Tuesday, October 13, 2015

સન્માન પાછાં આપવા વિશેના વાંધાવિરોધ

ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરતાં પહેલાં, અંગ્રેજો તરફથી મળેલા ત્રણ ચંદ્રક પાછા મોકલી આપ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં લડાઇઓ દરમિયાન સારવારટુકડીમાં આપેલી સેવા બદલ તેમને આ ચંદ્રક મળ્યા હતા. ૨ ઓગસ્ટ, ૧૯૨૦ના રોજ,  સરકાર સામે વિરોધની અભિવ્યક્તિ તરીકે ગાંધીજીએ ચંદ્રકો પાછા મોકલાવ્યા, ત્યારે તેમને કોઇએ એવું પૂછ્‌યું હશે કે એપ્રિલ, ૧૯૧૯માં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે તમે ક્યાં ગયા હતા? એ વખતે રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઇટહુડનો ખિતાબ પાછો આપ્યો ત્યારે તમે કેમ તમારા ચંદ્રક પાછા ન આપ્યા? ને હવે કેમ ચંદ્રક પાછા આપવા નીકળ્યા છો? ધીક્કાર છે તમારા દંભને-તમારાં બેવડાં ધોરણને... ભારત...માતાકી..

ગાંધીજી બચી ગયા. બાકી, અત્યારની રીત જોતાં, પોપટીયા સવાલો દ્વારા ગાંધીજીની દેશભક્તિની અગ્નિપરીક્ષા લેવાઇ હોત અને તેમાં એમને નાપાસ જાહેર કરી દેવાયા હોત.

દાદરીમાં ગૌહત્યાના આરોપસર એક માણસની હત્યા, તે વિશે સત્તાધીશોનાં બેહૂદાં નિવેદનો, વડાપ્રધાનનું મૌન, કલબુર્ગી જેવા વિવેકબુદ્ધિવાદીઓની હત્યા અંગે સરકારનું ઉદાસીન વલણ, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું સરકારી સંસ્થાને છાજે એવું મૌન, અસહિષ્ણુતાના બનાવોની હારમાળા અને એ વિશે સરકારનો સાતત્યપૂર્વકનો ઉપેક્ષાભાવ --આવાં કારણોથી કેટલાંક લેખકો દુઃખી થયાં. તેમણે આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવા પોતાને મળેલાં સાહિત્ય અકાદમીનાં ઇનામ પાછાં આપવાનું પગલું લીઘું. શરૂઆત નયનતારા સહગલે કરી. બીજાં નામ પણ તેમાં ઉમેરાયાં. ગુજરાતના પ્રતિષ્ઠિત અભ્યાસી-લેખક-સેવક ગણેશ દેવીએ પોતાનો અકાદમી એવોર્ડ પાછો આપવાનો નિર્ણય જાહેર કર્યો.

