Wednesday, June 27, 2012
ચલણી નોટો પર ચિત્ર અંગે ગાંધીજીનો ઇન્ટરવ્યુ
ભારતમાં શબ્દાર્થમાં અને ઘ્વન્યાર્થમાં સિક્કા અનેક નેતાઓના પડ્યા છે, પણ જેમનું ચિત્ર ચલણી નોટ પર આવ્યું હોય એવા એક માત્ર નેતા છેઃ ગાંધીજી. ગાંધીજીના સિદ્ધાંતોની ગડી કરીને ગજવે ઘાલીને ફરવાની ભારતીયોને પૂરતી પ્રેક્ટિસ હતી. ગાંધીજીના ચિત્રવાળી ચલણી નોટો એ જ પ્રક્રિયાના ભૌતિક સ્વરૂપ જેવી હોવાથી, લોકોને તેમાં કશું અજુગતું ન લાગ્યું. ઘણા લોકોએ તેને રાષ્ટ્રપિતાના બહુમાન તરીકે જોયું. એમાં લોકોનો પણ શો વાંક? રાષ્ટ્રપિતાના બહુમાન માટે કરાતી મોટા ભાગની પ્રવૃત્તિઓ- પૂતળાં, હારતોરા, ઉજવણાં, ઉત્સવો- એક યા બીજી રીતે તેમના સિદ્ધાંતોનું અપમાન કરનારી હોય તો આ એક વધારે.
ગાંધીજીના ચિત્રને કારણે ‘ગાંધીછાપ’ તરીકે ઓળખાતી નોટો ભ્રષ્ટાચારીઓમાં ભારે લોકપ્રિય બની. વ્યવહારમાં ગીતાના સોગંદ કરતાં ગાંધીછાપ નોટોના સોગંદ વધારે વિશ્વસનીય ગણાવા લાગ્યા. હવે, સરકાર ચલણી નોટો પર બીજા નેતાઓનાં પણ ચિત્ર મૂકવાનું વિચારી રહી છે. એ સમાચાર જાણીને અને અત્યાર સુધી ચલણી નોટ પર મુકાયેલું પોતાનું ચિત્ર જોઇને ગાંધીજી શું વિચારતા હશે?
તુક્કા લડાવવાને બદલે ખુદ બાપુને જ પૂછવું જોઇએ, એમ વિચારીને એમને ફોન જોડ્યો. (તેમનો મોબાઇલ નંબર માગીને શરમમાં ન નાખવા વિનંતી.)
પ્રઃ હલો, બાપુ?
ગાંધીજીઃ ના, ભાઇ. રોંગ નંબર.
પ્રઃ તો તમે કોણ બોલો છો?
ગાંધીજીઃ હું મો.ક. ગાંધી છું.
પ્રઃ મૉક ગાંધી? બનાવટી ગાંધી? એ તો અહીં ગાંધીનગરમાં ને ગુજરાતમાં ને ભારતમાં હોય. મેં તો ઉપરનો નંબર લગાડ્યો છે.
ગાંધીજીઃ ‘મૉક’ નહીં, મો.ક.- મોહનદાસ કરમચંદ.
પ્રઃ અરે, તમે ગાંધીબાપુ બોલો છો, તો પછી રોંગ નંબર કેમ કહો છો? વાત ન કરવી હોય તો સીધી રીતે ના પાડી દેવી જોઇએ. ‘સત્યના પ્રયોગો’ના લેખક થઇને આવી નાની નાની બાબતોમાં જૂઠું બોલો છો? તમને દૂર રહીને પણ ચિંતાજનક ચિંતકોનો ચેપ લાગવા માંડ્યો?
ગાંધીજીઃ ભાઇ, ગુજરાતમાં લોકોને આજકાલ ‘બાપુ’ કહેતાં મોરારીબાપુનું કામ વધારે પડે છે. હું પર્વો-બર્વો યોજતો નથી ને લોકોને પરદેશ ફરવા લઇ જતો નથી. મારું કામ લોકોને અળખામણી લાગે એવી, પણ સાચી વાતો કહેવાનું છે. હું મોરારીબાપુ નહીં, પણ ગાંધીબાપુ છું - એ જાણ્યા પછી ઘણા લોકો ‘સોરી, રોંગ નંબર’ કહીને ફોન મૂકી દે છે. એટલે હું સમજ્યો કે તમારું પણ એવું જ હશે.
પ્રઃ ના, મારે તો અસલી બાપુનું કામ છે.
