Saturday, January 16, 2010

સરકારી કર્મચારીઓ અને કર્મબંધન

૨૦૧૦ના વર્ષમાં સાત-આઠ જાહેર રજાઓ રવિવારે આવે છે, એવા જાહેર-ખાનગી સમાચાર એસ.એમ.એસ. ચેનલ પર ફરી રહ્યા છે. આ સમાચારના મૂળ લેખકે આખી વાતને કર્મબંધન સાથે જોડીને ‘બધાં પાપની સજા અહીં જ ભોગવવાની છે’ એવું જાહેર કર્યું છે.

મોટા ભાગના સરકારી કર્મચારીઓને બિચારાને કર્મબંધન સાથે કશી લેવાદેવા હોતી નથી. ઓફિસ સાથેનો તેમનો સંબંધ વેતનબંધન પૂરતો સીમિત હોય છે. તેની પાછળનો આશય એટલો જ કે માયાનો ઝાઝો વિસ્તાર કરવો નહીં. માયા દુઃખનું કારણ છે ને કામ એ માયાનું કારક છે. આવી ઉચ્ચ આઘ્યાત્મિક મનોદશા ઓફિસમાં તો સરકારી કર્મચારીઓ જાળવી રાખે છે, પણ ઘરે એ હંમેશાં શક્ય બનતું નથી. એટલે જ તેમની સાત-આઠ જાહેર રજાઓ રવિવારના કારણે કપાઇ જવાના સમાચાર અરેરાટી ઉપજાવનારા છે.

એસ.એમ.એસ. લખનાર વ્યક્તિ થોડી વઘુ સંવેદનશીલ હોત તો તેણે ‘લુગડાં ઉતારીને વાંચવું’ એવી અશુભ શૈલીમાં જ શરૂઆત કરી હોત. જરા વિચારો. જાહેર રજાના દિવસે રવિવાર હોવાને કારણે સરકારી કર્મચારીઓ ઘરે હશે ને ઘરે હોવાને કારણે તેમને ફરજિયાતપણે કેટલાંક કામ કરવાં પડશે. ચાલુ દિવસે જે લોકો કામ ન કરતા હોય તેમને રજાના દિવસે પણ કામ કરવું પડે એ સ્થિતિ શરમજનક નથી? ખરેખર તો ગુજરાત સરકારે ખાસ વટહુકમ બહાર પાડીને પ્રજાસત્તાક દિનને ૨૬મીને બદલે ૨૫ કે ૨૭ જાન્યુઆરી ખસેડવો જોઇએ, સ્વાતંત્ર્ય દિવસને ૧૫ની ને બદલે ૧૪ કે ૧૬મી ઓગસ્ટે ઉજવવાની જાહેરાત કરવી જોઇએ, જેથી કર્મચારીઓને થતો અન્યાય નિવારી શકાય.

સરકારી કર્મચારીઓની સ્થિતિને ચર્ચિલની (કે બર્નાડ શોની) શૈલીમાં વર્ણવવી હોય તો કહી શકાય કે ‘કેટલાક કર્મચારીઓ પાસેથી બાકીના બધા કર્મચારીઓનું કામ કરાવી શકાય છે, બાકીના બધા કર્મચારીઓ પાસેથી કેટલાક કર્મચારીઓ જેટલું (ઓછું) કામ કરાવી શકાય છે, પણ બધા સરકારી કર્મચારીઓ પાસેથી કદી તેમના પોતપોતાના ભાગનું કામ કરાવી શકાતું નથી.’

નાના બાળક સમક્ષ મીણબત્તી સળગતી હોય, તો પણ તેને તેને ભય એટલે શું એ ખબર હોતી નથી. એ મીણબત્તીની જ્યોતને પકડવા પ્રયાસ કરે છે. એવી જ રીતે, મોટા ભાગના સરકારી કર્મચારીઓને કામના ઢગલા સામે ટેબલ પર પડ્યા હોય તો પણ, કામ એટલે શું એની ખબર પડતી નથી. એ હંમેશાં જમ્યા પહેલાંની કે જમ્યા પછીની, ચા પહેલાંની કે ચા પછીની, પહેલી કે છેલ્લી કે વચલી ચાની વેતરણમાં હોય છે. તેમની પાસેથી કામ કરાવવું એ એક સ્વતંત્ર કામ છે.

