Wednesday, June 13, 2012

બપોરની ઊંઘઃ તુમ જાગો, મૈં સો જાઉં


ઊંઘ કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના મનુષ્યજાતિને મળેલું દૈવી વરદાન છે. થર્ડ ડિગ્રી અજમાવતા કેટલાક પોલીસ ગુનેગારોને બેરહમીથી ઝૂડવાને બદલે ફક્ત ઉંઘવા ન દે, તો પણ ગુનેગાર રાડ પોકારી જાય છે. આ મહિમા થયો રાતની ઊંઘનો. પરંતુ અઘ્યાપકો અને બીજા કેટલાક લોકો જાણે છે કે રાતની ઊંઘ કરતાં પણ બપોરની ઊંઘ વધારે મૂલ્યવાન જણસ છે. રાતની ઊંઘ મૂડી છે, તો બપોરની ઊંઘ વ્યાજ છે. સામાજિક લેખો લખનારા-વાંચનારા સૌ જાણે છે કે લોકોને મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. 

રાતની ઊંઘ માનવ અધિકાર હોય, તો બપોરની ઊંઘ સુખીયાઓનો માનવ અધિકાર છે. સુખીયા સારા જગ હૈ, ખાવે ઔર સોવે, દુખીયા દાસ કબીર હૈ, જાગે ઔર રોવેએવું કબીરજીએ રાતની ઊંઘ માટે કહ્યું હતું કે બપોરની ઊંઘ માટે, એ ગહન ચર્ચા અને વાદવિવાદનો મુદ્દો છે. એમાં પણ કોઇ સેમિનારમાં જમ્યા પછીના સેશનમાં આ મુદ્દો ચર્ચવામાં આવે, તો લોકો શબ્દોના ખડકલાથી નહીં, પણ એમ્પિરિકલ એવીડન્સીસ’- પ્રત્યક્ષ પ્રમાણોથી સાબીત કરી શકે છે કે કબીરજીનો આ દોહો બપોરની ઊંઘ માટે છે.

બપોરની ઊંઘ બધાને નસીબ થતી નથી. તેના માટે કયા જન્મમાં કેટલાં પુણ્ય કરવાં પડે, તેના સમીકરણની શોધ ચાલુ છે. એ માથાકૂટમાં ન પડવું હોય તોે અઘ્યાપક બનીને -અઘ્યાપકસહાયક નહીં, અઘ્યાપક બનીને- બપોરની ઊંઘ આ જન્મે જ પ્રાપ્ત કરી શકાય છે. એક સમય હતો જ્યારે અઘ્યાપકઆલમ તેમની વિદ્વત્તા માટે અને વિદ્યાવ્યાસંગ માટે જાણીતી હતી. હવે જૂજ અપવાદોને બાદ કરતાં, મોટા ભાગના અઘ્યાપકો વિદ્યાવ્યાસંગને બદલે વામકુક્ષીવ્યાસંગ માટે વધારે નામીચા ગણાય છે.
 સંસ્કૃતમાં વામકુક્ષી કે અંગ્રેજીમાં સિએસ્તા જેવા ફેન્સી શબ્દો હકીકતમાં બપોરે ઊંઘવાના અપરાધભાવ-ગિલ્ટમાંથી મુક્તિ મેળવા માટે  અને એ પ્રક્રિયાને શાસ્ત્રોક્ત કે સંસ્કૃત્યોક્ત બનાવવામાટે પ્રયોજાય છે. 

બપોરે ઊંઘવું એ લક્ઝરી હોવાથી, એ ભોગવનાર એક તરફ આનંદ અનુભવે છે, પરંતુ બપોરે પણ જાગતો તેનો અંતરાત્મા તેને યાદ કરાવે છે કે હે ભોગી જીવ, તારા જેવા બીજા સેંકડો લોકો ઉનાળાની આ ધોમધખતી કે શિયાળાની હૂંફાળી બપોરે મજબૂરી કે મહત્ત્વાકાંક્ષાથી કામ કરી રહ્યા છે ત્યારે તું શાંતિથી ઘોરે છે. તને જરાય શરમ નથી આવતી?’

