Tuesday, June 19, 2012

લધુમતી માટે પેટા-અનામતઃ ગૂંચવાડા અને ગેરસમજણ


સરકારી શિક્ષણસંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત જાતિઓ - અધર બેકવર્ડ કાસ્ટ્‌સ (ઓબીસી) OBC માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની સરકારી નીતિ છે. ડિસેમ્બર ૨૨, ૨૦૧૧ના રોજ  ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે હતી ત્યારે, કેન્દ્ર સરકારે નવું ગતકડું કાઢ્‌યું : ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકા (પેટા)અનામત લધુમતી માટે રાખવામાં આવશે.

મે ૨૮,૨૦૧૨ના રોજ આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે લધુમતી માટે પેટા અનામતની સરકારી જાહેરાત રદબાતલ ઠરાવી. આવા સંવેદનશીલ મુદ્દે કશા આધારપુરાવા વિના, કેવળ ધર્મના આધારે નિર્ણય લેવા બદલ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની કડક ટીકા પણ કરી.

તેનાથી શરમાયા વિના સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ. સરકાર પક્ષની દલીલ હતી કે હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટ હાલતુરત મનાઇહુકમ આપે. એવું નહીં થાય તો ૪.૫ ટકા પેટા અનામતના ધોરણે આઇ.આઇ.ટી. માટે પસંદ કરાયેલા ૩૨૫ વિદ્યાર્થીઓનું ભાવિ લટકી પડશે.

પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારની દલીલ ફગાવી દીધી, ૪.૫ ટકા પેટા અનામતને કામચલાઉ ધોરણે સ્વીકારવાની ના પાડી દીધી અને સરકારે કયા આધારે લધુમતી માટે ૪.૫ ટકા અનામતનો નિર્ણય લીધો  તેનાં કાગળીયાં રજૂ કરવા જણાવ્યું.

સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી સરકારે આશરે ૮૦૦ પાનાંના વિવિધ દસ્તાવેજો- મુખ્યત્વે મંડલ પંચ, સાચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચના અહેવાલ- અદાલતમાં રજૂ કર્યા. તેનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટ વેકેશન પછી કેસ આગળ ચલાવશે. પરંતુ આટલા ઘટનાક્રમમાં પૂરતા ગુંચવાડા અને ગેરસમજણો પેદા થઇ ચૂક્યાં છે. તે વારાફરતી સમજવા-ઉકેલવાનો પ્રયાસ કરીએ.    
  
ગેરસમજણ ૧: લધુમતી એટલે મુસ્લિમ

ડિસેમ્બર ૨૦૧૧માં કેન્દ્ર સરકારે ઓબીસી અનામતના ૨૭ ટકામાં લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામતની જાહેરાત કરી, ત્યારે તેના મનમાં મુસ્લિમોને પટાવવાનો જ ખ્યાલ હતો. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં સલમાન ખુર્શીદ જેવા કેન્દ્રીય મંત્રી કૂદી કૂદીને લધુમતી માટેની પેટા અનામતનો બચાવ કરતા હતા. એ માટે ચૂંટણી પંચનો રોષ વહોરી લેતાં પણ તે ખચકાયા ન હતા. કારણ કે ત્યારે કોંગ્રેસને ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો અંકે કરવાની લાલચ હતી. પરંતુ ચૂંટણીનાં પરિણામે દર્શાવી આપ્યું કે લઘુમતી માટે પેટા અનામતનું ગાજર કારગત નીવડ્યું નહીં. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કશું ઉકાળી ન શકી અને લધુમતી અનામત માટે ‘શહીદી’ વહોરવા તૈયાર થઇ ગયેલા સલમાન ખુર્શીદ તેમનાં પત્નીને પણ જીતાડી ન શક્યા.

