Tuesday, June 12, 2012

ગુજરાતી વિષયનું ‘બારમા પહેલાંનું દસમું’


જૂન ૨, ૨૦૧૨ના રોજ દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું.   કુલ ૯.૨૬ લાખ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૬.૨૯ લાખ (૬૯.૧૦ ટકા) વિદ્યાર્થી પાસ થયા. ગણિતમાં સૌથી વધારે, બે લાખથી પણ વઘુ વિદ્યાર્થીઓ, નાપાસ થયા. સારું ન કહેવાય, પણ સમજાય એવું ખરું. ગણિત માથાભારે વિષય તરીકે નામચીન છે. આપણી શિક્ષણ વ્યવસ્થા અને પાઠ્‌યપુસ્તકોએ તેને છે એના  કરતાં ઘણો વધારે ખતરનાક બનાવી મૂક્યો છે.

અંગ્રેજીમાં ૧ લાખ ૩૭ હજાર વિદ્યાર્થી નાપાસ થયા. ખોટું થયું, પણ એ આઘાતજનક નથી. અંગ્રેજીના પેપરનો કોઠો વીંધવાનું ગુજરાતી માઘ્યમમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ આકરું લાગે છે. મનમાં પેઠેલો અંગ્રેજીનો ડર, અંગ્રેજી શીખવનારાની આવડતના ગંભીર પ્રશ્નો, વિદ્યાર્થીઓ ભૂલથી પણ જાતે વિષય શીખી ન જાય એ પ્રકારનાં પાઠ્‌યપુસ્તકો, અંગ્રેજી વાચનનો અભાવ, ઘરમાં કે સમાજમાં અંગ્રેજી ભાષા સાથેનું છેટું...

પરંતુ સૌથી આશ્ચર્યજનક, આઘાતજનક અને સમજી કે સમજાવી ન શકાય એવું પરિણામ ગુજરાતીના પેપરનું આવ્યું : ૯.૨૬ લાખ વિદ્યાર્થીઓમાંથી ૮૮,૯૩૦ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા.  આ બધા વિદ્યાર્થીઓ અંગ્રેજી મીડિયમના નહીં, પણ ગુજરાતી માઘ્યમની શાળાઓમાં ભણનારા હતા. ગુજરાતી વાતાવરણમાં, ગુજરાતી ભાષા વચ્ચે જીવતા અને માતૃભાષામાં લખાયેલું માતૃભાષાનું પાઠ્‌યપુસ્તક ભણતા વિદ્યાર્થીઓ એની પરીક્ષામાં પાસ પણ ન થઇ શકે, એ હકીકત  પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તા, શિક્ષકોની સમસ્યાઓ અને વિષય તરીકે ગુજરાતીની ગંભીર ઉપક્ષા જેવાં અનેક પરિબળોનો ખ્યાલ આપે છે. તેમાં સૌથી વઘુ જવાબદાર ગણાય શિક્ષણખાતું.

શિક્ષણના નામે જાતજાતના ઉત્સવોનાં ગતકડાં કરવામાં રાચતા મુખ્ય મંત્રી કેળવણીની આંકડાકીય ‘સિદ્ધિઓ’નાં ઢોલનગારાં વગાડતા ફરે છે. વિદ્યાસહાયકોના સત્તાવાર શોષણ અને શિક્ષણના બેફામ ધંધાદારીકરણનાં માઠાં પરિણામ હવે કોઇ પણ વ્યક્તિ જોઇ શકે એવાં ઉઘાડાં છે, પરંતુ ગુજરાતમાં મુખ્ય મંત્રીના જાહેરખબરીયા પ્રભાવથી દૂર હટીને, શાંતિથી વિચારવાનું હજુ ઘણા લોકોને અઘરું પડે છે.

