Wednesday, June 20, 2012
કોંગ્રેસી- ભાજપી કાર્યકરોની ટી-પાર્ટી
ભાજપમાં ખટરાગની આ સીઝનમાં ચાની કીટલી પાસે કોંગ્રેસ અને ભાજપના થોડા રાજકીય કાર્યકરો ભેગા મળ્યા હોય, તો તેમની વચ્ચે કેવી વાતો થાય? (વાર્તાલાપમાં ‘કોંગ્રેસી’ લખ્યું છે ત્યાં ‘કોંગ્રેસી કાર્યકર’ અને ‘ભાજપી’ લખ્યું છે ત્યાં ‘ભાજપી કાર્યકર’ વાંચવું)
***
કોંગ્રેસી ૧ : છોકરા, છ-સાત ‘કટિંગ’ આપજે.
ભાજપી ૧ : ના, મારે નહીં, હોં.
ભાજપી ૨ : મારે પણ નહીં.
ભાજપી ૩ : આપણે કોઇથી ભયભીત નથી. આપણી એક આખ્ખી. આદુ-મસાલો નાખીને.
કોંગ્રેસી ૨ : કેમ ભાઇ, તમે લોકો ચા નથી પીતા? કે પછી કોંગ્રેસની ચા અગરાજ છે?
કોંગ્રેસી ૩ : એ શું બોલ્યા? આ લોકો કોંગ્રેસી કેન્દ્ર સરકારની ગ્રાન્ટોની ગ્રાન્ટો પી જાય છે, તો પ્યાલો ચાનો શો
હિસાબ? પણ કારણ કંઇક બીજું લાગે છે. કહી દો..કહી દો... ભયભીત ન થશો.
ભાજપી ૧ : જુઓ, આપણે મિત્રો છીએ એ બઘું બરાબર, પણ અમારા આંતરિક મામલામાં તમે દખલ ન કરો તો સારું.
કોંગ્રેસી ૧ : (કોંગ્રેસી ૨-૩ તરફ જોઇને) લો, બોલ્યા મોટા, ‘આંતરિક મામલામાં દખલ ન કરોે.’ જાણે એ પાકિસ્તાન હોય ને આપણે એમની પાસેથી દાઉદ ઇબ્રાહિમનું સરનામું માગ્યું હોય. અલ્યા ભાઇ, અમે બીજા કોઇના નહીં, તમારા સાહેબના ભયની વાત કરીએ છીએ.
ભાજપી ૨ : ખબરદાર, અમારા સાહેબનું નામ લીઘું છે તો...
ભાજપી ૩ : એમનું નામ લેવાની તપાસપંચો સિવાય બીજા કોઇની તાકાત છે?
કોંગ્રેસી ૧ : ઠીક છે, તમે ના કહો છો તો નામ નહીં લઇએ, બસ? પણ ચા તો પીઓ.
કોંગ્રેસી ૨ : એમને બીક લાગે છે કે કોઇ એમના પર સંજયદૃષ્ટિ રાખતું હશે તો?
ભાજપી ૧ : તમે કહેતા હો તો અમે જતા રહીએ. નાહકના ‘સંજય’ને વચ્ચે શા માટે લાવો છો? અમને પક્ષમાંથી કઢાવવાનો વિચાર છે?
કોંગ્રેસી ૧ : કહો, ન કહો, પણ તમે ભયભીત તો જ છો. નહીંતર, સંજયના નામ માત્રથી આમ આઘાપાછા શું કરવા થાવ?
ભાજપી ૨ : એમાં ભયનો નહીં, શિસ્તનો સવાલ છે. તમે તો જાણો છો, અમારો પક્ષ શિસ્તને વરેલો છે.
ભાજપી ૩ : એ લોકો તો જાણે જ છે, આપણાવાળા નથી જાણતા. એટલે તો પક્ષની શિસ્ત જાળવવાને બદલે, પોતાનું ધાર્યું કરાવવા માટે ત્રાગાં કરે છે. પક્ષની રાષ્ટ્રિય કારોબારીમાં જવા માટે શરતો મૂકે છે અને શિસ્ત-બિસ્ત બાજુ પર મૂકીને પોતાની ધોરાજી હંકારે છે.
