Friday, February 27, 2009

કાંકરિયા મુક્તિ અભિયાનઃ તળાવને લાગી છે તરસ

‘તરસ લાગી છે, તરસ’ એવા જુદી જુદી દિશામાંથી આવતા અવાજો સાથે શેરીનાટકનો- ખરેખર તો સડકનાટકનો- પ્રારંભ થયો. સમય સાંજના સવા પાંચ-સાડા પાંચની આસપાસ. સ્થળઃ ‘મ્યુનિસિપલ કોઠા’ તરીકે ઓળખાતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સામેનો રસ્તો.

‘તરસ લાગી છે તરસ’ નાટકના લેખક અને મુક્તિ અભિયાન સાથે સંકળાયેલા સૌમ્ય જોશીએ ઢોલના ઘા સાથે કલાકારોને ઇશારો કર્યો, એટલે મુખ્ય રસ્તાની કોરે સો-સવા સો માણસોના કુંડાળાની વચ્ચે સાતેક છોકરા-છોકરીઓએ બાર-તેર મિનીટનું નાટક ભજવ્યું. નાટકનો કેન્દ્રિય વિષયઃ લોકોને રાત્રે ભેદી અવાજો સંભળાય છે. ‘તરસ લાગી છે તરસ...’. અવાજ ક્યાંથી આવે છે, તે ખબર પડતી નથી. લોકોને નહીં. કમિશનરને નહીં. કમિશનરના સાહેબને નહીં. જે આ અવાજને પકડી લાવે તેને રૂ.પાંચ હજારનું ઇનામ, એક પાત્ર કહે છે તેમ ટીડીએસ કાપીને (!), આપવાની જાહેરાત કરવામાં આવે છે.

છેવટે એક પાત્ર અવાજની ભાળ મેળવીને બન્ને સાહેબોને તેના ઠેકાણે લઇ જાય છે. અવાજ કાંકરિયા તળાવમાંથી આવે છે અને કાંકરિયા તળાવ પોતે સાહેબોને કહે છે કે ‘મારી પાસે એક ટોકરી હતી. એ તમે છીનવી લીધી છે. ટોકરીમાં સોનીની ચાલીમાં રહેતાં નવાં પરણેલાં યુગલો માટે ખુલ્લી હવા હતી. બાળકો માટે ફુગ્ગા હતા. ગરીબ લોકો માટે ખુલ્લી જમીન અને ખુલ્લા આકાશનો ટુકડો હતો. તળાવને ટિકીટબારી લગાડી દીધા પછી આ બધા લોકો આવતાં બંધ થઇ ગયાં છે. મને આ બધા લોકોને મળવાની તરસ લાગી છે. તરસ લાગી છે...તરસ.’

નાટક પહેલાં અને પછી મુક્તિ અભિયાનના સભ્યો- જિજ્ઞેશ મેવાણી, કબીર ઠાકોર, આનંદ યાજ્ઞિક, સૌમ્ય જોશી- ઉપરાંત સંજય ભાવે જેવા બીજા થોડા મિત્રોએ સૂત્રોચ્ચાર-હાય,હાય- નારાબાજી કર્યાં. તેમના બુલંદ અવાજોમાં અવાજ ભેળવીને, ઉંચા થયેલા હાથ સાથે હાથ ઉંચો કરીને અને જગ્યા પર વહેંચાયેલાં પીપુડાંમાંથી એક પીપુડું વગાડીને મેં પણ વિરોધનો સૂર પુરાવ્યો.

આજે પહેલી વાર આ નાટક ભજવાયું. હવે ત્રણ જુદી જુદી ટીમો મણિનગર અને આસપાસના વિસ્તારોમાં ૨૫ એપ્રિલ સુધીમાં તેના ૧૦૦ જેટલા શો કરે એવી ગણતરી છે. ૨૫ એપ્રિલે ‘તોડો, તોડો, તાળાં તોડો/ કાંકરિયાનાં તાળાં તોડો’ એવા સૂત્રોચ્ચારના અમલનો કાર્યક્રમ ઘડાયો છે. દરમિયાન, આ રવિવારે બપોરે ત્રણ વાગ્યે ગુજરાત કોલેજથી માદલપુર ગરનાળા-એલિસબ્રિજ-ભદ્ર કિલ્લો- ત્રણ દરવાજા-રાયપુર ચકલા-પારસી અગિયારી-વેદ મંદિર- મજૂર ગામ-ગીતામંદિર રોડ-સ્વામિનારાયણ કોલેજ-શાહઆલમ દરવાજા થઇને કાંકરિયા તળાવના પુષ્પકુંજ દરવાજા સુધીની સાયકલ રેલી પણ યોજવામાં આવી છે.