આવી સ્થિતિમાં ચર્ચા અને ચિંતા શાની થવી જોઇએ? સરકારના ઇરાદાની? કે પુરસ્કાર પાછા આપનાર લેખકોના ઇરાદાનીપરંતુ કોમવાદી વિચારધારા, પક્ષીય વફાદારી કે વ્યક્તિપૂજામાં ભાન ભૂલેલા ઘણા લોકોએ પુરસ્કારવાપસીની ટીકા અને સસ્તી મજાકોનો રસ્તો લીધો. પુરસ્કાર પાછા આપનારાના આશયો વિશે શંકા ઉઠાવવામાં આવી. તેમની પર પ્રસિદ્ધિભૂખથી માંડીને બેવડાં ધોરણના આક્ષેપ થયા. આવા આક્ષેપોમાં મલિનતા-દુષ્ટતા ન હોત તો એ બાળબોધી લાગત. પરંતુ આક્ષેપો કરનારામાંથી ઘણા પોતાની વિચિત્ર, વિદ્વેષી કે વિકૃત દલીલોને ધોરણસરની ચર્ચામાં ખપાવવા માટે આગ્રહી હતા. તટસ્થતાના દાવા સાથે થતી આવી કીચડઉછાળમાં કોઇએ ગોધરાના હત્યાકાંડને યાદ કર્યો, તો કોઇએ ૧૯૮૪નાં શીખ હુલ્લડોને યાદ કર્યાં અને એ વખતે આ લોકોએ કેમ પુરસ્કારો પાછા ન આપ્યા, એવા (એમની સમજ પ્રમાણે) ધારદારસવાલ પૂછ્‌યા. તેમાંથી કોઇએ તટસ્થતાના દેખાડા ખાતર પણ એવું પૂછ્‌યું નહી કે ૨૦૦૨માં મહિનાઓ સુધી ગુજરાતમાં હિંસાનો દૌર ચાલ્યો ત્યારે તમે કેમ એવોર્ડ પાછા ન આપ્યા?’ મૂળ ચર્ચામાં એ સવાલ બીજા સવાલો જેટલો જ અસ્થાને-અપ્રસ્તુત છે, પણ તેનાથી તટસ્થતાનો દેખાડો કમ સે કમ પાંત્રીસ ટકા સુધી પહોંચી શકાયો હોત.

છેલ્લા દિવસોથી બલ્કે મહિનાઓથી મંત્રીઓ, શાસક પક્ષના સાંસદો, સભ્યો અને વિવિધ અંતિમવાદી સંગઠનોના કેટલાક લોકો બેફામ બોલવા-વર્તવાની હરીફાઇમાં ઉતર્યા છે. કોઇ હાસ્યલેખક ફારસ તરીકે લખી ન શકે એવાં વિધાનો નિયમીત રીતે આ મહાનુભાવો પાસેથી ગંભીરતાપૂર્વક સાંભળવા મળે છે. અને વડાપ્રધાન? ફરી એક વાર, આ વખતે રાષ્ટ્રિય સ્તરે, એ નીરોની ભૂમિકામાં છે. પોતાના પક્ષના કે સાથી સંગઠનોના લોકો દ્વારા થતા બેફામ, ઉશ્કેરણીજનક અને અંતિમવાદી પ્રલાપ સામે વડાપ્રધાન શું કરે છે? તે વિદેશોમાં પોતાના જયજયકારના કાર્યક્રમોમાં અને ત્યાંથી વાહવાહી ઉઘરાવવામાં વ્યસ્ત છે. એમ તો ટ્‌વીટર પર તેમના ટહુકા નિયમીત રીતે થતા રહે છે ને બિહારની ચૂંટણીસભા જેવા મોકા હોય ત્યારે તેમની નાટકીયા ગર્જનાઓ પણ સાંભળવા મળી જાય છે. પરંતુ અસહિષ્ણુતાની બાબતમાં ભારતને પાકિસ્તાન બનાવવાની દિશામાં આગળ વધી રહેલાં તત્ત્વો અને તેમનાં કરતૂતોની વાત આવે ત્યારે વડાપ્રધાનના ટ્‌વીટર-ટહુકા ને નાટકીયા ગર્જનાઓને બદલે કાન ફાડી નાખે એવો સન્નાટો સાંભળવા મળે છે. આ મુદ્દે ક્યારેક તે ગોળગોળ બોલે તો પણ એ મીઠા વગરનું હોય છે.

