Wednesday, January 27, 2010

ઝારખંડનું ગાંધીસદન, સરકારી ત્રાસવાદ અને હિમાંશુકુમાર

(ઝારખંડ જેવા નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં, રાજ્ય સરકાર એમ ઠસાવે છે કે ફક્ત બે જ પક્ષ છેઃ એક તરફ સરકાર અને બીજી તરફ નક્સલવાદીઓ તથા તેમને ટેકો કરનારી સ્થાનિક પ્રજા. હકીકતે, પક્ષો ત્રણ છેઃ નક્સલવાદીઓ, સરકાર અને સ્થાનિક પ્રજા. તેમાં પ્રજાનો બન્ને બાજુથી- વધારે પડતો સરકારની બાજુથી- મરો થાય છે. ઝારખંડની સ્થિતિનો વાસ્તવિક ખ્યાલ આપતા હિમાંશુકુમારના પ્રવચનનો અહેવાલ. તેમનું પ્રવચન ૨૫ જાન્યુઆરી,૨૦૧૦ની ઢળતી બપોરે અમદાવાદના મહેંદીનવાઝ જંગમાં યોજાયું હતું.)

‘ધારો કે અમદાવાદમાં ખિસ્સાકાતરૂઓનો ત્રાસ બહુ વધી જાય અને તમને સરકાર એમ કહે કે સૌ પોતપોતાનાં ઘરબાર છોડીને, અમદાવાદથી દૂર અમારી રાહતછાવણીઓમાં રહેવા આવી જાવ. તો કેવું લાગે? કંઇક એવું જ ઝારખંડના આદિવાસીઓ સાથે બની રહ્યું છે.’ આ સરખામણી ઝારખંડના ગાંધીવાદી કાર્યકર્તા હિમાંશુકુમારે અમદાવાદમાં પોતાના પ્રવચન દરમિયાન આપી, ત્યારે રડવાના વિકલ્પે લોકો હસ્યા.


બંધારણની ષષ્ઠિપૂર્તિની પૂર્વસંઘ્યાએ, તા.૨૫ જાન્યુઆરીના રોજ અમદાવાદ આવેલા હિમાંશુકુમારે નક્સલપ્રભાવિત વિસ્તારોમાં પોતાના અનુભવની વાત કરી. નક્સલવાદી હિંસા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવ્યા વિના કે તેને વાજબી ઠરાવ્યા વિના, તેમણે સ્થાનિક લોકોની સમસ્યા અને સરકારી ત્રાસવાદનો ચિતાર આપ્યો.

ખનીજસમૃદ્ધ ઝારખંડ બિહારમાંથી અલગ પડ્યું ત્યાર પહેલાંથી, ૧૭ વર્ષથી હિમાંશુકુમાર ઝારખંડના બસ્તર વિસ્તારમાં આદિવાસીઓ વચ્ચે કામ કરે છે. તેમના મતે, આદિવાસીઓ સરકાર પાસેથી એટલું જ ઇચ્છે છે કે ‘સરકાર અમને મારી ન નાખે.’ સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશના નાગરિકની આટલી અપેક્ષા વધારે પડતી કહેવાય? છતાં, સરકાર એ અપેક્ષા પણ પૂરી કરી શકતી નથી તે હકીકત છે.

નક્સલવાદી હિંસાનો મુકાબલો કરવા માટે ઝારખંડ સરકારે વિચિત્ર નીતિ અપનાવી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે નક્સલવાદનો ફેંસલો ન આવે, ત્યાં સુધી આદિવાસીઓએ પોતાનાં ગામનાં ઘર ખાલી કરીને, પોલીસચોકીઓ અથવા સરકારી ઇમારતોની આસપાસ ઉભી કરાયેલી ટીનની રાહતછાવણીઓમાં રહેવા આવી જવું. નક્સલવાદ દૂર થઇ ગયા પછી તેમને પાછા પોતપોતાના ગામમાં વસાવવામાં આવશે. ત્યાં સુધી જે લોકો સરકારી રાહતછાવણીમાં રહેવા નહીં આવે, તેમને નક્સલવાદી ગણી લેવામાં આવશે.

આદિવાસીઓને રેશનથી માંડીને આરોગ્ય સુધીની તમામ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલી ઝારખંડની રાજ્ય સરકાર એક કામ અસરકારક રીતે કરે છેઃ આદિવાસીઓને તેમનાં ઘર-ગામમાંથી હાંકી કાઢવાનું કામ. હિમાંશુકુમારના આંકડા પ્રમાણે, અત્યારે સુધી ઝારખંડ સરકારે આશરે ૩.૫ લાખ આદિવાસીઓની વસ્તી ધરાવતાં ૬૪૪ ગામ ખાલી કરાવ્યાં છે.

