Tuesday, June 26, 2012

રૂપિયાનું અવમૂલ્યનઃ ચિંતા કે રાહત?


ગયા સપ્તાહે ભારતના ચલણ તરીકે રૂપિયાએ નવો વિક્રમ સ્થાપિત કર્યો. શુક્રવારના રોજ તેનું મૂલ્ય થયું ઃ ૧ અમેરિકન ડોલર બરાબર ૫૭.૩૩ રૂપિયા. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આટલું નીચું અગાઉ કદી ઉતર્યું ન હતું.
 હકીકત એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી ‘રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ’ - એ મથાળું વારંવાર વાંચવા મળે છે. મહિનાઓથી ચાલતું રૂપિયાનું ‘દક્ષિણાયન’- તેની અધોગતિ અવિરતપણે ચાલુ છે- અને સંભવ છે કે આ લેખ તમારા સુધી પહોંચે ત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૫૭.૩૩થી પણ આગળ વધી ચૂક્યું હોય. કેટલાક લોકો રમૂજમાં કહે છે તેમ, રૂપિયો હવે ‘સિનિયર સિટિઝન’ બનવાની તૈયારીમાં છે. એટલે કે ૧ ડોલર બરાબર ૬૦ રૂપિયાનો વિનિમય દર હવે હાથવેંતમાં છે.

 આંતરરાષ્ટ્રિય બજારમાં રૂપિયાના ભાવ ગગડતા જાય, એટલે પ્રાથમિક પ્રતિક્રિયા અરેરાટી, ચિંતા અને ટીકાની આવે. ‘એક ડોલર બરાબર રૂ.૪૦-૪૫ની સપાટીએથી ડૂબકી લગાવીને રૂપિયો છેક સિનિયર સિટિઝન બનવાની નજીક પહોંચી ગયો. કેટલું ખરાબ કહેવાય? ભારતનું અર્થતંત્ર સાવ ખાડે ગયું છે.’ એ પ્રકારના ઉદ્‌ગાર ઘણી વાર સાંભળવા મળે છે.

‘ડોલરની સામે રૂપિયો મજબૂત રહેવો જોઇએ. એમાં ભારતની મજબૂતી દેખાય અને તેનો વટ પડે’ એવું પણ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ન ધરાવતા ઘણા લોકો માનવા પ્રેરાય છે. પરંતુ ઘરનું અર્થતંત્ર અને દેશનું અર્થતંત્ર જુદી બાબતો છે. મૂળભૂત સિદ્ધાંતો સરખા હોવા છતાં, દેશના  વિશાળ અર્થતંત્ર પર સીધી અને આડકતરી રીતે અસર કરતાં પરિબળોની સંખ્યા એટલી મોટી હોય છે કે તેમાં એક ને એક બે જેવા સીધા હિસાબ બેસાડી શકાતા નથી.

મજબૂતીના માપદંડ

રૂપિયાના અવમૂલ્યનની જ વાત કરીએ તો, ઘણા નિષ્ણાતો માને છે કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે તે અર્થતંત્ર માટે (અમુક મર્યાદા સુધીમાં) સારું ગણાય. ગયા મહિને લગભગ આ જ તારીખોમાં એક ડોલરનો ભાવ હતોઃ ૫૬.૪૦ રૂપિયા. એ વખતે કેટલાક અભ્યાસીઓ અને આર્થિક અખબારોના લેખકોએ  અવમૂલ્યનને આવકારદાયક ગણાવ્યું.

ફક્ત એક જ વર્ષ પહેલાં, એક ડોલર બરાબર ૪૫ રૂપિયાની આસપાસનો ભાવ ચાલતો હતો. એ વધીને (એટલે કે, ડોલરની સરખામણીમાં ઘટીને) રૂ.૫૫ની આસપાસ ભલે પહોંચ્યો. તેમાં ખાસ ચિંતા કરવાપણું નથી- એવું ભારપૂર્વક કહેવામાં આવ્યું. તેના માટે અપાયેલું એક કારણઃ વિશ્વનાં કેટલાંક ચલણોની સરખામણીમાં રૂપિયો અપ્રમાણસરનો ‘મજબૂત’ હતો. એટલે કે તેની મજબૂતી અવાસ્તવિક અને ફુગાવાથી પ્રેરિત હતી.

