Wednesday, October 14, 2015

છબછબિયાં ચેનલ પર ‘ભદ્રેશભાઇ’ (ભદ્રંભદ્ર)નો ઇન્ટરવ્યુ

ચેનલનો પત્રકાર ભદ્રંભદ્ર-અંબારામને લઇને સ્ટુડિયોમાં પહોંચ્યો. સ્ટુડિયોની બહાર પગરખાં કાઢવાનાં થયાં, એટલે ભદ્રંભદ્ર દિશાઓ ગજાવતાં ફરી એક વાર પોકારી ઉઠ્યા, સનાતનધર્મનો જય. તેમણે અંબારામને કહ્યું, ‘શુભ કાર્યારંભ પૂર્વે કૃત્રિમ ચરણાવરણને વર્જ્ય ગણવું તે યજ્ઞાદિ કરતા ૠષિમુનિઓની એવમ્‌ સનાતન ધર્મની પરંપરા છે. તેનાથી સુધારાભ્રષ્ટ સમાચારવાહિનીના સંચાલકો પણ જ્ઞાત છે, તે હર્ષનો કિંવા આર્યધર્મ માટે ગૌરવનો વિષય છે.

’કૃત્રિમ ચરણાવરણ’ કહેતાં બૂટ બહાર કાઢીને પત્રકાર બધા સાથે અંદર પહોંચ્યો. ત્યાં એન્કર કાર્યક્રમની તૈયારી કરતી હતી--એટલે કે વઘુ એક વાર પોર્ટેબલ અરીસામાં પોતાનો ચહેરો તપાસતી હતી. તેની સાથે મહેમાનોની ઓળખાણ કરાવતાં પત્રકારે કહ્યું, ‘હી ઇઝ મિસ્ટર ભદ્રમ્‌, આઇ મીન અભદ્ર, આઇ મીન...

આઇ નો, યુ આર વેરી મીનએન્કર ગણગણાટ જેવા અવાજમાં બોલી અને દર્શકમિત્રોમાટે અનામત રાખેલું પોણા ત્રણ સેન્ટીમીટર લંબાઇનું હાસ્ય વેરીને તેણે ભદ્રંભદ્ર સામે હાથ લંબાવ્યો. બ્લેઝર અને પેન્ટમાં સજ્જ એન્કરને જોઇને ડઘાઇ ગયેલા ભદ્રંભદ્ર પોતાની જગ્યાથી બે ડગલાં પાછા હઠી ગયા. તેમના ચહેરાના અણુએ અણુમાં અણુબોમ્બ ફૂટ્યા હોય એવો ભાવ પથરાયો. ગુસ્સાથી રૂંધાયેલા સ્વરે તેમણે અંબારામને કહ્યું,‘શો કલિયુગ. શો કલિયુગ. સ્ત્રીપુરૂષનો બાહ્ય સ્વરૂપભેદ નષ્ટપ્રાય કરવાની સુધારાવાળાની કુટિલતા ઘોર નિંદાને પાત્ર છે. આ નરવસ્ત્રધારિણી માદાને વિદિત થાય કે તેની સાથે વાર્તાલાપ કરીને સનાતન ધર્મના અધઃપતનમાં સહભાગી થવાને બદલે મારા માટે વિષપાન શ્રેયસ્કર છે.

એન્કરને આ બધું બમ્પર ગયું, પણ ન સમજાય એના વિશે ખચકાયા વિના બોલવાની ટીવીમાં ટેવ પડી જાય છે. તેણે આત્મવિશ્વાસનું લેવલ જરા પણ નીચું લાવ્યા વિના કહ્યું,‘સોરી સર, અહીં તમે વીસ પાન તો શું, એક પાન પણ નહીં ખાઇ શકો. આપણે રેકોર્ડિંગ ઝડપથી પતાવી દઇશું, બસ? પણ સ્ટુડિયોમાં પાન ખાવાની મનાઇ છે.

અંબારામે દાંત કચકચાવવાનો અવાજ બહાર ન સંભળાઇ જાય તેની તકેદારી રાખીને એન્કરને કહ્યું,‘એમણે વીસ પાન ખાવાની નહીં, ઝેર પીવાની વાત કરી.

