Tuesday, June 05, 2012

પાઠ્‌યપુસ્તકો વિશેના ‘આઇએમપી’ પ્રશ્નો


ડો.આંબેડકરના કાર્ટૂનવિવાદની એક ઉપજ એ થઇ કે થોડા સમય પૂરતાં પણ પાઠ્‌યપુસ્તકો અને તેની નિર્માણપ્રક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવ્યાં.

શિક્ષણના પતનની, તેના બેફામ ખાનગીકરણ અને વ્યાપારીકરણની તથા ડિગ્રીઓના ફુગાવાની વાત થાય ત્યારે પણ પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તાનો મુદ્દો ભાગ્યે જ છેડાતો હોય છે. વાસ્તવમાં  સારાં પાઠ્‌યપુસ્તકો ભણતર અને ગણતર વચ્ચેનો તફાવત ભૂંસવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. વિદ્યાર્થીઓને જ્ઞાનથી વિમુખ અને ટ્યુશનકેન્દ્રી બનાવવાની દિશામાં પણ તે નિર્ણાયક ધક્કો મારી શકે છે.

પાઠ્‌યપુસ્તકોની મુખ્ય ભૂમિકા વિદ્યાર્થીમાં જ્ઞાનનો પાયો મજબૂત કરવાની અને જિજ્ઞાસા-જ્ઞાનભૂખ જગાડવાની છે. એક સાથે તેણે શામક અને ઉદ્દીપક બન્નેનું કામ કરવાનું છેઃ વિદ્યાર્થી જેટલું વાંચે એનાથી તેના મનમાં વિષયની ગેડ બરાબર બેસવી જોઇએ અને પાઠ્‌યપુસ્તકમાં જે નથી સમાવી શકાયું - પરીક્ષામાં જે પૂછાવાનું નથી- એવું જાણવાની-શોધવાની ઇચ્છા થવી જોઇએ. આદર્શ પાઠ્‌યપુસ્તકની સૌથી લાક્ષણિકતા એ હોય કે શિક્ષક ગમે તેટલો નબળો કેમ ન નીકળે, ફક્ત પાઠ્‌યપુસ્તકની સામગ્રીના જોરે વિદ્યાર્થી એ વિષયમાં દાખલ થઇ શકે અને તેમાં સારો એવો ઊંડો પણ ઉતરી શકે.

કસોટીઃ લખનારની કે વાંચનારની?

સારા પાઠ્‌યપુસ્તક માટે જરૂરી- અને હવે દુર્લભ- ગણાય એવી મુખ્ય બાબતોમાં એક છે સરળ-સુપાચ્ય ભાષા. પાઠ્‌યપુસ્તકો લખવાનું કામ યથાયોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોને જ સોંપવામાં આવે છે, પરંતુ શૈક્ષણિક લાયકાતને આવડતનું આખરી પ્રમાણ ગણી લેવામાં ભૂલ થવાની પૂરી સંભાવના છે. ડિગ્રી પાઠ્‌યપુસ્તક લખવાના કામ માટે આવશ્યકતા હોઇ શકે, પણ પૂરતી નહીં. ફક્ત શૈક્ષણિક લાયકાતથી કે વિદ્વત્તાથી સારાં પાઠ્‌યપુસ્તક શી રીતે લખી શકાય.

બહુ સાદી વાત છેઃ જેમ કોઇ ભાષામાં પીએચ.ડી.ની ડિગ્રી ધરાવતા બધા લોકો સારા લેખક કે સર્જક બની શકે નહીં, એવી જ રીતે વિજ્ઞાન, ગણિત કે રાજ્યશાસ્ત્ર જેવા વિષયોના અઘ્યાપકો એ વિષય પર સરસ લખી શકે એવું જરૂરી નથી. હકીકતમાં, બહુ ઓછા વિષયનિષ્ણાતો પોતાના વિષયની લેખિત અભિવ્યક્તિમાં પાવરધા હોય છે. એમ હોવું જરૂરી નથી. એટલે એમાં તેમનો વાંક કાઢી શકાય નહીં. પણ મહત્ત્વ એ સચ્ચાઇનો સ્વીકાર કરવાનું છે.