ચિંતા અને ચર્ચા

ના, કહેવાનું તાત્પર્ય એ નથી કે મુખ્ય મંત્રી નિશાળોમાં જઇને દસમા ધોરણના ગુજરાતીના ક્લાસ લે. (એવું થાય તો વિદ્યાર્થીઓનું ગુજરાતી સુધરતાં સુધરે, પણ તે પહેલાં એમનું સમાજશાસ્ત્ર બગડી જાય.) પરંતુ નિશાળોમાં ગમે તે ભોગે- ગમે તેટલા ખર્ચે ભાડાના ટીવી સ્ક્રીન મૂકાવીને, પોતાની ભાષણબાજી વિદ્યાર્થીઓના માથે મારવાનો પ્રબંધ મુખ્ય મંત્રી કરી શકતા હોય, તેમને એ ઉંમરથી જ પોતાના પ્રભાવમાં આણવા કોઇ કચાશ ન છોડતા હોય, તો એ મુખ્ય મંત્રી વિદ્યાર્થીઓને મળતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પગલાં ન લઇ શકે?

ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓનો ધબડકો ફક્ત ૨૦૧૨ની ઘટના નથી. વર્ષ ૨૦૧૧માં ગુજરાતી માઘ્યમના ૬૮ હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. ત્યાર પહેલાં, વર્ષ ૨૦૧૦માં ગુજરાતી માઘ્યમના ૮૬ હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ‘ઉડ્યા’ હતા અને તેના આગલા વર્ષે, ૨૦૦૯માં ૯૫,૮૩૧ વિદ્યાર્થીઓનો ગુજરાતીમાં ધબડકો થયો હતો. પરંતુ ‘ગુજરાતની અસ્મિતા’નાં અને ‘ગુજરાતનું અપમાન’નાં ઢોલનગારાંમાં ક્યાંય આ બાબતનો ઉલ્લેખ સાંભળવા મળ્યો? ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય છે, તેની જવાબદારી કેન્દ્ર સરકાર પર ઢોળી શકાતી હોત તો મુખ્ય મંત્રીએ ક્યારનો આ મુદ્દો ઉપાડ્યો હોત. પરંતુ એ શક્ય નથી. એટલે દસમા ધોરણનાં પરિણામ જાહેર થાય તેના બીજા દિવસે અખબારોમાં આવતા છૂટાછવાયા સમાચાર પછી,  એ વિશે ભાગ્યે જ આગળ ચર્ચા થાય છે.

અલબત્ત, આ બાબતે સરકારી રાહે કશું જ કામ થયું નથી, એવું ન કહી શકાય. બન્યું એવું કે વર્ષ ૨૦૦૪માં દસમા ધોરણમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી ૩૦.૨૩ ટકા. દર દસમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ડૂલ. તેના પગલે સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તથા એજ્યુકેશન રીસર્ચ ઓફિસર વચ્ચે ચર્ચા શરૂ થઇ. બોર્ડના સભ્યો અને બીજા શિક્ષણવિદોએ પણ ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓની ખરાબ દશા અંગે ચંિતા વ્યક્ત કરી. તેના પગલે એવું ઠરાવવામાં આવ્યું કે ગુજરાતીમાં વિદ્યાર્થીઓને ક્યાં મુશ્કેલી પડે છે, તે જાણવાનો પ્રયાસ કરવો અને એ મુશ્કેલીઓ દૂર કરવા માટે શું થઇ શકે તે સૂચવવું. પેપરના જવાબ લખવામાં વિદ્યાર્થીઓ ક્યાં અને કેવા છબરડા વાળે છે, એ પણ જાણવું જરૂરી બન્યું.