ટાટા કંપની સાથે ઝારખંડ સરકારના એમઓયુ થયા તેના બીજા જ દિવસે, ૫ જૂન, ૨૦૦૫ના રોજ સાલ્વા જૂડુમ (શાંતિ સેના) તરીકે ઓળખાતું દળ અસ્તિત્ત્વમાં આવ્યું. પોલીસ, અર્ધસરકારી દળો અને સ્થાનિક ગુંડાઓ ધરાવતા આ દળને સરકાર તરફથી સત્તાવાર ગુંડાગીરીનું જાણે લાયસન્સ મળેલું છે. સાલ્વા જુડુમના લોકો આદિવાસીઓને રાહતછાવણીમાં પકડી જવા માટે ગામ પર ત્રાટકે છે. ખુલ્લામાં પ્રકૃતિના ખોળે રહેવાયેલા આદિવાસીઓને પતરાંની રાહતછાવણીમાં રહેવું ફાવતું નથી. એટલે સાલ્વા જુડુમના હલ્લા વખતે કેટલાક આદિવાસીઓ જંગલમાં નાસી જાય છે, કેટલાક માર્યા જાય છે અને થોડાને પરાણે છાવણીમાં લઇ જવામાં આવે છે. જેમ્સ કેમેરૂનની ફિલ્મ ‘અવતાર’માં આવાં કાલ્પનિક દૃશ્યો જોઇને પ્રેક્ષકોને અરેરાટી છૂટી જાય છે, પણ વાસ્તવિક જીવનમાં ભજવાતાં દૃશ્યો તરફ લોકોનું ઘ્યાન જતું નથી.

ગામ ખાલી કરાવવાની (સરકારી ભાષામાં ‘સેનીટાઇઝ’ કરાવવાની) ધમાચકડીમાં સાલ્વા જુડુમના માણસો ભાગતા આદિવાસીઓ પર આડેધડ ગોળીબારો કરે છે, સ્ત્રીઓ-છોકરીઓ પર બળાત્કાર કરે છે, જંગલમાં ભાગી છૂટેલા આદિવાસીઓનાં ઘર અને તેમની ફસલ સળગાવી દે છે, જેથી તે પાછા રહેવા ન આવે. તેમ છતાં, આદિવાસીઓ થોડા વખત પછી ફરી ગામમાં રહેવા આવે, ત્યારે ફરી આ જ સિલસિલો ચાલે છે. હિમાંશુકુમારના જણાવ્યા પ્રમાણે, ૧૫ થી ૨૦ વાર સળગાવી દેવાયાં હોય એવાં પણ ગામ ઝારખંડમાં છે.

સાલ્વા જુડમ તરીકે ઓળખાતા સરકારી ત્રાસવાદી દળથી લપાતાછૂપાતા જે આદિવાસીઓ ગામમાં પાછા રહેવા આવે, તે નજીકના બજારમાં ધાન લેવા પણ જઇ શકતા નથી. તેમને બીક લાગે છે કે સાલ્વા જુડુમના કોઇ ગુંડાની નજરે ચડી જઇશું, તો મારી નાખશે, આબરૂ લેશે કે પકડીને રાહતછાવણીમાં લઇ જશે. તેને કારણે આદિવાસી સ્ત્રીઓ મહુડાં વેચીને ચોખા ખરીદવા માટે, એંસી-એંસી કિલોમીટર દૂરનાં બજારમાં જાય છે, જ્યાં બે દિવસ જવાના અને બે દિવસ આવવાના થાય છે. ખરેખર થવું એવું જોઇએ કે આદિવાસીઓને સરકાર-પોલીસ રક્ષક લાગે અને નક્સલવાદીઓ ભક્ષક. એને બદલે અત્યારે સરકારી ત્રાસવાદથી એવું વાતાવરણ સર્જાયું છે કે આદિવાસીઓને નક્સલવાદીઓ રક્ષક અને પોલીસ તથા સરકાર ભક્ષક લાગે છે.