એક વાર નીતિનિર્ધારણના તબક્કે એટલું સ્વીકારાય કે પાઠ્‌યપુસ્તકો લખવા માટે કેવળ વિષયનિષ્ણાતો પૂરતા નથી- ભાષાના માણસો પણ જોઇશે, ત્યાર પછી ભાષાના માણસોની વ્યાખ્યા કરવી પડે છે. તેમાં નામી સાહિત્યકાર, સાહિત્યસંસ્થાના હોદ્દેદાર કે સાહિત્યક્ષેત્રના પંડિતનું હોવું આવશ્યક નથી. ભાષના માણસનું કામ વિષયનિષ્ણાતે આપેલી સામગ્રીને, સરળતાથી-પ્રવાહીતાથી છતાં ભૂલ વિના રજૂ કરવાનું છે.  એ માટે વિષયનિષ્ણાત અને ભાષાના જાણકાર બન્નેએ પોતાના અહમ્‌ બાજુએ રાખીને મેળ સાધવો પડે. વિષયનિષ્ણાતે પોતાના લખાણમાં થતા ફેરફાર કબૂલવા પડે અને ભાષાના માણસે સરળતા આણવા જતાં થતી ભૂલો સુધારવાની તૈયારી રાખવી પડે. આ રીતે ચોક્સાઇ અને સરળતાનું સંયોજન થાય તો વિદ્યાર્થી માટે એ ભારે ઉપકારક નીવડે.

આપણાં પાઠ્‌યપુસ્તકોમાં આવું બનતું નથી. એ તેમની દુર્બોધ અને ન સમજાય એવી શૈલી માટે કુખ્યાત છે. દરેક મુદ્દો ટૂંકમાં પતાવવાની લ્હાયમાં યોગ્ય ભૂમિકા, પૂર્વાપર સંબંધો અને જરૂરી વિસ્તાર વિના, અભ્યાસક્રમમાં આવતો મુદ્દો પાઠ્‌યપુસ્તકોમાં ઠઠાડી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓને રસ પડવાનું તો બાજુ પર રહ્યું, તેમને સમજણ પડશે કે નહીં એની પણ પરવા કરવામાં આવતી નથી.  પરિણામે ગુજરાતી ભાષામાં લખાયેલાં વિજ્ઞાનનાં પ્રકરણો કે સમાજશાસ્ત્રના પાઠ ગુજરાતીભાષી વિદ્યાર્થીને સાવ માથા પરથી જાય એવું બને છે.

અઘૂરામાં પૂરું, અસંબદ્ધ રીતે લખાયેલાં પાઠ્‌યપુસ્તકોમાં વિદ્યાર્થીને સમજણ ન પડે તો એ પાઠ્‌યપુસ્તક લખનારની મર્યાદાને બદલે વિદ્યાર્થીનો વાંક ગણાય છે. એવા વિદ્યાર્થી ગાઇડો અને ટ્યુશનોના શરણે પોતાનો શૈક્ષણિક મોક્ષ શોધે છે. ત્યાંથી એમને ટકા લાવવાની તરકીબો મળી શકે છે, પરીક્ષામાં પૂછાનારા આઇએમપી સવાલોની ગોખણપટ્ટી વિશેનું માર્ગદર્શન મળી શકે છે, પણ જ્ઞાન છેટું જ રહી જાય છે.

આગળ જણાવેલી અપેક્ષાઓ વઘુ પડતી કે આદર્શ લાગે તેમણે યાદ રાખવું જોઇએઃ ગુજરાતી ભાષામાં એક સમયે ‘કુમાર’, ‘પ્રકૃતિ’ જેવાં સામયિકોમાં આવતા જ્ઞાનવિજ્ઞાનના લેખો ઊંડાણ અને જ્ઞાનની દૃષ્ટિએ પાઠ્‌યપુસ્તકમાં સ્થાન પામે એવા હતા. છતાં, રસપ્રદ અને સરળ લખાવટના લીધે તે ઘણા નવા વાચકોને આકર્ષી શક્યા. એંસીના દાયકામાં ‘સ્કોપ’ જેવા માતબર વિજ્ઞાનસામયિકમાં અઘરામાં અઘરા વિષયો પર દસ-બાર-પંદર પાનાંના લેખ આવતા હતા. એ વાંચીને કોઇને પરીક્ષા આપવાની ન હતી. છતાં તેના લેખોને કારણે બ્લેકહોલથી માંડીને જનીનશાસ્ત્ર સુધીના કેટકેટલા વિષયોમાં રસ લેનારા વાચકો તૈયાર થયા.

