Tuesday, January 05, 2010
કોંગ્રેસઃ ઇતિહાસ સવા સો વર્ષનો, વારસો ચાર દાયકાનો
કોંગ્રેસ વિશે એકવીસમી સદીના વિદ્યાર્થીઓ માટે નિબંધ લખવાનો હોય તો શરૂઆત કંઇક આ રીતે કરવી પડેઃ ‘કોંગ્રેસ કૌટુંબિક પેઢી નહીં, પણ ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ છે. તેની સ્થાપના મોતીલાલ નેહરૂએ કરી ન હતી. જવાહરલાલ નેહરૂ તેના પહેલા પ્રમુખ ન હતા. જવાહરલાલનાં પુત્રી ઇન્દિરા ગાંધીને મહાત્મા ગાંધી સાથે કોઇ સંબંધ ન હતો.’
૨૮ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ કોંગ્રેસની સ્થાપનાને ૧૨૫મું વર્ષ બેઠું. આ વિધાન ઉપર ‘શરતો લાગુ’ પ્રકારની ફુદડી મૂકવી પડે. કારણ કે ૧૨૪ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસને અત્યારની કોંગ્રેસ સાથે નામનો જ સંબંધ છે. કેવળ ગણિતથી કે ‘ટેકનિકલી’ નહીં, પણ ભાવાર્થમાં અને વાસ્તવમાં વર્તમાન કોંગ્રેસની ઊંમર ગણવી હોય તો ગણતરી ૧૯૬૯થી શરૂ કરવી પડે. એ વર્ષે કોંગ્રેસના બે ભાગ પડ્યા. આઝાદીના આંદોલન વખતે સક્રિય એવા જૂના જોગીઓ સંસ્થા કોંગ્રેસ (કોંગ્રેસ-ઓર્ગેનાઇઝેશન) તરીકે રહ્યા અને ‘અસંતુષ્ટ’ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સંસ્થાથી છેડો ફાડીને શાસક કોંગ્રેસ (કોંગ્રેસ-રૂલિંગ) નામે પોતાનો અલગ ચોકો રચ્યો. કોંગ્રેસ (ઓ) અને કોંગ્રેસ (આર) અનુક્રમે ‘સિન્ડિકેટ’ અને ‘ઇન્ડિકેટ’ તરીકે જાણીતાં બન્યાં.
લાલબહાદુર શાસ્ત્રીના અકાળે અવસાન પછી, મોરારજી દેસાઇ સામે વાંધા ધરાવતા જૂના નેતાઓના ટેકાથી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં, પણ વૃદ્ધ નેતાઓને ભૂલ સમજાઇ ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ વડીલમંડળને અવગણીને પોતાની અલગ મંડળી (‘કિચન કેબિનેટ’) ઉભી કરી લીધી હતી. ૧૯૭૦માં મઘ્ય સત્ર ચૂંટણી યોજતાં પહેલાં બેન્કોનું રાષ્ટ્રિયકરણ અને સાલિયાણાંનાબૂદી જેવાં ‘સમાજવાદી’ અને ‘ગરીબતરફી’ પગલાં લઇને ઇન્દિરાએ પાડી દીધો. ૧૯૭૦ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રતીક માટે વિવાદ ઉભો થયો, ત્યારે સરકારી લાઇન પ્રમાણે ચાલનારા ચૂંટણીપંચે સંસ્થાને બદલે સંસ્થા છોડી જનાર ઇન્દિરા ગાંધીની શાસક કોંગ્રેસની તરફેણમાં ચૂકાદો આપ્યો. પરિણામે ઇન્દિરા ગાંધીનું જૂથ કોંગ્રેસના ચૂંટણીચિહ્ન પર ચૂંટણી લડ્યું અને બે તૃતિયાંશ બહુમતિથી જીત્યું.
આ વાત કેટલી વિચિત્ર કહેવાય, તેનો અંદાજ મેળવવા એક સિચ્યુએશન કલ્પી જુઓઃ ધારો કે સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ વચ્ચે તકરાર થાય છે. મનમોહન સોનિયાના ટેકે વડાપ્રધાન બન્યા છે, પણ હવે તે પોતાની રીતે સ્વતંત્રપણે કામ કરવા માગે છે. (કેવી સુખદ ધારણા!) એટલે તે પોતાનો અલગ પક્ષ ‘શાસક કોંગ્રેસ’ રચે છે. સોનિયા ગાંધી પાસે સંસ્થા કોંગ્રેસ રહી જાય છે. પોતાની લોકપ્રિયતા પર મુસ્તાક વડાપ્રધાન સિંઘની ઇચ્છાથી મઘ્યસત્ર ચૂંટણી જાહેર થતાં, કરોડો રૂપિયાનો સવાલ આવે છેઃ પંજાના કોંગ્રેસી પ્રતીક પર અધિકાર કોનો? સાસબહુની સિરીયલના પ્લોટ જેવી આ સિચ્યુએશનમાં, પંજો ડો. સિંઘને ફાળવવામાં આવે, એવું ચાળીસ વર્ષ પહેલાં ચૂંટણી પંચે કર્યું હતું. એ રીતે, આજે જેને કોંગ્રેસ તરીકે ગણવામાં આવે છે તે અસ્તિત્ત્વમાં આવી.