હિંદી ફિલ્મોની ચવાઇ ગયેલી શૈલીમાં, એક તરફ બપોરે ઉંઘનાર અઘ્યાપક હોય અને તેનો અંતરાત્મા બીજી તરફ. બન્ને જણ વચ્ચે સામસામી દલીલબાજી ચાલે છે.
અંતરાત્માઃ અલ્યા ઊંઘણશી, આમ બપોરે શું ઘોરવા પડ્યો છે?
અઘ્યાપકઃ (ઉંઘરેટા અવાજમાં) સૂવા દે ને યાર. તને ખબર છે, સવારના છ વાગ્યામાં જાગવું પડે છે. પછી તું જ કહે, બપોરે સૂવું એ મારા માટે વૈભવ છે કે શરીર સારું રાખવા માટેની જરૂરિયાત?
અંતરાત્માઃ (મંદ સ્મિત સાથે) આ દલીલ હવે જૂની થઇ. તને ખબર છે, કેટલા લોકોની સવાર પાંચ વાગ્યે પડી જાય છે? છતાં એ લોકો બપોરે ઊંઘતા નથી. તેમની તબિયત સારી જ રહે છે.
અઘ્યાપકઃ પણ હું ચાલુ નોકરીએ કે મારું કામ છોડીને સૂતો નથી. પછી મારે શા માટે અપરાધભાવ અનુભવવો જોઇએ?
અંતરાત્માઃ પણ તું જાગતો હોત, તો થોડું વધારે કામ કરી શકત કે નહીં? એમ કરવાથી સંભવ છે કે તને મળતા અપ્રમાણસરના પગારનો થોડો હિસ્સો કદાચ વસૂલ થાય.
અઘ્યાપકઃ ખબરદાર જો મારા પગારનો ઉલ્લેખ કર્યો છે તો. તેને બપોરે સૂવા સાથે શી લેવાદેવા છે? હું જાણું છું કે તમને બધાને ખરેખર અમારી બપોરની ઊંઘ નહીં, પણ અમારો તોતંિગ પગાર ખૂંચે છે.
અંતરાત્માઃ કદાચ. પણ વધારે સાચું એ છે કે તારા તોતિંગ પગારને લીધે તારી બપોરની ઊંઘ ખૂંચે છે.
અઘ્યાપકઃ તું બહુ ચીકણાશ કરે છે. આવી મસ્ત બપોરે ખાઇ-પીને ઊંઘી જવાનું હોય કે આવી ફાલતુ ચર્ચાઓ કરવાની હોય? તારે જાગવું હોય તો જાગ. હું તો આ સૂતો.
અંતરાત્માઃ સાહેબ, હું બરાબર જાગતો હોત તો તમે શી રીતે નિરાંતે સૂઇ શકતા હોત?

કોઇ તેજસ્વી ઘૃષ્ટ વિદ્યાર્થીની યાદ અપાવતા અંતરાત્માની ફટકાબાજીથી નારાજ અઘ્યાપક, ઓઢવાનું છેક માથા સુધી ખેંચીને ફરી નસકોરાં બોલાવવા માંડે છે. એ સાથે જ અંતરાત્મા અદૃશ્ય.

આરોગ્યશાસ્ત્ર અને આયુર્વેદમાં બપોરની ઊંઘનો ભારે મહીમા છે. પરંતુ બપોરની ઊંઘના શત્રુઓ માને છે કે તે શાસ્ત્રો પણ જે તે સમયના અઘ્યાપકોએ જ લખ્યાં હતાં. એટલે, સરકાર બનાવટી એન્કાઉન્ટર માટે પોતાની મનગમતી થિયરી ઘડી કાઢે તેમ, અઘ્યાપકોએ પોતાને અનુકૂળ એવા બપોરની ઊંઘ અને તેનાથી થતા ફાયદાના સિદ્ધાંત રચ્યા હશે.

જુદા જુદા લોકો પર બપોરની ઊંઘની વૈવિઘ્યપૂર્ણ અસર જોવા મળે છે. એક વર્ગ પોતે બપોરે ઊંઘતો ન હોવાની જાહેરાત, ‘હું લાંચ લેતો નથીએ પ્રકારના ગૌરવથી કરે છે. તેમને લાગે છે કે બપોરે ન ઊંઘીને તે કિંમતી માનવસમય રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી રહ્યા છે. બપોરે ઊંઘવું એ તેમને તમાકુ ખાવા કે બીડી-સિગરેટ પીવા જેવું વ્યસન લાગે છે. એમાં થોડો ફાળો જોકે બપોરની ઉંઘના પ્રેમીઓનો પણ હોય છે. એ લોકો બપોરની ઊંઘ માટે એવો આસક્તિભાવ બતાવે છે કે તેમની પત્ની તુલસીદાસની કથા જાણતી હોય તો પતિને ઠપકો આપતાં બોલી ઉઠે, ‘બપોરની ઊંઘ માટે રાખી એટલી આસક્તિ ઇશ્વર માટે રાખી હોત તો તમને મોક્ષ મળી ગયો હોત.પતિ તુલસીદાસ ન હોવાને કારણે એ પણ સામો જવાબ આપત, ‘અહીં ઇશ્વર કોને જોઇએ છે? બપોરે ઊંઘવા મળે તે ભગવાન મળ્યા બરાબર જ છે.