સન્માન પાછાં વાળનારા આખરે શું ઇચ્છે છે? બે-ચાર દિવસની મીડિયાપ્રસિદ્ધિ? પોતે જેનાં નામ ન સાંભળ્યાં હોય એે પ્રસિદ્ધ ન કહેવાય, એવું માનનારા, છેવટે પોતાની મર્યાદા ઉઘાડી કરે છે. કારણ કે પુરસ્કાર પાછા આપનારાં ઘણાંખરાં નામ પોતપોતાની સમજ-ક્ષમતા પ્રમાણે જાહેર જીવનમાં નાગરિકપક્ષે અવાજ ઉઠાવતાં રહ્યાં છે. નયનતારા સહગલે એક મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, ૧૯૮૪માં શીખ હત્યાકાંડ દરમિયાન તે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝસાથે સંકળાયેલાં હતાં. છાશવારે ૨૦૦૨ની શરમ ઢાંકવા માટે ૧૯૮૪નો શીખ હત્યાકાંડ ઉગામતા લોકોમાંથી કેટલાંએ શીખ હત્યાકાંડ પછી પીયુસીએલની કામગીરી વિશે જાણવાની તસ્દી લીધી છે? રાજકારણીઓએ હજારો વાર ઘૂંટી ઘૂંટીને પીવડાવેલી ગોળીઓને લીધે તેમણે રોપેલા ઝેરીલા વિચાર ઘણા લોકોને હવે પોતીકા અને મૌલિક લાગે છે. તેમને એ સમજાતું નથી કે એ જેને પોતાના ગણે છે એ વિચાર ખરેખર તો તેમના અજાગ્રત કે ગાફેલ મનમાં, તેમની કુંઠાઓનો ઉપયોગ કરીને, કોઇકે વાવી દીધેલા છે.

ધારો કે કોઇ પુરસ્કારવિજેતાએ અત્યાર સુધી એક પણ વાર જાહેર બાબતોમાં ખોંખારીને પોતાનો મત વ્યક્ત ન કર્યો હોય અને આ વખતે તે બોલવા માગે તો શું? એ દંભ કહેવાય? બેવડાં ધોરણ કહેવાય? પોતાના વલણ વિશે નવેસરથી વિચાર કરવાનો કે જાગ્યા ત્યાંથી સવારપ્રમાણે પોતાને લાગે તે કહેવાનો તેમને અધિકાર નથી? અલબત્ત, પહેલી વાર પુરસ્કાર પાછો આપીને વિરોધ વ્યક્ત કરનારાએ એટલું સમજવું પડે કે આ સાથે તેમના જાહેર જીવનનો અંત નહીં, આરંભ થાય છે. હવે પછી સરકાર કોઇ પણ હોય, તેમણે નાગરિકોના પક્ષે રહેવું પડશે અને વખત આવ્યે તેનાં પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે.


પુરસ્કારવાપસીનાં પગલાંથી રાજી થયેલા લોકોએ પણ એટલું સમજવું રહ્યું કે ઇનામ પાછાં આપવાં એ વિરોધ કરવાના ઘણા રસ્તામાંનો એક રસ્તો છે. માટે, ‘ઇનામ પાછાં આપીને તમારો નાગરિકધર્મ પુરવાર કરો અથવા સરકારતરફીમાં ખપી જાવએવું આત્યંતિક વલણ ન રખાય. વિરોધ કરવાની દરેકની ક્ષમતા પ્રકૃતિગત-સંજોગોગત રીતે જુદી જુદી હોય છે. એટલે તારસ્વરે વિરોધ ન કરે, એ બધા સરકારતરફી કે નમાલાએવા અન્યાયી સરળીકરણથી બચવા જેવું છે. આગળ કહ્યું તેમ, અસલી ચર્ચા ઇનામવાપસી વિશે નહીં, પણ અંતિમવાદ તરફ ધકેલાઇ રહેલા દેશના વર્તમાન અને ભવિષ્ય અંગે તથા તેમાં પોતાની ભૂમિકા વિશે  થવી જોઇએ. નાગરિકો પહેલાં દેશની અવગતિની દિશા અને ઝડપ અંગે સભાન બને, સમજે અને રાજકીય પક્ષોના પ્રચારમાં આવ્યા વિના, દેશહિતનો  એટલે કે દેશના નાગરિકોના હિતનો વિચાર કરતા થાય એ જરૂરી છે. ઇનામની વાપસી તો ઘેનગાફેલ લોકોને ઢંઢોળવાની એક રીત છે. તેની સામે કોઇ કારણસર વિરોધ હોય તો પણ એનાથી ઘેનગાફેલ અવસ્થા આવકાર્ય કે ઇચ્છનીય બની જતી નથી.