અંદાજિત નહીં, પણ અભ્યાસ આધારિત જાણકારી મળે એ માટે વર્ષ ૨૦૦૪માં ગુજરાતી વિષયમાં ૩૦થી ઓછા માર્ક મેળવનાર ૫૦૦ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ અડસટ્ટે પસંદ કરવામાં આવી. એ તપાસવા માટે ૪૫ શિક્ષકો પસંદ કરીને તેમાંથી પાંચ-પાંચ જણની ટુકડી પાડી દેવામાં આવી. દરેક ટુકડીએ બધાં પેપરમાંથી નક્કી કરેલા એક જ પ્રશ્નનો જવાબ તપાસવાનો. જવાબની ચકાસણી વખતે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવાની અને આ કવાયતનો આશય શો છે, તે શિક્ષકોને સમજાવવામાં આવ્યું. તેનાં પરિણામ ‘એનલાઇઝ્‌ડ સ્ટડી ઓફ ધ આન્સર બુક્સ ઓફ સ્ટુડન્ટ્‌સ હુ હેવ ગોટ લેસ ધેન ૩૦ % માર્ક્‌સ ઇન ગુજરાતી સબ્જેક્ટ ઇન એસ.એસ.સી. એક્ઝામિનેશન ઓફ માર્ચ-૨૦૦૪’ એવા મથાળા હેઠળ બહાર પાડવામાં આવ્યું. તેના લેખક તરીકે ડૉ.અશોક પટેલનું નામ હતું.

આ અભ્યાસ મૂળ ગુજરાતીમાં તૈયાર થયો હશે અને પછી તેનો સરકારી રાહે અંગ્રેજીમાં અનુવાદ કરાવવામાં આવ્યો હશે, એવું તેના અત્યંત રેઢિયાળ અને શરમજનક અંગ્રેજી પરથી ધારી શકાય. ગુજરાતી માઘ્યમમાં બારમું ધોરણ ભણેલો ધોરણસરનો વિદ્યાર્થી પણ આ ‘એનલાઇઝ્‌ડ સ્ટડી’માં છે એવા ભાષાના ગોટાળા ન કરે.

અભ્યાસ અને તારણો

શિક્ષણને લગતી વાત હોય ત્યારે તેના અહેવાલમાં ભાષાના છબરડાની વાત કરવાનું જરાય અસ્થાને નથી. છતાં, મૂળ વિષય બાજુએ ન રહી જાય એ માટે, અહેવાલનાં પરિણામો અને તારણો પર આવીએ. નવેમ્બર ૭, ૨૦૦૪ થી નવેમ્બર ૯, ૨૦૦૪ દરમિયાન શિક્ષકટુકડીઓએ તપાસેલાં ૫૦૦ પેપરમાંથી પ્રાથમિક ધોરણે આટલા મુદ્દા તારવ્યાઃ  અવાચ્ય- ગરબડીયા અક્ષરો, જુદા જુદા પ્રકારો લખવામાં પડતી મુશ્કેલીઓ (અંગ્રેજીઃ વીકનેસ ઇન રાઇટિંગ ડાઉન ધ વેરીયસ ફોર્મ્સ ઓફ રાઇટિંગ), જોડણીની અઢળક ભૂલો (જોડણીના માર્ક કપાતા હશે? અને વિદ્યાર્થીઓના માર્ક કાપી શકાય એટલી જોડણી મોટા ભાગના શિક્ષકોને આવડતી હશે?),  નબળું લેખનકૌશલ્ય, મૌલિકતાનો અભાવ (શિક્ષકો કરતાં પણ વધારે હશે? એવો સવાલ થાય).

વિગતવાર મુદ્દા આધારિત પૃથક્કરણમાંથી કઢાયેલાં કેટલાંક નમૂનારૂપ તારણઃ

ગદ્ય (પાઠ) આધારિત સવાલો ૩૦ ટકા વિદ્યાર્થીઓએ છોડી દીધા હતા. બાકીનાએ આપેલા જવાબમાંથી ૬૦ ટકા જવાબોની સામગ્રીમાં ગોટાળા હતા.

ગદ્ય કરતાં પદ્યના - પાઠ કરતાં કવિતાના જવાબ લખવાનું વિદ્યાર્થીઓને વધારે અઘરું પડ્યું હતું. ૩૫ ટકા લોકોએ અઘૂરા જવાબ લખ્યા હતા. ૭૦ ટકા લોકોના જવાબ ખોટા હતા. ૬૦ ટકા લોકોની લેખિત અભિવ્યક્તિ નબળી હતી.

