Monday, June 18, 2012

ઇતિહાસ-પુરાતત્ત્વ-કળા-સંસ્કૃતિની મહત્ત્વની કડીઓ જોડી આપનાર અભૂતપૂર્વ ગુજરાતી: ભગવાનલાલ ઇન્દ્રજી

શિલાલેખોનું વાચન, જૂના સિક્કાની ઓળખ, મૂર્તિઓનો અને સ્થાપત્યોનો અભ્યાસ, પ્રાચીન લિપી અને આંકડા ઉકેલવા- આ બધી પ્રવૃત્તિઓમાં ‘શું મળે?’ અથવા ‘એનાથી શો ફાયદો?’ એવા સવાલનો જવાબ આપવાનું અઘરૂં છે. પૂછનારના મનમાં ફાયદાની ગણતરી રૂપિયાપૈસાના કે સ્થૂળ પ્રસિદ્ધિના અર્થમાં થતી હોય ત્યારે તો ખાસ. પરંતુ અત્યારે સામાજિક મૂલ્ય ગણાતી વૈચારિક સંકુચિતતાની બહાર નીકળીને વિચારીએ તો, પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indrajiનું જીવનકાર્ય દંતકથા જેવું લાગે.
ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji


ભગવાનલાલ ઇન્દ્રજીની ગુજરાતી અને અંગ્રેજી સહી
જૂનાગઢનો એક ગુજરાતી જણ ફક્ત ૪૯ વર્ષના જીવનકાળમાં એવું માતબર કામ કરીને જાય કે એ થકી ફક્ત ગુજરાતના જ નહીં, ભારતના ઇતિહાસમાં રહેલાં ગાબડાં પુરાય, ભારતની અસલી સંસ્કૃતિના દસ્તાવેજ જેવાં અનેક શિલાલેખ-શિલ્પ-સ્થાપત્યો તેનાં અર્થઘટન અને તસવીરો સહિત પ્રકાશમાં આવે, પરદેશી અભ્યાસીઓ- યુનિવર્સિટીમાં તેના અભ્યાસ-સંશોધનોની ભરપૂર કદર થાય, લેઇડન યુનિવર્સિટી તેમને માનદ્‌ ડોક્ટરેટની પદવીથી સન્માને, પ્રિન્સેપ-કનિંગહામ-બર્જેસ-બ્યૂલર જેવા પરદેશી વિદ્વાનો-અફસરોની હરોળમાં અંગ્રેજી ભાષાથી અલ્પપરિચિત એવા ગુજરાતી ભગવાનલાલને બરાબરીનું અને ઘણી વાર ચડિયાતું સ્થાન મળે

 - અને આ બઘું થયા પછી પણ ગુજરાતમાં ‘ભગવાનલાલ ઇન્દ્રજી? એ કોણ?’ એવો સવાલ પૂછાતો હોય.

નર્મદના દેશાભિમાન-યુગથી લઇને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સુધીનાં સવાસો- દોઢસો વર્ષમાં, ભગવાનલાલ ઇન્દ્રજીની ઉપેક્ષા એકંદરે ગુજરાતનો સ્થાયી ભાવ રહ્યો છે. ઉમાશંકર જોશીએ ૧૯૩૯ના એક લેખમાં ‘ગુજરાતના સીમાડા ભેદીને જેમની કીર્તિ બીજા પ્રાંતો અને દેશોમાં પ્રસરી છે અને પ્રસરતી રહેશે એવા ગુજરાતી સપૂતો’માં મહાત્મા ગાંધી, જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીની હરોળમાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ મૂક્યું હતું. ‘હૃદયમાં પડેલી છબીઓ’ પુસ્તકમાં ઉમાશંકરે પહેલી જ છબી ભગવાનલાલની આલેખી હતી. તેમાં એમણે લખ્યું હતું,‘જે પ્રજા સાચા પૂજાર્હોને (પૂજનીયોને) ઓળખી શકતી નથી તે ક્રમે ક્રમે પૂજ્ય પુરૂષોને પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પૂજ્યોમાંથી પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકીને ઊતરતી કક્ષાના ઠીંગુજીઓને જે પ્રજા પૂજે, તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે.’

ઉમાશંકરનું આ વિધાન ગુજરાતીઓ માટે ફક્ત નિદાન નહીં, સચોટ આગાહી પણ બન્યું છે. ભગવાનલાલ જેવાં વિરાટ વ્યક્તિત્ત્વોને વિસારે પાડીને ગુજરાતની અસ્મિતાનાં બણગાં ફૂંકવામાં કશો વિરોધાભાસ ગણાતો નથી. અત્યાર લગી ભગવાનલાલ વિશેની સામગ્રીમાં દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું, ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રકાશિત કરેલું ભગવાનલાલનું જીવનચરિત્ર (કિંમત રૂ.૧, ૧૮૦૦ નકલ) હતું. એ સિવાય ઉમાશંકરનો લેખ કે ધોરાજીના ડૉ.હસમુખ વ્યાસ લિખિત પુસ્તિકા ‘પૂર્વના પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી’ (૨૦૦૯) જેવી છૂટીછવાયી સામગ્રી ખાંખાખોળા કરવાથી મળતી હતી. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજીની પ્રતિભા અને તેમના પ્રદાનને પૂરો ન્યાય આપે એવું જીવનચરિત્ર તેમના મૃત્યુની એક સદી પછી પણ મળ્યું ન હતું.

