Tuesday, October 27, 2015

સરદાર, ચીન અને વક્રતાનો સિલસિલો

 ‘ચીનની સરકારે શાંતિમય ઇરાદાઓની જાહેરાતોથી આપણને છેતરવાનો પ્રયત્ન કર્યો છે...આપણે આપણી જાતને ભલે ચીનના મિત્ર માનતા હોઇએ, ચીનાઓ આપણને એમના મિત્ર માનતા નથી. એમની સાથે નથી તે એમની સામે છેએવી સામ્યવાદી મનોવૃત્તિ હોવાથી આ એક અર્થસૂચક ચિહ્ન છે અને આપણે એની યોગ્ય નોંધ લેવી જોઇએ.આ વાક્યો સરદાર પટેલે ૭ નવેમ્બર, ૧૯૫૦ના રોજ, અવસાનનાં માંડ પાંચ અઠવાડિયાં પહેલાં, વડાપ્રધાન નેહરુને એક પત્રમાં લખ્યાં હતાં.

તિબેટના મુદ્દે ચીને ભારતના એલચીને અંધારામાં રાખીને, તેમને શાંતિપૂર્ણ કાર્યવાહીનું આશ્વાસન આપીનેતિબેટ પર સૈન્ય મોકલ્યું. એ કાર્યવાહીને સરદારે વિશ્વાસઘાતગણાવી અને ચીને ભારતને આપેલા ઉદ્ધત-ઉડાઉ જવાબ વિશે લખ્યું, ‘એમ દેખાય છે કે જાણે આ ભાષામાં કોઇ મિત્ર નહીં, પણ ભાવિ દુશ્મન બોલી રહ્યો છે.

ચીન વિશે સરદારની ચિંતા બેધારી હતી : સરહદી અને આંતરિક. ભારત અને ચીન વચ્ચેથી તિબેટનું બફરનાબૂદ થઇ ગયા પછી, ભારતના સામ્યવાદીઓ માટે ચીન પાસેથી શસ્ત્રોની અને બીજી સહાય મેળવવાનું સહેલું બની જાય. એને સરદારે ગંભીર આંતરિક સમસ્યાગણાવી, જ્યારે સરહદી વિસ્તારોમાં ચીનની ઘૂસણખોરી  કે આક્રમણ ચિંતાજનક બાહ્ય શક્યતા હતી. આટલું થયા પછી પણ શાંતિદૂતની ભૂમિકામાં રજૂ થવા આતુર પંડિત નેહરુ યુનોમાં ચીનના સભ્યપદના દાવાને ટેકો આપવાના મતના હતા. તેની સામે ચેતવણી આપવાની સાથોસાથ સરદારે પત્રમાં ચીની ખતરા અંગે અગિયાર મુદ્દા મૂક્યા હતા. તેમાં પહેલો મુદ્દો હતો : ભારતની સરહદ પર અને આપણી આંતરિક સલામતી પર ચીનના જોખમ અંગે એક લશ્કરી અને જાસૂસી મૂલ્યાંકન.નેહરુએ શાંતિપ્રિય દેખાવા માટે સૈન્યસજ્જતાને તડકે મૂકી દીધી, ત્યારે સરદારે ૧૯૫૦માં ચીનના સંદર્ભે લખ્યું હતું,‘આપણે શસ્ત્રો, દારૂગોળો અને બખ્તરિયાં વાહનોનો આપણો પુરવઠો પાકો નહીં કરીએ, તો આપણી સંરક્ષણ સ્થિતિ કાયમ માટે નબળી બનાવી દઇશું...