ડોલરની સામે રૂપિયો મજબૂત હોય તો દેશની આયાત-નિકાસ પર અને દેશના ચાલુ ખાતાના- કરન્ટ એકાઉન્ટના- સરવૈયા પર તેની કેવી અસર થાય? સમજૂતી ખાતર ધારો કે ૧૦૦૦ ડોલરનો માલ આયાત કરવાનો છે. ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ માલ ૪૫ હજાર રૂપિયામાં પડે અને ૫૫ હોય તો એ માલ રૂ.૫૫ હજારમાં પડે. આમ, રૂપિયો મજબૂત હોય તો આયાત કરવાનું ફાયદેમંદ નીવડે.

એ જ સમીકરણ નિકાસમાં લગાડીએ તો? આંતરરાષ્ટ્રિય બજારમાં ૧ હજાર ડોલરનો માલ વેચતાં, એક ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫ હોય તો નિકાસ કરનારને રૂ.૪૫ હજાર મળે અને રૂપિયાનો દર ૫૫ હોય તો એ જ માલ પેટે નિકાસ કરનારને પ૫ હજાર રૂપિયા મળે.

પરિણામે થાય એવું કે ડોલર સામે રૂપિયો મજબૂત હોય ત્યારે  આયાતને પ્રોત્સાહન મળે અને નિકાસમાં એટલો કસ ન રહે. એમાં થતો ફાયદો ઘટે. આમ, રૂપિયો મજબૂત હોય ત્યારે એકંદરે ખરીદી વધે અને વેચાણ ઘટે. જાવક વધે અને આવક ઘટે. એટલે વેપારક્ષેત્રે સરવૈયામાં ખાધ ઊભી થાય, જે દેશના અર્થતંત્ર પર અવળી અસર કરે.

ખાધ પર અને આયાત-નિકાસ (આવક-જાવક)ની આર્થિક અસમતુલા પર કાબૂ મેળવવા માટે દેશો ચલણનું અવમૂલ્યન કરવાનો - કે એ થવા દેવાનો- રસ્તો અપનાવે છે. ભારતની વાત કરીએ તો ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫માંથી ૫૫ થાય એટલે માલની આયાત મોંઘી પડવા લાગે અને નિકાસમાં મળતર વધી જાય. તેના લીધે આડેધડ આયાત પર અંકુશ આવે અને નિકાસને પ્રોત્સાહન મળે. એટલે, વધારે જાવક-ઓછી આવક વચ્ચેની ખાઇ પુરાવા લાગે.

એ દૃષ્ટિએ વિચારતા ઘણા નિષ્ણાતોને રૂપિયાનું વર્તમાન અવમૂલ્યન ‘જરૂર કરતાં થોડું વધારે ખરું, પણ જરાય ચિંતાજનક નહીં’- એવું લાગે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ જાહેર કર્યું છે કે રૂપિયાના અવમૂલ્યથી ભારતના રેટિંગ પર કોઇ અવળી અસર નહીં પડે. એ માટે તેણે આપેલું કારણઃ સરકારના કુલ દેવામાંથી ફક્ત ૭ ટકા દેવું વિદેશમાં છે. વિદેશી દેવાની મુશ્કેલી એ છે કે ૧૦૦ ડોલરનું દેવું હોય ને ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ દેવું ૪૫ હજાર રૂ. થાય, પણ રૂપિયાનો દર ૫૫ થાય તો એ જ દેવું ૫૫ હજાર રૂ. થઇ જાય.

અર્થતંત્રમાં સંતુલન જાળવવા માટે ચલણનું માપસરનું અવમૂલ્યન કેટલું જરુરી છે, તે સમજાવવા માટે ગ્રીસનો દાખલો આપવામાં આવે છે. ગ્રીસમાં આર્થિક અસમતુલાનો પાર નથી. પરંતુ ગ્રીસે પોતાનું ચલણ છોડીને યુરોઝોનનું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું છે. તેનું અવમૂલ્યન ગ્રીસ પોતાની મુન્સફી પ્રમાણે કરી શકતું નથી.  એટલે ચલણના અવમૂલ્યન દ્વારા સંતુલન સ્થાપવાનો મોટો વિકલ્પ ગ્રીસ પાસે રહ્યો નથી. પરિણામે, તેને વધારે આકરાં લાગે અને સામાન્ય નાગરિકોને સીધાં સ્પર્શે એવાં કરકસરનાં વ્યાપક પગલાં લેવા પડે છે. એમ કરવાથી લોકોનો રોષ વહોર્યા પછી પણ અર્થતંત્ર ઠેકાણે આવતું નથી.