એ મહેણું જાણીતા અભ્યાસી વીરચંદ ધરમસી અને ‘દર્શક ઇતિહાસ નિધિ’એ આખરે ભાંગ્યું છે. ૭૭ વર્ષના વીરચંદભાઇએ વીસ વર્ષની મહેનત પછી, ખંત અને અભ્યાસપૂર્વક  અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં ભગવાનલાલ ઇન્દ્રજીનું ઉત્તમ જીવનચરિત્ર તૈયાર કર્યું છે. અંગ્રેજી ચરિત્ર પાંચસો પાનાંનું અને કેટલીક તસવીરો સાથેનું છે, જ્યારે ગુજરાતી ચરિત્ર કુલ ૨૯૬ પાનાંનું છે. પરંતુ ગુજરાતી ચરિત્રમાં સમાવાયેલી ભગવાનલાલ ઇન્દ્રજીની લગભગ સવા સો પાનાં જેટલી અસલ નોંધો એ પુસ્તકને અત્યંત મૂલ્યવાન અને ઐતિહાસિક રીતે મહત્ત્વનું બનાવે છે.

કોણ હતા ભગવાનલાલ ઇન્દ્રજી? સંસ્કૃતના વિદેશી વિદ્વાન તરીકે જાણીતા મેક્સમૂલરે તેમને મેક્સમૂલરે તેમના માટે ‘કોનશ્યન્શ્યસ સ્કોલર’ જેવું વિશેષણ વાપર્યું હતું. ઉમાશંકરે એ વિશેષણનું ગુજરાતી ‘પ્રામાણિક હૃદયબુદ્ધિના અભ્યાસી’ એવું કરીને લખ્યું હતું, ‘અભ્યાસીની કદર માટે આના કરતાં મોંઘો શબ્દ ભાગ્યે જ બીજો કોઇ હશે.’ જે સમયે ‘પંડિત’ શબ્દનો અર્થ ‘અંગ્રેજ સંશોધકો-પુરાતત્ત્વવિદોને મદદ કરનાર સહાયક-આસિસ્ટન્ટ’ થતો હતો, ત્યારે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી ખરા અર્થમાં પુરાતત્ત્વની વિવિધ શાખાઓના પંડિત તરીકે ઊભરી આવ્યા.   જૂનાગઢમાં નવેમ્બર ૯, ૧૮૩૯ના રોજ જન્મેલા ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટે ફક્ત ૧૪ વર્ષની ઉંમરથી પડખે આવેલા ગિરનારના શિલાલેખો ઉકેલવાની મથામણ શરૂ કરી દીધી હતી.

ગિરનારના શિલાલેખ લાંબા સમયથી અભ્યાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાવ્યાસંગી અંગ્રેજ અફસરો કે મિશનરીઓ આ શિલાલેખોની નકલ કરાવીને તેની લિપિ ઉકેલવા પ્રયાસ કરતા હતા. તેમાં જેમ્સ પ્રિન્સેપ અને ‘લેન્ગ લાયબ્રેરી’ થકી હજુ રાજકોટમાં જાણીતા એવા કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વિલિયમ લેન્ગ મુખ્ય હતા. લેન્ગને પોતાને પુરાતત્ત્વમાં રૂચિ હોવાથી પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોનો એક ચાર્ટ તેમણે જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં મોકલી આપ્યો હતો. ભગવાનલાલ એ પાઠશાળાના વિદ્યાર્થી. એટલે મૂળાક્ષરોના ચાર્ટથી જાગ્રત થયેલી જિજ્ઞાસા તેમને ગિરનારના શિલાલેખો ભણી ખેંચી ગઇ. બે વર્ષમાં તેમનો અભ્યાસ એટલો આગળ વઘ્યો કે કર્નલ લેંગ તેમનો ઉલ્લેખ ‘નાનકડા પુરાતત્ત્વવિદ્‌’ તરીકે કરતા હતા.