ઓ..રીઅલી?’ એન્કરે ઉત્સાહથી કહ્યું,‘હાઉ એક્સાઇટિંગમારા શોમાં અનામતનો વિરોધ કરતાં આ મહારાજ ઝેર પી લે, સેટ પર જ ઢળી પડે, દોડાદોડ મચે, ૧૦૮ આવે, સાયરનો વાગે અને આ બઘું રેકોર્ડ થાય તો...તો એપિસોડ હિટ થઇ જાય.

વાત વણસે એ પહેલાં પત્રકારે એન્કરને અને અંબારામે ભદ્રંભદ્રને સમજાવીને બધાને સેટ પર ગોઠવી દીધા. ઇન્ટરવ્યુ ભદ્રંભદ્રનો હતો, પણ તેમના ગુજરાતીનો અનુવાદ કરવા માટે અંબારામને પણ સાથે બેસાડવામાં આવ્યા.  સાયલેન્સઅને કેમેરા રોલિંગજેવા શબ્દો સાથે રેકોર્ડિંગ શરૂ થયું.

હિંદીભાષી બરાડીયા એન્કરોના આરોહઅવરોહની ગંભીર નકલ કરતાં એન્કરે કહ્યું,‘ગુજરાતભરમાં ચાલી રહેલા અનામત આંદોલન આજે એક નવો વળાંક આવવા જઇ રહ્યો છે અને તે વળાંક લાવનાર મહાનુભાવ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમનું નામ છે... ભદ્ર..અંઅંઅં... ભદ્રેશભાઇ...અને આ ખુલાસો પહેલી વાર છબછબિયાં ચેનલ પર થવા જઇ રહ્યો છે. તો કેવો વળાંક લાવશે ભદ્રેશભાઇ અનામત આંદોલનમાં? જાણવા માટે બન્યા રહો અમારી સાથે...પણ તે પહેલાં લઇએ એક નાનો વિરામ.

ભદ્રંભદ્રનો ચહેરો રોષથી રાતો થઇ ચૂક્યો હતો, પણ અંબારામના ઇશારાથી તે સંયમ ધરીને બેસી રહ્યા. બ્રેક પછી ફરી એન્કરે બોલવાનું શરૂ કર્યું,‘ભદ્રેશભાઇ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.

રોષ ખાળીને કેમેરા તરફ પ્રણામની મુદ્રામાં જોઇને ભદ્રંભદ્ર બોલ્યા,‘સુજ્ઞ શ્રોતાગણ પ્રસન્નોસ્તુ. વિદિત થાય કે આ લોકમાં તેમ જ દેવલોકમાં ભદ્રેશભાઇ તરીકે નહીં, આર્ય ભદ્રંભદ્ર તરીકે હું વિદ્યમાન તેમ જ દૈદીપ્યમાન છું. કિંતુ આ નરવસ્ત્રધારિણી, સનાતનધર્મસંહારિણી, આર્યકુલકલંકિણી, ભાષાભિવ્યક્તિદ્રોહિણી એવી સમાચારવાહિનીઉદઘોષિણી પાસેથી શુદ્ધ નામોચ્ચાર અપેક્ષીને આર્યધર્મને કક્ષાચ્યુત કરવાના પાપમાં પડવા હું ઇચ્છુક નથી.

એન્કરને એટલી ખબર પડી કે આ મહારાજનું નામ ભદ્રેશભાઇ નથી, પણ એ નામથી બોલાવવામાં એમને વાંધો નથી. તેણે ભદ્રંભદ્ર સામે જોઇને કહ્યું, ‘અમારા દર્શકમિત્રો એ જાણવા બહુ આતુર છે કે તમે અનામત આંદોલનમાં અચાનક ક્યાંથી, કેવી રીતે આવ્યા?’

પ્રશ્નસ્ય અનૌચિત્યમભદ્રંભદ્રે કહ્યું.

પુરૂષોત્તમ?’ એન્કરના અવાજમાં ઉત્તેજના ભળી ગઇ, ‘યુ મીન, પુરૂષોત્તમ રૂપાલાએ તમને...?’

આડું ન વેતરાય એ માટે અંબારામ વચ્ચે પડ્યા, તેમણે કહ્યું,‘બહેન, આર્ય ભદ્રંભદ્ર કહેવા માગે છે કે તમે પૂછેલો પ્રશ્ન અસ્થાને છે.

