Tuesday, October 06, 2015

ઉત્તર પ્રદેશમાં ગુજરાત મોડેલનો પરચો

વાત ઉત્તર પ્રદેશની છે. ગામમાં એક મુસ્લિમ પરિવારે ગોમાંસ ખાધું હોવાની અફવા ઉડી. ગાયની હત્યાની વાત પણ તેની સાથે ભળી. ગામના મંદિરના માઇક પરથી એ મતલબની જાહેરાત થઇ. ત્યાર પછી ઉશ્કેરાયેલું ટોળું રાત્રે સાડા દસ વાગ્યે એ મુસ્લિમ પરિવારના ઘરમાં ધૂસી ગયું અને તોડફોડ મચાવી. તપાસદરમિયાન રેફ્રિજરેટરમાંથી માંસ મળી આવતાં ગાળાગાળી અને પછી શારીરિક હુમલો. ૫૦ વર્ષના મહંમદ અખલાક પર ટોળું ફરી વળ્યું. એમનું ત્યાં જ મૃત્યુ થયું. મહંમદ અખલાકના ૨૨ વર્ષના યુવાન પુત્ર દાનિશને ગંભીર ઇજા થઇ અને આ લખાય છે ત્યારે તેની સ્થિતિ હજુ નાજુક જ છે.

ખોટું કહેવાય, પણ આવું તો ચાલ્યા કરે. અઠવાડિયા જૂની અને એ પણ ઉત્તર પ્રદેશની વાતનું અહીં ગુજરાતમાં શું છે?’ એવું કોઇને થઇ શકે. અમેરિકામાં વડાપ્રધાન ફેસબુકની ઓફિસની વાસ્તવિક વૉલ (દીવાલ) પર અહિંસા પરમોઃ ધર્મ, સત્યમેવ જયતેનો સંદેશો લખી આવ્યા હોય, ત્યાં આવી નાનીમોટીઘટનાઓથી રંગમાં ભંગ પડતો હોવાનું પણ લાગે. છતાં, એ વિશે વાત કરવી જરૂરી છે. કારણ કે ત્યાર પછી જે થયું તે ગુજરાત મોડેલની યાદ અપાવે એવું છે.

આ બાબતમાં ગુજરાત મોડેલએટલે શું? તેનો ટૂંકો જવાબ છે : શરમજનક ઘટના બન્યા પછી, તેની નૈતિક જવાબદારી સ્વીકારવાને બદલે, ક્રિયા-પ્રતિક્રિયાની વાત કરવી, શરમાવાને બદલે તેમાંથી ગૌરવની રાજકીય મૂડી ઊભી કરવી, ભલું હોય તો ગૌરવયાત્રા પણ કાઢવી, પીડિતોને ન્યાય મળે એ માટેની કટિબદ્ધતા રાખવી કે દેખાડવી નહીં, ઊલટું ન્યાયના રસ્તામાં અવરોધ ઊભા કરવા, ન્યાય માટે લડનારાને કોમવાદી ગણાવી દેવી અને ગઇગુજરી ભૂલીને વિકાસ-પ્રગતિના રસ્તે સદ્‌ભાવનાપૂર્વક આગળ વધવાની વાતો કરવી.

ગુજરાત મોડેલની આ વિગતોને મનમાં રાખીને, દાદરીમાં શું બન્યું તે જુઓ : આદર્શ મુસ્લિમતરીકે અબ્દુલ કલામનાં ગુણગાન ગાનાર ભાજપના ઉત્તર પ્રદેશના નેતાઓએ એવો સંકેત આપ્યો કે મહંમદ ઇખલાકના ઘરમાંથી ગોમાંસ મળી આવે તો એ તેમનો વાંક કહેવાય. તેમણે એમ પણ સૂચવ્યું કે મહંમદ ઇખલાકની હત્યાના આરોપીઓ સામે હત્યાનો નહીં, પણ ઇરાદા વિના થયેલી હત્યાનો આરોપ લગાડવો જોઇએ. કાયદો અને ન્યાયપ્રક્રિયાની તેમની સમજ કેટલી ઊંડી કહેવાય! ફક્ત તે બીજાને લાગુ ન પડે એટલું જ. પશ્ચિમી ઉત્તર પ્રદેશના ભાજપી ઉપપ્રમુખે એવું પણ કહ્યું કે મહંમદ ઇખલાકનું મૃત્યુ ટોળાના હુમલાની ઇજાથી નહીં, પણ પુત્રના મૃત્યુને લગતા ખોટા સમાચાર કોઇએ આપ્યા, તેના આઘાતથી થયું. તેમણે કહ્યું આવું તો રોજ થાય છે. આપણે કોઇની લાગણી દુભાવીએ ત્યારે ઘર્ષણ થાય. આ બનાવ જરાય કોમવાદી ન હતો. હિંદુઓ ગાયની પૂજા કરે છે. ગાયની કતલ જોઇને કયા હિંદુનું લોહી ઉકળી ન ઉઠે?’ દાદરી મતક્ષેત્રના ભૂતપૂર્વ ભાજપી ધારાસભ્યે કહ્યું કે ખૂનના આરોપસર પકડાયેલા છોકરા હકીકતમાં નિર્દોષ છે ‌ને ગૌહત્યા જેવી ગંભીર બાબતથી તે ઉશ્કેરાઇ ગયા હતા.

