Friday, January 08, 2010

બ્રાન્ડનેમના દાવ અને પેચ

આ ગુજરાતની પ્રજાની ખાસિયત છે કે નહીં, ખબર નથી. પણ પતંગના દોરાની બ્રાન્ડનું નામ ‘એકે-૫૬’ હોય તો કેવું કહેવાય? ગયા વર્ષે ઉત્તરાયણ પહેલાં એ મતલબની પોસ્ટ ‘એકે-૫૬’ની જાહેરખબર સાથે મૂકી હતી.
આ વર્ષે, ખાસ કરીને ૨૬/૧૧ પછી તેમાં એક માળ ચણાયો છે. બે દિવસ પહેલાંના સંદેશમાં પહેલાં પાનાની આગળના સ્પેશ્યલ અડધા પાનામાં પાછળની બાજુએ ‘એકે-૫૬’ની જાહેરાત હતી અને આગળના ભાગે જે બ્રાન્ડની જાહેરાત હતી તેનું નામ શું હશે? કલ્પી શકો છો?
એનએસજી!
આખું નામઃ નેશનલ સિક્યોરિટી ગાર્ડ નહીં, પણ નેશનલ સ્કાય ગાર્ડ!

7 comments:

  1. બીરેન કોઠારી1:05:00 PM

    કેટલાય દિવસથી કોઇની કમેન્ટ નથી, એટલે થયું કે ચાલો,કમેન્ટ લખીએ.
    આપણા જમાનામાં (હવે તો બે વરસ પહેલાંની વાત પણ 'જમાનો' બની જાય છે.)કદી વિચાર પણ નહોતો આવતો કે દોરીની પણ જાહેરખબર હોય. હજી જો કે,પતંગને લગાડવાનાં પૂંછડાંની કે ગુંદરપટ્ટીની જાહેરખબરો જોવા મળતી નથી.એટલી ગુજરાતની અસ્મિતાની ઓળખ બાકી છે,એમ માની શકાય.પણ સૌથી હાસ્યાસ્પદ અને ગંભીર બાબત હોય તો એ છે ઉતરાયણના દિવસે છપાતી 'ગાયોને ઘૂઘરી ન ખવડાવવાની અપીલ'. આડે દિવસે પ્લાસ્ટિકના ડૂચા ખાઇને પેટ ભરતી અને રખડતી ગાયો પર ઉતરાયણના દિવસે એવો પ્રેમ ઉભરાઇ જાય કે સૌ તેમને ઘૂઘરી જ નીર્યે રાખે અને તેથી ગાયોને આફરો ચડી જાય.આના મૂળમાં ગાયો પ્રત્યેનો પ્રેમ નહીં, પણ પુણ્ય કમાઇ લેવાની લાલસા જવાબદાર છે. પ્રજા તરીકેની આપણી આ પણ એક તાસીર છે.કોંગ્રેસના રાજમાંય આમ થતું અને ભા.જ.પ.ના રાજમાંય આમ થાય છે. આપણો 'વિકાસ' થયો છે,પણ 'ઊન્નતિ'?

    ReplyDelete
  2. બીરેનભાઈ, એવુ જ ઉત્તરાયણ વખતે પક્ષીપ્રેમ ની બાબતમાં પણ છે, અલ્યા ભાઈ, પક્ષીઓનું છોડોને... પતંગની કાતિલ દોરીથી કેટલા બધા વાહનચાલકો કે રાહદારીઓના ગળા કપાય છે.....લોકો કાતિલ દોરીઓથી ઘાયલ ના થાય ના થાય તેવા ઉપાયોને પ્રાથમિકતા આપવાને બદલે આપણે ત્યાં અમુક ઉત્સાહી બાબલા - બેબલીઓ પક્ષીઓને બચાવવા ની હેલ્પલાઈનો લઈને મંડી પડતા હોય છે , દોરી કોઈ પણ હોય ચાઇનીસ કે દેશી, ગળું કાપતી વખતે કોઈની શરમ નથી રાખતી ....અને એનું સચોટ ઉદાહરણ મારો ભત્રીજો છે, ગઈ ઉત્તરાયણ વખતે તેના પપ્પા સાથે બાઈક ઉપર જતી વખતે પતંગની દોરી થી જે હદે તે ઘાયલ થયો હતો તે જોઇને કોઈને પણ બધી દોરીઓ ઉપર પ્રતિબંધ મુકવાનું મન થઇ જાય,....પરંતુ...અફસોસ ....કે આપણે ત્યાં એક માણસ કરતા પક્ષીઓ ના જાન ની લોકોને વધારે પરવા હોય છે...

    ReplyDelete
  3. બીરેન9:24:00 PM

    તમારી વાત સાચી છે. સરકાર ચાઇનીઝ દોરી સામે લાલ આંખ કરે કે લીલી,નાગરિકોએ પોતે આ વાત સમજવી જોઇએ. પણ એવી કોઇ શક્યતા નજીકના ભવિષ્યમાં જણાતી નથી. સાચું પૂછો તો આ દિવસોમાં ટુ-વ્હીલર પર નીકળતાંય ડર લાગે છે. હજી તો આપણા દરેક પર્વોની ઊજવણીમાં થતા ઘોંઘાટની કે અન્ય ન્યુસન્સની વાત તો ઊભી જ રહે છે.