નિબંધોમાં આરંભ, મઘ્ય અને અંત જેવા માળખામાં વિદ્યાર્થીઓ બરાબર લખ્યા ન હતા. તેમના નિબંધોમાં મૌલિકતાનો અભાવ હતો. ૩૦ ટકા વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યા ન હતા. અહેવાલલેખનમાં પરિસ્થિતિ વધારે ખરાબ હતી. ૪૦ ટકા લોકો તેને અડ્યા ન હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહેવાલના સ્વરૂપથી અજાણ હતા. અહેવાલમાં શું લખાય અને કેવી રીતે લખાય એનો તેમને ખ્યાલ ન હતો.

આપેલા ગદ્યખંડનો સંક્ષેપ લખવાનો સવાલ ૪૦ ટકા વિદ્યાર્થીઓએ છોડી દીધો હતો. ૫૦ ટકા વિદ્યાર્થીઓએ આખેઆખો ફકરો જવાબ તરીકે ઉતાર્યો હતો. ગદ્યખંડનું યોગ્ય શીર્ષક એક પણ વિદ્યાર્થી આપી શક્યો ન હતો.

કવિતા અને તેના સવાલજવાબ અડધાઅડધ વિદ્યાર્થીઓએ જવા દીધા હતા. એકેય વિદ્યાર્થીને કવિતાનો મુખ્ય ભાવ પકડાયો ન હતો. એવી જ રીતે, ૫૦ ટકા વિદ્યાર્થીઓએ વિચારવિસ્તારનો સવાલ પણ છોડી દીધો હતો.

 ૧૨ માર્કનું વ્યાકરણ વિદ્યાર્થીઓને સૌથી અઘરું લાગ્યું. ૨૮ ટકા લોકોએ આખો સવાલ છોડી દીધો. ૧૮ ટકાને તેમાં એકેય માર્ક મળ્યો નહીં અને ૫૦ ટકા લોકોને ફક્ત ૦ થી ૫ માર્ક જ મળ્યા.
***

પુનરોક્તિ કરીને પણ કહેવું પડે કે આખો અહેવાલ અત્યંત ભયંકર, હાસ્યાસ્પદ અને ગોટાળીયા અંગ્રેજીમાં લખાયો છે. જો એ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનો સત્તાવાર અહેવાલ હોય તો, બોર્ડે શરમથી ડૂબી મરવાના વિકલ્પે જવાબદાર અધિકારીઓ પાસે સો-સો વાર આ અહેવાલ હાથેથી લખવાની શિક્ષા કરવી જોઇએ.

ગુજરાતીમાં નાપાસ થયેલા ૫૦૦ વિદ્યાર્થીઓના જવાબ તપાસવાની કવાયતનું મહત્ત્વ ખરું, પણ તેનાં તારણ વિદ્યાર્થીઓના જવાબ જોયા વિના કલ્પી શકાય એવાં છે. વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં રસ પ્રેરી શકે એવા શિક્ષકો અને એવા શિક્ષકોને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ વર્ષોથી ખતમ થયું છે. ગુજરાતી વ્યાકરણ વર્ષોથી અસ્પૃશ્ય અને ન ચલાવવાનો વિષય ગણાય છે. ભણતરને બદલે ટકાઘેલાં માબાપ-શિક્ષણસંસ્થાઓ ટકાવારીની ઉંદરદોડમાંથી ઊંચાં આવે ત્યારે ભાષા પ્રત્યે ઘ્યાન જાય ને? એમાં પણ ગુજરાતી ભાષા એટલે ઘરકી મુર્ગી. એ બધાની અને કોઇની નહીં. તેની પાછળ સમય કોણ બગાડે? કારકિર્દીમાં એ શું કામ લાગવાની?

 જેટલું ખરાબ ગુજરાતી બોલીએ એટલું જ ખરાબ ગુજરાતી લખીએ તો ચાલી જશે, એવો આત્મવિશ્વાસ નવા સમયની તાસીર છે, તો શિક્ષકોની કથળતી ગુણવત્તા એ બે-ત્રણ દાયકા પહેલાંથી આરંભાયેલી પ્રક્રિયા છે. પરંતુ એ સુધારવા તરફ ઘ્યાન આપવાને બદલે, સસ્તા ભાવના શિક્ષકો મેળવવાનો અને શિક્ષણની દુકાનોને ઉત્તેજન આપવાનો વિકલ્પ સરકારોને વધારે અનુકૂળ આવ્યો છે.

