Friday, January 22, 2010

ઉત્તરાયણ ૨૦૧૦: એક નવો નિબંધ

પરીક્ષામાં નિબંધ લખવાના થાય ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગાઇડમાંથી ગોખેલા નિબંધો ઠપકારે છે. ગાઇડના રચયિતાઓ જાણે છે કે ગાઇડગામી વિદ્યાર્થીઓનું સઘળું લક્ષ્ય વઘુ માર્ક પર હશે અને તે નિબંધ જેવા સ્કોરિંગ વગરના સવાલમાં બહુ ટાઇમ બગાડશે નહીં. એટલે રચયિતાઓ પણ નિબંધ પાછળ બહુ ટાઇમ બગાડતા નથી અને દાયકાઓ જૂના નિબંધો ફેરફાર વિના છાપ્યે રાખે છે. પરિણામ એ આવે છે કે નિબંધ લખતી વખતે વિદ્યાર્થી ગગનગોખથી- ગગનના ગોખલેથી- નહીં, પણ ગાઇડગોખથી- ગાઇડના ગોખેલા નિબંધોથી- ઉડ્ડયન કરે છે.

વિદ્યાર્થી અવસ્થામાં મૌલિક નિબંધ લખવાથી ભવિષ્યમાં જે થવાય તે, પણ વર્તમાનકાળમાં શિક્ષકની આંખે ચડી જવાય છે. કેમ કે, મૌલિક નિબંધ લખવાનો સીધો અર્થ છે ઃ શિક્ષકની અણઆવડતને પડકાર. કમ સે કમ, અણઆવડતવાળા શિક્ષકો તો આવું જ માને છે. નિબંધો વિશેના આવા વાતાવરણમાં કોઇ પુખ્ત અને સમજુ વિદ્યાર્થી અમદાવાદની ૨૦૧૦ની ઉત્તરાયણ વિશે વાસ્તવિક નિબંધ લખે તો એ કેવો હોય?

***

નદી આપણી માતા છે અને રિવરફ્રન્ટ માતાનો (આર.સી.સી.નો) ખોળો છે. નદીમાતાના ખોળામાં રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો પતંગ ચગાવવાનો તહેવાર એટલે ઉત્તરાયણ. પહેલાં મનાતું હતું કે આકાશમાં ફરતો સૂર્ય ઉત્તર તરફ અયન કરે ત્યારે ઉત્તરાયણ ઉજવાય છે. પણ આપણો સૌનો અનુભવ છે કે ઉત્તરાયણના દિવસે મુખ્ય મંત્રી અને મંત્રીઓ ગાંધીનગરથી અમદાવાદ તરફ અયન કરે છે. એટલે આ તહેવારનું નવું નામ ‘મંત્ર્યાયન’ જેવું કંઇક વિચારી શકાય.

ડિસેમ્બર, ૨૫-૩૧નો કાંકરિયા કાર્નિવલ પૂરો થાય, ત્યારથી જ ઉત્તરાયણની તડામાર તૈયારીઓ શરૂ થઇ જાય છે. ગુજરાતે ખરેખર બહુ પ્રગતિ કરી છે. એ આખા દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે કે નહીં તે કોમર્સવાળા જાણે, પણ આખા દેશના ઉત્સવોનું તે સેલિબ્રેશન એન્જિન છે. પહેલાંના વખતમાં તહેવારો લોકો ઉજવતા હતા અને સરકાર ફક્ત રજા જાહેર કરીને બેસી રહેતી હતી. દુનિયાને આપણા તહેવારો વિશે જાણ સરખી થતી ન હતી. હવે સ્વર્ણિમ ગુજરાતની સરકાર એવી નિષ્ક્રિય નથી. તે રજાઓ જાહેર કરીને બેસી રહેવાને બદલે, આખી દુનિયાની આંખો ચાર થઇ જાય એવી રીતે તહેવારો ઉજવે છે.

