Tuesday, January 12, 2010

સફળતા અને ગુણવત્તા, ફિલ્મ અને વાસ્તવિકતા

શ્યામ બેનેગલે ફિલ્મનિર્માણના કોઇ પણ ક્ષેત્રમાં વિક્રમ સ્થાપ્યો હોય એવું યાદ આવે છે? અને સત્યજીત રે? બેનેગલ-રેની વાત ન કરવી હોય, તો જરા વઘુ લોકપ્રિય નામોની વાત કરીએઃ ગુલઝારના નામે, રાજ કપુરના નામે, ગુરૂ દત્તના નામે- હજુ આગળ આવીએ તો, વિદ્યા બાલનના નામે, રાજુ શ્રીવાસ્તવના નામે, વિશાલ ભારદ્વાજના નામે કોઇ વિક્રમ છે? ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મે કોઇ વિક્રમ સ્થાપેલો? ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’? ના.

તો પછી ‘થ્રી ઇડિયટ્સ’ બોક્સ ઓફિસ પર વિક્રમો સ્થાપે તેમાં નિર્માતાઓ સિવાય બીજા લોકોને- ખાસ કરીને પ્રેક્ષકોને શી લેવાદેવા? વિક્રમો સ્થાપવાથી ‘થ્રી ઇડિયટ્સ’ મહાન ફિલ્મ થઇ જવાની છે? પ્રચારના ચગડોળ પ્રમાણે એ ફિલ્મ ઇતિહાસની સૌથી વઘુ વકરો કરનારી બની રહેવાની હોય તો ભલે. નોંધો ઇતિહાસના ચોપડામાં. ઇતિહાસ વાંચવામાં કોને રસ છે? અને તે પણ આવો રૂપિયા-પૈસાની કમાણીનો ઇતિહાસ! આપણને જેની સાથે કશી લેવાદેવા ન હોય એવો ઇતિહાસ!

આપણી ફિલ્મોનું કેટલું જોર?
જેને ‘થ્રી ઇડિયટ્સ’ ગમે તે વખાણ કરે. ન ગમે તે ગાળાટે. અહીં ફિલ્મ સારી છે કે ખરાબ, એની ચર્ચા કરવાનો ઇરાદો નથી. ખરેખર તો આવી ચર્ચાઓ કે અભિપ્રાયબાજી વિશે પણ નવેસરથી વિચારવા જેવું છે. ઘણી વાર એવું લાગે છે, જાણે ભારતવર્ષમાં સૌથી મહત્ત્વનો મુદ્દો જો કોઇ હોય તો એ છેઃ નવી રિલીઝ થતી ફિલ્મો. મહદ્ અંશે અંગત પસંદગીનો મામલો કહેવાય એવી ફિલ્મોને, બીજા અનેક મહત્ત્વના મુદ્દા બાજુ પર હડસેલીને, વચ્ચોવચ લઇ આવવાનો પ્રવાહ ચિંતાજનક છે. ફિલ્મની ચર્ચાઓ અને અભિપ્રાયભેદો પણ જુદા સ્વરૂપે અફીણનું કામ કરે છેઃ પોતપોતાની સમજણની પટાબાજીના જોશમાં, વાસ્તવિક જીવનને સ્પર્શતા કે જ્ઞાનવિજ્ઞાનલક્ષી મહત્ત્વ ધરાવતા વિષયો ગૌણ બની જાય છે.

ફિલ્મપ્રેમી તરીકે એવી દલીલ કરવાનું મન થાય કે ફિલ્મોના વિષય આખરે જીવન સાથે, તેની સમસ્યાઓ સાથે સંકળાયેલા હોય છે. માટે, તેમની પિંજણ કરવામાં કશું ખોટું નથી. પરંતુ સ્વીકારવી પડે એવી વાસ્તવિકતા એ છે કે ફિલ્મોના મુદ્દે ચૂંથણાં ચૂંથનાર સિવાય બહુ થોડા લોકો ફિલ્મોને એટલી ગંભીરતાથી લેતા છે. ‘લગે રહો મુન્નાભાઇ’ જોઇને ગાંધી વિચારધારા ફરીથી નવી પેઢી સુધી પહોંચે કે ‘તારે ઝમીં પર’ જોઇને શિક્ષણપદ્ધતિ વિશેના લોકોના ખ્યાલમાં પરિવર્તન આવે, એવી અપેક્ષા રાખવી એ ભોળપણ છે- અને એવો પ્રચાર આંખ મીંચીને માની લેવો એ મૂર્ખામી છે. ફિલ્મોની જે થોડીઘણી અસર દેખાય તેમાં આછીપાતળી (સ્મશાનવૈરાગ્ય જેવી) ‘થિયેટરજાગૃતિ’ અને બાકીનું મોટા ભાગનું માર્કેટિંગ હોય છે. ફિલ્મની અસરો વિશે વહેતી થયેલી કથાઓ અથવા ફિલ્મને લગતા વિવાદો પણ મોટે ભાગે માર્કેટિંગના ભાગરૂપે ઉપજાવી કાઢવામાં આવે છે.

