર લાગતા લોકો માણી શકે છે. આવા લોકોને બોલતા કેમ બંધ કરવા એ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ધૂસણખોરી શી રીતે અટકાવવી એ જાતનો પ્રશ્ન છે. કાનમાં રૂનાં પૂમડાં નાખવાથી અર્થ સરતો નથી અને કોઇના મોઢા પર જાડી ખાખી સેલોટેપ મારી દેવાની ઇચ્છા થઇ જાય, એટલે કંઇ એનો અમલ ન કરી દેવાય- એ નાગરિકશાસ્ત્રનો તકાદો સતત યાદ રાખવો પડે છે.

4 comments:

  1. આપણે આ સભામાં 'ઝોકાંસેન'[જેઓને મહેફીલમાં છેડાયેલા સુર એ ઘેનની ગોળીનું કરે છે તેવી ફરીયાદ છે]; 'મફતપાસલાલ'[જેઓને મહેફીલનું નામ સાંભળીને મફત પાસ મેળવવાની લાલસા જાગી ઉઠે છે];'વાતોડીયાંખાં [જેઓને વાત કરવામાટે ચાલુ મહેફીલ જ ગોઠે છે] પણ યાદ ન કરીએ તો મુશાયરામાં જાન ક્યાંથી આવે?

    ReplyDelete
  2. આમાં કેટલાક જણ એવા પણ હોય છે;જે દાદ આપવાનું ફક્ત પોતાના સુધી મર્યાદિત ન રાખતા; આજુબાજુમાં બેઠેલા (અજાણ્યા) જણ ને પણ સ્પર્શ દ્વારા;જેમાં ફક્ત અડકવું;સાથળ પર એટલા જોરથી થપાટ મારવી કે આજુબાજુ ના લોકોને પણ એ થપાટની'ગૂંજ'સાંભળવાનો લાભ મળે;બાજુમાં બેઠેલાને પ્રેમી/પ્રેમીકાને સ્પર્શ કરે એટલી કોમળતાથી સ્પર્શીને સ્મિત આપવું(ગૂઢાર્થમાં પોતાને સમજાયુ/ગમ્યુ-એમ કહેવુ) અથવા બાજુવાળા જણનો ખભ્ભો હલાવીને પોતાને ગમ્યું છે એની સ્વિકૃતિ મેળવવી...આવા ધણા મળે...ચાલુ કાર્યક્રમે પોતાની સમજણ શક્તિનો બાજુવાળાના લાભાર્થે જોર-જોર્થી બોલતા/સમજાવતા જાય...આવા પણ હોય જ...હાસ્યલેખ;રાબેતા મુજબ; જોરદાર...નવો વિષય;નવી રજુઆત...

    ReplyDelete
  3. Anonymous4:42:00 PM

    Gazal Samrat Mehndi Hasan's Gazal Program @ Laxmi Vilas Palace Ground (1979 perhaps): First gazal delivery (which he did delivered in his childhood) the audience gave appreciative clap who were sitting on the ground. He nicely acknowledged: "Clapping with hands are always in air and not near the legs" Urdu: Taliya Hamesha hawa me hoti he na ke pairo/kadmo me.

    Annonymous

    ReplyDelete