8 comments:

  1. ... પોતાની પ્રસિદ્ધિ માટે આ લેખકોએ એવોર્ડ પરત કરવાનો તર્ક એટલે ગળે ઉતરતો નથી કે જો આ લેખકો પ્રસિદ્ધિ ભૂખ્યા હોત તો આજે જે પ્રકારનું “ મોદી-ભાટાઈ”નું વાતાવરણ સર્જાયું છે તેમાં પુષ્કળ પૈસો અને અપાર પ્રસિદ્ધિ બંને હોવા છતાં તે લોકોએ વિરુદ્ધ માર્ગ પસંદ કર્યો તે જ તેમની નાગરિક ધર્મની નિસ્બત સાથેનો નાતો દર્શાવે છે.. અને બીજું એ કે આપણા સમાજમાં મોટાભાગના લોકો દૂધમાંથી પોરા કાઢવાની માનસિકતા ધરવતા હોવાથી કોઈ સમસ્યાનો મૂળભૂત ઉકેલ લાવવાને બદલે તેને “રવાડે” ચડાવવામાં મજા આવે છે.. એવોર્ડ પરત આપ્યો હોય તો કેમ પરત આપ્યો તેનું કારણ જાણવાને બદલે એવોર્ડની સાથે મળેલ રોકડ પરત કરી કે નહિ તેની પૃચ્છાઓ કરતી પોસ્ટ કે ટ્વીટસ વાંચીને આવી મુર્દાલ અંધ ભક્તિવાળી માનસિકતા પર ખરેખર “દયા” આવે છે..

    ReplyDelete
  2. दिपक1:02:00 AM

    सरस रजूआत लेखको कांई अमस्ता ज ऐमना पुरष्कार पाछा ना आपे आवो विरोध सदीमां जवल्लेज करता होय छे लेखको अने आ कंई ऐकाद बे लेखके नथी कर्युं आखी फोजे परत कर्या छे पुरष्कार हवे ऐ लोको खरा के खोटा ऐ आपणे ना कही शकीये पण कम से कम जे कारणो थी आ थई रह्यु छे ऐना विशे शांत चित्ते विचारीये तो अंतरात्मा मांथा बधुज समजाई जाय छे

    ReplyDelete
  3. માફ કરજો , અનિલભાઈ ની આ મુર્ખતા સિવાય બીજું કશું નથી ...!! આ એક પબ્લિસિટી સ્ટંટ થી વિશેષ કશું જ નથી ..!! કારણ ..?? આપણે સૌ કોઇ, કોઇ પણ વ્યક્તિની હત્યા થાય તેના વિરોધીઓ છીએ જ અને પ્રયત્ન પણ એવા જ કરતા હોઈશું કે આવું કેમ કરી ને ટાળી શકાય અથવા કરેલ પ્રયત્નો ની દિશા જ્યાં આવું કશુ થયુ હોય ત્યાંની સરકારના વિરોધ પ્રદર્શન તરફની જ હોવાની અને તો જ એનું કોઈ મહત્વ છે ..!! કન્નડ સાહિત્યકારની હત્યા કે કેરાલાનાં સાહિત્યકારની આત્મહત્યા ના વિરોધમાં તેઓ દિલ્હી સરકારની ગ્રાંટથી ચલતી દિલ્હી સાહિત્ય અકાદમી એ આપેલ એવોર્ડ પરત કરે તો મુર્ખતા નહી તો બીજું શુ..?? ચલો, તેઓ સમગ્ર ભારતમાં પ્રખ્યાત હોત અને કદાચ આવું કર્યું હોત તો કદાચ તે બન્ને સરકારો ને આ વાતની ક્યાંકથી ને ક્યાંકથી ખબર પણ પડત અને કોઈ દબાણ પણ ઉભું કરી શકત, પણ ગુજરાત બહાર તેઓની એવી વિખ્યાતી પણ નથી જ નથી ત્યારે આ કૃત્ય ગળે ઉતરે તેવું નથી..અને તે પણ 25-25 વર્ષ સુધી તે એવોર્ડથી થનાર વિખ્યાતી કબુલ્યા પછી ?? સાચી વાત એ છે કે તેઓને એવોર્ડ મળેલ તે સમાચાર કદાચ જેટલા લોકો સુધી પહોંચ્યા હતા તેના કરતાં આવું કરવાથી દસ ગણા લોકો સુધી પરત કર્યાના સમાચારથી પહોંચવાના છે તે નિર્વિવાદ છે અને જેટલો વકરો એટલો નફો જ છે તે વાત થી આકર્ષાઈ ને તેઓ એ આમ કર્યું હોવાની પુરે પુરી શક્યતા છે ..!! તેમની ભાષામાં જ કહેવા દો મને... – “ મારા દિલ્હીમાં (કે ગુજરાતમાં) કોઈ "પાડો" નથી ને તમે પખાલીને ડામ ના આપો..!! " ..