રહી વાત પ્રજાની ગ્રહણશીલતાની, તો ઉપદેશના આશયથી કહેવાતી કથામાંથી લોકો (ઉપદેશ બાજુએ રાખીને) મનોરંજન માણતા હોય, તો મનોરંજન માટેની ફિલ્મોમાંથી પ્રજા ઉપદેશ ગ્રહણ કરે એવી અપેક્ષા શી રીતે રાખી શકાય?

અનુભવે જણાયું છે કે ફિલ્મોનું રસદર્શન અથવા રસચર્ચા બહુ ઓછા કિસ્સામાં સાર્થક સંવાદ બને છે. મોટે ભાગે તેની કક્ષા પાનના ગલ્લે, રેસ્ટોરાંમાં કે ઇન્ટરનેટના જમાનામાં બ્લોગ પર ચાલતી અંગત અભિપ્રાયોની ફેંકાફેંક અથવા ‘તમારા જેવા અબુધોને ફિલ્મનો સાર ખબર નહીં પડે. એટલે હું તમને ફિલ્મ વિશે જ્ઞાન આપું છું. સાંભળો, હે અબુધો, સાંભળો!’ - એ પ્રકારની હોય છે. બહુ ઓછી ફિલ્મો સાર્થક ચર્ચાનો ભાર ઝીલી શકે, એટલી ઉમદા ગુણવત્તા ધરાવતી હોય છે. તેમના વિશે મુગ્ધ કે અઘ્યાપકીય નહીં, પણ ઉંડાણપૂર્વકની, સમાજશાસ્ત્રીય પ્રવાહોને સાંકળતી ચર્ચા ભાગ્યે જ થાય છે.

ફિલ્મ વિશેનાં ઉત્તમ લખાણોની વિદેશોમાં માતબર પરંપરા છે. એક ઉદાહરણ લેખે ‘ધ ફિલ્મ્સ ધેટ ચેન્જ્ડ અસ (યુ.એસ.)’ જેવું પુસ્તક યાદ આવે છે. નીક ક્લુનીએ લખેલા આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોથી લઇને છેક એંસી-નેવુના દાયકાની કેટલીક મહત્ત્વની ફિલ્મો તથા સમાજ પર તેમના અને તેમની પર સમાજના પ્રભાવ વિશેની વાતો, તેના કલાકારોના અંગત જીવનની આંટીધૂંટીઓ, ફિલ્મઉદ્યોગના ચડાવઉતાર અને એ સમયના સામાજિક-રાજકીય પ્રવાહોની વાત અત્યંત સુરેખ અને રસાળ ઢબે ગૂંથવામાં આવી છે. તેમાં અભિપ્રાયોની ફેંકાફેંક કે વિદ્વત્તાનો છાકો પાડવાની નહીં, પણ પોતાને સારી એવી મહેનત, અભ્યાસ અને કેટલીક મુલાકાતો પછી પ્રાપ્ત થયેલી સમજણ સામાન્ય વાચકો સાથે વહેંચવાનો આશય છે. ભારતમાં-ગુજરાતમાં ફિલ્મ વિશેનાં કેટલાં લખાણો આ જાતનો દાવો કરી શકે? અને દાવો કરે તો એ દાવો ટકી શકે?

માટે જ, ‘થ્રી ઇડિયટ્સ’ સારી ફિલ્મ છે કે બોગસ? એવી ચર્ચા મિત્રો વચ્ચે, ચાની કીટલી પર થાય ત્યાં સુધી ઠીક છે, પણ એનાથી આગળના સ્તરે એ ચર્ચાનો કશો મતલબ નથી. ચર્ચાસ્પદ મુદ્દો એ ફિલ્મની વિક્રમસર્જક સફળતા નિમિત્તે વઘુ એક વાર થયેલી સફળતા અને ગુણવત્તાની ભેળસેળનો છે.

