Wednesday, October 07, 2015

ભદ્રંભદ્ર (5) : બ્રેકિંગ ન્યૂઝના બાપ?

ચેનલની ઓફિસમાં ભદ્રંભદ્ર અને અંબારામ આસપાસનું વિશ્વ પહોળી આંખે જોઇ રહ્યા. ડેસ્ક પર હારબંધ માણસો કમ્પ્યુટર સ્ક્રીન સામે બેઠેલા હતા. ભદ્રંભદ્રે જિજ્ઞાસાવશ પૂછ્‌યું,‘અંબારામ, આટલા બધા યુવકો લંબચોરસ દર્પણો સામે ત્રાટક કરી રહ્યા છે, એ કોઇ નવતર યોગવિદ્યા છે? અરીસામાંથી આવતો તેજપુંજ દિવ્ય ભાસે છે, કિંતુ તેની સન્મુખ બેસનારાની અર્ધભ્રમિત દશા જોતાં તે સુધારાવાળાએ ઊભી કરેલી સંમોહિની હોવાનો સંભવ વધારે છે.

મહાભારતના યુદ્ધનો અહેવાલ આપવા પૂરતાં સંજયને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયાં હતાં, તેમ ભદ્રંભદ્ર સરખા સનાતનધર્મયોદ્ધાના સાથી તરીકે અંબારામ પાસે કળિયુગનું-સુધારાનું સંપૂર્ણ જ્ઞાન હતું. તેમણે કહ્યું, ‘આ યંત્રો સમસ્ત બ્રહ્માંડને સુધારાથી ભ્રષ્ટ કરવા માટેનાં સુધારાવાળાનાં મુખ્ય અસ્ત્ર છે. તેના વિશ્વવ્યાપી જાળા- વર્લ્ડ વાઇડ વેબ-થી સનાતન ધર્મ એવી દશામાં આવી પડ્યો છે, જેમ કરોળિયાના જાળામાં સપડાયેલું પામર જંતુ.

અંબારામના મુખેથી ચિંતાભર્યાં વચન સાંભળીને ભદ્રંભદ્રે કમ્પ્યુટરનાં માઉસ તરફ આંગળી ચીંધી અને કહ્યું,‘હતાશ થવાની જરૂર નથી. શ્રી ગણેશજીની પ્રતિમા જેમ મૂષકરાજ વિના અધૂરી ગણાય, તેવું જ આ યંત્રોનું પણ પ્રતીત થાય છે. તે દરેકની સાથે શ્યામ મૂષકો (માઉસ) સ્થાપિત છે. તેમાંથી કેટલાક તો, સંભવતઃ કુપોષણને કારણે, શ્વેત પણ દીસે છે. હે અંબારામ, સનાતન ધર્મ ભ્રષ્ટ કરવા માટે પણ સનાતન ધર્મના ચરણે આવવું અનિવાર્ય બને, એવો મોટો તેનો પ્રતાપ છે. સનાતન ધર્મનો જય...આરક્ષણનો ક્ષય...

ઓફિસમાં અચાનક સૂત્રોચ્ચાર સાંભળીને થોડા લોકોનું ધ્યાન એ તરફ ગયું, પણ વાત વધે તે પહેલાં તેમને સાથે લઇ આવેલો પત્રકાર પ્રગટ થયો. તેણે હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો, પણ કમ્પ્યુટરો પર સનાતન ધર્મના વિજયથી ભદ્રંભદ્ર ઉત્સાહમાં આવી ગયા હતા. તેમણે પત્રકારને કહ્યું,‘અમને વક્તવ્ય આપવા માટે નિમંત્રિત કર્યા પછી મૌન રહેવાનું સૂચિત કરવામાં કેવળ વચનભંગ નહીં, વિવેકભંગ, પરંપરાભંગ અને સંસ્કૃતિહ્રાસ પણ છે.

ચેનલ-પત્રકારને થયું, આ ભાઇનો કેસ પણ આપણા નેતાઓ જેવો લાગે છેઃ એમના ધોતિયાનો છેડો ભરાઇ જાય તો સનાતન ધર્મ ખતરામાં ને ઘડીક ચૂપ રહેવાનું કહીએ તો સંસ્કૃતિહ્રાસ થાય.