સામાન્ય સંજોગોમાં આ પ્રકારનાં નિવેદન કે વલણને સ્થાનિક નેતાના પ્રલાપ ગણીને બહુ વજન ન આપીએ, પણ ગુજરાત મોડેલનો નજદીકી પરિચય ધરાવતા લોકો જાણે છે કે આ પ્રકારના પ્રતિભાવ માટે  ઉપરના આદેશથી ન હોય તો પણ, સામાન્ય રીતે તેને ઉપરથી છાવરવામાં આવે છે. ભારતના સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા મહંમદ અખલાકના પરિવારને મળી આવ્યા. (આ ગામ તેમના લોકસભા મતવિસ્તારમાં આવે છે) તેમણે જાહેર કર્યું કે દાનિશને જે પ્રકારે ઇજા થઇ છે, તેની પરથી જણાય છે કે ટોળાનો ઇરાદો હત્યા કરવાનો ન હતો. ઉપરથી તેમણે કહ્યું કે એ વખતે ઘરમાં ૧૭ વર્ષની છોકરી હાજર હતી, પણ એને કોઇએ આંગળી સુદ્ધાં અડાડી નથી. મહંમદ અખલાકના મૃત્યુને તેમણે એક્સિડેન્ટગણાવીને વાતને કોમી વળાંક ન આપવા કહ્યું...અને આવાં બેહૂદાં નિવેદન પછી તે દેશના સાંસ્કૃતિક મંત્રીના હોદ્દે ચાલુ છે. એટલું જ નહીં, તેમને ઠપકાના બે શબ્દ કહેવાની પણ તેમના પક્ષના ઉપરીઓને જરૂર લાગી નથી.

એક મોરચે બેશરમ બચાવપ્રવૃત્તિ ચાલે છે, ત્યારે ઉત્તર પ્રદેશની કોમી હિંસામાં સંદેહાસ્પદ ભૂમિકા ધરાવતા તેના ધારાસભ્ય સંગીત સોમે બીજા છેડેથી આક્રમણની વ્યૂહરચના અમલમાં મૂકી દીધી છે. તેમણે પકડાયેલા છોકરાઓની નિર્દોષતાનું ગાણું શરૂ કરીને, સમાજવાદી પક્ષની સરકાર પર આરોપો મૂકવાનું શરૂ કરી દીઘું છે. સચ્ચાઇ અને ન્યાયની તેમની લડાઇમાં મહંમદ અખલાક પરિવારનો સમાવેશ થતો નથી. એ ફક્ત પકડાયેલા આરોપીઓ પૂરતી મર્યાદિત છે.

વિશ્વના તખતે અહિંસાના પૂજારીની નવી ભૂમિકામાં રજૂ થઇ રહેલા અભિનયસમ્રાટ, ટ્‌વીટરબહાદુર વડાપ્રધાનને આ શરમજનક ઘટનાક્રમ વિશે શું કહેવાનું છે? કશું જ નહીં અને એ પણ ગુજરાત મોડેલનો જ ભાગ છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીપદ દરમિયાન જ્યારે પણ આ પ્રકારના બનાવો બને અને તેમને સ્ટેન્ડ લેવાનું થાય અથવા અઘરા સવાલના જવાબ આપવાના થાય, ત્યારે મોદી મૌનમાં સરી પડતા હતા. તેમને સમજાઇ ગયું હતું કે થોડો સમય ચૂપ રહેવાથી લોકો ભૂલી જશે અને પછી તેમને કોઇ નવો ઘૂઘરો આપીશું, એટલે તે રાજી થઇને એનાથી રમવા લગી જશે. પોતાની આંતરરાષ્ટ્રિય છબીની અને સત્ય-અહિંસાની દેખાડાબાજીમાં રાચતા વડાપ્રધાન કદાચ ભૂલી ગયા હશે કે લોકસભા ચૂંટણીપ્રચાર વખતે તેમણે ગૌહત્યાના મુદ્દાને ભરપૂર ચગાવ્યો હતો. કોંગ્રેસ પર પિંક રિવોલ્યુશનનો અને આડકતરી રીતે ગૌહત્યાને ઉત્તેજન આપવાનો આરોપ મૂકીને હિંદુઓને ઉશ્કેરતાં તેમને જરાય ખચકાટ થયો ન હતો. હવે એ વલણ વિશે અફસોસ વ્યક્ત કર્યા વિના કે તેના વિરોધમાં ખોંખારીને બોલ્યા વિનાસત્ય-અહિંસાનો દંભ કરતાં તેમને જરાય ખચકાટ થતો નથી.