લધુમતી માટે પેટા અનામતના ચૂંટણીલક્ષી પ્રચાર અને તેના ચૂંટણીલક્ષી વિરોધમાં પાયાનો મુદ્દો બાજુ પર રહી ગયોઃ સરકારે ફક્ત મુસ્લિમો માટે નહીં, સમસ્ત લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામત જાહેર કરી હતી. ‘લધુમતી’ની વ્યાખ્યામાં મુસ્લિમો ઉપરાંત શીખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરેનો પણ સમાવેશ થઇ જાય. અદાલતે આ હકીકત ભણી ઘ્યાન દોરીને પૂછ્‌યું છે કે પારસીઓ લધુમતી હોવા છતાં તેમણે કદી અનામત માગી નથી. તો કેન્દ્ર સરકારે કયા આધારે પેટા અનામતના લાભાર્થીઓમાં પારસીઓનો સમાવેશ કરી દીધો?
 એટલે, પહેલી સ્પષ્ટતાઃ સરકાર વિરુદ્ધ અદાલતનો કાનૂની જંગ અત્યારે મુસ્લિમોની પેટા અનામત માટે નહીં, પણ બધી લધુમતીની પેટા અનામત અંગેનો છે. ઉત્તર પ્રદેશમાં ખત્તા ખાધા પછી પણ કોંગ્રેસની સાન ઠેકાણે આવી ન હોય અને હજુ તે મુસ્લિમોને પેટા અનામતથી રીઝવવાનાં ખ્વાબ જોતી હોય, તો તેણે પોતાની જાહેરાતમાં ‘લધુમતી’ શબ્દ કાઢીને ‘મુસ્લિમ’ શબ્દ મૂકવો પડે.

ગેરસમજણ ૨: પેટા અનામતમાં બધા મુસ્લિમો લાભાર્થી બનશે


‘મુસ્લિમો માટે ૪.૫ ટકા પેટા અનામત’ જેવી જ બીજી ગેરસમજણ છેઃ ૪.૫ ટકા પેટા અનામતનો લાભ બધા મુસ્લિમોને મળશે.   કોઇ પણ જ્ઞાતિનો ઓબીસીની યાદીમાં સમાવેશ તેના આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે કરવામાં આવે છે. ધર્મ આધારિત ભેદભાવને કારણે કોઇ જ્ઞાતિ પછાત રહી હોય એવું બની શકે. છતાં, ઓબીસીની યાદીમાં તેના સમાવેશ વખતે તેનો ધર્મ ગૌણ અને પછાતપણું મુખ્ય પરિબળ બની જાય છે. ઓબીસીની યાદીમાં કઇ કઇ જ્ઞાતિ અને જાતિનો સમાવેશ થાય છે, તેની રાજ્યવાર યાદીઓ બહાર પડે છે. નેશનલ બેકવર્ડ કાસ્ટ કમિશન દ્વારા તેમાં સમયાંતરે સુધારાવધારા- મુખ્યત્વે ઉમેરા- નું કામ ચાલુ રહે છે. ઓબીસીની યાદીમાં છેલ્લો ફેરફાર ગયા વર્ષે થયો હતો.

ગુજરાતમાં પછાત (ઓબીસી)ની યાદીમાં કુલ ૧૦૪ જ્ઞાતિ-જાતિઓનો સમાવેશ થાય છે. તેમાં મકરાણી, મિંયાણા, પિંજારા, સંધી, ખલીફા, મિરાસી, ખાટકી, જત, ઘાંચી જેવી પચીસેક મુસ્લિમ જ્ઞાતિ-જાતિઓ છે. ગયા વર્ષે આરબ અને સુમરા મુસ્લિમોનો તેમાં ઉમેરો થયો છે. ડફેર અને વાઘેર જેવી જ્ઞાતિઓ હિંદુ અને મુસ્લિમ બન્ને ધર્મોમાં જોવા મળે છે અને તે ઓબીસી ગણાય છે.

ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકાનો એક ટુકડો ધારો કે ફક્ત મુસ્લિમો માટે અનામત રાખવામાં આવે, તો પણ તેનો લાભ ફક્ત એ જ મુસ્લિમ જ્ઞાતિઓને મળે, જેમનાં નામ ઓબીસીની યાદીમાં છે. આ યાદીની બહાર રહેલા બહુ મોટા મુસ્લિમ સમુદાયને ૪.૫ ટકા અનામત સાથે કશી લેવાદેવા ન હોય.