ચીનની દાનત વિશે સરદારે વ્યક્ત કરેલી બધી આશંકાઓ તેમના મૃત્યુ પછી કરુણ રીતે સાચી પડી. ચીને તિબેટ હડપ કર્યા પછી પણ શાંતિનો દંભ ચાલુ રાખ્યો, પંચશીલના સિદ્ધાંતો પર સહી કરી અને પંડિત નેહરુને સુખદ ભ્રમમાં રાખ્યા. બન્ને દેશો વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો સ્થપાયા. પરંતુ ચીની દૈત્ય એમ જંપે? તેણે લદ્દાખ અને સિક્કિમના પ્રદેશો પર પોતાનો દાવો કર્યો. ૧૯૬૨માં થયેલા પૂરા કદના યુદ્ધ પછી ચીને જમ્મુ-કાશ્મીરમાં ગણાતો અક્સાઇ ચીનનો આશરે ૩૮ હજાર ચોરસ કિલોમીટરનો પ્રદેશ ભારત પાસેથી પડાવી લીધો, જે હજુ ચીનના કબજામાં છે અને ભારત કશું કરી શક્યું નથી. પાકિસ્તાને ભારત પાસેથી આંચકી લીધેલા કાશ્મીરમાંથી ૫,૧૮૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ચીનને ભેટ ધર્યો. તેની સામે પણ ભારતનો વિરોધ છે. દરમિયાન, અરુણાચલ પ્રદેશને (ચીનના તાબામાં રહેલા) તિબેટથી અલગ પાડતી મેકમોહન રેખા ચીનને સ્વીકાર્ય નથી. અરુણાચલ પ્રદેશ પર ચીનનો ડોળો મંડાયેલો છે અને ચીનનાં તેવર વધુ ને વધુ આક્રમક બની રહ્યાં છે. લશ્કરી તાકાતની અને દાંડાઇની બાબતમાં ચીન કોઇને ગાંઠે એમ નથી, તો સસ્તા ભાવે તકલાદી માલ ઠાલવીને વ્યાપારી સંબંધોના નામે ભારત જેવા દેશોના અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં ચીન પાવરઘું છે.

ચીનના પ્રતિકાર માટે લાંબા ગાળાની, ઠરેલ અને મક્કમ નીતિની આવશ્યકતા છે. કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારો તેમાં નિષ્ફળ નીવડી હતી, તો વિપક્ષમાં રહીને  રાષ્ટ્રવાદની મર્દાના વાતો કરતા ભાજપ અને તેની આગેવાની હેઠળની સરકારના વડાપ્રધાને ચીનના મુદ્દે શું કર્યું છે? દોઢ વર્ષના સમયમાં તેમના અગાઉના હાકોટાને અનુરૂપ એકેય કદમ ભરાયું હોય એવું લાગ્યું નથી. ઉપરથી તેમણે ચીની વડાને સાબરમતીના રીવરફ્રન્ટ પર સંખેડાના હિંચકે ઝુલાવ્યા અને ચીનવિજય કર્યો હોય એવા ઉત્સાહથી ચીનયાત્રાના સચિત્ર ટ્‌વીટ કર્યા. હવે સમાચાર આવ્યા છે કે વિશ્વમાં સૌથી ઊંચા પૂતળા તરીકેનો રેકોર્ડ સર્જવા માટે તૈયાર થનાર સરદારના પૂતળાનો (સ્ટેચ્યુ ઓફ યુનિટીનો) મહત્ત્વનો હિસ્સો ચીનમાં બનવાનો છે. પૂતળું બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ તો ભારતીય કંપનીને મળ્યો હતો, પણ એ કંપનીએ પૂતળાનું સ્ટીલનું માળખું અને તેની ઉપરના કાંસાના આવરણ (બ્રોન્ઝ ક્લેડિંગ)નો પેટાકોન્ટ્રાક્ટ ચીનની કંપનીને આપ્યો છે. આ ઉપરાંત, પૂતળા માટે કોન્ક્રીટનો પાયો બનાવવામાં મદદ કરવા માટે ચીનથી કારીગરો ગુજરાત આવવાના છે.

આખી વાતમાં ગુજરાત સરકારે એમ કહીને હાથ ઊંચા કરી દીધા છે કે એમણે તો ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ક્યાં કામ કરાવવું એ હવે કંપની જાણે. પરિણામે બનશે એવું કે ભારતનો ૩૮ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડનાર ચીનમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદારના પૂતળાનું મુખ્ય માળખું બનશે. ભારતની યુનિટી પર ભૂતકાળમાં તરાપ મારી ચૂકેલા અને ભવિષ્યમાં ખતરા તરીકે ઝળુંબતા ચીનમાં ભારતનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લેશે અને તેના વિશે ભારતીયોએ તેનું ગૌરવ લેવાનું રહેશે. આ સ્થિતિના સર્જનમાં સરકારનો ભલે સીધો વાંક ન હોય, પણ આ સ્થિતિ નભાવી લેવામાં અને તેને કોન્ટ્રાક્ટરનો નિર્ણયગણીને હાથ ખંખેરી નાખવા બદલ સરકાર પૂરેપૂરી દોષી ન ગણાય? ધારો કે આ પેટાકોન્ટ્રાક્ટ ચીનને બદલે પાકિસ્તાનની કોઇ કંપનીને અપાયો હોત તો, ગુજરાત સરકારનું વલણ આવું જ હોત?

