Tuesday, October 20, 2015

‘ત્યારે-તમે-ક્યાં-હતા?’ વાદની વસંત

જાહેર બાબતોની ચર્ચાના હેતુ, ધોરણ અને ગુણવત્તાનો પ્રશ્ન આજકાલનો નથી કે ફક્ત સરકારનો પણ નથી. છતાં, સરકારની હિંસક-મુખર જડતામાં ભળેલા વિચારાધારાકીય રસાયણને લીધે, તે જરા વધારે ગંભીર-વધારે ચિંતાજનક લાગે છે.

આઝાદ ભારતના રાજકારણમાં એવું કોઇ પાપ નથી, જે ભાજપે પહેલી વાર કર્યું હોય. આઝાદીના દાયકાઓ સુધી સત્તાધારી હોવાને કારણે કોંગ્રેસે-- ખાસ કરીને ઇંદિરા ગાંધીયુગની કોંગ્રેસે--કરંડિયામાંથી બધા સાપ છૂટા મૂકી દીધા હતા : જ્ઞાતિવાદ, (સેક્યુલરિઝમના અંચળા હેઠળ) કોમવાદ, લોકશાહીની હત્યા (કટોકટી), ગરીબી હટાવોનાં ગુલાબી સપનાં, ભ્રષ્ટાચાર, કૌભાંડો, વ્યક્તિવાદ, રાજકીય વારસાઇ... અને ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોનો સામુહિક હત્યાકાંડ.

પરંતુ વખતે બૌદ્ધિકો ચૂપ હતા કે આંખ આડા કાન કરતા રહ્યા, એવો પ્રચાર જૂઠો છે. વિરોધની તીવ્રતા કે માત્રા વિશે કચવાટ હોઇ શકે, પણ કોંગ્રેસી કુશાસન વખતે બૌદ્ધિકો ચૂપ રહ્યા અને મોદીરાજમાં બધા અચાનક જાગી ઉઠ્યા, એવું સંઘ પરિવાર-ભાજપ એન્ડ કંપનીએ ઊભું કરેલું ચિત્ર વાસ્તવમાં જૂઠાણાં ફેલાવવાની તેમની ક્ષમતાનો ઉત્તમ નમૂનો છે.

કટોકટી પહેલાંના કોંગ્રેસી રાજ વિશે મનુભાઇ પંચોળીએસોક્રેટિસજેવી કૃતિઓના માધ્યમથી અને જાહેર પ્રવચનોમાં પણ ચેતવણીના ગંભીર સૂર કાઢ્યા હતા. તેમની મુખ્ય ચિંતા લોકશાહીના નામે ચાલતીટોળાશાહી અને લાંચ-ભ્રષ્ટાચારથી ખદબદતી મતશાહીવિશેની હતી. કોંગ્રેસી રાજમાં ઉમાશંકર જોશી ગુજરાતના જાહેર જીવનના સ્તંભ અને લોકશાહીવિરોધી બળોના ટીકાકાર તરીકે ઉભર્યા. કટોકટી વખતે તેમણે રાજ્યસભાના નિયુક્ત સભ્ય તરીકે ગૃહમાં હિંમતપૂર્વક સરકારની ટીકા કરી અને તેમના માસિકસંસ્કૃતિમાં સરકારવિરુદ્ધ-લોકશાહીની તરફેણમાં સાફ શબ્દોમાં લખ્યું.

નવનિર્માણ આંદોલન અને બિહારના જયપ્રકાશ આંદોલન વખતે સંખ્યાબંધ બૌદ્ધિકો ઇંદિરા ગાંધીનાં શાસનના અનિષ્ટોની સામે પડ્યા હતા-લડ્યા હતા. સંઘ પરિવાર-જનસંઘ-ભાજપે જેનો ભરપૂર લાભ લીધો બિનકોંગ્રેસવાદ નકરું રાજકીય સર્જન હતો. તેને જન્મ અને બળ આપવામાં બૌદ્ધિકો-વિચારવંતોનો મોટો ફાળો હતો. લોહિયા-જયપ્રકાશ જેવા કેટલાક બૌદ્ધિક અને જનસંપર્ક ધરાવતા નેતાઓ બિનકોંગ્રેસવાદના મૂળમાં હતા, જેની મબલખ ફસલ સંઘ પરિવારની સંસ્થાઓએ ઉતારી.