એટલે, સ્પષ્ટતા બીજીઃ ૪.૫ ટકા પેટા અનામત લધુમતીને બદલે ફક્ત મુસ્લિમો માટે હોય તો પણ મુસ્લિમોનો બહુ મોટો સમુદાય તેનો લાભાર્થી બનવાનો નથી. આ જોગવાઇનો લાભ લેવા ઇચ્છતા સમુદાયોએ સૌ પહેલાં પોતાની જ્ઞાતિનું આર્થિક-સામાજિક પછાતપણું પુરવાર કરવું પડે. એ માન્ય થાય તો જ ઓબીસીની યાદીમાં એ જ્ઞાતિનું નામ ઉમેરાય. એટલે પ્રચલિત ગેરમાન્યતા પ્રમાણે, ફક્ત મુસ્લિમ હોવાથી કોઇ પેટા અનામતનું લાભાર્થી બની જતું નથી. તેનું પછાત હોવું સૌથી મહત્ત્વનું છે.

ગેરસમજણ ૩: પેટા અનામતો પાડવાથી અનામત નીતિનો અસરકારક અમલ કરી શકાશે

અત્યારની સ્થિતિ પ્રમાણે, પછાત વર્ગો (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામત માટે સંખ્યાબંધ પછાત વર્ગો વચ્ચે ખુલ્લી અને જોરદાર હરીફાઇ ચાલે છે. સ્વાભાવિક છે કે બધા પછાત વર્ગો એકસરખા પછાત ન હોય. તેમાંથી કેટલાક બાકીના કરતાં વધારે સંપન્ન- વધારે પામતાપહોંચતા રહેવાના. શિક્ષણ અને નોકરીમાં ૨૭ ટકા બેઠકો માટેની હરીફાઇમાં સ્વાભાવિક રીતે જ, પછાતમાં ‘ઉપલા’ કહેવાતા વર્ગોનું વર્ચસ્વ રહેવાનું. તેના કારણે બીજા વર્ગોનો સમાવેશ ઓબીસીમાં થતો હોવા છતાં અને કાગળ પર તેમને ૨૭ ટકા અનામત મળેલી હોવા છતાં,   આંતરિક હરીફાઇમાં તે અનામતનો પૂરતો લાભ નહીં મેળવી શકવાના.

પછાત વર્ગોમાં અંદરોઅંદરની આર્થિક-સામાજિક અસમાનતાને કારણે પેટા અનામતનો મુદ્દો ઊભો થયો. સરકારને લાગ્યું કે ૨૭ ટકામાંથી પણ પછાત મુસ્લિમોને તેમનો એક અલગ ટુકડો આપી દઇએ તો કેવું? એ ૪.૫ ટકા માટે પછાત મુસ્લિમોએ બીજા સમુદાયો જોડે હરીફાઇ કરવાની ન રહે. એથી મુસ્લિમોનો દહાડો વળે કે નહીં એ બીજી વાત છે, પણ સરકાર તો મુસ્લિમોના ઉદ્ધારક તરીકેનો દાવો કરીને મત માગી શકે. સરકારોની બુદ્ધિની પહોંચ કેટલી? કોઇ પણ સમુદાયને વોટબેન્ક ગણવા જેટલી.

પરંતુ વોટબેન્કથી આગળ વિચારતાં જણાશે કે પછાત મુસ્લિમો પણ એકસરખો સમુદાય નથી. તેમાં ચડિયાતા અને ઉતરતા, થોડા સદ્ધર અને બાકીના નબળા છે. એટલે પછાત મુસ્લિમોને સુવાંગ ૪.૫ ટકા પેટા અનામત આપી દીધા પછી પણ, જેમને સૌથી વધારે જરૂર છે એવા પછાત મુસ્લિમ સમુદાયો સુધી અનામતના લાભ પહોંચવા અંગે શંકા રહે છે.

પછાત મુસ્લિમો અંગેનું એક સર્વેક્ષણ ‘સોશ્યો-ઇકોનોમિક ડિસએબિલિટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ્સ એમંગ મુસ્લિમ્સ ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ’ આયોજન પંચને સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા- એ ત્રણ રાજ્યોનાં ૭૨ ગામનાં વિગતવાર સર્વેક્ષણમાં નોંધાયું હતું કે એ વિસ્તારોના કસાઇ અથવા કુરેશી, અન્સારી અથવા જુલાહા અને મલિક- પછાત મુસ્લિમોમાં ગણાતા હોવા છતાં, તેમની સ્થિતિ ઘણા ખરા બિનપછાત મુસ્લિમો કરતાં સારી હતી.