તળાવને તાળાંના નિર્ણયને તઘલકી કહેવામાં બિચારા તઘલકનું અપમાન થાય છે. એટલે તેને કેવો નિર્ણય કહેવો એ તમારા સૌ પર છોડું છું.

5 comments:

  1. Anonymous12:20:00 PM

    વાહ્....

    ખૂબ ખૂબ અભિનંદન અને આભાર

    કાંકરિયા તળાવને જે સમજાયું તે રાજકારણીઓને ક્યારે ઉકેલાશે ?

    આખરે તો પ્રજાનાં પૈસે પ્રજા ઉપયોગી કાર્ય કર્યું જ છે તો તેને કરી જાણવું જોઈએ અને પ્રવેશ ફી ના જ હોવી જોઈએ.

    હ્જુ તો ખબર છે તમને કે ગેટ નં.૧ ની પ્રવેશ ટિકિટ ગેટનં.૨ પર બીજી જ મિનિટે નથી ચાલતી કારણ તારીખ મારેલી જ ન હતી.

    ReplyDelete
  2. Anonymous12:52:00 PM

    કાંકરીયા ખુલ્લુ મૂકાયું તેની તરત પહેલાં કાંકરીયા, બલકે કાંકરીયાનું પાણી અને તેના ઝાડવા, જોવા માટેની ફી નક્કી થઇ રહી હતી; જેનો ઘણો વિરોધ થયો હતો. કોણ જાણે કેટલાય સમયથી કોઇ પણ પ્રકારના વિરોધો ચાલતા જ નથી !!! શું સત્ય એ જ છે કે, વિરોધો ઓગળી જવા જોઇએ - કારણ કે, સમયના વહેણમાં ફી રાખવી; તે જ સત્ય છે!!

    એમ તો સમયની થપાટમાં રાજા રામ પણ ગાદીના બદલે વનમાં ગયા હતા. શ્રી રામે એ સત્યને સ્વીકારી જ લીધુ હતુ.(આપણે કદાચ ના સ્વીકારી શકીએ) તે સ્વીકારવા માટેની ભગવાન રામે કરેલી દલીલો અત્રે અપ્રસ્તુત છે. પરંતુ, કાંકરીયાના સંદર્ભમાં જોઇએ તો, આજનો યુગ લાગણીશીલતા કે ભાવુક્તાના બદલે પ્રોફેશનલ થતો જાય છે. શીંગ-ચણા-વેફર વગરેને પણ લીસા-રંગ બે રંગી સરસ પેકીંગમાં વેચવામાં આવે છે, મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા, અલબત્ત વેપાર અર્થે જ. એ જ રીતે બદલાતા સમયના વહેણમાં એમ લાગે છે કે કાંકરીયાના સૌંદર્યને પણ હવે વેચવાનું છે. વધારે સરસ પેકીંગ કરીને, છુક છુક ગાડીમાં બેસીને જોવા માટે કાંકરીયાને સજ્જ કરવામાં આવ્‍યું છે. આમ જુઓ તો, સમાજનો મોટો વર્ગ કંટાળીને હિન્દી ફિલ્મો જુએ છે. અને ફિલ્મ બનાવનારા મનોરંજન વેચે જ છે ને? જરા વિચારજો કોને કલાની પડી છે?

    ભારતીય પરંપરાની યુગો જૂની અને આજે પણ માન્‍યતા પ્રાપ્‍ત દવાની આયુર્વેદીક પધ્‍ધતિ અને શિક્ષણની પધ્‍ધતિની વાત કરીએ તો, આ બે ક્ષેત્રોના તે વખતના ગુરુઓ પ્રોફેશનલ ન હતા. તે સમયનો સમાજ તેઓને માન અને આદર આપતો. જ્યારે બદલાયેલા સમયની સાથે સાથે, મેડીકલ અને શિક્ષણ ક્ષેત્રો જે કેટલા ખૂબ (અતિ અતિ...) મોંઘા થયા છે. કૃષ્‍ણા હાર્ટ સેન્ટર, સાલ, એપોલો વગેરે હોસ્પીટલોની વાત થઇ શકે તેમ નથી. કાંકરીયાની નજીકમાં આવી હોસ્પીટલો આકાર લઇ ચૂકી છે - સિધ્ધિવિનાયક. આ ક્ષેત્રોના (ગુરુઓ નહીં કહી શકાય) માધાંતાઓને આદર પ્રેમ માનની સાથે નિસ્બત નથી. રૂપિ‍યા અને તે ય રોકડ સાથે નિસ્બત છે.

    તેમ કાંકરીયાની મઝાને વેચવાની છે; એવું નક્કી થઇ ગયું છે. અને વેચાવા પણ માંડ્યું છે. તે વેચાણનું ઉદ્ઘાટન જોરદાર થયેલું તે યાદ છે ને? ભવ્યાતિભવ્ય વેચાણની જાહેરાત. હવે તેના પૈસા તો લેવા પડે ને?