કટોકટી બિનકોંગ્રેસવાદ માટે ભરતીનો સમય બની. છતાં, મોટા ભાગના ટૂંકી દૃષ્ટિના, સ્વાર્થી નેતાઓનો શંભુમેળો કોંગ્રેસનો વિકલ્પ બની શક્યો નહીં અને ફરી એક વાર વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધી લમણે લખાયાં. અલબત્ત, નરેન્દ્ર મોદીના કથિત વિકાસપ્રેમનાં વખાણ કરનારો આખો વર્ગ છે, તેમ ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં વખાણ કરનારો વર્ગ પણ હતો. અત્યારે જેમ વિકાસના ગુલાબી ગાલીચા તળે લોહીના ડાઘથી માંડીને કુશાસના ઉકરડા ઢાંકી દેવાય છે, તેમ કટોકટી વખતે ટ્રેનો સમયસર આવે એનાથી પ્રભાવિત થઇને કટોકટીને નજરઅંદાજ કરનારા કે તેનાં વખાણ કરનારા લોકો પણ હતા. સરકારની આંખમાં આંખ મિલાવીને સવાલ પૂછવાને બદલે એનીમર્દાનગી’ (ન્યૂસન્સ વેલ્યુ)થી બીવાની જાણે લોકોને મઝા આવતી હતી. કટોકટી વખતે જનસંઘના લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું,‘(સરકારે) લોકોને ઝૂકવાનું કહ્યું ને લેટી પડ્યા.’ નરેન્દ્ર મોદી વધારેકાર્યક્ષમનીકળ્યા. એમણે દેખીતી કટોકટી લાદ્યા વિના, વિકાસની વાતો અને કોમી દ્વેષના સંયોજનથી એવું રસાયણ નીપજાવ્યું કે લોકો ઝૂકવા-લેટવા ઉપરાંત ભાન ભૂલીને ઝૂમવા લાગ્યા.

૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા સાથે ઇંદિરાયુગનો કરુણ અંત આવ્યો. તેના પગલે શીખ હત્યાકાંડ થયો અને રાજીવ ગાંધીએ તેમનું કુખ્યાત બનેલું નિવેદન આપ્યું, ત્યારે બૌદ્ધિકો ચૂપ હતા. પીપલ્સ યુનિઅન ફોર સિવિલ લીબર્ટી જેવી સંસ્થાઓએ શીખ હત્યાકાંડ વિશે વિગતે અહેવાલ તૈયાર કર્યો હતો. તેમાં ચાવીરુપ ભૂમિકા ભજવનાર પ્રો.રજની કોઠારી પ્રત્યે કૃતજ્ઞતાને કારણે શીખ ટેક્સી ડ્રાયવરો તેમની પાસેથી ભાડું લેવાની આનાકાની કરતા હતા, એવું ધીરુભાઇ શેઠ જેવા પ્રો.કોઠારીના સાથીદારો પાસેથી સાંભળ્યું છે.