બધા લોકોને દરેક વિષયમાં એકસરખો રસ પડવો જરૂરી નથી. પણ કોઇ પણ વિષયમાં રસ પડી શકે, એટલી ભોંય તૈયાર કરવી પડે કે નહીં? એ કામ પાઠ્‌યપુસ્તકોનું છે અને તેમાં એ મોટા પાયે નિષ્ફળ રહ્યાં છે. તેમની સરખામણીમાં ‘સફારી’થી માંડીને જ્ઞાનવિજ્ઞાનનાં કેટલાંક અંગ્રેજી સામયિકોમાં આવતા લેખ એવી રીતે લખાયેલા હોય છે કે વાંચનાર તેમાં ખૂંપી જાય. આ પ્રકારનું વાચન હાથ લાગે ત્યારે ઘણા લોકોને એવો વાજબી વસવસો થાય છે કે ‘કાશ, આપણાં પાઠ્‌યપુસ્તકો આવી ભાષામાં- આ રીતે લખાયાં હોત.’

ઇરાદા અને પરિણામ


પાઠ્‌યપુસ્તકોની ભાષા જેટલો જ મહત્ત્વનો મુદ્દો તેમની રજૂઆતનો છે. તેમાં ચિત્રો, તસવીરો, ગ્રાફિક્સ અને લે-આઉટનો સમાવેશ થાય છે. એનસીઇઆરટીનાં ચર્ચાસ્પદ પુસ્તકોમાં કાર્ટૂન મૂકવાનો મુખ્ય આશય પુસ્તકને રસાળ અને હળવાશભર્યું બનાવવાનો હતો. આ દૃષ્ટિ અગાઉનાં પાઠ્‌યપુસ્તકો બનાવનારા કરતાં જુદી અને એકદમ આવકારદાયક છે. પરંતુ એ પુસ્તકો- ખાસ કરીને ધોરણ ૧૧નું પોલિટિકલ સાયન્સનું પાઠ્‌યપુસ્તક જોઇ ગયા પછી, તેમનો સારો આશય કેટલી હદે સિદ્ધ થયો હશે એવો વિચાર આવે.

વિવાદાસ્પદ બનેલા એ પુસ્તકમાં એક કિશોર અને એક કિશોરીના કાર્ટૂન ઉપરાંત સ્કેચ અને રાજકીય કાર્ટૂન છૂટથી મૂકવામાં આવ્યાં છે. ઇરાદો, આગળ કહ્યું તેમ, સામગ્રીને રસપ્રદ બનાવવાનો હતો. પરંતુ તેમાં લે-આઉટથી માંડીને પ્રમાણભાન સહિતના ઘણા પ્રશ્નો થાય એવા છે. આદર્શ સ્થિતિ એ હોય કે પાઠ્‌યપુસ્તકના લખાણને આખરી સ્વરૂપ અપાયા પછી, એ સારા ડીઝાઇનરને આપવામાં આવે. તેની સાથે મુકાનારી સામગ્રી અને ડીઝાઇનિંગમાં પણ પૂરતું ઘ્યાન આપવામાં આવે. શક્ય હોય તો, તેને આ ઉંમરનાં બાળકો-કિશોરો જે જાતનાં પુસ્તકો વાંચતા હોય, એવી ઢબમાં તૈયાર કરવાં જોઇએ.

કંઇક જુદું કરવા માગતાં એનસીઇઆરટીના પુસ્તકોમાં જે રીતે લખાણની સાથે ચિત્રો અને કાર્ટૂન મુકાયાં છે, તેમાં લખાણનું એકધારાપણું તૂટે છે, પણ ડીઝાઇનિંગની રીતે એમાં ઘણા સુધારાને અવકાશ રહ્યો છે.   ફક્ત ચિત્રો કે કાર્ટૂન મૂકવાથી પુસ્તક રસાળ બની જાય, એવું માની લેવું પણ ભૂલભરેલું છે. હા, તેની શુષ્કતા થોડી ઘટે, પણ ચિત્ર, કાર્ટૂન અને ગ્રાફિક્સનું એકરસ સંયોજન થાય તો એ વાંચવાની મઝા જુદી જ હોય છે.