    ReplyDelete
  4. ઘેટાં જે વગર વિચાર્યે આગલા ની પાછળ જ ચાલવાનું, આગળનું ખાડામાં જાય તો પાછલું પણ ખાડામાં જાય {સ્વ-બુદ્ધિ નો અભાવ} અને સમાજના કહેવાતા બુદ્ધિધન, બુધ્ધિજીવીઓ, અભ્યાસી લેખક / સાહિત્યકારો માં કોઈક ફરક તો હોવો જોઈએ ને ?????

    દાદરીમાં ગૌહત્યાના સાચા કે ખોટા આરોપસર બસ, ફક્ત, કેવળ, માત્ર, ખાલી એક માણસની હત્યા થઈ એના અને ત્યારબાદના મંત્રીઓ, શાસક પક્ષના સાંસદો, સભ્યો અને વિવિધ સંગઠનોના કહેવાતા વાણીવિલાસયુક્ત નિવેદનોના વિરોધમાં જાણે કળા સાહિત્ય અકાદમી એવોર્ડ, સરકારી સન્માનો, ઇનામો, સભ્ય પદો, ઇલ્કાબો પાછાં આપવાની હોડ જામી છે.....

    એમને સાચા સાબિત કરવા માટે થતી પોસ્ટસ અને બ્લોગસ નો પણ જાણે રાફડો ફાટ્યો છે.....

    દલીલો એવી થાય છે કે ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરતાં પહેલાં, અંગ્રેજો તરફથી મળેલા ત્રણ ચંદ્રક પાછા મોકલી આપ્યા હતા, ૧૯૧૯માં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો ‘નાઇટહુડ’નો ખિતાબ અને નોબલ પુરસ્કાર પાછો આપ્યો હતો, બુદ્ધિધન, બુધ્ધિજીવીઓ, અભ્યાસી લેખક / સાહિત્યકારોને હંમેશા તેમના નાગરિક ધર્મથી જ નિસ્બત હોય છે.....

    કોઈ એવું કહે કે ૧૯૮૪નાં શીખ હુલ્લડો, સાબરમતી ટ્રેન નો ગોધરા હત્યાકાંડ, બહુમતી જ નહિ લઘુમતી ગૌ રક્ષકોની પણ થયેલી હત્યાઓ વગેરે વગેરે વખતે આ બુદ્ધિધન, બુધ્ધિજીવીઓ, અભ્યાસી લેખક / સાહિત્યકારોનો નાગરિક ધર્મ ક્યાં ગયો હતો, ઓવૈસી અને એવા બીજા વિવિધ અંતિમવાદી સંગઠનોના વાણીવિલાસયુક્ત નિવેદનોના વિરોધમાં કેમ એમણે ક્યારેય એમના એવોર્ડ અને ઇલ્કાબો પાછાં ના આપ્યા ?????
    તો સામી દલીલ થાય કે અત્યાર સુધી એક પણ વાર જાહેરમાં પોતાનો મત વ્યક્ત ન કર્યો હોય અને આ વખતે તે બોલવા માગે તો શું એ પબ્લીસીટી સ્ટંટ કહેવાય ? દંભ કહેવાય? બેવડાં ધોરણ કહેવાય? તેમની વાત કહેવાનો શું તેમને અધિકાર નથી?

