Monday, January 11, 2010

ઝવેરચંદ મેઘાણીનાં ‘પરિભ્રમણ’ : બે અદભૂત પુસ્તકો

થોડાં વર્ષ પહેલાં મિત્ર-ડિઝાઇનર અપૂર્વ આશર સાથે વાત થઇ હતીઃ ઝવેરચંદ મેઘાણીએ અખબારોમાં લખેલાં લખાણોનું જયંતભાઇ મેઘાણી સંપાદન કરી રહ્યા છે. તેનું ડિઝાઇનિંગ અપૂર્વ જ કરવાના હતા. આખરે એ મેરેથોન પ્રોજેક્ટ પૂરો થયો અને તેનું સુખદ પરિણામ થોડાં અઠવાડિયાં પહેલાં આવી ગયું. ‘પરિભ્રમણ’નું નવસંસ્કરણ. ભાગ-૧ (પૃષ્ઠસંખ્યાઃ ૬૮૩) અને ભાગ-૨ (પૃષ્ઠસંખ્યાઃ ૫૬૦). સંપાદનઃ જયંત મેઘાણી-અશોક મેઘાણી.

કુલ ૧,૨૦૦થી પણ વઘુ પાનાંમાં આટલી બધી અર્થઘનતા ધરાવતી છતાં વિદ્વત્તાના બોજ વગરની અને રસાળ, સાહિત્યને લગતા આટઆટલા વિષયો અને પ્રવાહોને સ્પર્શતી સામગ્રી ગુજરાતીમાં મળવી દુર્લભ છે.

પુસ્તકના બન્ને ભાગમાં મળીને આઠ વિભાગ છે.
ભાગ-૧
૧) સાહિત્યની વિચારભૂમિમાં - સાહિત્યિક પ્રશ્નો
૨) ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં- સાહિત્યકૃતિઓ, સાહિત્યકારોની સાહિત્યસેવા
૩) સાહિત્યના સીમાડાઓમાં- સાહિત્યનું વાચન, પુસ્તક-વ્યવસાય, સાહિત્યકાર પાસેની અપેક્ષાઓ, સાહિત્યના વહેવારો, પ્રેરણા-ઘટનાઓ
ભાગ-૨
૧) પરભાષાના પ્રદેશમાં- દેશ-વિદેશની સાહિત્યસૃષ્ટિ
૨) પત્રકારની દુનિયામાં- દેશવિદેશનું પત્રકારત્વ
૩) કલાજગત- વિવિધ કળાઓ અને કલા-પ્રવૃત્તિઓ
૪) ઘરદીવડા- ગુજરાતના અને ભારતના સાહિત્યિકોનાં જીવન
૫) વેરાનમાં - દેશવિદેશના સાહિત્યનાં આસ્વાદલક્ષી લખાણો અને અનુવાદો

જીવનરસ અને જોસ્સો, ખુલ્લાશ અને વિચાર, સ્પષ્ટતવક્તવ્ય અને વિવેકયુક્ત ધારથી શોભતાં આ પુસ્તકનાં લખાણો અને ચર્ચાઓમાંની ઘણી હજી પણ એટલી જ આબાદ લાગુ પડે છે. એક નમૂનોઃ

‘બે શબ્દોએ જાહેરજીવનમાં ભ્રમણા ઊભી કરી છેઃ સેવાર્થી અને ધંધાર્થી. એવો જ ગોટાળો કલાસાહિત્યના પ્રદેશોમાં બે શબ્દોએ જન્માવેલ છેઃ પ્રફેશનલ અને એમેચ્યોર. સેવાર્થી પોતાને ધંધાર્થી કરતાં ચડિયાતો લેખાવે છે. એમેચ્યોર હંમેશાં પ્રફેશનલથી સુગાય છે. ધંધા લેખે કલમ ચલાવનારો સાહિત્યને કેમ જાણે કંઇકઅંશે કલંકરૂપ, સાહિત્યની ઉચ્ચ અટારીઓને નીચે પટકનારો હોય, સ્વાર્થી અને પેટભરો હોય અને તેવો હોવાથી સરસ્વતીની સાચી ઉપાસનાનો અનધિકારી હોય, એ વહેમો પ્રવર્તે છે. વહેમોનાં એ જાળાં ઝાડવાની જરૂર હજુ ઊભી છે.'
***
પુસ્તક જેમ વાંચું છું, તેમ મેઘાણીએ પ્રયોજેલા નવા નવા શબ્દો નજરે ચડે છે અને તેની મૌલિકતા તથા અર્થઘનતા પર ઓવારી જવાય છે. મેઘાણીના એવા શબ્દોની અલાયદી યાદી પણ બનાવી શકાય, એવો વિચાર બહુ વખતથી મનમાં ચાલતો હતો, તે આ પુસ્તક વાંચતી વખતે ફરી એક વાર હેરાન કરવા લાગ્યો છે.

આવું પુસ્તક પ્રકાશિત કરવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમી અને તેના (તત્કાલીન) મહામાત્ર, પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટ દૂધાતને પણ અભિનંદન.

રૂ.૪૫૦ (બન્ને ભાગ)ની છાપેલી કિંમત ધરાવતું આ પુસ્તક મેઘાણી પરિવારના ગ્રંથભંડારોમાંથી, તેમણે પોતાનું કમિશન જતું કર્યું હોવાને કારણે, માત્ર રૂ. ૩૦૦ની કિંમતે મળશે. અમદાવાદમાં ગ્રંથાગાર (સાહિત્ય પરિષદ) અને તાન્યાઝ, ભાવનગરમાં પ્રસાર અને લોકમિલાપ તથા ભૂજમાં અક્ષરભારતી.
સાહિત્યપ્રેમી કે વાચનપ્રેમી હોવાનો ખ્યાલ ધરાવતા દરેક મિત્રોએ અચૂક ખરીદવા જેવું પુસ્તક.
એ વિશેની કોઇ પણ વઘુ જાણકારી માટે બન્ને સંપાદકોનો સંપર્ક
જયંતભાઇ મેઘાણીઃ jayantmeghani@gmail.com
અશોકભાઇ મેઘાણીઃ ashok@meghani.com

1 comment: