Monday, October 19, 2015

સોક્રેટિસ, ‘દર્શક’ અને લોકશાહીની સમસ્યાઓ

ભારતની આઝાદીને પૂરા ત્રણ દાયકા પણ થયા ન હતા, ઇંદિરા ગાંધીએ હજુ કટોકટી લાદી ન હતી, ત્યારે ભારતમાં સદીઓની ગુલામી પછી સ્થપાયેલી લોકશાહીનો રંગ ઉખડવાની શરૂઆત થઇ ચૂકી હતી. જવાહરલાલ નેહરુના વડાપ્રધાનપદના લાંબા ગાળા દરમિયાન લોકશાહીનાં મૂળિયાં તો ઊંડાં ગયાં ને થોડાં ફળ મળ્યાં, પણ લોકશાહી પાસેથી રહેલી અપેક્ષા અને તેનો વાયદો ઘણાં વધારે હતાં. લોકશાહીનું વૃક્ષ ઘટાદાર બને એ પહેલાં, ઇંદિરા ગાંધીના જમાનાથી તેનાં મૂળિયાંમાં લૂણો લાગવાની શરૂઆત થઇ. કટોકટી તો ૧૯૭૫માં આવી, પણ મનુભાઇ પંચોળી દર્શકેતેમની વિખ્યાત ઐતિહાસિક નવલકથા સોક્રેટિસના અનુકથનમાં ૧૯૭૪માં આ શબ્દો વાપર્યા હતા,‘છેલ્લાં પાંચ વર્ષમાં આપણા દેશની લોકશાહીની જે અવસ્થા મેં જોઇ, તેની ઠેકડી કે હરાજી થતી અનુભવી, તેના નિકટના અંતરંગ અનુભવમાંથી પસાર થવાનું મારે ન બન્યું હોત તો સોક્રેટિસલખવાનો ધક્કો વાગત કે કેમ તે શંકા છે.

કટોકટીનો કાળો સમય આવ્યો અને ગયો, પરંતુ લોકશાહી  વિશેના પ્રશ્નો રહ્યા અને વર્ષોવર્ષ વધારે ગંભીર બન્યા. ૧૯૮૧માં દર્શકે અમદાવાદની હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિટિકલ સાયન્સના ઉપક્રમે દાદાસાહેબ માવળંકર સ્મૃતિવ્યાખ્યાનમાં લોકશાહીના સંદર્ભે સોક્રેટિસની વાત કરી, ત્યારે પણ તેમણે લોકશાહીને બદલે ટોળાંશાહીની અને  લોકકેળવણીની અનિવાર્યતાની વાત મૂકી. પુસ્તિકા સ્વરૂપે સંઘરાયેલું દર્શકનું એ પ્રવચન ૧૯૮૧ જેટલું જ ૨૦૧૫માં પણ વિચારપ્રેરક છે. સોક્રેટિસને તેમણે પહેલો સત્યાગ્રહીતરીકે ઓળખાવ્યા છે. કારણ કે કાયદાથી થયેલા અન્યાયનો પ્રતિકાર તેમણે કાયદાનો ભંગ કરીને નહીં, પણ પોતાનો જીવ આપીને કર્યો. એ વખતે એથેન્સમાં સીધા પ્રતિનિધિત્વની લોકશાહી હતી. એટલે દર્શકે નોંધ્યું છે તેમ, સાતસો ન્યાયાધીશ હોય ને ત્રીસ હજાર લોકોની સામાન્ય સભા. તેમાંથી પાંચસોની કારોબારી.

ન્યાયાધીશ સહિત દરેક નિમણૂંક માટે કોઇ લાયકાતની જરૂર નહીં. ગુલામો અને સ્ત્રીઓને બાદ કરતાં કોઇ પણ વ્યક્તિ એ હોદ્દે આવી શકે. બહુમતી (ટોળું) કહે તે ન્યાય. છતાં, સોક્રેટિસની દૃઢ માન્યતા હતી કે અત્યાર લગી એથેન્સના બધા કાયદા સ્વીકાર્યા, મારી ઇચ્છાથી એથેન્સમાં રહ્યો, તો પછી એક વાર મારી સાથે અન્યાય થાય એથી કાયદો ન તોડાય. નૈતિકતાની દૃષ્ટિએ કાયદો ખોટો હોય તો આપભોગ આપીને એ કાયદાનો વિરોધ થઇ શકે. (સત્યાગ્રહ)  દર્શકે લખ્યું છે,‘લોકશાહીને ટોળાશાહીમાં, લાંચ-ભ્રષ્ટાચારથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તિત થતાં, જાતે દુઃખ વેઠીને તેને રોકવાનું બને છે.

સોક્રેટિસને કહેવામાં આવ્યું કે તમે લોકોને સવાલો નહીં પૂછવાની બાંહેધરી આપો તો તમને છોડી મૂકીએ. મૃત્યુદંડ માફ. કેટલી સહેલી શરત. પણ સોક્રેટિસને એ મંજૂર ન હતી. તેમણે કહ્યું, ‘તમે મને એક વાર મારો કે સો વાર, પણ હું બધાને પ્રશ્નો પૂછતો અટકવાનો નથી...હું બધાને કહીશ કે સમૃદ્ધિમાંથી શીલ આવતું નથી. શીલમાંથી જ બધી સમૃદ્ધિ આવે છે અને આત્મચિકિત્સા--જાતતપાસ વિનાનું જીવન નિરર્થક છે.દર્શકે લખ્યું છે કે આ બે વાક્યોમાં સમગ્ર નાગરિકશિક્ષણ આવી જાય છે...આ વાતને આજની લોકશાહીની પરિભાષામાં કહીએ તો શું કહેવાય?--કે, મતદારોને કેળવવાનો મૂળભૂત અધિકાર હું કોઇ પણ સંજોગોમાં જતો કરવા માગતો નથી...મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી ભયજનક છે...લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી--એ સેકંડરી (બીજા ક્રમે આવતી) ચીજો છે, કોન્સ્ટિટ્યુશન (બંધારણ) પણ એટલું જરૂરી નથી, તે પણ સેકંડરી ચીજ છે, પણ પહેલી જરૂર મતદારોની કેળવણીની છે.

સોક્રેટિસના સમયમાં લોકશાહીના હોદ્દેદારોને ભથ્થાં આપવાનો રિવાજ શરૂ કરવામાં આવ્યો. તેની સામે પણ સોક્રેટિસનો વિરોધ હતો. સીધા પ્રતિનિધિત્વના જોરે વિષયની લાયકાત વગરના માણસો હોદ્દેદાર-સત્તા ધરાવતા બની જતા હોય અને વારાફરતી દરેકને લાયકાત વિના સત્તા મળતી હોય ત્યારે શું થાય, તે કલ્પી શકાય છે. સોક્રેટિસે કહ્યું હતું તેમ, ‘તમે ૭૦૦ જણને બેસાડો એમાં ૬૫૦ તો ભથ્થું જ લેવા આવે.સોક્રેટિસે લોકશાહી અને ટોળાશાહી વચ્ચેનો સ્પષ્ટ ભેદ પાડ્યો છે. ટોળાશાહીના નામે લોકશાહીને ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે તે લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે, એવું પણ તે માને છે. સ્વસ્થ લોકશાહીનો મોટો મદાર મતદારો પર હોય છે. બિનકેળવાયેલા મતદારો લોકશાહીની ક્ષમતાનો પૂરો કસ કાઢી શકતા નથી અને તેને ટોળાશાહીમાં ફેરવાતી અટકાવી શકતા નથી. એટલે જ, સોક્રેટિસે લોકકેળવણીનું અને અણગમતા-અકળાવતા સવાલો પૂછવાનું ચાલુ રાખ્યું અને દર્શકના શબ્દોમાં સોક્રેટિસ મતદારોની કેળવણી માટે શહીદ થયો.

એ સમયે પણ બોલવાની છટા વાપરીને, શબ્દોના સાથિયા પુરીને, સગવડિયા દલીલોના અંબાર ખડકીને લોકોને ગેરરસ્તે દોરનારા લોકો હતા. સોફિસ્ટતરીકે ઓળખાતા એ લોકો વિશે સોક્રેટિસ માનતા કે બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફિસ્ટ.દર્શકે લખ્યું છે,‘તે વખતે આવા ઘણા સોફિસ્ટ નીકળી પડેલા. શું કામ? લોકોના મત મેળવવા માટે...એ માટે ચાતુરી જોઇએ, આકર્ષણ કરાવવું જોઇએ, દલીલો જોઇએ, છટા જોઇએ, લોકોને આંજી નાખવા માટેની કળા તો જોઇએ જ--સોફિસ્ટો પૈસા લઇને ઉચ્ચ વર્ગના યુવાનોને આ બઘું શીખવતા હતા.’  આ સોફિસ્ટોનું કામ કશો ખચકાટ રાખ્યા વિના નૈતિક મૂલ્યોમાં બિનધાસ્ત બાંધછોડ શી રીતે કરી શકાય, એ શીખવવાનું હતું. પોતાને અનુકૂળ હોય એ નીતિ પાળવાની અને તેને જ ઉત્તમ જાહેર કરી દેવાની.

સોફિસ્ટ પ્રવૃત્તિ વર્તમાન સમયમાં પણ ધૂમ ચાલે છે. જાહેર જીવનમાં, લખાણોમાં, કટારોમાં, અરે ખુદ દર્શકને અંજલિ આપવામાં, હમણાં પૂરી થયેલી તેમના ૧૦૧મા જન્મવર્ષની ઉજવણીમાં પણ સોફિસ્ટો પાછા પડતા નથી. કારણ કે અત્યારે દર્શકતેમને ટપારવા માટે હયાત નથી. દર્શકે લખ્યું હતું,‘હરેક લોકશાહીમાં સોફિસ્ટો હોય જ, કારણ કે લોકશાહીમાં અભિવ્યક્તિની મુક્તતા છે. સોફિસ્ટો હોય તેનો વાંધો ન હોય, પણ સોક્રેટિસ ન હોય તેની ચિંતા હોવી ઘટે.

લોકકેળવણી-મતદારકેળવણીની જરૂરિયાત સોક્રેટિસના સમયમાં અને મનુભાઇના સમયમાં હતી, એટલી જ કે એનાથી પણ ઘણી વધારે અત્યારે છે. કારણ કે ઇન્ફર્મેશન ટેકનોલોજીના આ યુગમાં માહિતીનાં ધસમસતાં પૂર ઉમટ્યાં છે. સોફિસ્ટો નવા સ્વરૂપે અવતરતા રહે છે, પણ સોક્રેટિસનું શું

3 comments:

  1. તમે ભાજપ હોય કે કોંગ્રેસ, સાચું લખવામાં જરાયે ભેદભાવ રાખતા નથી એ આપની પ્રેરણાત્મક બાબત છે.