    અરે ભાઈ દાદરીમાં ગૌહત્યાના સાચા કે ખોટા આરોપસર બસ, ફક્ત, કેવળ, માત્ર, ખાલી એક માણસની હત્યા થઈ એ જલિયાંવાલા બાગ, અસહકાર આંદોલન જેવો કોઇ રાષ્ટ્રીય મામલો નથી કે દેશના બુદ્ધિધન, બુધ્ધિજીવીઓ, અભ્યાસી લેખક / સાહિત્યકારોએ ઘેટાં ચાલ ચાલવી પડે.....
    તમારો નાગરિકધર્મ પુરવાર કરવો પડે..... આને પબ્લીસીટી સ્ટંટ, દંભ, કે બેવડાં ધોરણથી વધારે શું કહેવાય?????

    તા. ક. : હું લઘુમતી કે મુસ્લિમવિરોધી નથી. મારા ઘણા મુસ્લિમ અને અન્ય લઘુમતી કોમના મિત્રો છે જેમની સાથે ઉઠવા બેસવાના, ઘરે આવવા જવાના, સાથે ખાવા જેવા ઘનિષ્ઠ સંબંધો છે.....

    ReplyDelete
    Replies
    1. "બસ, ફક્ત, કેવળ, માત્ર, ખાલી એક માણસ" આ ઘણું બધું કહી જાય છે તમારી માનસિકતા વિષે.
      ભાજપ RSS (લોકશાહી નહિ પણ વર્ણ-ધર્મ આધારિત રાજ્ય વ્યવસ્થા ના હિમાયતી) નો ઈતિહાર એમ કહે છે કે ટૂંકા કપડા પહેરીને નીકળવા વાળા નો વાંક છે બળાત્કાર માં. તમારી દીકરી નીકળે બહાર ટૂંકા પહેરી. ધારો કે સ્ત્રી સુરક્ષા નું અભિમાન લેતા ગુજરાત માં તમારી દીકરી નો બળાત્કાર થાય અને આનંદી બહેન ચુપ રહે અને રાજ્ય ની દીકરી ઓ તેમને અપાતી સાયકલો સરકાર ને પછી આપવા માંડે, ત્યારે પણ તમે આવી જ માનસિકતા દાખવશો "સાચા કે ખોટા આરોપસર બસ, ફક્ત, કેવળ, માત્ર, ખાલી એક દીકરીનો બળત્કાર થયો " ?
      લોકશાહી તો પાયો વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. મોદી સરકાર ના ખુલ્લા આશીર્વાદ છે કહેવાતી હિંદુ સેનાઓ ને. બે લેખકો ની હત્યા થયી ચુકી છે. selected સમાચારો release થાય છે .ટીવી મીડિયા communist ચીન મોડેલ પર ચાલે છે, અમેરિકા અને ફ્રાંસ પ્રવાસ દરમ્યાન ત્યાના સ્થાનિકો એ કરેલા પ્રદર્શનો ને ભારત ના એક પણ અખબાર કે ટીવી વાળા એ બતાવ્યા નથી. કહેવાતી સેનાઓ કોપિ અને આજે બીજા ના ઘરે માણસ મર્યું છે, કાલે તમારી ઉપર કોપાશે કે દરેક ઘર માંથી એક દેવદાસી ફરજીયાત છે ત્યારે જાગશો કે એમ જ? જો ભણેલા લોકો જ વ્યક્તિ સ્વતંત્રતા અને સમાનતા નું મહત્વ નહિ સમજસે તો ટૂંકું ભણેલાઓ નો શું વાંક?