આવાં અનેકવિધ કારણોનું કરુણ પરિણામ દસમા ધોરણના ગુજરાતીના પરિણામ વખતે ઘડીક પ્રકાશમાં આવીને પછી ભૂલાતું રહે છે. હવે એની શરમ પણ રહી નથી. એટલે, ‘એનલાઇઝ્‌ડ સ્ટડી’માં કરાયેલાં શિક્ષકોજોગ સૂચનો પોથીમાંનાં રીંગણાં બનીને રહી જાય એમાં કશી નવાઇ નથી- અને એના માટે શિક્ષકો કરતાં પણ વધારે દોષી શિક્ષણતંત્ર છે.

12 comments:

  1. ભરતકુમાર ઝાલા2:41:00 PM

    શિક્ષણતંત્ર પરની શસ્ત્રક્રિયા સરસ રહી.

    ReplyDelete
  2. એટલી આશા રાખીએ કે આજના શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષણ કારભારીઓમાટે આપણે એટલું તો કહી શકીએ કે,'પ્રભુ તેમને માફ કરજે કારણકે તેઓ જે કંઇ કરી રહ્યા છે તે તેમની અજ્ઞાનાવસ્થામાં કરી રહ્યા છે."!

    ReplyDelete
  3. મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત થઇ જવાને કારણે શિક્ષકો જે-તે વિષય ભણાવવાને બદલે ‘આમાંથી કયા સદગુણો શીખ્યા?” એમાં જતાં રહે છે. એ સહેલું પણ પડે, ગુરુઓના પ્રવચન જેવું- સંભાળવું ગમે, આચરવાની જરૂર નહી. ભાષા-ઇતિહાસ તો આ મૂલ્યોને પાપે લગભગ ભણાવાતા જ નથી.

    ReplyDelete
  4. GUJARATI BHASHA NA SIXAK HOVA NA NATE ATMA KAKALI UTHE CHHE PAN AJJ NA GUJARATI TEACHERO J "KAUTILY" ANE "PARIKH-ZALA" NI GUIDE NA SAHARE SELF-FAINANCE MA B.ED. BANI BETHA CHHE. SARKAR J 100% JAWABDAR CHHE SIXAN ANE BHASHA NI GHOR KHODAVA MA.

    ReplyDelete
  5. આ બ્લોગ પોસ્ટ વાંચીને ખૂબ નવાઇ લાગી...એક બાજુ ગુજરાતીમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ આવે છે, એ વળી એથી મોટી નવાઇ છે - કેવી રીતે આવે છે ફુલ માર્કસ? પણ હા, આ અભ્યાસો અને તારણો સાચાં હશે તે માનવામાં કોઇ શક નથી....કારણ કે જડ ખૂબ ઊંડા છે.

    મેં બારમા ધોરણમાં આખું વર્ષ ગુજરાતી પાઠ્યપુસ્તકને હાથ જ નહોતો અડકાડ્યો...નિબંધ અને વ્યાકરણમાં કોન્ફિડન્સ અને છેલ્લે કવિ-લેખકો વાળાં જોડકાં માટે પુસ્તક જોઇ લીધું હતું. નિંબંધ-વ્યાકરણનો કોન્ફિડન્સ વાંચનનાં શોખ અને આદતથી આવે છે. શાળા, પાઠ્યપુસ્તક કે શાળા-ટ્યુશનમાં ભરેલાં ક્લાસ....સમય અને શક્તિનો બગાડ છે. માત્ર પાઠ્યપુસ્તક ને વળગી રહેવાનું વલણ તમને એક માળખામાં બંધ કરી દે છે....ખાસ કરીને ભાષાની વાત કરીએ તો.