ઇન્ટરનેટના જમાનામાં આ પહેલાં કરતાં ઓછું અઘરું બન્યું છે. પરંતુ ‘આટલું પણ કોણ કરે છે’ એવા ભારતીય બ્રહ્મવાક્યથી સંતોષ માની લેવાની વૃત્તિને કારણે, એનસીઇઆરટીની પ્રયોગશીલતાનાં બધાએ વખાણ કર્યાં છે, પણ એ પ્રયોગશીલતાના પરિણામ વિશે ખાસ ચર્ચા થઇ નથી.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને એનસીઈઆરટીની સ્વાયત્તતા એક મુદ્દો છે. તેમાં બેમત ન હોઇ શકે, પરંતુ એ સ્વીકાર્યા પછી પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તા વિશે અને તેની સામગ્રીમાં સુધારાવધારાના અવકાશ વિશે વિચાર ન થવો જોઇએ? અને વિદ્વાન અઘ્યાપકો ઉપરાંત આ પાઠ્‌યપુસ્તકો જેમને ભણાવવાનાં છે તે શિક્ષકો અને જેમને ભણવાનાં છે એ વિદ્યાર્થીઓને પણ કોઇક રીતે આ પ્રક્રિયામાં સામેલ ન કરવાં જોઇએ?

એનસીઇઆરટીનાં અને બીજાં પાઠ્‌યપુસ્તકોમાં દુનિયાભરનું ડહાપણ ડહોળવામાં આવે છે. યુરોપના દેશો, અમેરિકા, બીજા કેટલાક દેશો.. આ બધા વિશે વિગતો આવતી હોય, પણ ભારતનાં રાજ્યો વિશે વિદ્યાર્થીઓને ભાગ્યે જ વિશેષ જાણકારી હોય. પોલેન્ડમાં શું થયું ને બોસ્નિયામાં શું થયું એ શીખવવું જરૂરી હોઇ શકે છે, પણ ભારતનાં રાજ્યોમાં આઝાદી પછી કયાં શું થયું એની ખબર ન હોય એવું શિક્ષણ વિદ્યાર્થીઓને કેટલું કામ લાગવાનું? નકરા જ્ઞાન અને પોતાના રોજબરોજના જીવનવ્યવહાર સાથે, પોતાના રાજ્ય અને દેશ સાથે સંબંધિત માહિતી- આ બન્ને વચ્ચે સંતુલન જળવાય નહીં, તો પાઠ્‌યપુસ્તકો વિદ્યાર્થીને બીજી દુનિયાનાં લાગે છે. તેની સાથે કોઇ પણ પ્રકારનો અનુબંધ કે આત્મીયતા તે અનુભવી શકતો નથી.

ગુજરાતનાં કે ભારતનાં બીજાં પાઠ્‌યપુસ્તકોની સરખામણીમાં એનસીઇઆરટીનાં નવાં (હવે તો પાંચ વર્ષ જૂનાં) પાઠ્‌યપુસ્તકો વધારે પ્રગતિશીલ અને વૈવિઘ્યપૂર્ણ દૃષ્ટિબિંદુ સમાવનારાં છે. પરંતુ આ કહેતી વખતે યાદ રાખવું પડે કે બહુ જરૂરી એવી કામગીરીનો આ પહેલો પ્રયાસ છે. તે સ્વસ્થ ટીકાને અને યથાયોગ્ય પરિવર્તનને પાત્ર હોઇ શકે છે. ઘણા ટીકા કરનારાએ પાઠ્‌યપુસ્તકના સલાહકાર યોગેન્દ્ર યાદવ કે સુહાસ પળશીકરની નિષ્ઠાને પ્રમાણ્યા પછી, ફેરવિચાર કરવાનું સૂચવ્યું છે. એવી જ રીતે, યોગેન્દ્ર યાદવ કે તેમના જેવા બીજા અઘ્યાપકીય વિદ્વાનોએ પણ દરેક ટીકાને માત્ર પોતાના દૃષ્ટિબંિદુથી ચકાસવાને બદલે, ‘વિચારસ્વાતંત્ર્ય પરના આક્રમણ’ તરીકે જોવાને બદલે કે ‘આટલું પણ કોણ કરે છે’ની દલીલથી તેનો અસ્વીકાર કરવાને બદલે, થોડી વધારે ખુલ્લાશ દાખવવી જોઇએ.  છેવટે પાઠ્‌યપુસ્તકો કોણ લખે છે એના કરતાં પણ વધારે કોના માટે લખાય છે એ સૌથી અગત્યનો મુદ્દો છે.