      Delete
    2. Kalpitaben, we all are victims of the propaganda for decades. Please verify facts before making any statement such as ભાજપ RSS (લોકશાહી નહિ પણ વર્ણ-ધર્મ આધારિત રાજ્ય વ્યવસ્થા ના હિમાયતી) નો ઈતિહાર એમ કહે છે કે ટૂંકા કપડા પહેરીને નીકળવા વાળા નો વાંક છે બળાત્કાર માં.

      Delete
    3. @Ronak Patel: comment 3 continue from comment 2:
      interview given by Madhav Sadashiv Golwalkar, the then Supremo (Sarsanghchalak) of RSS, to a Marathi daily “Navakal” Navakal Golwalkar in this interview had extolled the virtues of Chaturvarnya (the division of the Hindus in four Varnas) and had also glorified Manusmriti.
      Golwalkar’s ideas around ‘Hindu Experiments in Cross-breeding’ which extolled North Indian Brahmins at the cost of the rest of the Hindus themselves and in fact propagates an idea that India had a superior race or breed of Hindus and also an inferior race of Hindus, which needed to be improved through cross-breeding. (Check the fact with these is photo copies
      1) http://i62.tinypic.com/64ibn5.jpg
      2) http://i60.tinypic.com/j7t9hz.jpg
      In his address to the School of Social Science of Gujarat University on December 17, 1960 ( Organiser, January 2, 1961, p.5) he formulated this racist thesis. “"Today experiments in cross-breeding are made only on animals. But the courage to make such experiments on human beings is not shown even by the so-called modern scientist of today. If some human cross-breeding is seen today it is the result not of scientific experiments but of carnal lust. Now let us see the experiments our ancestors made in this sphere. In an effort to better the human species through cross-breeding the Namboodri Brahamanas of the North were settled in Kerala and a rule was laid down that the eldest son of a Namboodri family could marry only the daughter of Vaishya, Kashtriya or Shudra communities of Kerala. Another still more courageous rule was that the first off-spring of a married woman of any class must be fathered by a Namboodri Brahman and then she could beget children by her husband. Today this experiment will be called adultery but it was not so, as it was limited to the first child."
      The above statement of Golwalkar is highly worrying in many respects. Firstly, it proves that Golwalkar believed that India had a superior Race or breed and also an inferior Race which needed to be improved through cross-breeding. Secondly, a more worrying aspect was his belief that Brahmans of the North (India) and specially Namboodri Brahamans, belonged to a superior Race. Due to this quality, Namboodri Brahamanas were sent from the North to Kerala to improve the breed of inferior Hindus there. Interestingly, this was being argued by a person who claimed to uphold the unity of Hindus world over. Thirdly, Golwalkar as a male chauvinist believed that a Namboodri Brahman male belonging to a superior Race from the North only could improve the inferior human Race from South. For him wombs of Kerala’s Hindu women enjoyed no sanctity and were simply objects of improving breed through intercourse with Namboodri Brahamanas who in no way were related to them. Thus, Golwalkar was, in fact, confirming the allegation that in the past male dominated high caste society forced newly-wedded women of other castes to pass their first nights by sleeping with superior caste males.
      Read સરદાર: સાચો માણસ, સાચી વાત by author of this blog for defusing propaganda that portraits Sardar as anti-muslim and fascist, Sardar Patel was pro democracy. I believe book is free shipping in India.
      I can go on and on and on but I hope this very tiny comment would be enough to kickstart your truth-seeking fact-checking.

      Delete
  5. @ Mehul Raval: ખાલી એક માણસની હત્યા થઇ....એટલે??? કયા મુદ્દે થઇ તે નહિ જોવાનું?? આ ઘટના પછી દરેક ભારતીયની આંખો ખુલી જવી જોઇયે કે દેશ કેટલી ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. આ ગંભીર રાષ્ટ્રીય મામલો જ છે.

    ReplyDelete