પણ હજુ કાર્યક્રમનું રેકોર્ડિંગ બાકી હતું. એટલે તેણે વિવેકથી ભદ્રંભદ્રને કહ્યું, ‘તમારે બોલવાનું જ છે, પણ અમે કહીએ ત્યાં.અંબારામે તેનો અનુવાદકરતાં ભદ્રંભદ્રને કહ્યું,‘અનધિકારી શ્રોતાગણ સમક્ષ વક્તવ્ય કુપાત્રે દાન સમાન અને તેથી શાસ્ત્રનિષિદ્ધ છે.

શાસ્ત્રની વાત આવતાં ભદ્રંભદ્રો કાં ઉછળી ઉછળીને બોલવા લાગે, કાં શાંત પડી જાય. આ વખતે એ શાંત પડી ગયા અને પત્રકાર સાથે તેના સાહેબની કેબિનમાં પહોંચ્યા. સાહેબે બન્ને મહાપુરૂષોને બેસવા કહ્યું.પછી ભદ્રંભદ્ર સાહેબને અને ખાસ તો, સાહેબ ભદ્રંભદ્રને એવી રીતે જોઇ રહ્યા, જેમ પ્રાણીબાગમાં પહેલી વાર ગયેલું બાળક હિપોપોટેમસને જુએ. એના માટે પરસ્પરનું કદ નહીં, તેમની ભિન્નતા કારણભૂત હતી.

ક્યાંથી આવો છો? શું કરો છો? કઇ સંસ્થા?’ ચેનલના સાહેબે આશ્ચર્ય શમ્યા પછી પૂછ્‌યું.

હે મૂઢમતિ, આર્ય પરંપરાનુસાર અમારો યથોચિત આદરસત્કાર કર્યા વિના કે અમારી સનાતનધર્મપ્રીતિનીતિરીતિભીતિ...


કીતિખીતિગીતિઘીતિ..આખો કક્કો ઠોકી દો. એટલે પાર આવે.ચેનલના સાહેબે ભદ્રંભદ્રને વચ્ચેથી અટકાવીને ઘાંટો પાડ્યો, ‘આ શું માંડ્યું છે? જે કહેવું હોય એ ગુજરાતીમાં કહો. મારી પાસે ટાઇમ નથી.અને પત્રકાર તરફ જોઇને કહ્યું,‘તું ક્યાંથી...

‘...આવા ને આવા પકડી લાવે છેએટલો ભાગ બોલાયા  વગરનો રહ્યો. કેમ કે, અંબારામે મોરચો સંભાળી લીધો. તેમણે કહ્યું,‘આર્ય ભદ્રંભદ્ર અનામતને જડમૂળમાંથી ઉખાડી નાખવા માટે ખાસ પધાર્યા છે. રેલી પછી ભરાનારી સાંજની સભામાં સ્ટેજ પરથી એ અનામતપ્રથાનો અંત આણી દેવાના છે. કોઇને આ વાતની ખબર નથી. છતાં, તમને ન ફાવે તો અમે બીજી ચેનલમાં...

એ સાંભળીને ચેનલનો સાહેબ ખુરશીમાંથી અડધો ઊભો થઇ ગયો. શું વાત કરો છો?’ અને પત્રકાર તરફ જોઇને ઉત્સાહ-છલકાતા અવાજે કહ્યું,‘આ તને ક્યાં મળી ગયા? આ તો બ્રેકિંગ ન્યૂઝનો બાપ છે.

ભદ્રંભદ્રે શાંતિથી કહ્યું,‘મહાશય, એક બાલબ્રહ્મચારીને કોઇના પિતૃપદે સ્થાપવાનું ઉભય પક્ષે અનુચિત છે.