ઉજવણાં કરતી વેળાએ જોકે વાસ્તવિક ઘટનાક્રમને ભાગ્યે જ ઘ્યાનમાં લેવામાં આવે છે. રાજકારણનો નિયમ છેઃ ‘પોતે કરેલાં કામોનું ગૌરવ તો સૌ કોઇ લે, પણ જેમાં આપણી કોઇ કમાલ નથી એવી ચીજોનું ગૌરવ આપણા નામે સ્થાપિત કરી બતાવીએ તો ખરા.’
રાષ્ટ્રિયતા અને પરિવારભક્તિ
સ્થાપના વખતે વકીલ-બેરિસ્ટરોના બૌદ્ધિક ટાઇમપાસનું સાધન ગણાતી અને ‘પ્રે એન્ડ પીટીશન’ (વિનવણી ને અરજી)ની રાજનીતિમાં માનતી કોંગ્રેસના દરવાજા ગાંધીજીના આગમન પછી આમજનતા માટે ખુલ્યા. ત્યારથી તેના ચરિત્રની એક ખાસિયત રહી છેઃ તેના પાયામાં બાકી બધા અવગુણ છે, પણ સંકુચિતતા નથી. બાકી બધા સિદ્ધાંત નેવે મૂકાયા પછી પણ સર્વના સમાવેશની તેની લાક્ષણિકતા જળવાઇ રહી છે. તેના માટે કોઇ વ્યક્તિ નહીં, પણ સંસ્થાનું ડી.એન.એ. જવાબદાર છે. એ રીતે કોંગ્રેસ ખરા અર્થમાં ‘રાષ્ટ્રિય’ છે.
કહેવા ખાતર ભાજપ કે ડાબેરીઓ જેવા બીજા રાષ્ટ્રિય પક્ષો સર્વસમાવેશકતાનો દાવો કરી શકે, પણ તેમનો દાવો સાચો નથી તે સૌ જાણે છે. ભાજપ ગમે તેટલી વાતો કરે ને તેના નેતાઓ નાતાલ દરમિયાન કાર્નિવલો ઉજવે કે મુસ્લિમોને રીઝવવા લીલી ટોપીઓ પહેરે, પણ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જેવા ‘વિધર્મી’ માટેનો તેમનો અભાવ વિકૃતી તરીકે વખતોવખત પ્રગટ થઇને તેમનું હાડ છતું કરતો રહે છે. સર્વસમાવેશકતાને બાદ કરવામાં આવે તો બાકીનાં લક્ષણોમાં વર્તમાન કોંગ્રેસે ઇન્દિરા ગાંધીનો વારસો જાળવ્યો છે. ઇન્દિરા ગાંધીએ સગવડ મુજબ નેહરૂનો વારસો જાળવવાની વાતો કરી હતી, પણ ભ્રષ્ટ અને સિદ્ધાંતહીન શાસનની પરંપરા તેમણે સ્વબળે ઉભી કરી. સાથોસાથ, કોંગ્રેસમાં પહેલેથી નાજુક તબિયત ધરાવતી આંતરિક લોકશાહીને સાવ ખતમ કરી નાખી.
આઝાદી પછી તરતના અરસામાં, લોકસભાની પહેલી ચૂંટણી યોજાય તે પહેલાં સરદાર પટેલનું અવસાન થતાં, નેહરૂ કોંગ્રેસના એકમેવ સ્તંભ બની ગયા. ત્યારથી આંતરિક લોકશાહી કોંગ્રેસને ફાવી નથી. ઇન્દિરા ગાંધીની અસાધારણ ક્ષમતા, સફળતા અને મહત્ત્વાકાંક્ષાના પ્રતાપે તેમના જીહજૂરિયાઓની ફોજ ઉભી થઇ. વિખ્યાત તસવીરકાર રધુ રાયની એક જાણીતી તસવીરમાં ખુરશી પર બેઠેલાં ઇન્દિરા ગાંધીની પીઠ દેખાય છે અને સામે સફેદ કુર્તા-પાયજામા-ધોતીયાંધારીઓની આખી ફોજ રાંકડી બનીને ઉભી છે.