    ઇન્દીરા ગાંધી દ્વારા સૈન્ય ને સોમનાથ અને દ્વારકા મંદિર માં મોકલી દલિતો ને પહેલી વાર મંદિર પ્રવેશ કરાવી કહેવાતા ભગવાન ના દર્શન કરાવવા જેવી ઘણી બાબતો ના કારણે ઘણી વાર હું જાહેરમાં નેહરુ અને એન્દીરાજી ની ટીકા કરવામાં ક્ષોભ અનુભવું છુ (અને ઘણી વાર ગદ્દારી પણ, હું દલિત છુ.). પણ નહેરુ પ્રથમ હતા જેમણે "Freedom of commercial enterprise" પર તરાપ મારી અને સરકારી ધંધા ઉભા કર્યા; જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, પશ્ચિમ માં પરમાણું બોમ્બ શુધ્ધા ખાનગી ધંધાદારીઓ બનાવે છે. ઇન્દીરાજી એ બંધારણ માં "secular and socialist" શબ્દો ઉમેરી બંધારણને અતિ સંકુચિત કરી નાખ્યું. સેક્યુલર શબ્દ નાખી ધર્મ ના નામે ધતિંગને બંધારણીય રક્ષણ આપ્યું. મારે રાજકીય પક્ષ સ્થાપવો હોય તો પહેલા ચૂંટણી પંચને allegiance to socialism ની લેખિત પ્રતિજ્ઞા આપવી પડે, મારે જુઠ્ઠાણું ચલાવી રાજનીતિ નું મુહુર્ત કરવાનું? બાબાસાહેબે બંધારણની રચના માં આપેલું યોગદાન સરકાર ને નિયંત્રિત કરવા માટે હતું નહિ કે લોકો ને નિયંત્રિત કરવા માટે( Constitution is to limit and control the government, not to let government control the people). બંધારણ રચના સમયે ભારતે સ્ત્રિયો અને નીચલી જાતિઓ ને પણ voting rights આપેલા, ભારતની લોકશાહી એ બધાજ લેવલ ની બુદ્ધિક્ષમતા ધરાવતા લોકો પર વિશ્વાસ કરેલો કે તેઓ પણ લોકશાહી માં સમાન મૂલ્ય ધરાવે છે. બ્રિટનના classicist લોકો જેને indigent જેવી ઉપાધી આપતા એવા સ્ત્રીઓ અને નીચલી class ના લોકો ને voting rights નહતા, Ditto in USA. સમકાલીન બીજી લોકશાહીઓ કરતા આપણી લોકશાહી ની રૂપરેખા ઘણી આગળપડતી હતી. કોણ જાણે એવી તે શું મજબુરી હશે કે સમાનતા માં માનનારા લાંબી બુદ્ધિ ધરાવતા નેહરુ ઇન્દીરાજી જેવા નેતાઓ socialism (quasi communism) જેવી ટૂંકી અને ઓછી બુદ્ધિવાળાને appeal કરે એવી વિચારધારા ને શા માટે પ્રોત્સાહન આપ્યું હશે? જો સેક્યુલર શબ્દ ના નાખ્યો હોત તો RSS BJP જેવા વડાપ્રધાન તો શું મુખ્યમંત્રી પણ ના થય શકત! ભારતનું બંધારણ કયાં વેચાતું મળે છે એની મને ખબર નથી પણ સરકારી subsidy વાળા કાગળ થી ચાલતા ગીતા પ્રેસ્સ ગોરખપુર ના ઘણા પુસ્તકો છે મારા પિતા પાસે. ધરમ-બરમ પછી પહેલા માનવ અને રાષ્ટ્રહિત. કુહાડી પર પગ નહિ, આખે અખો ભૂસકો જ મારેલો સાબિત થાય છે.
    માત્ર એ સમાજ જે સ્વતંત્રતા થકી ન્યાય નું મૂલ્ય ધરાવતો હોય, સમાન હરીફાયની તક આપે તે જ ગરીબી જેવી સમસ્યાઓ નો નિકાલ લાવી શકે. (મારે પરાણે torrent પાસે થીજ વીજળી ખરીદવાની? જો એક મોબાઈલ મા અલગ અલગ સીમ ભરાવાતા હોય તો એક મીટર મા બીજાને વીજળી વેચવાનો અધિકાર કેમ નહિ ? જર્મની મા આ સામાન્ય છે, line company અલગ અને વીજળી ઉત્પાદક અલગ અને retailer પાછો અલગ, હરીફાય થી ગ્રાહક ને લાભ જ છે.) ક્યાં પશ્ચિમ છેડો એવું ગુજરાત જે ધંધા મા માને અને ક્યાં પૂર્વ છેડો એવું બંગાળ જે દરેક ખાનગી સાહસ ને શત્રુ સમજે પછી ભલે ને સરકારી સાહસો સંપૂર્ણ રોજગારી ની બાંહેધરી ના આપે.
    રાજ્યો ને સત્તા નથી ને કેન્દ્ર મા socialist સિવાય જીતાય એમ નથી. કમ સે કર federal style સત્તા જો રાજ્યો ને મળે તો પણ ભયો ભયો.

    ReplyDelete
  2. માહિતીપ્રદ, અને લોકશાહી અને ટોળાશાહી વચ્ચે ભેદ સમજાવતો સુંદર લેખ.

    ReplyDelete