વડાપ્રધાન તો ઠીક, પક્ષના પ્રમુખ અને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની ભવ્ય જીતના શિલ્પી મનાતા અમિત શાહ પણ આ મુદ્દે કંઇ બોલ્યા હોય તો એ જાણવા મળ્યું નથી. આજકાલ બિહારની ચિંતામાં અને સ્કૂટી સાથે બે વર્ષનું પેટ્રોલ ફ્રી આપવાની સ્કીમોમાં પડેલા અમિત શાહે લોકસભાના ચૂંટણીપ્રચાર વખતે (ગુજરાત મોડેલ પ્રમાણે) હિંદુઓની ઉશ્કેરણી કરવામાં કશું બાકી રાખ્યું ન હતું. ચૂંટણીપંચે પણ તેમને ટોકવા પડ્યા હતા. ચૂંટણી પહેલાંના અરસામાં મુઝફ્‌ફરનગરમાં કોમી હિંસા થઇ હતી અને સમગ્રપણે ઉત્તર પ્રદેશમાં પણ કોમી તનાવના ઘણા બનાવ નોંધાયા હતા. મુઝફ્‌ફરનગરની કોમી હિંસાની તપાસ માટે નીમાયેલા પંચે ગયા મહિને ભાજપ અને સમાજવાદી પક્ષ બન્નેને કોમી ઉશ્કેરણી માટે દોષી ઠરાવ્યા છે.

મુસ્લિમોના હિતેચ્છુ હોવાનો જૂઠો દાવો કરતો સમાજવાદી પક્ષ પણ ઓછો નથી. મહંમદ અખલાકની હત્યા પછી સમાજવાદી સરકારના તંત્રે શું કર્યું? મહંમદ અખલાકના રેફ્રિજરેટરમાંથી મળી આવેલું માંસ ગાયનું છે કે નહીં, તેની તપાસ કરવા માટે તેનો નમૂનો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યો. અહેવાલો પ્રમાણે એ નમૂનો ગૌમાંસનો ન હતો. પરંતુ ધારો કે એનો જ હોત તો? ટોળાંને મહંમદ ઇખલાકની હત્યા કરવાનું લાયસન્સ મળી જાત? ટોળાંએ અવિચારી ઝનૂનથી આચરેલું આ કૃત્ય વાજબી ઠરી જાત?


આવું કંઇ પણ બને ત્યારે વળતર અને કોમી ધ્રુવીકરણના શોરબકોરમાં ન્યાય માટે લડવાનું ન કોઇ રાજકીય પક્ષોને યાદ આવતું નથી. એ ફક્ત ગુજરાત મોડેલ નહીં, એ ભારત મોડેલ છે.

2 comments:

  1. બિહાર અને યુપીમાં ગમે તેટલો કાદવ કીચડ ફેલાવીને કમળ ખીલવ્યા પછી રાજ્યસભા અંકે કરવાની નેમ છે.. અને તો જ તેમનું અને તેમના સાથીઓનું "દિવાસ્વપ્ન" સાકાર થાય તેમ છે...પણ આવું કરતા આ દેશના શું ચિંથરેહાલ થશે તે સૌ કોઈ ભારતીય નાગરિકે વિચારવાનો સમય પાકી ગયો છે..બાય ધ વે .. દાદરી ઘટના વિષે ફેસબુક પર રીન્કી દાસની પોસ્ટ રુપેની સટીક ટીપ્પણી ઘણું બધું કહી જાય છે..આ રહી તે...

    रिंकी दास
    1 October at 08:54 ·
    सवाल गाय में आस्था का होता तो अल कबीर जैसे मीट प्लांट में आग लगाते, सवाल आस्था का होता तो ऋषि कपूर जैसो के घर मे घुसकर तोड़ फोड़ करते,सवाल आस्था का होता तो किरण रिज़्ज़ु जैसा मंत्री तुम्हारी अपनी सरकार मे अब तक ना होता,सवाल आस्था का होता तो एक कथित हिंदूवादी सरकार देश को नम्बर एक ना बना पाती बीफ एक्सपोर्ट में, सवाल आस्था का होता तो गाय सड़क पर कूड़ा खाती ना फिरती। पर यहा सवाल आस्था का नही नफरत का था।

    ReplyDelete
  2. Totally unacceptable...

    ReplyDelete