(photo : Raghu Rai/ India Today)
કોંગ્રેસની એ સંસ્કૃતિ ૨૦૦૯માં બદલાઇ નથી. રાજીવ ગાંધીના આકસ્મિક મૃત્યુ પછી અને સોનિયા ગાંધીના પુનઃપ્રવેશ પહેલાંના ગાળામાં એકનિષ્ઠ ભક્તિનું સ્થાનક લુપ્ત થતાં કોંગ્રેસીઓ મૂંઝાયા હતા. પણ તેમની અરજથી પીગળીને હાજરાહજૂર થયેલાં સોનિયા ગાંધીની ભક્તિ એ મોટા ભાગના કોંગ્રેસી નેતાઓનું ચીતરી ચડે એટલી હદનું વળગણ (અથવા મજબૂરી) છે.
સોનિયા ગાંધી સારાં છે કે ખરાબ એ પ્રશ્ન નથી. લોકશાહીમાં દેશનો સૌથી મોટો અને જૂનો રાજકીય પક્ષ આટલી હદે એક વ્યક્તિ પર નિર્ભર હોય એ ચિંતાજનક છે. આઝાદીના આંદોલન વખતે મહાત્મા ગાંધી થોડાં વર્ષ આવી એકચક્રી ભૂમિકામાં રહ્યા હતા, પણ તેમને એ વિશેષાધિકાર કૌટુંબિક વારસાની રૂએ મળ્યો ન હતો. પોતાની શક્તિઓથી તેમણે એ હાંસલ કર્યો હતો. સોનિયા ગાંધી પહેલાં વિશેષાધિકાર મેળવીને પછી પોતાની શક્તિઓ તેને અનુરૂપ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે - અને હવે બેશરમીપૂર્વક રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની વાત ચાલી રહી છે.
(Indira Gandhi- Rahul- Priyanka- Soniya Gandhi/ photo : Raghu Rai/ India Today)
ફરી એક વાર, સવાલ રાહુલ ગાંધીની લાયકાતનો નથી, પણ દેશના સૌથી જૂના રાજકીય પક્ષને કૌટુંબિક પેઢીની જેમ ચલાવવાનો અને ચલાવવા દેવાનો છે. સોનિયા ગાંધીના વિદેશી કુળ જેવા લાંબા ગાળે અપ્રસ્તુત બની ગયેલા મુદ્દા વિશે ગરમાગરમ ચર્ચાઓ થાય છે, પણ પક્ષીય લોકશાહીના અભાવ વિશે અને રાજકીય વારસાઇના મુદ્દે કોણ કોને અરીસો બતાવે?
પ્રાયશ્ચિતલાયક મુદ્દાની યાદીઃ જ્યાં જ્યાં નજર ઠરે...
સવાસો વર્ષની ઉજવણી દરમિયાન સાચા અને કાલ્પનિક ભવ્ય ભૂતકાળની ઘણી વાતો કરવામાં આવશે, પણ સવા સો વર્ષની ખરી ઉજવણી ત્યારે જ સંપૂર્ણ થાય જ્યારે ગૌરવગાથાની સાથોસાથ જૂનાં પાપનાં પ્રાયશ્ચિત કરવામાં આવે. કોંગ્રેસનાં નામે બોલતી પાપની યાદી લાંબી છે. હકીકતમાં ભાજપે એવું કોઇ મૌલિક પાપ કર્યું નથી, જે પહેલાં કોંગ્રેસે ન કર્યું હોય.