    આ બધાં માં પહેલી જવાબદારી માતા-પિતાની. (બાળકની સાથે સંકળાયેલ કોઇપણ સમસ્યામાં પોતાની અંદર નજર કરવી)...તમે તમારાં બાળકને માર્કસ માટે ભણાવો છો કે ખરેખર તમારાં બાળકનો વિકાસ થાય તેનાં માટે? એક ડોક્ટર કપલ આવ્યું હતુ કહે દીકરીને વાંચવાનો શોખ નથી, મેં પૂછ્યું- તમે વાંચો છો? 'ના' તમે વાર્તા કહો છો? 'ક્યારેક ગુજરાત સમાચારની પૂર્તિમાંથી વાંચી સંભળાવીએ'!!!!! હવે વાર્તાઓનાં દુકાળમાં મોટી થયેલી પ્રજાનાં માતૃભાષાનાં પરિણામો આ હોય તો નવાઇ પામવા જેવું ખરું? વાર્તાઓનો ચસ્કો બાળકની ભાષાને તમે માની ન શકો તે ઊંચાઇ પર લઇ જઇ શકે છે...અને સાથે સાથે તેની કલ્પનાશક્તિ, સમજશક્તિ અને બીજી ઘણી રીતે. અને હા, ગણિત-વિજ્ઞાન પણ ભાષા સાથે ગાઢ રીતે જોડાયેલા છે!

    મારી દસ વર્ષની દિકરી ગુજરાત બોર્ડનાં પાઠયપુસ્તકોને અસ્પૃશ્ય માને છે!...હોમસ્કૂલીંગ છે એટલે માધ્યમ કે સિલેબસ જેવું કાંઇ છે નહીં પણ ગુજરાતી કવિતાઓ ગમે છે તે કારણથી કાલે ૬ઠ્ઠા ધોરણનું પાઠ્યપુસ્તક ખરીદ્યુ...પહેલું પાનું ખોલતાં જ નિરાશ થઇને કહે 'મમ્મી, આ શું? આવું પિક્ચર રીડીંગ અને આવા સવાલો તો રિમઝિમમાં પહેલાં ધોરણમાં આવે છે!'

    પહેલાં ધોરણમાં આવતાં પહેલાં જ રેસમાં જોડાયેલા ઘણાં બાળકો તો પહેલેથી જ ભણવામાં રસ ગુમાવી ચૂક્યા હોય છે. બચ્ચું દોઢ વર્ષનું થાયને બે કલાક પ્લેગ્રુપમાં મોકલીને શાંતિ અનુભવતી મમ્મી વધારે જવાબદાર કે સરકાર-શાળાઓ? અંગ્રેજીનાં મોહમાં આંધળા થઇને ગુજરાતી એટલે પછાત એ માનસિકતાને પોસતો સમાજ વધારે જવાબદાર કે બીજું કોઇ? લખવા માટે નાનાં હાથ તૈયાર થાય તે પહેલાં ખબર નહીં લખતાં કરી દેવાની મા-બાપ અને શાળાઓને શું ઉતાવળ હોય છે....પછી મન વગર શીખેલું એ કૌશલ્ય ક્યાં લઇ જશે? દોઢ-બે-અઢી વર્ષથી બચ્ચાંને સ્કૂલ મોકલવાનું બંધ કરી, પાઠ્યપુસ્તક અને ભણાવવાની પધ્ધતિઓમાં ધરમૂળથી ફેરફાર, માતા-પિતા,શાળા,સમાજ બધાંએ શિક્ષણ પ્રત્યેનો પોતાનો અભિગમ બદલવો જ રહ્યો.

    ReplyDelete
  6. 86K students Gujarati ma fail thaya that is sad but sir e mate sarkar javabdar...badhu teachers/sarkar ne bija par chhodi devanu??? Javabdari maa baap ni ke chhokrao ni nahi?

    Sarkare etla j kharcha kari Vanche Gujarat kadhelu...ketla maa baap e ghar ma gujarati ni book vasavi ne chhokra ne interest leta karya...