રાત્રે મોડા સૂઇને બપોરે વેળાસર સૂઇ જવાથી બળબુદ્ધિ ને ધન વધેએવું માનનારા પણ હોય છે. તેમને સ્વપરિચયનાં પાંચ વાક્યો બોલવાનું કહેવાય તો પોતાના નામ અને વ્યવસાય પછી તેમનું ત્રીજું વાક્ય કદાચ આ હોયઃ પ્લીઝ, બપોરે બેથી ચાર ફોન ન કરતા. એ મારો સૂવાનો સમય છે.મોટા ભાગના લોકો માટે બપોરની ઊંઘ કાગઝકી કશ્તી અને બારિશકા પાની ટાઇપની, બાળપણ સાથે સંકળાયેલી બાબત છે. ભણતી વખતે વેકેશનમાં બપોરે ચચ્ચાર કલાક સુઇ જવાનું સ્મરણ મોટપણે બપોરે નોકરી ટીચતી વખતે, અફસોસપ્રેરક અતીતરાગમાં ધકેલી દેવા માટે પૂરતું હોય છે.

બપોરે નિયમિત રીતે ઉંઘી જનારા લોકોમાંથી કેટલાક અંદરખાને પોતે કંઇક ખોટું કરી રહ્યા હોવાનો આછેરો અહેસાસ ધરાવતા હોય છે. એટલે બપોરે ઉંઘવાને તે ટેવ કે લક્ઝરીને બદલે બીજાં પરિબળો સાથે સાંકળીને પોતે દોષમુક્ત થવા પ્રયત્નશીલ રહે છે. એના માટે સૌથી હાથવગું બહાનું છે ભોજન. બપોરટાણે આખેઆખો હાથી સમાવી દેવાનો હોય એમ જડબાં ફાડીને બગાસાં ખાતા લોકો કહે છે,‘આજે જમવાનું જરા ભારે થઇ ગયું (બગાસું) બાકી આપણને બપોરે ઊંઘવાની (બગાસું) બિલકુલ ટેવ નથી. (બગાસું.)એ પછી પથારીગ્રસ્ત થતાં સુધી બોલાતાં તેમનાં દરેક વાક્યોમાં વિરામચિહ્નોની જગ્યાએ બગાસાં સાંભળવા મળે છે.

બપોરે નહીં ઊંઘનારા અને એ બદલ ગૌરવ લેનારા લોકોની પણ પોતપોતાની થિયરી હોય છે. એમાંની સૌથી સામાન્ય દલીલ છેઃ બપોરે સુઇ જઉં તો રાત્રે ઊંઘ જ ન આવે.આ પ્રકારના લોકોને બપોરે ન ઊંઘવાથી મળતો કર્મઠતાનો સંતોષ પૂરેપૂરો મળતો નથી. કારણ કે તેમનો બપોરનો ઉજાગરોફરજપરસ્તીનું નહીં, પણ મજબૂરીનું પરિણામ છે. ધન્ય છે એવા લોકોને જે કહેતા હોય,‘હું બપોરે સૂતો નથી. કારણ કે સુઇ જઉં તો પછી ત્રણ-ચાર કલાકની કડક ઊંઘ આવી જાય અને ઉઠ્‌યા પછી પણ ક્યાંય સુધી- ઘણી વાર તો રાત્રે સુઇ ન જઉં ત્યાં સુધી- સુસ્તી લાગ્યા કરે.