ભાજપી ૧ : જુઓ, જુઓ, આને જ શિસ્તભંગ કહેવાય. અમે તો શિસ્ત પાળીએ જ છીએ, તમે લોકો સાહેબ વિરુદ્ધ જાહેરમાં ગમે તેમ બોલીને શિસ્તભંગ કરો છો.
ભાજપી ૨ : લપોડશંખ, પોલો ઢોલો, રાક્ષસ, રાવણ...ઓ બાપ રે, આવું તો આપણે કોંગ્રેસી વડાપ્રધાન માટે પણ કદી બોલ્યા નથી...
ભાજપી ૩ : ...અને અમે જેના માટે બોલ્યા છીએ એ કદી વડાપ્રધાન થવાના પણ નથી. અમને બાજુ પર રાખીને તો નહીં જ. લખી રાખજો.
ભાજપી ૧ : સતી શાપ આપે નહીં...
ભાજપી ૩ : અને શંખણીના શાપ લાગે નહીં...ખબર છે એ કહેવત, પણ સંજય જોષીને શાપ આપવા નીકળેલા તમારા સાહેબને સંભળાવજો. જેથી એમના પણ ખ્યાલમાં રહે.
કોંગ્રેસી ૧ : શાંતિ...શાંતિ...તમે લોકો તો અંદરોઅંદર ચડચાસડસીમાં ઉતરી પડ્યા. લો, ચા આવી ગઇ.
ભાજપી ૧-૨ : પણ અમે તો ના પાડી હતી.
કોંગ્રેસી ૨ : અરે, હોય કંઇ? રાજકારણમાં આવું તો બઘું ચાલ્યા કરે. એનાથી ચાનો બહિષ્કાર થોડો કરાય?
ભાજપી ૩ : (આખી ચામાંથી સબડકો ભરતાં) અત્યારે આટલી પણ મોકળાશ છે. પી લો. પછી એવા દિવસ આવશે કે ચા પીતાં પહેલાં તમારે સાહેબની રજા લેવી પડશે, શિસ્તબદ્ધ સૈનિકો.
કોંગ્રેસી ૩ : જોયું, તમને અમે કહેતા હતા ને કે પાણી પણ હાઇકમાન્ડને પૂછીને પીવું પડે. ત્યારે તમે અમારી મશ્કરી કરતા હતા. હવે તમારે પ્યાલા સામે જોવું હોય તો પણ સાહેબથી બીવું પડે છે.
ભાજપી ૧ : (કોંગ્રેસી ૩ની વાત સાંભળી-ન સાંભળી કરીને, ભાજપી ૨ તરફ જોઇને) આપણે અહીં ચા પીશું તેમાં કોઇ પણ રીતે સંજય જોષીની તરફેણની તો નહીં ગણાઇ જાય ને?
ભાજપી ૨ : (થોડું વિચારીને) ખબર નથી. આપણે આજુબાજુ જોઇ લેવું જોઇએ. ક્યાંય સંજય જોષીનાં પોસ્ટર લાગ્યાં નથી ને? અથવા ભવિષ્યમાં પણ આજુબાજુ સંજય જોષીનાં પોસ્ટર લાગે એવી સંભાવના નથી ને? એવું થાય તો આપણે નાહકના પક્ષદ્રોહના પાપમાં પડીએ.
ભાજપી ૩ : પક્ષદ્રોહ શાનો? સંજય જોષી આપણા પક્ષમાં નથી?
કોંગ્રેસી ૧-૨-૩ : હા, સંજય જોષી તો તમારા પક્ષમાં છે. પછી શી ચિંતા?
ભાજપી ૧ : (ધીમેથી) સંજય જોષી અમારા પક્ષમાં છે, પણ અમારા સાહેબ અમારા પક્ષની ઉપર છે એનું શું?
ભાજપી ૨ : ગમે તે કહો, પણ એ અમારા વડાપ્રધાનપદના ઉમેદવાર છે.