    આમ છતાંય લોક કલ્યાણનો ખ્યાલ આગળ વધી જાય અને હજુ ય થઇ રહેલા પ્રયત્નોનું અપેક્ષિ‍ત પરીણામ આવી જાય તો, આવકારદાયક ગણવું રહ્યુ. કાંકરીયાને જે તરસ લાગી છેઃ ટોકરીમાં સોનીની ચાલીમાં રહેતાં નવાં પરણેલાં યુગલો માટે ખુલ્લી હવા હતી. બાળકો માટે ફુગ્ગા હતા. ગરીબ લોકો માટે ખુલ્લી જમીન અને ખુલ્લા આકાશનો ટુકડો હતો. તળાવને ટિકીટબારી લગાડી દીધા પછી આ બધા લોકો આવતાં બંધ થઇ ગયાં છે. કાંકરીયાને આ બધા લોકોને મળવાની તરસ લાગી છે. તરસ લાગી છે...તરસ.’ ની વાતની સાથે સાથે આપઘાત કરનારાઓએ પણ હવે તો, પહેલાં ટિકિટ લેવી પડશે, કાંકરીયા પ્રવેશની. નવા પરણેલા યુગલોને તો આ પ્રવેશ ટિકિટથી વધારે સારૂ ના થયું ? કારણ કે, જેને પોતાને તરસ હોય - કાકરીયા દર્શનની જ સ્‍તો - તે આપમેળે આવી મળશે કાંકરીયાને, હોંશે હોંશે ટિકિટ લઇને !!

    હવે કાંકરીયાનું સૌંદર્ય, એ મસ્‍તી, એ હવા, એ મઝા વેચવાની છે!!! બચપણમાં કાંકરીયાની નજીક જ રહ્યો હોઇ, ગમે ત્યાં આવતા જતા કાંકરીયા જ મારો માર્ગ હતો. કાંકરીયા જ એક ઠેકાણું રહેતુ, મિત્રો સાથે ચક્કર લગાવવા માટે. કાંકરીયાને સલામ... તેને તરસ લગાડવાનો અધિકાર નથી રહ્યો હવે. જેઓને કાંકરીયાની તરસ છે તે જ જશે કાંકરીયા પાસે. આમ છતાં આપણે આશા રાખીએ એપ્રીલમાં થનારા કાર્યક્રમોની કોઇક અસર થાય. વિરોધ જીતી જાય. અને કાંકરીયાની પોતાની તરસ તૃપ્‍ત થાય. નહીં કે બીજા તરસ્યા લોકોની. આશા અમર છે.

    ReplyDelete
  3. મારા મત પ્રમાને "કાંકરિયા મુક્તિ અભિયાન" ઍ નવરા લોકો નુ કામ છે. ન્યૂયોર્ક ના મેનહટનમા ઍનટર થવુ હોય તો $૧૦ આપવા પ ડે છે. આપણા લોકો વાદરા ને પણ સારા કહેવાડે તેવા હોય છે ત્યારે ફી રાખવી જ પડે.

    Lakshya

    New Jersey,

    ReplyDelete
  4. New York na Manhattan ma enterance fee $10 hoy etle bije pan evu j hovu joiye te jaruri nathi. There is no economical comparison between people of New York city and visitors of Kankariya. je loko koik saru kaam kari rahya chhe temne protsahit na karva hoy to kai nahi pan "navra" kahine vakhodi kaadhvani jarur nathi.

    ReplyDelete
  5. Anonymous4:29:00 PM

    The right of people to be connected with Kankaria is lost for ever, even if this people's forum succeeds in breaking the locks n opening the gates of Kankaria! What are we gonna do about the walls all around the lake? It's the ugliest and most condemnable act of authorities, to snatch away the naturat lake view of passers-by. It's like the Govt has constructed a wall right in the middle of my home!

    Kankaria farte diwal aaj na Middle-class ni samvedanhin mansiktanu varvu pratik chhe. Sauni sathe hali-mali ne rehvu ke vahechi ne khavu - jevi sidhi sadi manviya lagni pan aa paisabhookho ane sattadhoot saheri gumavi chukyo chhe. Etle j swarthi rite e badhi j mulyavan sahiyari sampatio paisa na jore kharidine, sasta ma padavine ke milibhagat dwara chhinvine cho-taraf potana vada bandhi rahyo chhe. Kankaria farte no vado eva j money-mast middleclassiyao mate Modi sarkar ni gift chhe.

    Darwaja kholavava e to adadhi jeet ganashe, diwal todavava shun biji ladat karishu?
    - Kiran Trivedi

    ReplyDelete