    Pass thava mate ke knowledge mate teachers ke sarkar ni jarur nathi..(I accept remote places ke gamda ma sara teachers hova jaruri chhe pan aa ek moti samsya chhe...Teachers khud thaga thaiya kari paas thayela hoi...upar thi Great Reservation Quota na sahara na lidhe aayela hoi etle khud emne mahenat na kari hoi to bijane mahenat na paath aapva aghara chhe - muddo bhataki raho chhu hu... pan issue complex chhe)

    simple chhokra jo haji khud samji sake etla mature na hoi to e maa baap ni javabdari chhe ene saru sikshan aapvani ane tyar pachhi khud chhokra ni....

    kya sudhi sarkar ne teachers ne gado aalishu sir.....

    ReplyDelete
  7. Anonymous8:55:00 PM

    ઉર્વિશભાઇ

    થોડા સમયથી ધોરણ-૧૦ માં અંગ્રેજી વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ લાવતા વિદ્યાર્થીઓને જોયા છે. હશે...

    હું જ્યારે ભણતો(?) હતો ત્યારે મારા ગુજરાતીના સર કહેતા હતા કે પરીક્ષામાં સાર લેખન કરવા માટે દર ૩ જી લીટી લખી નાખવાની આથી સાર લેખન પુરુ થઇ જશે... બસ ધીમે ધીમે સાર લેખન ‘‘પુરું’’ થઇ રહ્યું છે...
    - ઝાકળ

    ReplyDelete
  8. @મેહુલ: શિક્ષણ ની ઘોર ખોદવામાં એકસો ને દસ ટકા સરકાર જવાબદાર છે....સરકાર ની જે શિક્ષણ પ્રતે ઘોર ઉદાસીનતા છે એ કોઈ ને પણ ખ્યાલ હશે જ....૨૫૦૦ રૂપિયા ના પગારે શિક્ષણ સહાયક !!! એક વાર શાંતિ થી વિચારી જોજો કે કેવા લોકો પછી શિક્ષણ ને સહાય કરશે??? સારા શિક્ષકો તૈયાર કરતી કોઈ સારી સરકારી સંસ્થા ઉભી થઇ શકે...જેમાં ખાલી જેને શિક્ષણ આપવાની ધગસ હોય એ લોકો જ આવે અને ભણે....શિક્ષણ જે પાયા ની વસ્તુ છે એવી 'લાઈન' ને છેલ્લી 'લાઈન' બનાવી દીધી છે...કોઈ જ શિક્ષક બનવા તૈયાર નથી... શિક્ષણ વ્યવસ્થા માં જ ધરમૂળ પરિવર્તન ની જરૂર છે....મને ખ્યાલ નથી કે સરકાર કોઈ રીસર્ચ કરાવતી હોય કે અત્યાર ની શિક્ષણ પ્રથા ને પદ્ધતિ કેટલી અસરકારક છે??? ખાલી પ્રાથમિક નહી ઉચ્ચ શિક્ષણ પણ એમાં આવી જાય....આજે આખી દુનિયા માં એલ.એલ.એમ. નો અભ્યાસક્રમ એક વરસ નો છે ...ખાલી ભારત માં જ એ અભ્યાસક્રમ બે વરસ નો છે....એની પાછળ કોઈ જ કારણ જવાબદાર નથી બસ 'આગે સે ચલી આતી હૈ' જેવો ઘાટ છે....અને એટલે જ આપણા દેશ ના લોકો ઉચ્ચ અભ્યાસ માટે બહાર જાય છે...

    ગુંડાતત્વો થી ખદબદે છે યુનિવર્સીટીઓ ....કોણ જવાબદાર??? શૈક્ષણિક સંસ્થાઓ માં 'ભગવાકરણ' થી શું ફાયદો થવાનો???સૌરાષ્ટ યુની હોય, એમ એસ યુની હોય કે ગુજરાત યુની હોય એક પણ રાજકારણ માંથી બાકાત નથી...એમ એસ યુની ના ટેકનોલોજી વિભાગ માં તો એક એ બી વી પી નો એક ટાઈમ નો ગુંડો વગર પરીક્ષા ઓ પાસ કર્યે અત્યારે એ જ વિભાગ માં પ્રોફેસર છે....સૌરાષ્ટ્ર યુની ના ગજેન્દ્ર જાની હોય કે ગુજરાત ના પરિમલ ક્યાં કોઈ ની વાત અજાણી છે?