તહેવારો ઉજવવામાં નાગરિકોને આર્થિક તંગી, મંદી કે બેકારી નડે. પણ સરકાર પાસે તો પ્રજાની આખી તિજોરી પડી છે. એમાંથી સરકાર છૂટા હાથે રૂપિયા વાપરે છે. અગાઉ ફક્ત રજા જાહેર કરીને બેસી રહેતી સરકાર હવે આખા શહેરમાં રોશની કરે છે, દિવસે પતંગો ચગાવે છે ને રાત્રે ફટાકડા ફોડાવે છે. પહેલાં તહેવારોમાં કર્તા તરીકે સક્રિય રહેતા લોકો હવે સાક્ષી અને દર્શક બનીને પ્રજાના પૈસે, પ્રજા માટે સરકાર દ્વારા થતા જલસામાં ઉમટી પડે છે. તેનાથી દુનિયા અંજાય કે ન અંજાય, પણ આપણા લોકોની આંખો ચાર થઇ જાય છે. સરકાર સંતોષી છે. દુનિયા ન અંજાય એનો તેને વસવસો નથી. ઘરઆંગણે પ્રજા અંજાઇ જાય એટલાથી તે રાજી રહે છે.

ઉત્તરાયણ વિશેના જૂના નિબંધોમાં આવતું હતું કે એ દિવસોમાં લોકો ધાબાં-અગાશીઓ-છાપરાં પર એકઠા થાય છે, પતંગો ચડાવે છે, લૂંટે છે અને આનંદ કરે છે. પરંતુ હવે તહેવારની તાસીર બદલાઇ ગઇ છે. પતંગો ચડાવવા જેવી સ્વાર્થી, વ્યક્તિગત ઉજવણીને બદલે લોકોને સામુહિક ઉજવણીમાં વઘુ રસ પડે છે. આઘ્યાત્મિક દૃષ્ટિકોણથી જોતાં પણ આ બદલાવ ઇષ્ટ છેઃ ‘હું ચગાવું, હું ચગાવું’- એવી અજ્ઞાનતાને બદલે, ‘ચગાવનારો હું કોણ? પતંગ તો સરકાર ચગાવે છે. હું તો ફક્ત જોઊં છું.’ એવો ભાવ નાગરિકોના સ્વાસ્થ્ય માટે અને સરકારના જયજયકાર માટે આવશ્યક છે.

અનેક ઉપદેશકોને કારણે પ્રજા એટલું તો સમજી છે કે દેવું કરીને ઘી ન પીવાય તો કંઇ નહીં, સરકાર દેવું કરીને ઘી ઢોળતી હોય તો એ તમાશાનો આનંદ લેવો અને કકળાટ કરવો નહીં. કકળાટ કરનાર પર ‘નેગેટિવ થિંકિંગ’નું લેબલ લાગશે અને ‘ઢોળોત્સવ’માં ગુલતાન થઇ જનાર આદર્શ નાગરિક ગણાશે. આ વ્યાખ્યા પ્રમાણેના ‘આદર્શ નાગરિકો’નું પ્રમાણ ગુજરાતમાં ભયજનક સપાટી વટાવી ગયું છે. એટલે જ, આ વર્ષે અમદાવાદમાં ઉત્તરાયણના આગલા શનિ-રવિ લોકો ધાબાં-અગાસી કે પતરાં પર નહીં, પણ રિવરફ્રન્ટ પર ઉમટ્યા હતા. રસ્તા પર અને પૂલ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આશ્રમરોડ પર પાર્કંિગની લાંબી લાઇન લાગી હતી. એ વખતે જેટલી પોલીસ અમદાવાદના નદીપારના વિસ્તારોમાં જોવા મળતી હતી, એટલી ૨૦૦૨માં હોત તો અમદાવાદના પોશ વિસ્તારોમાં કાપડની દુકાનો ન લૂંટાઇ હોત.