‘ક્રીમી લેયર’ (અમુકથી વઘુ આવક ધરાવતા પરિવારો)ને ઓબીસી અનામતનો લાભ મળતો નથી એ ખરું, પણ ૨૦૦૮માં ઠરાવાયેલી રકમ પ્રમાણે, જેના વાલીની વાર્ષિક આવક રૂ.૪.૫ લાખ કે વઘુ હોય એવા લોકો ક્રીમી લેયરમાં ગણાય છે. એથી થોડી ઓછી આવક ધરાવતા પરિવારો બીજાં પછાત પરિવારો કરતાં ઘણાં સુખી હોવા છતાં, ઓબીસી અનામતના હકદાર બને છે.

આમ, અસમાન વહેંચણીની સમસ્યા પેટા અનામત પાડ્યા પછી પણ ઊભી જ રહે છે. ફરક એટલો કે પહેલાં મુસ્લિમ અને બિનમુસ્લિમો વચ્ચે અસમાન વહેંચણીની હોય, તો પેટા અનામત પછી તે મુસ્લિમોમાં અંદરોઅંદરની વહેંચણીની બને છે. પરંતુ અનામતનો આશય ધર્મઆધારિત નહીં, પછાતપણા આધારિત હકારાત્મક પગલાંનો છે અને તે જળવાતો નથી.

ગેરસમજણ ૪ : અનામત ઓબીસીના પછાતપણાનો ઉત્તમ ઉકેલ છે

દલિતો-આદિવાસીઓ માટેની અનામત અને એમના સિવાયના- અન્ય- પછાત વર્ગો માટેની અનામત પહેલી નજરે સરખી લાગે, પણ બન્નેમાં પાયાનો તફાવત છે. દલિતો સદીઓથી ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા હોવાને કારણે અને આદિવાસીઓ સમાજની મુખ્ય ધારાથી દૂર રહ્યા હોવાથી, તેમની જ્ઞાતિ તેમના પછાતપણાનું સૌથી મુખ્ય અને સૌથી મોટું કારણ છે.

ઓબીસીના મામલે, તેમની જ્ઞાતિ ઉલ્લેખનીય હોવા છતાં સૌથી મહત્ત્વનું તેમનું સામાજિક-આર્થિક પછાતપણું છે. મંડલ પંચે ૧૯૮૦માં ઠરાવ્યું હતું કે દેશની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગોનું પ્રમાણ ૫૨ ટકા છે. વસ્તીવધારો અને ઓબીસીની યાદીમાં ઉમેરા પછી આ પ્રમાણ ઘટવાને બદલે વઘ્યું હોય એવી પૂરેપૂરી સંભાવના છે. તેનો સાદો અર્થ એ થયો કે દેશની અડધોઅડધ વસ્તી, દલિત કે આદિવાસી ન હોવા છતાં, સામાજિક-આર્થિક રીતે પછાત છે.

અનામતની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીને એક સાદો સવાલ થાયઃ અડધાથી પણ વઘુ વસ્તી માટે સરકારી શિક્ષણ-સરકારી નોકરીમાં અનામત જેવું અધકચરું પગલું લઇને તેનું રાજકારણ લડાવ્યા કરવું એ સાચો ઉપાય છે? કે આટલી મોટી વસ્તી પછાત રહી ગઇ એ બદલ સરકારી નીતિઓની નિષ્ફળતા કબૂલીને, પછાતપણું પ્રેરતાં પરિબળો દૂર કરવાની દિશામાં કામ કરવું, એ યોગ્ય રસ્તો છે?

7 comments:

 1. bahu saras mahiti...
  1 zapat chhe aa lekh anamat virodhio ane samarthako banne mate

  ReplyDelete
 2. અનામત એ સમસ્યા નો ઈલાજ જ નથી ,, હકીકતે પાછળ રહી ગયેલા લોકો , સમાજ માટે બરાબરી ની તકો ઉભી કરવી જોઈએ ,જેમાં એમના માટે સસ્તું અથવા ફ્રી પ્રાથમિક થી લઇ ને ઉચ્ચ શિક્ષન , રહેવા માટે હોસ્ટેલ ,, એમના આવાસ પણ ઉચ્ચ વર્ગ જેવા જ સુખ સુવિધા યુક્ત , પાણી ગટર વ્યવસ્થા સાથે ના અને સરળતા થી ખરીદી શકે એવા હોવા જોઈએ ,, બાકી ઓછા ટકા એ અને ઓછી આવડતે ડોક્ટર , એન્જીનીયર બનાવી ને એમનું તો ભલું થાય પણ દેશ પાચલ રહી જાય અને જે યોગ્ય ઉમેદવાર છે એને અન્યાય થાય છે ,, બીજી વાત માનો કે જેને અનામત નો લાભ એકવાર મળી ગયો છે અને એ મેડીકલ માં એડમીશન કે સરકાર માં નોકરી મળી ગયી છે તો હવે તો એ બીજા ની બરાબરી નો થયી ગયો ને ? પછી એને કે એના સંતાન ને ફરીવાર અનામત નો લાભ આપી ને શું ફાયદો?

  ReplyDelete
 3. @diya shah : ઘણી લાંબી ચર્ચા થઇ શકે એમ છે, પણ પ્રાથમિક વિગતો માટે આ એક લિન્ક.
  http://urvishkothari-gujarati.blogspot.in/2009/06/blog-post_09.html

  અને એક સવાલઃ
  'બરાબરી ની તકો ઉભી કરવી જોઈએ ,જેમાં એમના માટે સસ્તું અથવા ફ્રી પ્રાથમિક થી લઇ ને ઉચ્ચ શિક્ષન , રહેવા માટે હોસ્ટેલ ,, એમના આવાસ પણ ઉચ્ચ વર્ગ જેવા જ સુખ સુવિધા યુક્ત , પાણી ગટર વ્યવસ્થા સાથે ના અને સરળતા થી ખરીદી શકે એવા હોવા જોઈએ'

  આ બધું કોણ કરે? અને એ ન થાય ત્યાં સુધી શું?

  ReplyDelete
 4. આધૂનિક "મનુ:સ્મૃતિ" વાંચીને ખુબ દુ:ખ થયુ.

  રહ્યા તો ઠેર ના ઠેર.

  ReplyDelete
 5. Nasarullakhan Ghasura10:58:00 PM

  હું પણ ઓબીસી કેટેગરીમાં આવું છું. પણ સાચું કહું તો મને પણ આ અનામત પ્રથા ગમતી નથી. તેને અમલમાં મુકવા માટેનો ઉદ્દેશ ભલે ગમે તેટલો સારો હોય પણ ૬૦ વરસો પછી પણ તેનો હેતુ સિદ્ધ થયો નથી એ હકીકત છે. તેના લાભ કરતા 'ગેરલાભ' ઘણાએ લીધા છે. રાજકારણીઓને તો અનામતમાં જ સત્તાની સીડી દેખાય છે એટલે જ આવા અલગ પ્રકારના ઉંબડીયાઓ ચૂંટણી ટાણે ચાંપતા હોય છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ મેડીકલનું મેરીટ બનાવતી વખતે આ અનામત કાઢી નાખવી જોઈએ.આ એવું ક્ષેત્ર છે જ્યાં ફક્ત અને ફક્ત મેરીટ જ ધ્યાને લેવાવું જોઈએ.ન્યાય તંત્રનો પાયાનો નિયમ "સો ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ' એમ અનામતમાં પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ જનરલ કેટેગરીના વિદ્યાર્થીને અન્યાય ન થાય.

  ReplyDelete
 6. બહુ સરસ લેખ. જે દેશનો રાજા વ્યાપારી એ દેશની પ્રજા ભિખારી......

  ReplyDelete
 7. Definitely, a discussion on broader sphere is necessary. Reservation for any community, (SC/ST/OBC) 'facilitated' are used and abused. Reservation facility experienced by a person could empower, family and his society and environment.

  Study and Report of Sachar Committee also can not be ignored, in terms of its findings. If benefits to any Indian (irrespective of his background) are facilitated for Education/Employment, etc. would definitely lead them towards mainstream from margin.

  Besides, equal rights a Muslim and Muslim Organization/s need to re-vitalize their sound legacy-experienced and witnessed by this Nation during pre/post Independence).

  Muslim / Muslim organization can seriously ponder on following:

  (1) Seek Islamic jurisprudence to utilize the funds of Zakah (Poor-Due) for various welfare activities, especially for education.

  (2) A Dargah Trust in Karnataka, is running educational institute/s.

  (3) There are abundant chances of building academic campus on Aukaf Land throughout the Country and could contribute to Muslims and all Citizens as experienced at AMU, Jamia Millia Islamia, would be a great contribution to enrich nation.

  ReplyDelete