Wednesday, October 28, 2015
ટ્રાફિક પોલીસ-ભદ્રંભદ્ર સંવાદ
પૂનમથી પરિચિત હોવા છતાં જેમ શરદપૂનમનું
માહત્મ્ય લોકો માટે વિશેષ હોય છે, તેમ બાઇક પર
ત્રણ સવારીના દૃશ્યથી ટેવાયેલા નગરજનો ભદ્રંભદ્રને એ સ્થિતિમાં ગોઠવાયેલા (કે
સમાયેલા) જોઇને ચકિત થતા હતા. તેમના આશ્ચર્યને અહોભાવ ગણીને ભદ્રંભદ્રને સભા
પહેલાં જ વિજયશ્રીની અનુભૂતિ થવા લાગી. નગરનો ધસમસતો ટ્રાફિક જોઇને ભદ્રંભદ્રે
કહ્યું, ‘અંબારામ, વિધવિધ વાહનો પર
આરૂઢ થઇને સમસ્ત નગરજનો સાયંકાલની સભામાં મારા ઉદ્બોધનના શ્રવણાર્થે કેવી ત્વરાથી
ધસી રહ્યાં છે. શો તેમનો ઉત્સાહ. શો તેમનો ઉમંગ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે
પહોંચવાની ઉત્સુકતામાં તે નિજ પ્રાણની પણ પરવા કરતાં ન હોય એમ ભાસે છે. આપણા
ધર્મકાર્યનો પ્રભાવ ખરે જ વિરાટ છે...’
બાઇક ચલાવતા રીપોર્ટરે માહિતી આપવાનો
પ્રયાસ કર્યો કે ‘આ તો અહીંના લોકોની
કાયમી ડ્રાઇવિંગ સ્ટાઇલ છે. લોકો સરકસમાં ચલાવતા હોય એવી જ રીતે હંકારે છે.’ પણ અનામતનાબૂદીના જુસ્સા અને સનાતન ધર્મના
જોસ્સાથી થનગનતા ભદ્રંભદ્રને એ સંભળાયું નહીં. તેમણે પૂર્વવત્ ઉત્સાહથી ડોકું
સહેજ પાછળ ફેરવવાની ચેષ્ટા સાથે કહ્યું,‘હે અંબારામ, કોટિ કોટિ આર્યજનોની અપેક્ષા મારામાં
પરશુરામનું પ્રાગટ્ય પ્રેરે છે. મારું જિહ્વાક્ષત્રિયત્વ દિક્કાલની સીમાઓ
ઉલ્લંઘવા તત્પર છે...’
ભદ્રંભદ્રનું સ્વકથન ચાલુ જ રહ્યું હોત, પણ બાઇકની બ્રેકથી અચાનક તેમનો વાક્પ્રવાહ
તૂટ્યો. સિસોટી તો પહેલાં વાગી હેતી, પણ ભદ્રંભદ્રના મનમાં તેની નોંધ બાઇક
થોભ્યા પછી લેવાઇ. વાક્વિહારમાં અને ધર્મયાત્રામાં વિક્ષેપ પડતાં ભદ્રંભદ્ર કોપિત
થયા,‘કયો સુધારાવાળો આરક્ષણઉચ્છેદનસ્થલી તરફની યાત્રામાં વિધ્ન સર્જી
રહ્યો છે?’
અંબારામે ગુસપુસ સ્વરે ભદ્રંભદ્રને માહિતી
આપી, ‘ટ્રાફિક પોલીસ છે.’
દરમિયાન ભદ્રંભદ્રની નજર પણ ટ્રાફિક પોલીસ
પર પડી. એટલે જયદ્રથ તરફ ધસી જતા અર્જુન જેવી મુદ્રામાં તે ટ્રાફિક પોલીસ પાસે
પહોંચ્યા અને રોષપૂર્વક બોલ્યા,‘હે અલ્પમતિ અધર્માચારી યાતાયાતનિયંત્રક, સનાતનધર્મની રક્ષા કાજે અનામતઉચ્છેદન હેતુ
પ્રવૃત્ત મહાનુભાવોને પદભ્રષ્ટ એવમ્ પથભ્રષ્ટ કરવાનું પાપ વહોરીને તું નર્કનો
અધિકારી બન્યો છું, એવું કહેતાં મને
રજમાત્ર સંકોચ થતો નથી. તવ કર્તવ્યથી હું જ્ઞાત છે અને કર્તવ્યભાવનાનો હું
દૃઢાગ્રહી છું. તથાપિ તારે આર્યાવર્તના જ નહીં, સમસ્ત જંબુદ્વીપના હિત કાજે મારી
કર્તવ્યભાવનાનાની વેદી પર તારી કર્તવ્યભાવનાનું બલિદાન અર્પવું જોઇએ. એમાં જ તારી, મારી, આર્યાવર્તની, જંબુદ્વીપની અને દિગદિગંતમાં વ્યાપ્ત
સનાતન ધર્મની શોભા છે.’
ઘડીમાં રીપોર્ટર સામે, તો ઘડીમાં ભદ્રંભદ્ર સામે જોતા ટ્રાફિક
પોલીસને શું કહેવું --અને ખાસ તો, શું કરવું--એ
સમજાયું નહીં. ગૂંચવણ ટાળવા માટે ગુસ્સે થવાનો સહેલો વિકલ્પ અપનાવીને પોલીસે પૂછ્યું,‘અહીં તમારી એકેય
દલીલ નહીં ચાલે, મહારાજ. આ લગનની
ચોરી નહીં, ટ્રાફિક પોઇન્ટ છે. અહીં તમે કહો
એમ નહીં, હું કહું એમ
થશે.’ પછી રીપોર્ટર
તરફ જોઇને કહે,‘આને કહી દે કે બડબડ ન કરે. એક તો ટ્રિપલ સવારીમાં બેસવું ને..તમે
પ્રેસવાળા થઇને સમજતા નથી?’
તેના જવાબમાં રીપોર્ટરે બેશરમીથી શરમનો
ભાસ થાય એવું સ્મિત કર્યું, જેનો અર્થ થાય,‘પ્રેસવાળા છીએ, એટલે તો નથી સમજતા. અમે એટલો પણ ગેરલાભ ન
લઇ શકીએ તો પછી પ્રેસવાળા હોવાનો શો મતલબ?’
ભદ્રંભદ્રને લાગ્યું કે મામલો ટ્રિપલ
સવારીનો અને કાયદો તોડવાનો છે, પણ દરેક સુધારાવાળાને
શત્રુ અને શત્રુને સુધારાવાળો માનતા ભદ્રંભદ્રને દૃઢ પ્રતીતિ હતી કે પ્રત્યેક
વિવાદમાં પ્રતિપક્ષને શાસ્ત્રાર્થ વડે ચિત કરીને પોતાનો પક્ષ સાચો સાબીત કરી શકાય
છે. એટલે તેમણે ટ્રાફિક પોલીસને કહ્યું,‘હે શ્વેતવસ્ત્રધારી, સ્વર્ગલોકમાં યાતાયાતવ્યવસ્થાના નિયમોથી
હું જ્ઞાત છું. ત્યાં કાર્તિકેયના મયુર કે શિવશંભોના નંદી આદિ વાહનો માટે આવો કોઇ બાધ નથી. સ્વર્ગલોકની
પ્રણાલિકાને મર્ત્યલોકનાં મનુષ્યોએ અનુસરવું એમ કહેવું ઇષ્ટ એવમ્ અભિષ્ટવ છે.’
ભગવાનનાં નામ આવ્યાં એટલે ટ્રાફિક પોલીસ
જરા નરમ પડ્યો. તેને થયું કે વાતવાતમાં ક્યાંક આ મહારાજની ધાર્મિક લાગણી દુભાઇ ને
ટોળું ભેગું થશે તો અઘરું પડશે. એણે સમજાવટના સૂરમાં કહ્યું, ‘મહારાજ, મહાદેવ ને કાર્તિકેયનાં વાહનો વિશે મને
ખ્યાલ છે, પણ એમનાં
વાહનોને આરટીઓ પાસિંગ કરાવવું પડતું નથી ને એમને લાયસન્સની પણ જરૂર હોતી નથી.
એટલે એમના વાદે ન ચડાય. નહીંતર તમે તો જતા રહેશો, પણ આ ભાઇનું લાયસન્સ જપ્ત થઇ જશે.’
ભૂતકાળમાં ભદ્રંભદ્રના પોલીસઅનુભવો ખાસ
યાદ રાખવા જેવા ન હતા. એમ તો, સુધારાવિરોધી
લડાઇનો અનુભવ પણ ક્યાં સારો હતો? પરંતુ
ભદ્રંભદ્ર--ના, ભદ્રંભદ્રો--ભૂતકાળને
ફક્ત જડતાપૂર્વક વળગી શકે છે. તેમાંથી ધરાર કંઇ પણ ન શીખવા કૃતનિશ્ચયી હોય છે. એ જ
તેમના ભદ્રંભદ્ર હોવાનું કારણ છે અને એ જ તેનું પ્રમાણ પણ છે.
ટ્રાફિકપોલીસને જરા નમ્રતાપૂર્વક વાત કરતો
જોઇને ભદ્રંભદ્રને જોશ ચડ્યું. ‘ચરણ રુકે ત્યાં
કાશીમથુરા’ ન્યાયે તેમણે
મ્યુનિસિપાલિટીના રસ્તાને વ્યાસપીઠનો દરજ્જો આપીને પોલીસને ધર્મપ્રબોધન કરતાં
કહ્યું,‘હે લધુશંખિકાધારી, શ્રીકૃષ્ણના
પાંચજન્ય શંખના ધ્વનિથી શત્રુસૈન્યનાં ગાત્રો શિથિલ થતાં હતાં, તેમ જ તારી લધુશંખિકાનો સ્વર વાહનચાલકોનાં
હૃદયોમાં કિંચિત ભયનો સંચાર કરે
છે તે નિર્વિવાદ છે. કિંતુ તને જ્ઞાત હોવું ઘટે કે તેના માટે લધુશંખિકાનો કે તારો
નહીં, પરંતુ
રાજ્યસંહિતાનો પ્રભાવ કારણભૂત છે...’
ભદ્રંભદ્રની ચાલુ વાતે પોલીસના હાવભાવ
બદલાતા જોઇને અંબારામે ઝડપથી, બને એટલો નમ્ર
અનુવાદ કરતાં કહ્યું,‘મહારાજના કહેવાનું તાત્પર્ય એમ છે કે તમારી સિસોટીના અવાજથી ભલભલા
ધ્રુજી જાય છે. કારણ કે તમારી સિસોટી કોઇ એક માણસનો નહીં, પણ કાયદાનો અવાજ છે.’
ભદ્રંભદ્રે વધારે જોશથી આગળ ચલાવ્યું,‘મર્ત્યલોકની
સંહિતા મર્ત્ય મનુષ્યો માટે છે. સુધારાના પરાજય અને આરક્ષણના ઉચ્છેદન જેવા
ધર્મકાર્યોમાં પ્રવૃત્ત મહાજનો કાજે તે બંધનકર્તા નથી, એવા કથનમાં લેશમાત્ર અસત્યૌચ્ચારણ નથી.
ધર્મકાર્યમાં વિઘ્નરૂપ નીવડેલા દુર્જનો દુષ્ટ સુધારાવાળા અને દુષ્ટ આરક્ષણસમર્થકો
કરતાં પણ વધારે ઘોર અનિષ્ટ આચરવાના દોષી છે. મૃત્યુપશ્ચાદ્ તેમના માટે નર્કપ્રાપ્તિ
નિશ્ચિત જાણવી. અશ્વમેધ યજ્ઞ માટેનો અશ્વ રોકનારે જેમ ભીષણ યુદ્ધ અને ઘોર પરાજયની
સન્મુખ થવું પડે છે, એવું જ સનાતન
ધર્મપ્રીત્યાર્થે પ્રવૃત્ત પ્રતાપી પુરૂષોને રોકવા વિશે પણ જાણવું. એમ કરીને નરકનો
અધિકારી બનવાને બદલે...’
ફરી નરકના ઉલ્લેખથી અને ભદ્રંભદ્રના ઊંચા
થતા જતા અવાજથી ટ્રાફિક પોલીસ ભડક્યો. તેણે બાંધી રાખેલી સંયમની પાળ તૂટી. બોલતાં
બોલતાં ભદ્રંભદ્રનો લંબાયેલો હાથ તેણે એક ઝટકાથી નીચે લાવી દીધો અને બરાડો પાડ્યો,‘ચૂપ. ક્યારના
બોલતા નથી એટલે સમજે છે શું તારા મનમાં?. હવે એક પણ અક્ષર વધારે બોલ્યો, તો મારી મારીને સુવ્વર બનાવી દઇશ’
‘આરક્ષણસમર્થકોના અને
સુધારાવાળાના પરાજય કાજે વરાહઅવતાર પણ સ્વીકાર્ય છે’ એવું કંઇક ભદ્રંભદ્ર બોલવા જતા હતા, પણ અંબારામના ઇશારાથી તે અટકી ગયા
(ક્રમશઃ)
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
ભદ્રંભદ્ર
Subscribe to:
Post Comments (Atom)
Very interesting and entertaining.
ReplyDeleteगम्मत साथे भाषानुं वैविध्य वांचवा मणी रह्यु छे नवा जमानामां दरेक जण पुस्तक तो नथी लखी शकतो पण मोटा भागना लोकोने पोस्ट लखवा माटे हवे आवु वैविध्य पूर्ण वांचन आवस्यक थई पड्यु छे ऐक नवा ज युगनी शरुआत थई चूकी छे वांचननो फरी पाछो जमानो आवी गयो छे पण प्रकार थोडो अलग छे हवे दरेकने कंईक लखवुं छे सोशियल मिडीयामां आपे जूना अने नवा जमानानो संगम करी बताव्यो छे.
ReplyDelete