ભાજપી ૩ : તો બનાવી દો એમને વડાપ્રધાન....પાકિસ્તાનના. કોણ ના પાડે છે? ત્યાં ઇમરાનખાન સિવાય બીજા કોઇની હરીફાઇ પણ નહીં નડે.
કોંગ્રેસી ૧ : અને પેલાં મિંયા મુશર્રફવાળાં જૂનાં પ્રવચનો સીધેસીધાં પાકિસ્તાનની ચૂંટણીમાં કામ પણ લાગી જશે.
ભાજપી ૧ : હં...પહેલી વાર મને તમારી વાત વિચારવા જેવી લાગે છે.
ભાજપી ૨ : સાહેબને વડાપ્રધાન થવું છે, પણ કયા દેશના, એનો એમણે ક્યાં ફોડ પાડ્યો છે? વાત તો સાચી...
ભાજપી ૩ : અરે પાકિસ્તાનના જ નહીં, અમેરિકાના વડાપ્રધાન -એટલે કે પ્રમુખ- થવું હોય તો પણ વાંધો નહીં આવે. અમેરિકાના રાજકારણની ચોટલી અમારા પટેલોના જ હાથમાં છે. એક વાર સાહેબ અવાજ કરે એટલી વાર. સાહેબને પ્રમુખપદું તો શું, અમેરિકાના વિઝા પણ અપાવી દઇશું. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પહેલા પાને સાહેબનો ફોટો આવી જશે અને જાહેરખબરનો ભાવ પણ નહીં આપવો પડે. પછી?
કોંગ્રેસી ૧ : તમારા સાહેબને કાનમાં સહેજ ફૂંક મારી દેવી પડે કે અમેરિકામાં કોંગ્રેસનો અર્થ સંસદ થાય છે. એટલે ત્યાં ‘કોંગ્રેસ’નો ઉલ્લેખ સાંભળીને અહીંની માફક બખાળા કાઢવા ન બેસી જાય.
કોંગ્રેસી ૨ : અમેરિકામાં આ સાલ થાય એવું ન હોય તો તમારા સાહેબ પાકિસ્તાનના પ્રમુખ બની જાય અને અમારા કુંવર પાકિસ્તાનના વડાપ્રધાન. કેવી મઝા આવે?
ભાજપી-૧-૨-૩, કોંગ્રેસી ૧-૨-૩ : ભારતમાં કોઇ સમસ્યા જ ન રહે.
ભાજપી ૧ : એય છોકરા, લે આ કપ અને રૂપિયા પેલા ત્રિરંગા ખેસવાળા સાહેબ જોડેથી લેવાના છે.
કોંગ્રેસી ૧ : કેમ ભાઇ? કઇ ખુશીમાં? સરકાર તમારી છે ને રૂપિયા અમે શું કરવા ચૂકવીએ?
ભાજપી ૨ : સરકાર ભલે અમારી હોય, પણ કામ કોનાં થાય છે?
કોંગ્રેસી ૨ : સારું, સારું યાર. તમે ચાના પૈસા જેવી બાબતમાં ધંધાની વાતો ક્યાં લઇ આવો છો?
(ચાના કપના ખખડાટ અને ખિસ્સામાંથી નોટોની સાથે છૂટા પૈસાના ખણખણાટ સાથે ટી-પાર્ટી સમાપ્ત થાય છે.)
Subscribe to:
Post Comments (Atom)
વાતો ના વડાપ્રધાન આને કહેવાય, ઉર્વીશ ભાઈ તદન સાચું શબ્દચિત્ર આપ્યું
ReplyDeleteજોરદાર .. બાકી .. બંનેની ખબર લઇ નાખી હોં !!!
ReplyDeleteSuperb! Especially this part: "તમારા સાહેબને કાનમાં સહેજ ફૂંક મારી દેવી પડે કે અમેરિકામાં કોંગ્રેસનો અર્થ સંસદ થાય છે. એટલે ત્યાં ‘કોંગ્રેસ’નો ઉલ્લેખ સાંભળીને અહીંની માફક બખાળા કાઢવા ન બેસી જાય."
ReplyDelete