સુવાની ક્રિયા સામાન્ય રીતે એટલી પ્રાકૃતિક અને સ્વયંસ્પષ્ટ છે કે તેની વ્યાખ્યા કરવાની જરૂર ન પડે. પરંતુ બપોરની ઊંઘની વાત આવે ત્યારે મામલો જરા પેચીદો બને છે. બપોરે જમ્યા પછી ઓફિસમાં ટેબલ પર માથું ઢાળીને કે ખુરશી પર માથું ઢળતું રાખીને, આંખ મીંચીને બેઠેલો કર્મચારી સૂતો છે કે નહીં, એ વિવાદાસ્પદ મુદો બની શકે છે. બોસને લાગે છે કે કર્મચારી ઘોરે છે, જ્યારે કર્મચારીને પોતાને લાગે છે કે એ જમ્યા પછીની સુખમય સ્થિતિ-ઉત્તરભોજનાવસ્થા-માં વિહરી રહ્યો છે. એ સ્થિતિમાં આંખો મહાપરાણે ખુલ્લી રાખીને, બગાસાં ખાતાં ખાતાં પરાણે કામમાં માથું ખૂંપાવેલું રાખવામાં તેને કાર્યદેવતા ઉપરાંત અન્નદેવતા, નિદ્રાદેવીનું પણ અપમાન લાગે છે. ત્રિવિધ અપમાનને બદલે તે આંખ બંધ કરીને થોડી મિનીટ વિચારાધીનથતો હોય કે અંતરાત્મા સાથે સંવાદસાધતો હોય, ત્યારે ખલેલ પાડનારને કયું નરક મળે એ તો ખ્યાલ નથી, પણ એ નરકમાં બપોરે ઊંઘનારને ભાલા ઘોંચીને જાગતા રાખવામાં આવતા હશે એટલું નક્કી.

4 comments:

  1. "અંતરાત્માઃ સાહેબ, હું બરાબર જાગતો હોત તો તમે શી રીતે નિરાંતે સૂઇ શકતા હોત?" અદભૂત ઉર્વીશભાઈ! દુનિયાના આ છેડે બપોર થઇ છે અને હું બપોરે ઊંઘતો હોત તો આ લેખ શાહી સુકાય એ પહેલા વાંચી ન શકત. પણ મારે મારી બપોરઊંઘપ્રીયતા તરફથી કહેવું જ રહ્યું કે timeless થવા સર્જાયેલા લેખો તો ગમે ત્યારે વાંચી શકાય છે માટે ઊંઘને પ્રાધાન્ય આપવામાં ગુણીજન કઈ જ ખોટું કરતા નથી. તમે મારા અંતરાત્માને ઝંઝોળી નાખ્યો છે પણ એને અતિક્રમીને હું એક ઊંઘ અત્યારે જ ખેંચીશ. અલબત્ત જમ્યા પછી ;)

    ReplyDelete
  2. Anonymous8:28:00 PM

    Wonderful:

    ૧. સ્વાસ્થ્ય માટે બપોરે ૨૦ - ૩૦ મીનુતે બરાબર છે!

    ૨. "મને વોટે આપી પાંચ વર્ષ સુધી ઊંઘી જયો". આજે કોની નિંદ્રા બરાબર છે તેની તપાસ સીટ ને મળે તો બહુ ઉત્તમ!

    ReplyDelete
  3. Anonymous10:48:00 PM

    વર્ષો પહેલાં શ્રી રતિલાલ બોરીસાગરનો "મોડા ઊઠવા વિષે " લેખ વાંચ્યો હતો તેની યાદ આવી ગઈ. મને હતું કે રતિભાઈએ ઊંઘ વિષે એટલું બધું લખ્યું છે કે ...... હવે કોઈ નહિ લખે.............. પણ ઉર્વીશભાઈ તમેતો કમાલ કરી. તેમને પાછળ પડી દીધા. સરસ લેખ. સાબિત એવું થયું કે તમે આ લેખ સવારે જ લખ્યો છે - નહિ કે બપોરે ઝોકા ખાતા ખાતા . . . . . . . .. !!!! અમિત શાહ ઈશનપુર અમદાવાદ

    ReplyDelete
  4. Anonymous6:48:00 PM

    ઊંઘ બસ ઊંઘ બીજું કઈ હવે ફાવે નહિ
    સ્વપ્ન મારું એજ કે સ્વપ્ન પણ આવે નહિ
    આ બગાસું તેડીને ઊંઘ સુધી લઇ જવું છે
    સુઈ જવું છે, સુઈ જવું છે, સુઈ જવું છે - સૌમ્ય જોશી

    વાહ.. ઉર્વીશભાઈ.... છેલ્લે ધોરણ-૧૨ના વેકેશનમાં આવી ઊંઘ લીધી હતી... આ લેખ વાંચીને ઈર્ષા આવી ગઈ.. અમે ચાલીમાં રહેતા.. ઘરની પાછળ એક લીમડાનું ઝાડ હતું.. ભર-ઉનાળામાં એ લીમડા નીચે ખાટલો ઢાળીને ખાટલા નીચે બે-ચાર ડોલ પાણી નાખીને.. દાળ-ભાત શાક-રોટલી ને છાસ ઠપકાર્યા પછી ભર-બપોરે મંદ-મંદ પવનની લહેરખીઓ સાથે ઊંઘવાની જે મજા આવે... આ..હા..હા... સુખ..સુખ..!
    -Bhavesh Makwana

    ReplyDelete