વધઘટના વહીવટ

આખી ચર્ચામાં પ્રાથમિક સવાલ એ થાય કે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ શી રીતે થાય છે? ગૌહત્તીના એક વાસ્તુશાસ્ત્રીએ  કહ્યું છે કે ‘રૂપિયાના નવા પ્રતીકની ડીઝાઇનમાં બે કાપા છે, એ બરાબર નથી. તેમના પાપે રૂપિયાની અને અર્થતંત્રની દશા બેઠી છે.’ આવું  હવાઇ કારણ બાજુ પર રાખીએ તો, રૂપિયાની મજબૂતી પર અસર કરતું એક મુખ્ય પરિબળ છેઃ વિદેશી મૂડીરોકાણ.

ભારતમાં કંપનીઓ દ્વારા કે વ્યક્તિગત રીતે થતું વિદેશી મૂડીરોકાણ જેટલું વધારે, એટલી ભારત પાસે ડોલરની છત. ભારતની તિજોરીમાં ડોલર જેટલા વધારે એટલો રૂપિયો મજબૂત. એપ્રિલ, ૨૦૧૨માં એન.આર.આઇ. દ્વારા થયેલા મૂડીરોકાણનો આંકડો ૩ અબજ ડોલરને આંબી ગયો હતો, જે એપ્રિલ, ૨૦૧૧ની સરખામણીમાં આશરે આઠ ગણો વધારે હતો. છતાં, વિદેશી રોકાણકારોએ પાછી ખેંચી લીધેલી મૂડીને કારણે અને આયાત-નિકાસ વચ્ચે પડતી મોટી ઘટને કારણે એન.આર.આઇ. ડીપોઝીટની ધારી અસર પડી નથી.

વિદેશી રોકાણકારો ક્યારે રોકાણ કરે છે અને ક્યારે પાછું ખેંચી લે છે તેનો આધાર વૈશ્વિક પરિબળો અને રેટિંગ એજન્સીઓના અહેવાલોથી માંડીને ‘સેન્ટીમેન્ટ’ (બજારની હવા) જેવી અમૂર્ત બાબતો પર હોય છે. બે રેટિંગ એજન્સીઓએ આ મહિને ચીમકી આપી છે કે ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં આવે તો તેનું રેટિંગ નીચું ઉતારવામાં આવશે.  રેટિંગ નીચું ઉતરે એટલે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરતાં ખચકાય અથવા કરેલું રોકાણ પાછું ખેંચી લે. વિદેશી રોકાણ ઘટે એટલે સ્થિતિ વધારે કથળે અને બજારની હવા ખરાબ થાય.

ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું હોય, ત્યારે રીઝર્વ બેન્ક પર ‘કંઇક’ કરવાનું ઘણું દબાણ હોય છે. એમાં પણ રૂપિયાનું અવમૂલ્યન રાજકીય કે દેશની શાનને લગતો મુદ્દો બને ત્યારે કાગારોળ મચે છે. એવા વખતે રીઝર્વ બેન્ક પોતાની પાસે રહેલા ડોલરના રીઝર્વ (અનામત) ભંડોળમાંથી થોડા ડોલર છૂટા કરે. બજારમાં ડોલરની છત થતાં તેનું મૂલ્ય ઘટે છે અને તેની સરખામણીમાં રૂપિયો ઊંચો આવે છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી રીઝર્વ બેન્કે રૂપિયાની અધોગતિ અટકાવવા એવાં કોઇ પગલાં લીધાં નથી. કારણ કે ડોલરનું અનામત ભંડોળ કિમતી હોય છે અને યોગ્ય-અનિવાર્ય કારણો વિના એ ભંડોળને અડવાનું રીઝર્વ બેન્ક પસંદ કરતી નથી.

રૂપિયાના વર્તમાન -અને હદ વટાવતા- અવમૂલ્યનને કાબૂમાં રાખવાના એક પ્રયાસ તરીકે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓની મદદ માગી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ- એ ત્રણે ઓઇલ કંપનીઓને દર મહિને ક્રુડ ઓઇલની આયાત માટે આશરે ૮ અબજ ડોલરની જરૂર પડે છે. ડોલરનું ચલણ વાજબી ભાવે મેળવવા માટે આ કંપનીઓ ઘણી બેન્કો પાસેથી ભાવ મંગાવે છે. કંપનીને જરૂર હોય ૧ કરોડ ડોલરની અને એ ૧૦ બેન્કો પાસેથી ભાવ મંગાવે, એટલે બજારમાં ૧૦ કરોડ ડોલરની માગ હોય, એવું વાતાવરણ ઊભું થાય. એ હવાને કારણે પણ ડોલરની મજબૂતી અને રૂપિયાની નબળાઇમાં વધારો થઇ શકે છે.