બસ્તરની કલેક્ટર કચેરીને ‘ગાંધીસદન’ નામ અપાયું છે. ત્યાં ગાંધીજીની મોટી તસવીરો લટકે છે અને ‘વૈષ્ણવજન’ની ઘૂન થાય છે. આદિવાસીઓ પર હુમલાની યોજનાઓ પણ તેની સાથે જ ઘડાય છે. નક્સલવાદ સામેની લડાઇમાં પ્રજાનો સાથ લેવાને બદલે, પ્રજાને જ નક્સલવાદી ગણીને તેમનો ખાતમો થતો હોય, ત્યાં સુધી ઝારખંડના આદિવાસીઓ માટે ૨૬ જાન્યુઆરી હોય કે ૧૫ ઓગસ્ટ, બધા દિવસો સરખા રહેવાના છે

હિમાંશુકુમારના પ્રવચનમાંથી
 • આપણે શહેરી લોકો સુખસુવિધા, જીવનશૈલી માટે ગ્રામીણ જનતાનાં સંસાધનો છીનવતા રહીશું, સરકાર પણ એવું કરશે, પોલીસ તેમાં સાથ આપવા અપરાધી બની જશે. તો દેશમાં શાંતિ, પ્રેમ, સદભાવ વધશે? અદાલત, પોલીસ, સરકાર, વહીવટી તંત્ર- આ બધા જ રસ્તા આદિવાસીઓ માટે બંધ થઇ જશે, તો આદિવાસીઓ ક્યાં જશે? આ સ્થિતિમાં નક્સલીઓ આદિવાસીઓને કહે કે અમે તમારી તરફથી લડીએ છીએ, ત્યારે કયા મોઢે નક્સલીઓને કહીએ કે તમે ખોટા છો?- માઓવાદીઓ જ્યારે એમ કહેતા હતા કે ‘આ સીસ્ટમ ચાલે એવી નથી. એને ફગાવી દો.’ ત્યારે અમે શાંતિપૂર્ણ માર્ગે સીસ્ટમ સામે લડીને, આદિવાસીઓને નાની નાની જીત અપાવતા હતા, જેથી લોકશાહીમાં તેમનો વિશ્વાસ ટકી રહે.
 • એંસીના દાયકામાં એક ભારો લાકડાં માટે આદિવાસી મહિલાઓની આબરૂ લેવાતી હતી. જંગલમાંથી ખપજોગું લાકડું કાપનાર પુરૂષોને કડકડતી ઠંડીમાં આખો દિવસ નદીમાં ઉભા રાખવામાં આવતા હતા. પટવારી રૂ.૩ લગાન માટે રૂ.૩૦૦ વસૂલ કરતો હતો. પોલીસ આવે તો આખા ગામમાં ઉઘરાણી કરે. ફોરેસ્ટ ગાર્ડ આવે તો લોકોને ઝાડ સાથે બાંધીને મારે. આ સ્થિતિમાં માઓવાદીઓ આવ્યા અને તેમણે હિંસા દ્વારા પહેલી વાર લોકોને તાકાતનો અહેસાસ કરાવ્યો. ‘આ ફોરેસ્ટ ગાર્ડ તમને મારે છે? લો, તમે એમને મારો.’ લોકોને તાકાતનો અહેસાસ કરાવવાનું કામ ભારત સરકારનું હતું, પણ એ કામ માઓવાદીઓ હાથમાં લીઘું અને એમની રીતે કરવા લાગ્યા.
 • માનવ અધિકાર પંચના લોકો એક કેસના સિલસિલામાં દાંતેવાડા આવ્યા, ત્યારે અમે ગામલોકોને તેમની સમક્ષ રજૂઆત માટે તૈયાર કર્યા. પણ રજૂઆત થઇ ગયા પછી, પોલીસે ગામલોકોને અંદર કરી દીધા અને સાંજ સુધીમાં એમની પાસેથી ‘અમે જબરદસ્તીથી નિવેદનો આપવા આવ્યા હતા’ એવાં નિવેદન પર અંગુઠા મરાવી લીધા. ગામલોકોને પોલીસે ગોંધી રાખ્યા, ત્યારે હિમાંશુકુમારના સાથીદારોએ માનવ અધિકાર પંચના સાહેબોને ફોન કર્યો. એ લોકો હજુ ઝારખંડમાં જ હતા, પણ એમણે કહ્યું,‘અમારૂં કામ તપાસ કરવાનું છે. વચ્ચે પડવાનું નહીં.’
 • ગાંધીની વાત કરવી બહુ સહેલી છે. પણ ત્યાં અમારી લાચારી ઉપર અમને ગુસ્સો અને શરમ બન્ને આવે છે. નેન્ડ્રા ગામે અમે માનવઢાલ (હ્યુમનશીલ્ડ)નો પ્રયોગ કર્યો. અમે ઉજડેલા ગામને નવેસરથી વસાવીને લોકો સાથે રહ્યા. પણ અમારી સાથે શાંતિથી કામ કરનાર, વિનોબા ભાવેનાં પુસ્તક વાંચનાર યુવાનને પોલીસે જેલમાં ખોસી દીધો છે.
 • નક્સલવાદીઓનો યુનિફોર્મ લીલા રંગનો હોવાથી, લીલા રંગનું શર્ટ પહેરનાર કોઇ પણ વ્યક્તિ પર પોલીસ બેરોકટોક ગોળીબાર કરી શકે છે અને કરે છે.
 • સર્વોચ્ચ અદાલતે અત્યાર સુધી ખાલી કરાવાયેલાં બધાં ગામડાં ફરી વસાવીને વળતર આપવાનો આદેશ કર્યો છે. પણ હજુ સુધી એક પણ ગામમાં સર્વોચ્ચ અદાલતના આદેશનો અમલ થયો નથી.