વિરોધાભાસી સંદેશા
સફળતાનું કામકાજ જબરૂં છે. તેની રોશની હજારો વોટના હેલોજન લેમ્પના પ્રકાશ જેવી હોય છે. એક વાર એ પ્રકાશ પડે એટલે બઘું સોનેરી દેખાવા લાગે. સોનું પણ સોનેરી ને એલ્યુમિનિયમ પણ સોનેરી. એ પ્રકાશના ધોધમાં મહત્તમ લોકોને આંજી શકાય એ માટે તમામ પ્રયાસ થતા રહે છે. પ્રસાર માઘ્યમો પોતપોતાના મતલબથી તેમાં સહભાગી બને છે. કોઇ પણ ફિલ્મ સફળ થાય, એટલે આઇ.આઇ.એમ. જેવી મેનેજમેન્ટ સંસ્થા તેને પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની જાહેરાત કરી પાડે છે. સફળતાની ચાલતી ગાડીમાં ચડી બેસવામાં મેનેજમેન્ટ સંસ્થાઓ બહુ પાવરધી હોય છે. ફિલ્મની લોકપ્રિયતાને વટાવી ખાવાની તક સ્થાપિત હિતો જવા દે? એ મેનેજમેન્ટની સંસ્થાઓ હોય, મિડીયા હોય કે પછી વિવાદ ચગાવનારાં પાત્રો. તેમના ચાળે ચડીને ફિલ્મ વિશે ચર્ચાઓ માંડનારા આડકતરી રીતે એ જ પ્રચારયંત્રના પૂરજા બની રહે છે.

‘થ્રી ઇડિયટ્સ’ વિશે ચર્ચા હોય તો એટલી જ કે તેના વકરાથી તેની મહાનતા શા માટે નક્કી કરવી જોઇએ? આઇ.આઇ.એમ. આ ફિલ્મમાંથી જે બોધપાઠ શીખવવા ધારે છે અને આ ફિલ્મ જે બોધપાઠ આપવાનો દાવો કરે છે, તે એ છે કે જગતમાં સફળતા નહીં, ગુણવત્તા અગત્યની છે. ગુણવત્તા હોય તો સફળતા આપોઆપ તેની પાછળ આવી પહોંચે છે. આ સંદેશ સાચો છે? ‘થ્રી ઇડિયટ્સ’ના પોતાના અને બીજા અનેક દાખલા ફિલ્મના પ્રચારિત સંદેશ સાથે વિરોધાભાસ ઉભો કરે છે. ફિલ્મમાં એવું કોઇ તત્ત્વ નથી, જેનાથી તે ફિલ્મ ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી વધારે વકરો કરનારી ફિલ્મ બને.

ફિલ્મ સારી છે કે ખરાબ, એ અંગત અભિપ્રાયનો મુદ્દો છે, પણ તે કોઇ હિસાબે વિક્રમસર્જક નથી એ નિર્વિવાદ છે. છતાં, તેનો વકરો વિક્રમસર્જક કેમ? કારણ કે તેના માટે ગુણવત્તા સિવાયનાં બીજાં અનેક પરિબળો જવાબદાર છે. આ પ્રકારનું નજીકના ભૂતકાળનું એક ઉદાહરણ ‘તારે ઝમીં પર’નું હતું. એ ફિલ્મને માત્ર મનોરંજન તરીકે જોવામાં-બતાવવામાં આવે ત્યાં સુધી બરાબર, પણ તેમાં આમીરખાને બહુ મહાન સંદેશ આપી દીધો છે, એવો દાવો કરવામાં આવે ત્યારે થાય કે ‘જરા વાજબી કરો.’ કારણ કે શિક્ષણપદ્ધતિમાં નંબરનું કશું મહત્ત્વ નથી, એવું ગાઇ-વગાડીને (સાચી રીતે) કહેતી એ ફિલ્મના અંતે ચિત્રસ્પર્ધામાં હીરોનો પહેલો નંબર આવે છે! પહેલો નંબર એ જ હીરોની સફળતાની સાબિતી બની રહેવાનો હોય, તો પછી ખોટા-મોટા દાવા શા માટે?

સફળતા એટલે ગુણવત્તા, એ ખોટા સમીકરણથી દાઝેલા કેટલાક લોકો સાવ સામા છેડે બેસીને તમામ સફળતાને ગુણવત્તા વગરની અને ‘લોકપ્રિય’ કહીને ઉતારી પાડે છે, એ વળી બીજો મુદ્દો છે. (એની વઘુ ચર્ચા માટે ગુજરાતી સાહિત્ય તરફ વળવું પડે.) સત્યની જેમ ગુણવત્તાનો હંમેશાં વિજય થાય છે, એ માનવું બહુ સુવિધાભર્યું અને આશ્વાસનકારક છે, પણ મોટે ભાગે સાચું સાબીત થતું નથી. તેનું લોકપ્રિય ઉદાહરણ રાજુ શ્રીવાસ્તવ છે. થોડાં વર્ષ પહેલાં યોજાયેલી લાફ્ટર ચેલેન્જમાં રાજુ સૌથી મૌલિક અને શિષ્ટતાનાં ધોરણો જાળવનારા કલાકાર જણાતા હતા, પરંતુ એ સ્પર્ધામાં તેમનો એકથી ત્રણમાં પણ નંબર ન આવ્યો. ત્યાર પછી એવી સ્થિતિ થઇ કે ખુલ્લા અને સામાન્ય રીતે મિડીયોક્રિટીની બોલબાલા ધરાવતા બજારમાં ગુણવત્તા ધરાવતા રાજુ છવાઇ ગયા અને સ્પર્ધામાં પહેલા-બીજા નંબરે આવેલા લોકોને તેમણે ક્યાંય પાછળ રાખી દીધા.

આવું હંમેશાં બનતું નથી. એટલું ખરૂં કે ગુણવત્તા ધરાવનાર સાવ ફેંકાઇ જતા કે ખતમ થઇ જતા નથી. તે મિડીયોકર લોકોની વ્યવસાયિક સફળતાથી વિચલીત થઇને, તેમના રસ્તે અનુસરવાને બદલે, પોતે પસંદ કરેલો માર્ગ પકડી રાખે તો તે પણ સારી રીતે ટકી શકે છે. હા, તેમના નામે કોઇ વિક્રમો બનતા નથી. રેકોર્ડબુકમાં તેમનાં નામ નોંધાતાં નથી. મેનેજમેન્ટની સંસ્થાઓ તેમની સફળતાને અભ્યાસક્રમમાં દાખલ કરતી નથી. એનાથી થોડો, ચચરાટીના સ્તરનો ફરક પડે છે, પણ બઘું વ્યર્થ લાગે એ હદનો તફાવત પડતો નથી

‘થ્રી ઇડિયટ્સ’માંથી બોધપાઠ તો શું લેવો? સડી ગયેલી શિક્ષણપદ્ધતિ વિશે જેમની આંખો આવી ફિલ્મથી ખુલવાની હોય, તેમને ઉઘડેલી આંખો મુબારક. પણ બાકીના સામાન્ય દૃષ્ટિ ધરાવતા અને મુન્નાભાઇ સિરીઝ જોઇ ચૂકેલા લોકો માટે તેમાં કશું નવું નથી. તેનાથી જૂનું સત્ય ફરી એક વાર તાજું થયું છે કે ઉત્તમ હંમેશાં વ્યવસાયિક સફળતાની ટોચે પહોંચે અને ટોચે પહોંચે તે હંમેશાં સર્વોત્તમ હોય એ જરૂરી નથી.

8 comments:

 1. in reply to the question,'are u as selfish as roark?',rgv replied,'he is selflessly selfish and i am selfishly selfless.'like that this article is indirectly direct attack on jay vasavda.


  Kiran M. Joshi

  ReplyDelete
 2. Very nice post. I am totally agreed with your views. People like movie because of comedy only. If there is no comedy in movie, no one will watch it. And most of the things take from internet. No creativity. There are thousands of good professor out there who teach this lesion. This movie shows that all professors are bad. Make fun of them. Dont care about your attitude. Make fun of everything. Person who got admission in IIM out of 4 lac student don’t know that he want to be wild life photographer. This movie is made to earn money not for any social message.

