Thursday, January 28, 2010

સલીલ દલાલની ‘કુમાર’ કથાઓ

વરિષ્ઠ કટારલેખક અને વડીલ મિત્ર સલીલ દલાલ છેલ્લા થોડા વખતથી હિંદી ફિલ્મોના ‘કુમારો’ વિશે એક લેખમાળા લખી રહ્યા છે. અમેરિકાના ‘ગુજરાત એબ્રોડ’ અને મુંબઇના ગુજરાતી ‘મિડ ડે’માં અત્યાર સુધીમાં અશોકકુમાર, સંજીવકુમાર, રાજેન્દ્રકુમાર જેવા કુમારો વિશે છ-સાત હપ્તાના લેખ પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે.

સલીલભાઇની કલમની રસાળતા વિશે શું કહેવાપણું હોય? મારી પેઢીના ઘણા વાચકો અને લેખકો સલીલભાઇની કોલમ વાંચીને મોટા થયા છે. માહિતીની ગૂંથણી સલીલભાઇનો ગઢ છે. ભારે મહેનત સાથે મૂકાયેલી વિગતોથી તેમના દરેક લેખ સમૃદ્ધ હોય છે.

અત્યારે કેનેડા રહેતા સલીલભાઇની આ લેખમાળા ગુજરાતના કોઇ અખબારમાં કેમ નથી આવતી, એ આશ્ચર્યનો વિષય છે. (એટેન્શનઃ પ્રિય ધૈવત) આ અંગે સલીલભાઇ સાથે વાતચીત કરવી હોય તો તેમનો ઇ-મેઇલઃ salil_hb@yahoo.co.in

છાપાના સંપાદકો ન હોય એવા વાચકો-ચાહકોએ પણ નિરાશ થવાની જરૂર નથી. એ લોકો સલીલભાઇને ઇ-મેઇલ કરે તો કુમારસિરીઝની પીડીએફ ફાઇલ મોકલી આપવાની સલીલભાઇની ઉષ્માપૂર્ણ ઓફર છે. સૌ સમરસિયા મિત્રો - અને સંપાદકમિત્રો પણ- આ ઓફરનો શક્ય એટલો લાભ લે.
ઓવર ટુ સલીલભાઇ અને વાચકમિત્રો.

4 comments:

 1. 'સલીલ દલાલની કુમાર કથાઓ' નામે બ્લોગ પરથી જ જો PDF download કરવાની સગવડ થઈ જાય તો સૌથી સરસ ( જો કોપિરાઈટની કોઈ મુશ્કેલી ન હોય તો).

  ReplyDelete
 2. Salil Dalal -Toronto4:46:00 AM

  આભાર કુમાર ઉર્વીશ!
  'કુમાર કથાઓ' ટાઈટલ ખુબ ગમ્યું.
  ઉત્તમ ગજ્જર સરખા સંપાદકના તેમજ વ્યક્તિગત વાચક મિત્રોના પણ ઈ મેઈલ આવવા શરુ થઇ ગયા છે. સૌને માટે સામુહિક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે.
  એક સાહસિક વિચાર તો એવો પણ આવી ગયો કે બ્લોગ શરુ કરું? પણ અત્યારે કોલેજમાં ભણવાનું એટલે દર પંદર દહાડે એક પરીક્ષા અને દર અઠવાડિયે એકાદ સબ મિશન સતત ચાલતાં રહે છે.
  તેથી બહારવટે ચઢવા નીકળેલા શિક્ષકોના ફિયાસ્કાના અંતે કહેતા શાહબુદ્દીન રાઠોડની રીતે કહું તો, હાલ એ વ્યવસાય આપણી ચિત્તવૃત્તિને અનુકુળ નહિ આવે એમ લાગ્યું છે.... આગે અલ્લા માલિક.
  એક સુધારો. લેખમાળા મિત્ર રમેશ તન્નાના સંપાદન હેઠળ પ્રસિદ્ધ થતા 'ગુજરાત ટાઈમ્સ'માં પ્રગટ થાય છે... 'ગુજરાત એબ્રોડ' એ ટોરન્ટોથી નીકળતું સાપ્તાહિક છે અને તેના સંપાદક વિપુલભાઈ (જાની) સાથે પણ આ લેખમાળા સંદર્ભે એકાદ બે વાર વાત થઇ છે. એટલે કદાચ મેં એ નામ જણાવ્યું હોય.
  આ બ્લોગની ૩૫૦મી માઈલ સ્ટોન જેવી પોસ્ટમાં મારી લેખમાળાની વાત કરતી વખતે મને 'વડીલ' કહીને કોઈ જુદા જૂથમાં મૂકી દીધો એવી ચિંતા પ્રથમ થઇ હતી.
  પણ 'આ ટાઈમ્સ' અને 'એબ્રોડ'વાળી ભૂલ પછી એમ લાગ્યું કે યુ હેવ એ પોઈન્ટ....એઝ ઓલ્વેઝ!
  કારણ કે વિસ્મૃતિ એ વડીલની પહેલી નિશાની ગણાઈ છે...જો હું ભૂલતો ના હોઉં તો!
  -સલિલ

  ReplyDelete
 3. Anonymous8:17:00 PM

  ઉર્વીશભાઈ,
  સલીલ દા'ની કોલમ વાંચીને ફિલ્મ વિશે અનોખી રીતે વિચારતી થયેલી પેઢીમાં હું પણ ખરો. બે પેરા વચ્ચે આબાદ અનુસંધાન જોડવાની એમની કળાનો તો હું કાયલ! સક્રિય પત્રકારત્વમાં આવ્યો એ પહેલાં પણ મને કાયમ એવું લાગતું કે આ કોલમ ધારો કે એડિટ કરવાની થાય તો કેવી કફોડી હાલત થઈ જાય? અતિશય હાર્દિક ઈચ્છા છતાં...
  (ખાલી જગ્યામાં પડઘાતો રૂઆબદાર હાંકોટો એટલિસ્ટ તમને તો સંભળાશે જ!!)
  - ધૈવત ત્રિવેદી

  ReplyDelete
 4. SALIL DALAL (TORONTO)1:56:00 AM

  Thank you Dhaivat for your kind words.
  Have never met you but some day we shall work together...God willing....you will become a bridge between me and the readers I am sure.
  -Salil

  ReplyDelete