7 comments:

 1. કારણ કે આપણે આદિવાસીઓને "માણસ" નથી ગણતા. નક્સલવાદ અને આદિવાસીઓની તકલીફો આપણે માટે ફક્ત "ડોક્યુમેન્ટરી" છે. લાગણીશૂન્યતાનો ઉત્તમ નમૂનો આપણે પ્રદર્શિત કરી રહ્યા છીએ. આ જ ૨૦૧૦ નું ભારત છે?

  ReplyDelete
 2. નક્સલવાદની વાત આવે છે ત્યારે વિવિધ જાતના રાજકીય રંગ-રસાયણો ભેગા થઇ જતા હોય છે અને માનવતાનો રંગ એમાં આવતો જ નથી. માનવ અધિકારવાળાઓ પણ આમાંથી બાકાત નથી તે જાણીને નવાઈ લાગી.

  બીજું રાજકારણ આદિવાસીઓને વનવાસી કહેવામાં પણ છે. તેમને આદિવાસી કહેવાથી જંગલ અને ખનીજો પર તેમનો અધિકાર પહેલો થઇ જાય. જો વનવાસી કહીએ તો પછી તેમને 'ઝૂ' કે મ્યુઝીયમમાં રાખી શકાય અને બાકીની સંપદા બેરોકટોક વાપરી શકાય.

  ReplyDelete
 3. tamara a follower na sagar ma hu kach ba ni jem khovai jais ...... ane mari aa vaat pan ............ pan tem chata ..... excellent !!!!

  ReplyDelete
 4. i am too small to say anything and my be too unmatured to comment on this ........ but yes i agree you....goodday sir

  ReplyDelete
 5. જાણીને બહુ જ આઘાત થયો.

  ReplyDelete
 6. Himanshu desrves pats for speaking the truth. In India, so far, governments have succeeded in painting Naxalites or Maoists as villains. In fact they are the villains. This is firght against injustic for justice. No, I am NOT a supporter or sympathiser for naxalites. The whole problem is a total failure by the government mechanism. This is also a tug of war between developement and existence. Firoz Khan, Journalist, Canada.

  ReplyDelete
 7. vishalpatadiya2:14:00 AM

  બે-ત્રણ વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં દત્તુ તડવી નામના એક તરવરિયા યુવાનને મળવાનું થયું હતું. વલસાડના ઉચ્છલ તાલુકામાંથી આવતાં દત્તુના ગામ લોકો ઉકાઇ યોજનાના પીડિતો હતા. એક સમયે ગામની બાજુમાંથી જતી નદીમાં રમી-રમીને મોટા થયેલા આ લોકોને યોજના પછી નજર સામે જતી નદીમાંથી પાણી લેવાના કોઇ હક નહોતા રહ્યા, જેની સામે ગામલોકોનો વિરોધ હતો. દત્તુના કહ્યા પ્રમાણે પોલીસ ગામમાં ગમેત્યારે આવતી અને કોઇને પણ નકસલવાદી ગણીને ઉપાડી જતી-ત્રાસ આપતી. દત્તુએ લાલઘૂમ થઇને એમ પણ કહ્યું હતું કે અમને થઇ આવતું હતું કે બંદૂક ઉપાડી લઇએ. પણ કદાચ ત્યાં કોઇક એનજીઓ આવી ગઇ હતી અને લોકોના ગુસ્સામાં પંચર પાડી દીધું હતું, જે કદાચ ઝારખંડના કિસ્સામાં નહીં થતું હોય.. આ વાત મૂકવાનો હેતુ એ છે કે ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં જંગલો અને આદિવાસીઓ છે, અને મોટી સંખ્યામાં તેમના પ્રશ્નો પણ છે.

  ReplyDelete