એવું થોડું ચાલે?’ એન્કરે અવાજમાં આગ્રહ ભેળવીને કહ્યું,‘કાલે ઉઠીને તમે કહી દો કે અનામત આંદોલન જ અસ્થાને છે. તો અમારે શું કરવાનું? બીજી સ્ટોરીઓ ક્યાંથી કાઢવાની?’

ભદ્રંભદ્ર બોલ્યા,‘આંદોલન તો નહીં, કિંતુ આરક્ષણવ્યવસ્થા નિઃશંક અસ્થાને તથાપિ ઉચ્છેદનયોગ્ય છે. આર્યાવર્તના પ્રાણરૂપ જ્ઞાતિવ્યવસ્થા અને ઊંચનીચાદિને નામશેષ કરીને શુદ્રાદિને સમાન તક આપવામાં સનાતન ધર્મનો ઘોર અપરાધ થાય છે. સ્વયં પ્રભુએ પ્રાતઃકાલે સ્વપ્નમાં પ્રગટ થઇને આસુરી આરક્ષણપ્રથાનો ઉચ્છેદ કરવાનો મને આદેશ આપ્યો છે. તેના પાલન વિના સ્વર્ગલોકનાં દ્વાર મારા માટે સદૈવ વણખુલ્યાં રહેશે.

તો અનામત આંદોલનમાં ઝંપલાવવા પાછળ તમારો પણ પર્સનલ એજેન્ડા છે? તમે પણ દેશહિતના નામે તમારો સ્વાર્થ જ સાધવા માગો છો, મિસ્ટર ભદ્રેશ?’

ચેનલકન્યાના સવાલથી ભદ્રંભદ્ર બગડ્યા,‘હે અજ્ઞ કન્યકા, મારા વિધાનના પ્રમાણ તરીકે હું સાક્ષાત પ્રભુને આ અંકીય દૃશ્યશ્રાવ્યાંકનસંગ્રહિકા સમક્ષ ઉપસ્થિત કરી શકું છું. કિંતુ સમાચારવાહિની માટે મમ્‌ વાક્ય પ્રમાણમ્‌.

ચકરાયેલી એન્કરે મદદ માગતી નજરે અંબારામ સામે જોયું, એટલે તેમણે કહ્યું,‘અંકીય એટલે કે ડિજિટલ અને દૃશ્ય-શ્રાવ્યનું અંકન (રેકોર્ડિંગ) તથા સંગ્રહ (સ્ટોરેજ) કરતા કેમેરા. મતલબ કે, તમે ઇચ્છો તો આર્ય ભદ્રંભદ્ર સાક્ષાત્‌ ઇશ્વરને કેમેરા સામે હાજર કરી શકે.

એટલે એન્કરે એકદમ ટેન્શમાં આવીને કહ્યું,‘ના હોં સર, બીજા કોઇને પણ પ્રોગ્રામમાં બોલાવવા માટે સાહેબ સાથે વાત કરવી પડે. નહીંતર મારી નોકરી જતી રહે.

ભદ્રંભદ્રે ઇશારાથી તેને આગળનો સવાલ પૂછવા કહ્યું. એટલે એન્કરે કહ્યું,‘ધારો કે તમારાથી આરક્ષણ નાબૂદ ન થાય તો તમે શું કરશો?’

આરક્ષણઉચ્છેદન માટે હું શેષશાયી વિષ્ણુને જગાડી શકું છું, તાંડવમગ્ન શિવશંભુને થંભાવી શકું છું, જગત્‌પિતા બ્રહ્માને પડકારી શકું છું.ભદ્રંભદ્રે વીરરસમાં આવીને કહ્યું.

એ બધું તો ઠીક છે, પણ મુખ્ય મંત્રીને તમે કંઇ કરી શકો?’

જરૂર. તેમને મારાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો આરક્ષણનાબૂદીની શાસ્ત્રાજ્ઞા અનુસરવા તેમને બાધ્ય કરી શકું છું.

એ જ વખતે પત્રકારના મનમાં વિચાર ઝબક્યો, આ મૂર્તિને કોઇક રીતે મુખ્ય મંત્રી સાથે ભીડાવી દીધી હોય તો?’

(ક્રમશઃ)

No comments:

Post a Comment