બન્ને વચ્ચે ફરક એટલો જ કે કોમી કે અન્ય પ્રકારનાં વિભાજનની રાજનીતિ એ કોંગ્રેસની પાયાગત વિચારધારાનો હિસ્સો નથી, જ્યારે ભાજપની બાબતમાં નિખાલસતાથી વિચારતાં એવું કહી શકાય એમ નથી. ભાજપના પાયામાં રહેલી હિંદુત્વની રાજનીતિ, ગમે તેટલી ઉદાર અને ગળચટ્ટી વ્યાખ્યાઓ પછી પણ, કોમી વિભાજનને પાયાના સિદ્ધાંત તરીકે ગણે છે. કોંગ્રેસે પ્રાયશ્ચિત કરવા લાયક અને ખરેખર તો આકરી સજાને પાત્ર એવાં પાપની લાંબી યાદીમાંના કેટલાક મુદ્દાઃ
- ૧૯૮૪ની શીખવિરોધી હિંસા અને તેના આરોપીઓનાં હજુ સુધી બેશરમીપૂર્વક થઇ રહેલાં થાબડભાણાં. કોઇ જરનૈલસિંઘ ગૃહ મંત્રી પર જૂતું ફેંકે ત્યારે ડાયનોસોર જેવી સંવેદનશીલતા ધરાવતી કોંગ્રેસને બત્તી થાય છે કે સજ્જનકુમારની ઉમેદવારી કામચલાઉ રદ કરવી પડશે. સોનિયા ગાંધીએ આ મુદ્દે શીખોની માફી માગી છે, પણ ૧૯૮૪ના આરોપીઓને જ્યાં લગી રાજકીય અરણ્યવાસની સજા ન મળે ત્યાં લગી માફીનો કશો અર્થ સરતો નથી. દિલ્હીમાં શીખ મતદારોની સંખ્યા પરિણામ પર અસર પાડી શકે એટલી મોટી ભલે ન હોય, પણ કોંગ્રેસની ઘાતકી બેશરમીની અસરો દેશના રાજકારણ પર પડે છે, એટલી સાદી વાત સોનિયા ગાંધીને કોઇ કહેતું નહીં હોય?
- મુસ્લિમો અને દલિતોના ઉદ્ધારના બહાને એ સમુદાયોમાં રહેલાં પ્રગતિશીલ બળોને પાછાં પાડીને, પરિસ્થિતિ બદલાવા (સુધરવા) ન દેવી, એ પણ કોંગ્રેસનું બહુ મોટું પાપ છે. મુસ્લિમો અને દલિતોને વર્ષો સુધી કોંગ્રેસે ફક્ત વોટબેન્ક તરીકે ગણીને, તેમની હાલત દયનીય બનાવી દીધી છે. દલિતોને રાજકીય હક આપવાને બદલે હિંદુઓનાં હૃદય બદલાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવા બદલ ગાંધીજી પણ દલિતોની નજરે અપરાધી ઠરે છે. છતાં, ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને રાષ્ટ્રિય સ્તરે વ્યાપક બનાવી અને પોતે સનાતની હિંદુઓની નારાજગી વેઠીને પણ એ કલંક દૂર કરવા મથતા રહ્યા. તેમના ગયા પછી કોંગ્રેસ માટે અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ દલિત વોટબેન્કને જાળવી રાખવા પૂરતો સીમિત બની રહ્યો.
- પરિવારભક્તિ કોંગ્રેસની મોટી મર્યાદા છે. રાષ્ટ્રવ્યાપી પક્ષમાં સેંકડો નેતાઓ અને યુવાનો હોય, તો પણ ભાવિ નેતા તરીકે માત્ર ને માત્ર રાહુલ ગાંધીનું જ નામ લેવાય, એ લોકશાહી માટે શરમજનક ગણાય. પરિવારવાદની પરંપરાનાં મૂળીયાં ભારતના રાજકારણમાં ઊંડાં ઉતારવામાં કોંગ્રેસનો મોટો ફાળો છે. બે મુદતથી વડાપ્રધાન એવા મનમોહન સિંઘનું ઉદાહરણ આપીને કોઇ આ આરોપનો વિરોધ કરી શકે, પણ મનમોહન સિંઘ પર અને સરકાર પર સોનિયા ગાંધીનો કેટલો પ્રભાવ છે, એ છાનું નથી.
- ભાજપના કોમવાદી એજેન્ડાનો અસરકારક વિરોધ પ્રજાકીય કે નેતાકીય, કોઇ પણ સ્તરે કરવામાં કોંગ્રેસ સાવ પાંગળી અને નમાલી પુરવાર થઇ છે. ભાજપને અત્યાર સુધી મળેલી પ્રચંડ સફળતામાં તેની આવડત કરતાં કોંગ્રેસની અણઆવડતનો હિસ્સો બહુ મોટો છે. આટલા ફટકા ખાધા પછી પણ રાજ ઠાકરે જેવા નેતાઓ પ્રત્યે સુંવાળપ રાખતાં કોંગ્રેસને ખચકાટ થતો નથી. સવા સો વર્ષની ઉજવણી ‘હોતી હૈ, ચલતી હૈ’ની લાગણી ફગાવીને, નવી શરૂઆતનું નિમિત્ત પણ બની શકે છે. સવાલ પરિવારભક્તિના ડાબલા ઉતારીને રાષ્ટ્રહિતમાં પોતીકી દૃષ્ટિથી વિચાર કરવાનો છે.
Labels:
Gandhi/ગાંધી,
Nehru,
politics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment