Friday, October 23, 2015

ત્રણસવારીમાં સભાસ્થળે ઉપડ્યા ભદ્રંભદ્ર

ભદ્રંભદ્રને ભદ્રેશભાઇતરીકે ઉલ્લેખીને તેમનો ઇન્ટરવ્યુ કરી રહેલી છબછબિયાંચેનલની એન્કરે પૂછ્‌યું,‘તો ભદ્રેશજી, તમે અનામતની નાબૂદી તમે કેવી રીતે કરશો?’

પાંડુપુત્રોએ કૌરવોને પરાજયી કર્યા, શ્રી લક્ષ્મણે ઇન્દ્રજીતને અને શ્રી રામે રાવણને પરાસ્ત કર્યા, તેવું જ મારું આરક્ષણ વિશે જાણવું.ભદ્રંભદ્રે પ્રચંડ આત્મવિશ્વાસથી કહ્યું.

પણ તમે જે ગણાવ્યાં એ બધાં માણસોનાં નામ હતાં. અનામત  માણસ નથી, વ્યવસ્થા છે...

વ્યવસ્થા? એ સનાતનધર્મદ્રોહી, પાપાચારી, આર્યબાલકોના ચિત્તમાં પારાવાર વિક્ષોભ પ્રેરિત કરનારી અવસ્થાને વ્યવસ્થા કહીને હું સ્વર્ગમાંથી સ્થાનભ્રષ્ટ થવા ઇચ્છુક નથી...આર્ય કૌટિલ્યે જેમ ધનનંદના સામ્રાજ્યનું ઉચ્છેદન કર્યું હતું, તેમ હું...

પણ સર? કેવી રીતે? હાઉ? કૈસે?’ એન્કરે બડી ખબરની અધીરાઇ અને તેમાં ભળેલી ચીડ પર માંડ કાબૂ રાખતાં કહ્યું.

શિષ્યશિરોમણી અંબારામના વિનીત અનુરોધ છતાં હું ભીષણ પ્રતિજ્ઞાઓ પૂર્વે કે પશ્ચાદ્‌ મનન એવમ્‌ આયોજનના વિપક્ષમાં છું. આર્યાવર્તની ઉજ્જવલ પરંપરા રહી છે કે વીરજનો પરાક્રમ પૂર્વે મનન કરીને ચિત્તવૃત્તિ અસ્થિર કરતા નથી અને હે પ્રશ્નમાલાધારિણી, તું જાણ કે મહાજનો આયોજનને નહીં, આયોજન મહાજનોને અનુસરે છે... યવનસંસ્કૃતિનાં દુષ્પરિણામ સમાન મુદ્દાશક્તિપ્રણાલિદાસત્વ તપોબલને કારણે મને સ્પર્શી શક્યું નથી.

શું? શું નથી સ્પર્શ્યું? મુદ્દાશક્તિ? એ રક્ષાશક્તિ જેવી કોઇ નવી યુનિવર્સિટી છે?’ એન્કરે ગુંચવાઇને પૂછ્‌યું.

અંબારામે કહ્યું,‘એ પાવરપોઇન્ટ  પ્રોગ્રામ (મુદ્દાશક્તિ પ્રણાલિ)ની વાત કરે છે. એના ગુલામ બની ગયેલા અને એ વિના કશું કરી શકતા લોકો સામે આર્ય ભદ્રંભદ્રને સખત રોષ છે.

ઓકે. ગોટ ઇટ. તો ભદ્રેશભાઇ, સાંજની સભામાં અનામત નાબૂદ કરશો એ તો નક્કી છે. રાઇટ?’

શત પ્રતિશત નિશ્ચિત. સાયંકાલની સભામાં આરક્ષણ નથી કાં હું નથી.છેલ્લા બે શબ્દો બોલતી વખતે ભદ્રંભદ્રનો અવાજ ધીમો પડી ગયો હોય એવો અંબારામને ભાસ થયો. અત્યાર સુધીના અનુભવો પરથી તે જાણતા હતા કે બીજો વિકલ્પ સાચો પડવાની શક્યતા મજબૂત છે. પરંતુ ભદ્રંભદ્રો બોલવા ચડે, ત્યાર પછી અંબારામો પાસે ઉનકે કહનેકે મતલબ યે નહીં થાએવા ખુલાસા કર્યા સિવાય બીજા વિકલ્પ રહેતા નથી.

એન્કરના ઉત્તેજનાસભર અવાજથી અંબારામની વિચારમાળા તૂટી. તો દર્શકમિત્રો, તમે છબછબિયાં ચેનલ પર પહેલી વાર સાંભળી રહ્યા છે મોટો ખુલાસો. ભદ્રેશભાઇએ ચોખ્ખેચોખ્ખું કહ્યું નથી, પણ તેમની વાતમાં આત્મવિલોપનનો નિશ્ચય હોય એવું લાગે છે. તેમની આ ધમકીનું શું થાય છે? સાંજની સભામાં તે અનામત નાબૂદ કરી શકે છે કે નહીં? કરે છે તો કેવી રીતે? આત્મવિલોપન માટે તે કયો રસ્તો અપનાવે છે? એ જાણવા માટે જોતા રહેશો છબછબિયાં ચેનલનું નોનસ્ટોપ કવરેજ.

રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર નીકળ્યા પછી ભદ્રંભદ્ર પ્રસન્ન જણાતા હતા. ભાવિની કોઇ સુખદ ઘટનાનું પૂર્વદર્શન આવતું હોય એવું સ્મિત વારે વારે તેમના ચહેરા પર આવી જતું હતું. થોડી વાર પછી અંબારામે તેમને વિનમ્રતાથી પૂછ્‌યું,‘આપની પ્રસન્નતાનું રહસ્ય જાણીને હું પણ તેમાં આપને અનુસરવા આતુર છું.

અંબારામ, સુધારાના ગઢ સરખી સમાચારવાહિનીમાં વિજયશ્રીને વર્યા પછી મારા આત્મવિશ્વાસે કેવો ધસમસતો વેગ ધારણ કર્યો છે એ સમજાવવું દુષ્કર છે.

પહેલાંના અવતારમાં જમાલપુરથી પસાર થતી વખતે કૂતરાં પાછળ પડ્યાં ત્યારે આપણો જે વેગ હતો એવો?’ અંબારામે પૂછ્‌યું.

ભદ્રંભદ્ર આ સરખામણીથી ખાસ પ્રસન્ન થયા હોય એવું ન લાગ્યું. છતાં તેમણે વિજયી યોદ્ધાને છાજે એવી ઉદારતાથી હસતું મોઢું રાખીને કહ્યું, ‘એથી પણ વિશેષ.

એવામાં ચેનલનો રીપોર્ટર આવી ગયો. તેણે કહ્યું,‘મહારાજ, હવે આપણે રેલીના સ્થળે જવા નીકળીએ. આમ તો હજુ વાર છે, પણ આજે ટ્રાફિકના લોચા હશે.અને હા, અત્યારે ચેનલની ગાડી બીજા કોઇ ભદ્રેશભાઇને લેવા ગઇ લાગે છે. એટલે આપણે મારી બાઇક પર નીકળી જઇએ. એ જ સારું પડશે.

ભદ્રંભદ્રે કહ્યું,‘રથ સિવાયના કોઇ પણ દ્વિચક્રી પર સવાર થવું આર્યધર્મને અનુકૂલ નથી. હા, ચતુષ્ચક્રીનો નિષેધ નથી.

પોતાનું કામ કઢાવવાનું હોય ત્યારે રીપોર્ટરો સહેલાઇથી અંબારામ બની શકતા હોય છે. ચેનલના રીપોર્ટરે કહ્યું,‘આપણે તમારા ધર્મનું મોટું કામ કરવા જઇએ છે, તો આવી નાની બાબતમાં સમાધાન કરી લેવું જોઇએ.