બધી બાબતોમાં સહાયક નીમતી ગુજરાત સરકારે હજુ સુધી સચિવાલય સહાયક જેવા હોદ્દા કેમ ઉભા કર્યા નહીં હોય? આવા સહાયકોનું કામ સચિવાલયના માણસોને તેમનું કામ યાદ કરાવતા રહેવાનું હોઇ શકે. એ લોકોને ટેબલની સામેની ખુરશી પર બેસવાની જગ્યા ફાળવી શકાય, જેથી ટેબલ સામે સતત કોઇ બેઠું હોય એવું લાગે. સામે બેઠેલા માણસને જોઇને સરકારી કર્મચારીઓને કામ કરવાની તો નહીં, પણ વિવિધ રીતે કામ ન કરવાની પ્રેરણા જાગે છે. તત્ત્વાર્થમાં જોઇએ તો, કેવી કેવી રીતે કામ થઇ શકે તેમ નથી તે શોધવું એ પણ એક કામ છે. બલ્કે, વધારે અઘરૂં, કઠણ અને સર્જકતાપૂર્ણ કામ છે. કવિતાની જેમ કે નવલકથાની જેમ કામ નહીં કરવાની બાબતમાં પણ દરેક કર્મચારીની પોતાની આગવી મુદ્રા હોય છે, જે સરકારી કચેરીઓમાં ઉઠકબેઠક ધરાવતા લોકો સજ્જ વિવેચકોની જેમ પારખી લે છે. જેમ કે, સરકારી કચેરીમાં કોઇ કામ ન થયું અને લીલા તોરણે ઘરે જતી વખતે જાણકાર માણસ ભેટી જાય તો?
જાણકાર માણસઃ શું થયું? તમારી તબિયત ઠીક નથી? ચહેરો કેમ ઉતરેલો લાગે છે?
અરજદારઃ આજે ફરી એક વાર ધક્કો થયો. કહે છે કે ફોર્મમાં હજુ વિગત ખૂટે છે.
જા.મ.: તો તો ખત્રીભાઇ બેઠા હશે. એમને આવા બધા બહુ વાંધા પડે છે. એક ફોર્મમાં એમણે મારી પાસે સાડા ચૌદ વખત વિગત સુધરાવી હતી. ચૌદ વાર વિગત સુધાર્યા પછી પંદરમી વાર હું લઇને ગયો, ત્યારે તેમણે વઘુ એક વાર મોં બગાડ્યું, પણ ફોર્મ મને પાછું આપવાને બદલે ત્યાંને ત્યાં જ મને સુધારો કરવા કહ્યું. એટલે એને હું સાડા ચૌદમો સુધારો કહું છું.
અરજદારઃ મરી ગયા! મારે તો હજુ સાત જ ધક્કા થયા છે.
જા.મ.: ચિંતા ન કરશો. હવે તો ઇ-ગવર્નન્સની સુવિધા થઇ ગઇ છે.
અરજદારઃ એટલે? કોમ્પ્યુટર પર બઘું ફટાફટ મળી જાય એવું?
જા.મ.: ના, ઇ-ગવર્નન્સ એટલે ફોર્મની વિગતના નહીં, પણ કમ્પ્યુટરની મશીનરીને લગતા વાંધા પાડવાની સુવિધા. એક કેસમાં મારે દસેક ધક્કા થયા હતા. કારણ કે ઓફિસમાં ઇ-ગવર્નન્સ હતું. તમે જ વિચાર કરો. ક્યાં ચૌદ ધક્કા અને ક્યાં દસ ધક્કા. ચાર ધક્કાનો ફરક! આ જ વાતને હું એ રીતે કહું કે ‘ઇ-ગવર્નન્સ થયા પછી કામગીરીની ઝડપમાં ૩૦ ટકાનો વધારો થયો છે’ તો તમે ખુશ થાવ કે નહીં?
અરજદારઃ (મૂંઝાઇને ડોકું ઘુણાવે છે, જેનો અર્થ સામેવાળો પોતાની ઇચ્છા પ્રમાણે કાઢી શકે.)
જા.મ.: પહેલી વાર હું ગયો ત્યારે કમ્પ્યુટર નવું હતું ને ક્લાર્કને કોર્સ કરવાનો બાકી હતો. બીજી વાર ગયો ત્યારે ક્લાર્ક કમ્પ્યુટર શીખી ગયા હતા, પણ હજુ તેમને પાકો વિશ્વાસ બેઠો ન હતો. ત્રીજી વાર તેમને કમ્પ્યુટર વાપરતાં આવડી ગયું, પણ તેમની આંગળી પાકી હતી અને તે એક જ આંગળીથી ટાઇપ કરતા હતા. એટલે ધક્કો પડ્યો. ચોથી વાર હું ગયો ત્યારે કમ્પ્યુટરના મોનિટર અને સીપીયુને જોડતા વાયરનું કનેક્શન લૂઝ હતું. એટલે મોનિટર વારે ઘડીએ ચાલુ થઇને બંધ પડી જતું હતું. પાંચમી વખત બઘું બરાબર હતું, ત્યારે ઓફિસની લેન સીસ્ટમમાં પ્રોબ્લેમ થવાને લીધે ડેટા ઉપલબ્ધ ન હતો. સાતમી વાર ઘરેથી કમ્પ્યુટરના ઇ-શ્વરને પ્રાર્થના કરીને નીકળ્યો હતો, પણ મને ખબર નહીં કે દેવો વચ્ચેનું કો-ઓર્ડિનેશન પણ સચિવાલય જેવું જ હોય છે. મેં કમ્પ્યુટરના દેવને પ્રાર્થના કરી, એટલે લાઇટવાળા દેવ નારાજ થઇ ગયા. હું ઓફિસે પહોંચ્યો ત્યારે ક્લાર્કનો ખુશખુશાલ ચહેરો જોઇને મને થયું કે આજે તો મારૂં કામ પૂરૂં થઇ જ જશે. પણ નજીક પહોંચ્યો ત્યારે ક્લાર્કના ચહેરા પર દેખાતી ખુશાલીનું રહસ્ય જાણવા મળ્યું. પોતાના ઘરે સંતાનજન્મ થયો હોય એટલા હરખથી તેમણે કહ્યું,‘આજે મેં નક્કી કર્યું હતું કે તમારૂ પતાવી આપવું. પણ કુદરતનું કરવું ને આજે લાઇટ જ નથી. બોલો, શું કરીએ? તમારૂં નસીબ જ...’
***
નવા વર્ષમાં કપાઇ ગયેલી સાત-આઠ જાહેર રજાઓની કદી ન પુરાય એવી ખોટ સહન કરવાની સરકારી કર્મચારીઓને તાકાત મળે એવી જ પરમકૃપાળુને પ્રાર્થના.

1 comment:

  1. sarkari karmachario ni vyatha apna jeva a-sarkari karmachario kyathi samji sakvana..!!!

    Good observations..

    ReplyDelete