ફોન પર સામા છેડે સંદેશો પહોંચાડવાનો હોય ત્યારે ફોન હીરાજડિત હોય, પણ તેનાથી વાત થઇ ન શકતી હોય, તો ગમે તેટલા ઝળહળતા હીરાને શું કરવાના?

6 comments:

  1. Really good analysis, as usual.

    Looks like you owe your in-depth understanding of Science to Scope and Safari. Am I right?

    ReplyDelete
  2. 'એનસીઇઆરટીનાં ચર્ચાસ્પદ પુસ્તકોમાં કાર્ટૂન મૂકવાનો મુખ્ય આશય પુસ્તકને રસાળ અને હળવાશભર્યું બનાવવાનો હતો.'

    no, urvish. the intention was quite different. and that was to belittle dr ambedkar. and that too for no fault of the man who was all serious and was almost single-handedly labouring on the draft in the absence of the active co-operation from the rest of the drafting committee members.

    in a chapter on constitution, what could be of major importance to the students?

    its content like preamble, different articles on citizenship, fundamental rights and fundamental duties, directive principles of state policy, parliament and state legislature, functions of high court and governor, elections, different annextures et al or
    this cartoon of little relevance on Ambedkar and Nehru? any sane educator will agree that these things are more important than teaching the students through a cartoon that our constitution was drafted by dr Ambedkar at a snail-speed and Nehru had to lash him for speedy disposal.

    those who argue in the name of freedom of expression and blame in the name of intolerance of the cartoonist's satiric art are woefully wrong, for here there is altogether a different issue : nobody denies the right of expression of the artist, but they deny the cartoon's relevance in a chapter that is supposed to primarily raise awareness of the students on constitution's salient features.

    inserting a misleading and therefore provocative cartoon like this in a textbook speaks of its bad motive. yogendra and suhas, otherwise eminent educators, must confess of their biggest oversight.

    ReplyDelete
  3. @હા મુરજીભાઇ. પંદર વર્ષ ભણ્યા પછી જે ન થયું તે,વિજ્ઞાનમાં રસ અને થોડીઘણી સમજણ પડવાનું કામ 'સ્કોપ' અને 'સફારી' થકી થયું છે.

    ReplyDelete
  4. Cannot agree more. Our textbooks are still so prehistoric and in our era they were even worse. Talking about Kumar, I also recall the contribution of magazines like Science Today and Science Age (that market seems wiped out completely) in popularising the scientific discipline.

    ReplyDelete
  5. no gada saheb, it is much more than 'scope ' and 'safari', even though urvish himself willy-nilly seems to agree with you.

    looking to the equal ease in his diverse writings - like politics, science, literature, art, human rights, sports et al -- urvish's range can be described by one word only and that is 'versatile' and versatility can not be gained by reading only a couple of scientific journals like 'scope' and safari'.

    correct analysis of any event, idea or individual can not be made only with the help of knowledge of science, it requires knowledge of humanities and social sciences too. and to top it all, knowledge of all these put together can come to naught if the writer has no concern for human welfare and progress.

    urvish's analysis rings true just because of all this amalgam.

    ReplyDelete
  6. @નીરવભાઇઃ મારી અંદર રહેલી ગમે તેટલી શક્યતાઓ છતાં, મને જે મિત્રો અને માર્ગદર્શકો મળ્યા અને તેમની પાસેથી મેં જે મેળવ્યું, એના વિના આમાંનું બહુ ઓછું શક્ય બન્યું હોત. તેમાં 'સફારી' અને 'સ્કોપ'નો એક ચોક્કસ અને મોટો ફાળો છે. એ સિવાય મારા ઘણા પ્રત્યક્ષ-પરોક્ષ 'ગુરુ'જનો છે, જે પરંપરાગત ગુરુઓ કરતાં અલગ છે. તેમના સંસર્ગને કારણે, મારાપણું ગુમાવ્યા વિના મને જે ફાયદો થયો છે તેને જથ્થામાં આંકી શકાય એમ નથી. બાકી મિત્રોના સાચા સદભાવની મૂડીની બાબતમાં હું કરોડોપતિ છું:-))

    ReplyDelete