  ReplyDelete
 3. સમયસર સાચો મુદ્દો ઉપાડ્યો છે ઉર્વીશભાઈ તમે. પણ તે છતાં તારે ઝમીન પર માટે મને ઘણો જ આદર છે અને ચિત્રકામ સ્પર્ધામાં ઇશાન નો પ્રથમ નંબર આવે છે તે વાત હું અલગ દ્રષ્ટિકોણથી જોવું છું. મારા મતે આ ફિલ્મ તમને મળતા પ્રથમ નંબર કે સફળતાની વિરોધી નથી. આ ફિલ્મ તો બાળકની સાચી ટેલેન્ટને ઓળખીને એને એ ફિલ્ડમાં સફળ બનાવાની છે. જે રામશંકર નીકુમ્ભ આબાદ રીતે કરી બતાવે છે. ભણવામાં સાવ જ ઠોઠ એવો ઇશાન ચિત્રસ્પર્ધામાં પ્રથમ આવે છે એ જ બતાવે છે કે બાળકને જો એના રસના વિષયમાં આગળ વધવા દો તો એ જળહળતી સફળતા પ્રાપ્ત કરે જ છે.

  પણ તમારી વાત સાથે સંમત છું કે ફિલ્મ જે ખરેખર જ્ઞાન અને સમાજલક્ષી વિષયો માટેનું સચોટ માધ્યમ બની શકે છે એ બોલીવુડમાં અને ભારતીયોના દિમાગમાં માત્ર અને માત્ર મનોરંજન નો જ વિષય છે.

  ReplyDelete
 4. ઉર્વીશભાઈ, મને ખબર નથી કે '૩ idiots'ની ચર્ચામાં તેના વકરાથી તેની મહાનતા કોણ નક્કી કરી રહ્યું છે. પણ તે પ્રકારના સમાચારથી ફિલ્મને judge કરવી યોગ્ય નથી. તમારો આ આખો લેખ મને તે દ્રષ્ટિએ લખાયલો લાગે છે અને તેથી જ આ લેખ ફિલ્મને, ફિલ્મના સંદેશ અંગે અને ફિલ્મની ચર્ચાઓ વિષે જે મંતવ્યો રજુ કરે છે તેની સાથે સંમત થઇ શકાય એમ નથી. ફિલ્મો ચર્ચાઓ ઉભી કરે છે અને તે જ તેમનું સૌથી મોટું કામ છે. સાર્થક ચર્ચાઓ ઉભી કરે તે સારી ફિલ્મ. આ ફિલ્મમાંથી કયો બોધપાઠ લઇ શકાય તે કોઈ પણ mainstream bollywood film માટે યોગ્ય પ્રશ્ન નથી અને તેમાં કશું નવું નથી તેમ કહેવું પણ વધારે પડતું છે. હું શિક્ષણ સાથે સંકળાયેલો છું તેથી કહી શકું છું કે અમારા વિદ્યાર્થીઓમાં આ ફિલ્મે સારી હવા ઉભી કરી છે અને એક 'elite' શિક્ષણ સંસ્થા અંગેના તેના વ્યંગ યોગ્ય છે. તમારા લેખમાં આ મૂળ મુદ્દો - burden of being an elite institution વાળી વાત થઇ નથી તે ક્યારેક થાય તેઆશા.
  અંતે, આપણે ભેળસેળના જમાનામાં જીવીએ છીએ એટલે સફળતા અને ગુણવત્તાની ચર્ચામાં આ ફિલ્મને હું benefit of doubt આપીશ.

  ReplyDelete
 5. "વેપારી" ફિલ્મો માટે ચર્ચા,આટલી બધી !!!!
  હિમાન્શુ

  ReplyDelete
 6. ઉત્પલ ભટ્ટ9:53:00 PM

  એક્દમ સાચી વાત છે. સતત વધતી જતી અસહ્ય મોંઘવારી વિશે ચર્ચા કરવા કોઈ પાસે સમય નથી પરંતુ આવા "ઈડિયટ" જેવા વિષય પર કલાકો સુધી નિરર્થક ચર્ચા કરવાનો અનેરો આનંદ તેઓ લઈ શકે છે. દુઃખની વાત તો એ છે કે "મોંઘવારી" પર ચર્ચા એ આઉટડેટેડ વિષય ગણાવા લાગ્યો છે.

  ReplyDelete
 7. i agree with this article..

  ReplyDelete
 8. amit dave11:44:00 AM

  Problem with ‘3 idiots controversy’ is that the film propagates the importance of original & imaginative thinking but does exactly the opposite in real world. i.e. Stealing original plot & story from Bhagat’s book and then claiming it to be the original work of screenplay writers. This time they took away the credits but in ‘Lage raho…” the writer-duo just to earn credibility for their own concept of ‘Gandhigiri’ gave reverse credit to Gandhiji. And they knew that there is no Gandhi to disown it.

  ReplyDelete