પાયામાં કોમવાદના બહુ મોટા તફાવતને બાદ કરતાં, કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ખાસ જુદું હતું. છતાં, ભાજપ પાસે સત્તા આવી ત્યાં સુધી એમની વચ્ચે બહુ ફરક હોવાનો આભાસ ટકેલો રહ્યો. બધાં પ્રકારનાં પાપ કોંગ્રેસે અગાઉ કરેલાં હોવાથી, ભાજપેવોટઅબાઉટીઝમ’ (‘ત્યારે-તમે-ક્યાં-હતા?’વાદ)ને પોતાના આક્રમક પ્રચાર અને કહેવાતી ચર્ચાઓનું કેન્દ્રવર્તી સૂત્ર બનાવી દીધું. તમામ બાબતોમાં કોંગ્રેસના પગલે ચાલવા છતાં, ઘણી બાબતોમાં ભાજપે નવા રેકોર્ડ બનાવ્યા. શેરીમાંથી ઉભો થયેલા, ગાંધીવિરોધી-મુસ્લિમવિરોધી-ખ્રિસ્તીવિરોધી માનસિકતાવાળી માતૃસંસ્થા ધરાવતા પક્ષ તરીકે ભાજપે સવાઇ બેશરમીથી બધાં કરતૂત આચર્યાં. (જેમ કે, કોંગ્રેસે ૧૯૮૪માં શીખ હત્યાકાંડ પછી ગૌરવયાત્રા કાઢી હતી. નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં ગુજરાતની કોમી હિંસા પછી વર્ષે ગૌરવયાત્રા કાઢી)   બાબતે ભાજપ-સંઘના નેતાઓ કે સમર્થકોનો કાંઠલો પકડવામાં આવે ત્યારે તેમની પાસે જવાબરૂપી સવાલ તૈયાર હતો : ‘ત્યારે તમે ક્યાં હતા?’

સવાલની બાળાગોળીનું ભાજપ-સંઘ દ્વારા ધૂમ વિતરણ થયું. લોકોએ તેના પર ચોંટાડેલું રાષ્ટ્રવાદનું લેબલ વાંચીને હોંશેહોંશે પીધી અને તેની અસરમાં આવીને પણત્યારે તમે ક્યાં હતા?’ પૂછતા થઇ ગયા. તેના વિસ્તાર તરીકે ઘણા લોકો અત્યારે એવોર્ડ પાછા આપનારા લેખકોની ટીકા પર અનેએવોર્ડ સાથે રૂપિયા પાછા આપ્યા કે નહીં?’ એવી અસંબદ્ધ ચર્ચા પર ઉતરી આવ્યા છે. પરંતુ જે કારણથી એવોર્ડ પાછા અપાઇ રહ્યા છે એની ચર્ચામાં તેમને રસ પડતો નથી. તેમની પાસે સવાલ તૈયાર છે : ‘કોંગ્રેસના રાજમાં આવું થયું ત્યારે તમે ક્યાં ગયા હતા?’

આવું પૂછનારાને સાદો સવાલ : પહેલાં તો કહો કે ચાલુ વર્તમાનકાળમાં બધું બની રહ્યું છે, ત્યારે તમે ક્યાં છો? તમે સ્થાપિત હિત ધરાવતા રાજનેતા કે તેમના પેઇડ પ્રચારક નથી, તો તમે કેમ ભૂતકાળની ઓથે ભરાઇને વર્તમાનની શરમ ઢાંકવા કે એને વાજબી ઠરાવવા કોશિશ કરો છો? કોંગ્રેસી શાસન વખતે વાજબી રીતે પ્રગટેલો ભ્રષ્ટાચારવિરોધનો ઉત્સાહ વ્યાપં ને લલિત મોદીની વાત આવે ત્યારે કેમ ગલ્લાંતલ્લાં પર કે ટેક્નિકલ બાબતો પર ઉતરી અને કંઇ સૂઝે ત્યારેતમે ક્યાં હતા?’ પર ઉતરી જાય છે?

કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી આપ, સરવાળે તે એટલાં સીધાં છે, જેટલાં તેમને રાખવામાં આવે. આપણું કામ એમના ચગડોળે ચડવાનું કે એમનાવોટઅબાઉટીઝમના ચીયરલીડર બનવાનું નથી. તેમની પાસેથી જવાબો માગવાનું છે. એવોર્ડ પાછા આપનારા લેખકો પાસેથી જવાબ માગવામાં રાખ્યો, એનાથી અડધો ઉત્સાહ સત્તાધીશો પાસેથી જવાબ માગવાનો રાખ્યો હોત તો?

પર વો દિન કહાં...                                                                

2 comments:

  1. Anonymous9:47:00 PM

    Nice Article.

    ReplyDelete
  2. Anonymous9:49:00 PM

    Good to see some logical question being raised about doings of this government. At least in Gujarat, people seem to have converted themselves in being cheerleaders for BJP and Modi. Hope this doesn't happen at National level and people continue to ask legitimate question.

    ReplyDelete