આ શરમજનક પરિસ્થિતિમાં રહેલી અને નરી આંખે જોઇ શકાય એવી વક્રતાઓની અછડતી યાદી :

૧) ભારતની એકતા-અખંડિતતાના શિલ્પીની વિશ્વવિક્રમી પ્રતિમાનું સર્જન ભારતની ભૌગોલિક એકતા ખંડિત કરનારા દેશમાં.

૨) અખંડિતતાના શિલ્પીનું પૂતળું ચીનથી જુદા જુદા ભાગોમાં ભારત આવશે. ભારતનું વિલીનીકરણ કરનાર સરદારના પૂતળાના વિવિધ ભાગોનું વિલીનીકરણકરવા માટે ચીનથી ખાસ કારીગરો ગુજરાત આવશે અને સરદારના પૂતળાને એકતા-અખંડિતતા પ્રદાન કરશે.

૩) આવા વખતે  કેન્દ્રમાં અને રાજ્યમાં, ભારતની એકતા-અખંડિતતા વિશે અને જમ્મુ-કાશ્મીર વિશે સૌથી વઘુ રાજકીય ઘોંઘાટ મચાવનાર ભાજપની સરકાર છે.

૪) વડાપ્રધાનની મેક ઇન ઇન્ડિયાઝુંબેશ હજુ ચાલુ છે, પણ તે વિશ્વભરમાં ભારતનો જયજયકાર કરવાના હેતુથી ઊભા થનારા પૂતળાને લાગુ પડતી નથી.

૫) અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવનાર અને પૂતળાંબાજીના વિરોધી સરદારના પૂતળા પાછળ ત્રણ હજાર કરોડ રૂપિયાનો ઘુમાડો.

૬) દેશભરના ખેડૂતો પાસેથી ખેતનાં ઓજારસ્વરૂપે લોખંડ મેળવવાના (અને એનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉપયોગ કરવાના) દાવા સાથે બધાં રાજ્યોમાં ખટારા રવાના કરવામાં આવ્યા હતા. પણ આ કિસ્સામાં વડાપ્રધાનની આબાદ ઇવેન્ટ મેનેજરી કામયાબ ન થઇ.

૭) દાવો વિશ્વનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવીને અમેરિકાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પૂતળાને ઢાંકી દેવાનો છે, પણ લધુતાગ્રંથિમાંથી જન્મેલી નકલવૃત્તિને લીધે તેનું નામ પાડ્યું છે : સ્ટેચ્યુ ઓફ યુનિટી’/statue of unity--જે બોલતી વખતે સતત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી/statue of liberty યાદ આવતું રહે.


આને મેડ ઇન ચાઇનારાષ્ટ્રવાદ કહેવાય

2 comments:

  1. માફ કરજો લેખકશ્રી પણ તમારી ભૂલ થાય છે.આ મોદીસરકાર ના "મેક ઇન ઇન્ડિયા" ની વ્યૂહરચના સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે, "મેક" ઇન ઇન્ડિયા અને "મેડ" ઇન ઇન્ડિયા માં આ જ તો ફરક છે.

    સ્વદેશી ને નામે ઘરે બનાવેલું બરછઠ ખાદી પહેરી અને ચીન ની મનછા બરાબર સમજનાર સરદાર પટેલ નું આથી મોટું અપમાન શું હોઈ શકે, પણ જે સમાજે અનાધિકૃત કોપીરાઇટ કલેઈમ કરી રાખ્યો છે સરદાર ના નામ પર, રૂ ૪૫,૦૦,૦૦૦ /- ખર્ચી ને ગેરકાયદે અમેરિકા મજુરી કરવા જતા લોકો ને આ સીધી સાદી વાતો ગળે ઉતરતી નથી.

    "દાવો વિશ્વનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવીને અમેરિકાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પૂતળાને ઢાંકી દેવાનો છે, પણ લધુતાગ્રંથિમાંથી જન્મેલી નકલવૃત્તિને લીધે તેનું નામ પાડ્યું છે :

    ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’/statue of unity--જે બોલતી વખતે સતત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી/statue of liberty યાદ આવતું રહે."

    ReplyDelete
  2. Anonymous9:22:00 PM

    सचोट अवलोकन

    ReplyDelete