ગાંધીજીઃ જાણીને રાજી થયો. પણ હિંદનો કોઇ માણસ આવું કહે ત્યારે મને ધ્રાસ્કો પડે છે. સરદારે એક વાર મને સમજાવ્યું હતું કે ‘અત્યારના ભારતમાં અસલી ગાંધી એટલે પાંચસો રૂપિયાની નોટ.’ મને થયું કે સરદાર એમની પ્રકૃતિ પ્રમાણે ટીખળ કરતા હશે. પછી એમના કહેવાથી મહાદેવે મને છાપાનું એક કતરણ વંચાવ્યું. એમાં પાંચસો રૂપિયાની નોટ માટે ‘ગાંધીછાપ’ શબ્દ વાપર્યો હતો. હું ધારું છું કે તારે ગાંધીછાપનું નહીં, પણ ગાંધીનું જ કામ હશે.
સરદારઃ (બીજા રિસીવર પરથી) ગાંધીછાપનું કામ હોય તો એક મિનીટ ચાલુ રાખ. હું મહાદેવને કહી દઉં છું. એ તને ઇંદુનો (ઇંદિરા ગાંધીનો) ફોન નંબર આપી દેશે.
પ્રઃ અરે, સરદાર. તમે ક્યાંથી લાઇન પર? કે પછી તમે બાપુના ફોન પર જાપ્તો રાખો છો?
સરદારઃ ના રે, મારે ક્યાં વડાપ્રધાન બનવું છે તે એવા બધા ધંધા કરવા પડે? આ તો કેટલાક ડોબાઓએ બાપુ સાથે ફોન પર વાત કર્યા પછી, એમના નામે ગમે તેવું છાપી માર્યું હતું. ત્યારથી મેં ને મહાદેવે નક્કી કર્યું કે બાપુ ફોન પર ઇન્ટરવ્યુ આપવાના હોય ત્યારે બીજા રિસીવર પર મારે વાત સાંભળવી. પાછળથી કોઇ માથાકૂટ ન જોઇએ.
પ્રઃ ઓકે. બાપુ, મેં તમને જેના માટે ફોન કર્યો હતો એ મુદ્દો તમે સામેથી જ છેડી દીધો છે. મારે તમને એ જ પૂછવું હતું કે સો-પાંચસો રૂપિયાની ચલણી નોટો પર તમારું ચિત્ર જોઇને તમને કેવું લાગે છે?
ગાંધીજીઃ મારા જેવા બુઢ્ઢાને બદલે દેશના દરિદ્રનારાયણનું કોઇ પ્રતીક મૂક્યું હોત તો મને વધારે ગમત.
પ્રઃ હં, પણ એમાં મારા સવાલનો જવાબ મળતો નથી. અત્યારે તમારું ચિત્ર છે એનાથી તમને કેવું લાગે છે?
ગાંધીજીઃ મને થાય છે કે હું પાછો પૃથ્વી પર-ભારતમાં આવું અને આફ્રિકામાં જેમ પરવાનાની હોળી કરી હતી, એમ મારા ચિત્રવાળી નોટોની પ્રતિકૃતિ તૈયાર કરાવીને તેની હોળી કરું...
પ્રઃ એટલે તમે નકલી નોટો છાપશો? ખબર નથી, નકલી નોટો છાપવી એ ગુનો છે?
સરદાર (વચ્ચે પડીને) : એ ભાઇ, ફક્ત નકલી નોટો જ નહીં, નકલી ક્વોટો (અવતરણો) છાપવાની પણ મનાઇ છે. ખબર છે કે નહીં? આ હું, ભારતનો પહેલા માહિતી-પ્રસારણ મંત્રી તને કહી રહ્યો છું.
પ્રઃ ઓહો, સરદાર, તમે લાઇન પર છો, નહીં? હું તો ભૂલી જ ગયો. સારું થયું તમે આવ્યા. તમને ખબર છે, ચલણી નોટો પર તમારું ચિત્ર મૂકવાની ઝુંબેશ ચાલે છે?
સરદારઃ અરે વાહ, દેશમાં હજુ ઝુંબેશો ચાલે છે? સરસ. કેટલા મર્યા, કેટલા ઘવાયા ને કેટલા જેલમાં ગયા?
પ્રઃ (ગૂંચવાઇને) એટલે? સમજ્યો નહીં.
સરદારઃ તે કહ્યું ને કે નોટો પર મારું ચિત્ર મૂકાવવાની ઝુંબેશ ચાલે છે. તો એ ઝુંબેશ કરતાં કેટલા લોકોએ રસ્તા પર અહિંસક દેખાવો કર્યા? સવિનય કાનૂનભંગ કર્યો? અને ધરપકડ વહોરી? કેટલાંનાં માથાં પોલીસના મારથી રંગાયાં?