ભદ્રંભદ્રને મનાવી લેવા માટે આ દલીલ પૂરતી હતી. પણ ફાંસીએ ચડતાં પહેલાં છેલ્લી વાર દયાની માગણી કરતા ગુનેગારની મુદ્રામાં અંબારામે રીપોર્ટરને પૂછ્‌યું,‘તમારે ત્યાં ત્રણસવારીની મનાઇ નથી? પોલીસ પકડશે તો?’

 ‘આમ તો પ્રેસની ગાડી હોય એટલે કોઇ પકડે નહીં, પણ આજે તો (ભદ્રંભદ્ર તરફ ઇશારો કરીને) આ છે. એટલે પોલીસના બાપની પણ ચિંતા નથી. જે કોઇ ટઇડપઇડ કરવા જશે તેની પર આમને છૂટા મૂકી દઇશું. રીપોર્ટર આત્મવિશ્વાસથી બોલ્યો.

એકવડિયા બાંધાનો રીપોર્ટર, એવા જ અંબારામ અને તેમની વચ્ચે ભદ્રંભદ્ર બાઇક પર ગોઠવાયા ત્યારે બ્રેડની બે સ્લાઇસ વચ્ચે મોટું બટેટાવડું ગોઠવાયું હોય એવું લાગતું હતું. પણ એ તો દુન્યવી દૃષ્ટિ થઇ. ધર્મદૃષ્ટિથી વિચારતાં એ દૃશ્ય સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિને લાયક હતું. સનાતન ધર્મના વિજય માટે અનેક યોદ્ધાઓએ અસુવિધાઓ વેઠી હતી, પ્રાણાર્પણ કર્યા હતા, કિંતુ ભદ્રંભદ્ર જે અવસ્થામાં બાઇક પર બેઠા હતા, એ જોતાં સહેલાઇથી કહી શકાય કે તેમની અસુવિધા, તેમનો નિર્ધાર, તેમની નિષ્ઠા, તેમનો ત્યાગ અને તેમનું તપોબલ અસાધારણ હતાં. અલબત્ત, તેમની આગળ અને પાછળ માંડ ગોઠવાયેલા રીપોર્ટરને કે અંબારામને પણ પોતાના વિશે આવું લાગવા સંભવ હતો, પરંતુ એ બન્નેનું પૂરેપૂરું ધ્યાન  બાઇકભ્રષ્ટ ન થવાય એની પર કેન્દ્રિત હતું.


બાઇક ઓફિસના દરવાજાની બહાર નીકળીને મુખ્ય રસ્તા પર પહોંચ્યું. એ સાથે જ એક મોટો બમ્પ આવતાં બાઇક થોડું ઉછળ્યું. ભદ્રંભદ્રનું મન તો આરક્ષણના મુદ્દે આંદોલિત હતું જ, પણ બમ્પને કારણે તેમની સમગ્ર કાયા આંદોલિત થઇ ઉઠી. તેનો ધક્કો અંબારામને લાગ્યો. તેનો આઘાત શમે એ પહેલાં અંબારામની પાછળથી, તેમને સહેજ અડીને એક રીક્ષા સડસડાટ નીકળી ગઇ. રસ્તાની ડાબી બાજુ ઊભેલી એક કાર અચાનક ચાલુ થઇ અને જમણી બાજુ વળાંક લઇને બાઇકના આગળના પૈડાને લગભગ અડીને નીકળી ગઇ. ઉપરાછાપરી બનાવોથી અંબારામનો જીવ અદ્ધર થઇ ગયો, પણ ભદ્રંભદ્ર અવિચલ હતા. ધ્યાનથી જોતાં અંબારામને સમજાયું કે ભદ્રંભદ્રે, તેમના કોપથી આસુરી વાહનચાલકો ભસ્મ ન થઇ જાય એ હેતુથી જ, આંખો મીંચી દીધી હતી. (ક્રમશઃ)

2 comments:

  1. दिपक कुमार12:41:00 AM

    એના ગુલામ બની ગયેલા અને એ વિના કશું *કરી શકતા आवा वाक्यमां वच्चे (न) अक्षर रही जाय ऐ भद्रंभद्र ने खुंच्यु हशे.

    ReplyDelete