અરે યાર, આ માણસને કોઇ બંધ રાખો.ચેનલનો સાહેબ બરાડ્યો. જોકે, તેને આ એક જ રીતે વાત કરતાં ફાવતું હતું, એ જાણતો પત્રકાર જરાય વિચલિત ન થયો. તેણે કહ્યું,‘સાહેબ, એમને બંધ કરીશું, તો આપણે ચલાવીશું શું? અનામતમાં એકનું એક જોઇને લોકો કંટાળ્યા છે. આપણે અનામતના મુદ્દે આ મહારાજનો ઇન્ટરવ્યુ રેકોર્ડ કરી નાખીએ. સાંજની સભામાં અનામતને ઉખાડી નાખવા માટે તે અચાનક પ્રગટ થાય અને મંચ કબજે કરી લે, ત્યારે બીજી કોઇ ચેનલને એમના વિશે કશી ખબર નહીં હોય. એ બધા આ મહારાજ વિશે જાણવા ઘાંઘા થયા હોય અને એ જ વખતે આપણી ચેનલ પર એમની વિશેષ મુલાકાત વાગતી હોય...કેવું રહે?’

એ સાંભળીને સાહેબનો ચહેરો, લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી એ પ્રમોશનનો ઓર્ડર આવી ગયો હોય એવો, હસું હસું થઇ ગયો.આઇડીયા તો જોરદાર છે, પણ આ...પછી વિશેષણો મનમાં રાખીને કહ્યું,‘આ... મહારાજ આપણા કહ્યામાં રહેશે?’

એની ચિંતા ન કરશો.પત્રકારે કહ્યું,‘અમારે વાત થઇ ગઇ છે. હું જ એમને સાંજની રેલીમાં લઇ જવાનો છું.

આ સ્ટોરી ચાલી જાય તો તારું ઇન્ક્રીમેન્ટ પાકું.સાહેબે વરદાન-મુદ્રામાં કહ્યું. પછી તરત સાહેબ-મુદ્રામાં આવીને કહે,‘હવે રેકોર્ડિંગની તૈયારી કરો. પેલી એન્કર સાથે તું વાત કરી લે. એને કહી દેજે કે જરાય દોઢડહાપણ ન કરે. આ સ્ટોરીમાં કંઇ પણ આડુંઅવળું થયું તો એને જ નહીં, તને પણ...

પત્રકાર સમજી ગયો. તેણે લાગ જોઇને, પોતાની પાસે રહેલા ભદ્રંભદ્ર જેવા હુકમના પત્તાના જોરે કહ્યું,‘સાહેબ, બહુ વખતથી મારે તમને એક સૂચન કરવું છે. સારી દેખાવા માગતી દરેક સંસ્થાનો એક ધ્યેયમંત્ર હોય છે. એવી રીતે આપણી ચેનલ માટે પણ મને એક ધ્યેયમંત્ર સૂઝ્‌યો છે.

સાહેબે પત્રકારની સામે નજર નોંધી, એટલે એણે કહ્યું,‘એ મંત્ર છે : ‘...નહીંતર કાઢી મૂકીશ.આપણે આ મહારાજ જોડે એ સુવાક્યનું સંસ્કૃત કરાવીને ચેનલના લોગો સાથે મૂકી દઇએ તો?

ભદ્રંભદ્રની રોકડી કેમ કરવી, તેના વિચારોમાં ગૂંથાયેલા સાહેબે ઘૂરકિયાં કાઢવાનું મોકૂફ રાખીને કહ્યું,‘ઠીક છે, ઠીક છે, હવે આમના ઇન્ટરવ્યુનું કામ આટોપી લો. હું એ સ્લોટ માટેની જાહેરખબરોનો વહીવટ પાડું છું. પેલા માર્કેટિંગવાળા ડાયનોસોરને અંદર મોકલ.

(ક્રમશઃ)

2 comments:

  1. Anonymous9:24:00 AM

    થોડા દ્યિવસ પહેલાં મુરબ્બી ગુણવંત શાહનો ખુલ્લો પત્ર ભાસ્કરમાં છપાયો હતો.. નરેન્દ્ર મોદીના નામે..... અેના વિશે કંઇક પ્રકાશ નાંખશોજી

    ReplyDelete
  2. Bharatkumar Zala10:35:00 AM

    એ પત્રમાં વિરોધનો સુર ગુણવંત સહજ મોળો હતો . એને ગોપીભાવ કહી શકાય.

    ReplyDelete