પ્રઃ સરદારસાહેબ, તમને જાણીને બહુ આનંદ થશે કે બાપુની અહિંસાને પ્રજાએ બરાબર આત્મસાત્ કરી છે. હવે ઘણી ઝુંબેશો અને ઘણાં આંદોલન ઓનલાઇન થાય છે. હિંસાનું નામોનિશાન નહીં. શરીરબળનું કોઇ પ્રદર્શન નહીં. બસ, એક આંગળીથી માઉસ ક્લિક કરીને સત્યાગ્રહી બની શકાય છે. અંગુઠાથી મોબાઇલનાં બટન દબાવીને, મિસ્ડ કોલ કરીને રાષ્ટ્રવ્યાપી ચળવળમાં ભાગ લઇ શકાય છે. બાપુ સૂતરના તાંતણે આઝાદીની વાત કરતા હતા ને. આ તો એનાથી પણ બે ડગલાં આગળ છે. ભવિષ્યમાં સત્યાગ્રહીનાં પેન્શન લેવાનાં થાય ત્યારે પણ કોઇ ગોટાળા નહીં. બસ, જોઇ લેવાનું કે કેટલા લોકોએ લિન્ક ક્લિક કરી હતી ને કેટલાએ મિસ્ડકોલ કર્યા હતા.
ગાંધીજીઃ આવી ચળવળોમાં ભાગ લેવા માટે કેટલું બલિદાન આપવાની તૈયારી રાખવી પડે?
સરદારઃ કેટલું નહીં, શાનું...આ ચળવળોમાં ભાગ લેવા માટે સામાન્ય બુદ્ધિનું બલિદાન આપવાની પૂરેપૂરી તૈયારી રાખવી પડે, બાપુ. નવા જમાનામાં સત્યાગ્રહી થવું સહેલું નથી.
પ્રઃ સરદારસાહેબ, મને એમ કે તમે રાજી થશો- તમારું ચિત્ર મૂકવાની વાતથી અને તમને થયેલો અન્યાય થોડો હળવો થશે.
સરદારઃ અલ્યા, અમે નોટો પર ચિત્રો મૂકાવવા માટે બાપુ સાથે જોડાયા હતા? મારા ચિત્ર માટે કોણ ઝુંબેશ ચલાવે છે? કોને પૂછીને ચલાવે છે? અને શાનો અન્યાય?
પ્રઃ (અવાજમાં ખચકાટ સાથે) એ તો...ગાંધીજીએ તમને વડાપ્રધાન બનાવ્યા નહીં.
સરદારઃ (ખડખડાટ હસતાં) તે એનું આટલા વર્ષે શું છે? અને તને ખબર ન હોય તો કહી દઉં. મારા ખભે બાપુ પર બંદૂક ફોડનારાને તો હું પેલા ગોડસે કરતાં પણ ગયેલા ગણું છું...એમને એટલી પણ ખબર પડતી નથી કે સેનાપતિને નીચો પાડીને સિપાઇને મોટો ન બનાવાય...બોલ, બીજું કંઇ પૂછવાનું છે બાપુને?
પ્રઃ ચલણી નોટો પર મૂકવાના ચિત્ર વિશે તો થોડો પ્રકાશ પાડો.
સરદારઃ નોટો પર ચિત્ર છાપવું જ હોય તો હસતા બાપુનું નહીં, પણ ઉપવાસ પર બેઠેલા ગમગીન બાપુનું ચિત્ર છાપજો. જેથી લોકોને ખબર પડે કે પ્રામાણિકતાને બદલે કેવળ પૈસાની બોલબાલાથી બાપુ કેટલા દુઃખી છે અને એ ભારતમાં હોત તો તેમણે કૌભાંડો સામે અચૂક ઉપવાસ કર્યા હોત.
પ્રઃ અન્ના હજારેની જેમ?
સરદારઃ ના, બાપુને પ્રસિદ્ધિ પચાવતાં આવડે છે. એટલે ખોટી સરખામણીઓ કરીને તમે લોકો એમને વધારે બદનામ ન કરશો. બસ, હવે સવાલજવાબ બહુ થઇ ગયા. બાપુનો પ્રાર્થનાનો સમય થઇ ગયો છે.
(ફોન કપાઇ જાય છે અને તેના કર્કશ અવાજને બદલે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ સંભળાતું હોય એવો ભાસ થાય છે.)
Subscribe to:
Post Comments (Atom)
મોરારીબાપુથી અન્ના હજારે સુધી વાયા ગાંધીનગર-દિલ્હી... તમને એક જ લેખમાં એકસામટી અસંખ્ય 'અંજલિઓ' આપવાની સારી ફાવટ છે. :)
ReplyDelete: )
ReplyDeleteસરસ લેખ...
ReplyDeleteબોલે બોલે, line line માં satire. Fantastic!
ReplyDelete