    સરકાર એ ખરેખર કઈ કરવું જોઈએ ...શિક્ષણ માં કઈ પાયાનું કામ કરવું જોઈએ...

    @ઉર્વીશભાઈ: એક આડવાત બધી જ ભાષાઓ ની આજ હાલત છે એમ નથી લાગતું???? અહીં યુ કે માં પણ અત્યારે ચર્ચા નો વિષય એ જ છે કે અંગ્રેજી ભાષા નું અવમૂલ્યન થઇ રહ્યું છે....લોકો ને શુદ્ધ અંગ્રેજી ભાષા આવડતી જ નથી !!! સ્પેલિંગ પણ લખતા નથી આવડતા...અને વ્યાકરણ પણ પછાત છે... http://www.guardian.co.uk/education/2012/jun/04/queens-english-society-enuf-innit

    ReplyDelete
  9. "ખોટું લખવા કરતાં પુસ્તકનાં પાનાં કોરાં રહી જાય એ સારું" આ વાતને ગુરુમંત્ર માનતા વજેસિંહ પારગીએ ધોરણ આઠનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખરીદ્યું તો ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં. ભાષાકીય અશુદ્ધિઓ એટલી વધારે હતી જેનાથી એવું માનવાનું મન થાય કે પ્રૂફરીડિંગની પ્રક્રિયામાંથી પુસ્તક પસાર જ નહીં થયું હોય. આ બાદ VTV ગુજરાતી પર અડધા કલાકના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેની લિંક અહીં આપી છે.
    http://www.youtube.com/watch?v=QYHwJE8uGfY&feature=plcp
    આ પુસ્તકમાં પહેલો પાઠ ચિત્રપાઠ છે. જેમાં ચિત્ર જોઈને વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય કરવાનું જણાવાયું છે. CBSEનાં પુસ્તકોની કક્ષા અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં પુસ્તકોની કક્ષા વચ્ચે શું ફરક છે તે સમજવા પહેલો પાઠ પૂરતો છે.

    ReplyDelete
  10. Vishal Shah11:50:00 AM

    અત્યારની જનરેશન ફેસબુક, ઍસઍમઍસ વાળી છે... વર્ણસંકર પ્રજાને નથી સાચુ ગુજરાતી આવડતુ, નથી સાચુ અંગ્રેજી આવડતુ... (મોટા ભાગના "વર્ણસંકર" ને "વર્ણશંકર" માનતા હશે...

    ઍસઍમઍસ માં પણ અંગ્રેજી સાચુ નહીં, વ્યાકરણ તદ્દન ખોટુ, કોઈ દિવસ પ્રૉપર નાઉન વાપરવાના જ નહીં...

    કમભાગ્યે મેં પણ મારી દિકરીને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકી છે, ઍટલે ખાસ કૉમેંટ કરવાનો અધિકાર નથી, પણ ગુજરાતી માધ્યમમાં ભણતા વિધ્યાર્થીઓનું જ્ઞાન ખુબ નબળુ છે તેની સાથે હું સહમત છું.

    ReplyDelete
  11. i don't udnerstand why in all the discussion you like to point directly or indirectly Mr Modi?

    in past any CM tried to encourage Gujarati people for reading? just listen to his speech of "vanche Gujarat" but unfortunately you have biosed mind to write against him.

    as pe your statement CM always blame UPA government for everything but you have the same mentality. look at your blog spot 8 out of 10 article you had written his name. now in this article there is no need to write his name.

    students failed in gujarati, before 2004 as well. soemtimes i think thanks to modi, you can write soemthing otherwise you dont have nothing to write.

    ReplyDelete
  12. @swami: just look at the index on rigt column and you'll immediately find the range of subjects. If your blinkers made you see only Modi related pieces, how can i help you?
    Indeed, i don't understand as to why one should not point directly/ indirectly to Mr.Modi in critical matters when he's ascribed with all credit in all matters...

    ReplyDelete