નદીની પેલી પારના, પોળના લોકો હજુ જૂનવાણી માનસિકતા છોડી શકતા નથી. એ જાતે જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખે છે. એટલે જ તેમનો વિકાસ થતો નથી અને તે પોળમાં રહી ગયા છે. હમણાં એ લોકો નદીની આ બાજુ રહેવા આવી જાય તો આપોઆપ પતંગ ચગાવવાનું બંધ થાય. પોળ જેવાં પતરાં અને પોળ જેટલી ગીરદી ક્યાંથી લાવવી? પછી મઝા લેવી હોય તો રિવરફ્રન્ટમાં ગયા વિના અને વિકાસ પામ્યા વિના તેને છૂટકો છે?

રિવરફ્રન્ટમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે ઉત્તરાયણને કારણે પતંગ મહોત્સવ નહીં, પણ પતંગ મહોત્સવને કારણે ઉત્તરાયણ ઉજવાતી હોય એવો માહોલ હતો. પતંગ મહોત્સવ બહુ અહિંસક છે. તેમાં પતંગોના પેચ લડતા નથી, ખેંચ-ઢીલના દાવ થતા નથી, તાર લૂંટાતા નથી, દાંતી પડતી નથી. બસ, કેવળ ચડવા ખાતર અથવા વિક્રમો સ્થાપવા ખાતર અથવા લોકોને બતાવવા ખાતર પતંગો ચડે છે.

ચડેલો પતંગ રણે ચડેલા રજપૂત જેવો હોય. પાછા ફરવામાં તેને નાલેશી લાગે. બને એટલા વઘુને કાપવા એ જ તેના જીવનનું લક્ષ્ય હોય. પણ સરકારપ્રેરિત પતંગ મહોત્સવ અહિંસક હોય છે. પતંગ જેવી આંતરરાષ્ટ્રિય બાબતોમાં ગુજરાત સરકાર અહિંસાની નીતિને વરેલી છે. આવતી સાલથી આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ગાંધી આશ્રમ પાછળના રિવરફ્રન્ટમાં યોજાય તો કહેવાય નહીં. ગાંધીમૂલ્યોને અંજલિ તરીકે આખા મહોત્સવમાં ખાદીના પતંગ અને સૂતરની દોરી વાપરી શકાય. તકલીફ ફક્ત એક જ થાયઃ પતંગ પર ગાંધીજીનો ફોટો ક્યાં મૂકવો? મુખ્ય મંત્રીનો ફોટો ક્યાં મૂકવો એનાં ધારાધોરણ તો નક્કી છે- ચાહે તે પતંગનો મહોત્સવ હોય, એલ્યુમિનિયમ-સ્ટીલનું પ્રદર્શન કે ધર્મનું અધિવેશન. અને ગાંધીજીનો ફોટો જ્યાં આવે ત્યાં, પણ એ માત્ર તસવીરમાં જ રહેવાના છે, એ પણ નક્કી જ છે.

2 comments:

  1. ખરેખર તો આ મૌલિક નિબંધ ન કહી શકાય, આમાં પણ એજ બધી સરકાર વિષે પહેલા કહેવાયેલી વાતો છે. અને આમાં પતંગમહોત્સવ જ કેન્દ્રસ્થાને છે. ઉત્તરાયણ તો આખા અમદાવાદમાં પહેલાની જેમ જ ઉજવાય છે.

    ReplyDelete
  2. ae vat ma thodu asatya to kharu chirag bhai !! kem ke have uttarayan pan sarkare utsav kari ne "garima" bachav vi pade ae halat ma chhe. western amdavad ma swatantra bunglows na chakkar ma uttarayan ni maja khatam khai gai chhe.. loko have aevu dhabu shodhta hoy chhe jya aaju baju bahu bhid male !! kadach have uttarayan ujvay to chhe pehla ni jem j pan matra ketlak vistar ma ...jya dhaba thi dhaba bhatkay che...manas thi manas bhatkay chhe !! ane patang ne patang thi bhatkava no moko male chhe !!

    ReplyDelete