Wednesday, January 20, 2010

શતં જીવેત શરદઃ

આ મહિનાની પહેલી તારીખે એટલે કે ૧-૧-૧૦ના રોજ અમદાવાદના તસવીરકાર પ્રાણલાલ પટેલે સત્તાવાર રીતે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં. સત્તાવાર એટલા માટે કે તેમની મૂળ જન્મતારીખ એકાદ વર્ષ પહેલાંની છે. એ પ્રમાણે તેમની ઊંમર ૧૦૧ વર્ષ થાય! ૧ જાન્યુઆરીએ સવારે સપરિવાર દાદાને મળવા ગયો, ત્યારે ઘરે સત્યનારાયણની કથા ચાલતી હતી. ૧૦૦ વર્ષના દાદા જમીન પર પલાંઠી મારીને બેઠા હતા અને યંત્રવત્ નાટ્યાત્મક ઢબે વંચાતી કથામાં વચ્ચે વચ્ચે પ્રસારિત થતી સૂચનાઓનું પાલન કરતા હતા.
વચ્ચે એક ફોન આવ્યો, એટલે એમણે નિરાંતે ફોન પર વાત કરી. ફોન કરનારના પરિવારના અને એમના સસરાના પણ ખબરઅંતર પૂછ્યા. ફોન કરનારે પૂછ્યું,‘રાજકોટ ક્યારે આવવાના છો?’ એટલે બીજાં સો વર્ષ જીવવાના હોય એટલા રણકાથી દાદાએ જવાબ આપ્યો. ક્યાંય ઊંમરનો કોઇ ભાર નહીં-વજન નહીં. કથા પૂરી થયા પછી આરતી કરવાની આવી, એટલે ગોર કહે,‘દાદા તમે બેસી રહો. ઉભા ન થશો.’ અને બધાની સામે જોઇને કહે,‘આટલું બેસી રહ્યા પછી પગ જકડાઇ જાય ને નકામી ક્યાં તકલીફ કરવી.’ પણ એ વાક્ય પૂરૂં થાય એ પહેલાં દાદા બે હાથની હથેળીઓ જમીન પર ટેકવીને સ્ફુર્તિથી ઉભા થઇ ચૂક્યા હતા. તેમણે કમરેથી વળીને તેમના પૌત્ર અને પૌત્રવઘુ સાથે આરતીમાં પણ હાથ આપ્યો.
આખા અમદાવાદના અસંખ્ય ચહેરાની તસવીરો લેનાર દાદાની સત્યનારાયણની પૂજા વખતે ફોટો લેનાર કોઇ ન હતું. સાંજે પાર્ટી હતી. એમાં બધી ઉજવણી હશે. એટલે પૂજાના ફોટાનો લાભ મને મળ્યો.
કથા-આરતી-થાળ પૂરા થયા પછી ગોરે તેમના નિત્ય ક્રમ પ્રમાણે ‘જજમાન’ને આશીર્વાદ આપતાં, રીધમબદ્ધ અવાજમાં કહ્યું,‘શતમ્ જીવમ્ શરદઃ’. એટલે મહારાજને મેં કહ્યું,‘હવે તમારે દ્વિશતમ્ કે એવું કંઇ કહેવું પડશે. સો શરદ તો દાદાએ આજે પૂરી કરી નાખી!’ અને બકોર પટેલની ભાષામાં કહું તો, ગોર ‘ચાટ પાડી ગયા’.
સંસ્કૃતના અઘ્યાપકને પૂછતાં જાણવા મળ્યું કે ‘સો શરદ જીવો’ માટેનો સાચો પ્રયોગ છેઃ ‘શતં જીવેમ શરદઃ’ અને ‘સો શરદ જીવી ગયા’ (સો શરદ તો પૂરી!) એમ કહેવું હોય તો ‘શતં જીવેત શરદઃ’ કહેવું પડે. તો આ કહ્યું.

6 comments:

 1. સેંચ્યુરી ફટકારીનેય દાદા સારા એવા કડેધડે છે અને આપણે એની અડધી ઉમરેય હલી ગયા છીએ.

  આજકાલ લોકો મિડિયા દ્વારા મોટા સાબિત થયેલાને જ ઓળખી છે. સારું થયું તમે ફોટો પાડ્યો.

  ReplyDelete
 2. vishalpatadiya2:16:00 AM

  સંસ્કૃત જીવનમાં ક્યારેય ભણ્યો નથી એટલે પહેલાં એવું લાગ્યું કે કોઇક 'શરદ'ને સો વર્ષ જીવાડવા વિશેની પોસ્ટ હશે. વેલ, પ્રાણલાલ દાદાને શતમ કે દ્વિશતમ તેવા કોઇ આશીષની જરુર નથી. કારણ કે તેમનું નામ જ તેમને અમર બનાવે છે. તેમના નામમાં 'પ્રાણ' સામે 'લાલ' બત્તી ધરી દેવાઇ છે.

  ReplyDelete
 3. thank you for sharing the memorable moment with us.

  love

  ReplyDelete
 4. ...અને યંત્રવત્ નાટ્યાત્મક ઢબે વંચાતી કથામાં વચ્ચે વચ્ચે ...
  આ વાક્ય વાંચીને યાદ આવ્યું કે સત્યનારાયણની કથામાં ક્યાય કથા તો આવતી જ નથી. વાણીયો, બ્રાહ્મણ, કઠિયારો વગેરે ની વાર્તા જ છે. કહો કે એમની અનુભવકથા જ આવે છે. એ લોકો એ કઈ કથા કરાવી હશે?

  ReplyDelete
 5. Anonymous8:40:00 PM

  AANKHMA AANSU SATHENO PHOTO AAJNA NAVA BLOGMA MUKVANO BAKI RAHYO. DADAJI VISHE BAKINU BADHU AAVI GAYU AA LEKHMA ! -AMIT SHAH ISANPUR

  ReplyDelete