    ReplyDelete
  4. vishalpatadiya1:29:00 PM

    ઉર્વિશભાઇ તમારા બ્લોગ પર મારી આ પ્રથમ કોમેન્ટ છે. વિષયાંતર ન કરતાં હું દોરીના આ બ્રાન્ડીંગ પર જ કોમેન્ટ કરીશ. એકે-56 અને એનએસજી સાથે સાથે બજારમાં હાલમાં પતંગબાજોને આકર્ષવા માટે આરડીએક્સ નામની બ્રાન્ડ પણ ઉપલબ્ધ છે. મિત્ર પ્રણવભાઇ સાથે રાયપુરમાં આ દોરી ખરીદતી વખતે જૂની બ્રાન્ડ ગેંડા દોરી વિશે પણ ચર્ચા થઇ.તેમણે આ ગેંડા દોરી વિશે એક રસપ્રદ વાત કરતાં કહ્યં કે દોરીના પેકેટ પર રીંછનું ચિત્ર છે, અંગ્રેજીમાં દોરીનુ નામ પણ BEAR લખવામાં આવ્યું છે, પણ ગુજરાતી નામ ગેંડા લખાયું છે ! છે ને રસપ્રદ વાત. બાય ધ વે, દોરીના બ્રાન્ડીંગની વાત કરતાં યાદ આવે છે કે અમદાવાદની પોળમાં દસ બાય દસની ઓરડીમાં રહેતા હતાં ત્યારે તે સમયની જાણીતી બ્રાન્ડ સાંકળ-8 દોરી ન પોસાતાં , અમે કેટલાક છોકરાં ઘી-કાંટા વિસ્તારમાં જઇને વજન પર દોરી લાવતાં હતાં. આ દોરી તોલ પર મળતી હોવાથી તે `તોલિયા' દોરી તરીકે જાણીતી હતી !

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. બ્રાન્ડનેમ કરતાં બ્રાન્ડ વગરની દોરી સારું પરફોર્મન્સ આપી શકે છે, એ મારો અનુભવ છે. બાળપણમાં મીણિયા દોરી કે મમ્મીની કપડાં સિવવાની કોકડીની દોરીથી પાકી, પાયેલી અને કાચ ચડાવેલી દોરીને લંગિસયા લડાવી કે ઘચરકા રમીને કાપેલી છે. આકાશમાં આ મામલો થોડોક અલગ છે છતાંય છેવટે જીત તો પતંગરિસયાની કાપવાની આવડત પર જ અવલંબે છે, બ્રાન્ડ પર નહિ. શું કહેવું?

    ReplyDelete
  7. SALIL DALAL -Toronto8:12:00 PM

    માત્ર ચીનની દોરીને દોષ દેવો પણ વાજબી નહિ ગણાય. કારણ કે અમારા એક સગાને ચાલુ સ્કૂટરે ગળામાં દોરી ભરાતાં લગભગ ગળું કપાઈ ગયું હતું. સમયસરની સારવારને કારણે બચી ગયા. પરંતુ, આજે પણ બોલવાની તકલીફ જ છે. આ બનાવ દસ - બાર વરસ પહેલાનો છે, જયારે ચાઇનીઝ દોરી બજારમાં ક્યાંય નહતી.
    થોડાંક વર્ષ પહેલા આણંદનાં એક મહિલા કોલેજના પ્રિન્સીપાલ મેડમનું ગળું પણ દોરીથી ચિરાઈ ગયું હતું.
    સવાલ છે તો બદલાયેલા સમય સાથે તહેવારોની ઉજવણીમાં આવશ્યક ફેરફાર કરવાનો. ઉતરાણની આસપાસના દિવસોમાં કાપી નાખવા જ નિર્માણ કરાયેલી દોરી અને અરક્ષિત જતા વાહન ચાલકોના ઘર્ષણમાંથી આવી કરુણ ઘટનાઓ સર્જાતી હોય તો તેના સુરક્ષાત્મક પગલાં વિચારવા જોઈએ.
    હેલ્મેટ ઉપરાંત ગળાના સ્પેશિઅલ પટ્ટા કાઢી શકાય. (કે ઓલરેડી નીકળી ચુક્યા છે?)
    અથવા પ્રજા પણ સ્વેચ્છાએ 'પતંગોત્સવ' ખુલ્લા મેદાનોમાં જ યોજે. (સરકારના આયોજનમાંથી ક્યારેક શીખવાનું પણ હોય.)

    બાકી હમારે ઝમાને મેં .... યાદ કરવું હોય તો સામસામી નળિયાબાજીથી કેટલીય અગાશીઓમાં ઘાયલ ત્યારે પણ થતા જ હતા.
    ધાબેથી કે છાપરેથી પડીને જીવલેણ અકસ્માતનો ભોગ બનવાના કિસ્સા પણ સંખ્યાબંધ થતા.
    પરંતુ, એ યાદ કરીને આજની કરુણ ઘટનાઓને ઓછી આંકવાની ભૂલ ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. (વાતવાતમાં પીલ્લું છૂટ્યું ‘…ને આ તો નાનકડો તંત્રી લેખ થઇ ગયો!!થેંક યુ, બીરેન)

    ReplyDelete