આ પરિસ્થિતિ નીવારવા માટે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓને આદેશ આપ્યો છે કે જેટલા ડોલરની જરૂર હોય તેમાંથી અડધા ડોલર જાહેર ક્ષેત્રની કોઇ એક બેન્ક પાસેથી જ ખરીદવા. એમ કરવાથી બજારમાં ડોલરની માગ અંગેનું અતિશયોક્તિભર્યું વાતાવરણ સર્જાતું અટકે. અલબત્ત, રિલાયન્સ અને એસ્સાર જેવી, ક્રુડ ઓઇલની કુલ આયાતમાં ૪૦ ટકા હિસ્સો ધરાવતી કંપનીઓને આ નિયમ લાગુ પડતો નથી. એટલે, તેનાથી ‘સેન્ટીમેન્ટ’ (હવા) સિવાયનો નક્કર ફરક કેટલો પડશે, એ જોવાનું રહે છે.

આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ-ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ-થી રૂપિયાની અને અર્થતંત્રની પરિસ્થિતિ સુધરે એમ છે, પરંતુ એ રાજકીય મુદ્દો છે. એટલે સુષુપ્ત સરકાર અને તેનાં મમતા બેનરજી જેવ સાથીદારોને કારણે એ દિશામાં પ્રગતિ થઇ શકે એવું અત્યારે લાગતું નથી.

આશ્વાસન અને આશા

રૂપિયાના રેકોર્ડબ્રેક અવમૂલ્યન ટાણે આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૧૧૦-૧૧૫ ડોલરને બદલે ૯૦ ડોલર જેટલો નીચો ચાલે છે. તેના લીધે ખરેખર તો ઓઇલ કંપનીઓને ફાયદો થાય અને તેની અસર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડા તરીકે ગ્રાહકોને મળી શકે. પરંતુ રૂપિયાના અવમૂલ્યનને કારણે એક ડોલરના વધારે રૂપિયા ચૂકવવા પડે છે. એટલે ક્રુડના ભાવઘટાડાથી થતા ફાયદાનો ખાસ્સો છેદ ઉડી જાય છે. આશ્વાસન હોય તો એટલું કે અત્યારે ક્રુડનો ભાવ વધારે નથી. એવું થાય તો ક્રુડ અને ડોલર એમ બેવડા ભાવવધારાને કારણે ગ્રાહકોને બમણો માર વેઠવાનો આવે.

રૂપિયાનું અવમૂલ્યન અંકુશિત રહેવાને બદલે સમગ્ર અર્થતંત્રની નબળી સ્થિતિનું સૂચક બને ત્યારે એમાં ચિંતા કરવાપણું થાય છે. એ દિશામાં ગતિ આરંભાઇ ચૂકી હોવા છતાં ગંભીર ચિંતાનો તબક્કો હજુ દૂર છે. ત્યાં સુધીમાં તત્કાળ અને લાંબા ગાળાનાં નીતિવિષયક- એમ બન્ને પ્રકારનાં પગલાં લઇને અર્થતંત્રને પાટે ચડાવવાનો રીઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલય પાસે સમય છે. જરૂર છે એ સમયનો યોગ્ય ઉપયોગ કરવાની.

2 comments:

  1. Amit Chauhan6:32:00 AM

    મારા માનવા પ્રમાણે ચીન એના ચલણ ને નીચું રાખીને દુનિયાભરમાં સસ્તો માલ વેચે છે. પરંતુ માલ સસ્તો હોવાને કારણે જંગી જથ્થા માં વેચાય છે જેને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા ને વધુ ફાયદો થાય છે, અને સામે પક્ષે નુકશાન. કદાચ ચીન ની આ ચાલાકી ના કારણે જ લગભગ છ મહિના પહેલા ઓબામા એ ચીન ને પોતાના ચલણ નો દર ઉંચો લાવવા કહ્યું હતું જે એને હંમેશ ની માફક ગણકાર્યું નહતું. ઉર્વીશભાઈ, મારી માન્યતા સાચી છે?
    અમિત

    ReplyDelete
  2. અર્થશાસ્ર નો આધાર સરકાર અને આપના લોકો ઇપર છેં.તેથી જો બધા લોકો આ વીષય ભાટે જાગે તો ને તો જ ભાવ વધારો ધટશે

    ReplyDelete