સામાન્ય સંજોગોમાં ભગવાનલાલ તેમની બધી પ્રતિભા સહિત જૂનાગઢ-કાઠિયાવાડના મર્યાદિત વર્તુળમાં સીમિત બનીને રહી ગયા હોત. પણ એલેક્ઝાન્ડર ફાર્બસે ફરી એક વાર ગુજરાતની મોટી સેવા કરી. દલપતરામને પ્રોત્સાહન-આશ્રય આપનાર ફાર્બસ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે નિમાતાં તે જુવાન ભગવાનલાલના પરિચયમાં આવ્યા. ‘નાનકડો પુરાતત્ત્વવિદ્‌’ ત્યારે જુવાન બની ચૂક્યો હતો. ફાર્બસે તેમનો પરિચય મુંબઇના અગ્રણી ડો.ભાઉ દાજી સાથે કરાવ્યો. ડો.ભાઉ અને ભગવાનલાલનો વિશિષ્ટ સંબંધ એ બન્ને ઉપરાંત પુરાતત્ત્વવિદ્યાની અનેક શાખાઓ માટે ભારે ફળદાયી પુરવાર થયો.

કવિ નર્મદ જેમને પોતાના ‘વડીલભાઇ જેવા અને પરમ સ્નેહી’ ગણતા હતા એ ડો.ભાઉ (સાચું નામઃ રામકૃષ્ણ વિઠ્‌ઠલ) કળા-સાહિત્ય ઉપરાંત પુરાતત્ત્વના પણ અચ્છા અભ્યાસી હતા. ફાર્બસની ભલામણથી તેમણે ભગવાનલાલની ચકાસણી કરી લીધા પછી લખ્યું, ‘તમે મુંબઇ આવી જાવ અને મારી સાથે કામ કરો. પુરાતત્ત્વકીય સંશોધનના નવા ક્ષેત્રમાં તમને જે સગવડો જોઇશે એ મળી રહેશે.’ ભાઉનું આમંત્રણ સ્વીકારીને ભગવાનલાલ ૨૨ વર્ષની વયે, એપ્રિલ ૨૪, ૧૮૬૨ના રોજ મુંબઇ આવી ગયા. તેમનો અને ભાઉનો સાથ ભાઉના મૃત્યુ સુધી ટક્યો.
ડો.ભાઉ દાજી/ Bhau Daji 
ભાઉએ પૂરી પાડેલી સુવિધાઓનો ઉપયોગ કરીને ભગવાનલાલ અભ્યાસ કરે, લેખો ઉકેલે, પ્રવાસો કરે, નવી શોધો કરે અને ડો.ભાઉ તેના આધારે સંશોધનલેખો રજૂ કરે. આ જાતની ગોઠવણ  અત્યારે અજૂગતી લાગી શકે, પરંતુ એ સમયે ભગવાનલાલ એ ગોઠવણથી રાજી અને સંતુષ્ટ હતા. ૧૮૭૪માં લાંબી બિમારી પછી ડો.ભાઉનું અવસાન થયું, તેનાં ચાર વર્ષ પહેલાં ભાઉએ પહેલી વાર પોતાના શોધનિબંધમાં ભગવાનલાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ એ ક્ષેત્રના જાણકારો ભાઉના લેખોમાં ભગવાનલાલના પ્રદાનથી બરાબર વાકેફ હતા. 
 અંગ્રેજ સરકારે ૧૮૬૧માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેના પહેલા વડા કનિંગહામને મહિને રૂ.૨૦૦૦ પગાર મળતો હતો અને તેમની કામગીરીનું વાર્ષિક ખર્ચ રૂ.૫૪ હજાર આવ્યું હતું.

એવું જ કામ કરવા માટે ભગવાનલાલને મહિને રૂ.૨૦૦ મળતા હતા. આ રકમ જૂનાગઢના નવાબ તરફથી તેમને ડો.ભાઉ દાજીના ‘પંડિત’ તરીકે ચૂકવાતી હતી. કનિંગહામના પગારની સરખામણીમાં આ રકમ મામૂલી લાગે, પણ ૧૮૬૦ના દાયકાને ઘ્યાનમાં રાખતાં ભગવાનલાલને આ પગારમાં શોષણનો અહેસાસ ન થયો હોય, એ બનવાજોગ છે. ઉપરાંત, ડો.ભાઉ દાજીએ પોતાને તક આપી એ વાતનો ગુણ ભગવાનલાલના મનમાં છેવટ સુધી રહ્યો હતો. એટલે, પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ મુંબઇની રોયલ એશિયાટિક સોસાયટીને આપતાં તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે એ સંગ્રહને પોતાના ગુરૂ અને શેઠ ડો.ભાઉ દાજીનાં સંસ્કૃત પુસ્તકો જે કબાટમાં છે, તેની બાજુના કબાટમાં રાખવો અને તેની પર ‘ડો.ભાઉ દાજીના શિષ્ટ ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ’ એમ લખાવવું.

(મુંબઇ આવ્યા પછી ભગવાનલાલે મઘ્ય-ઉત્તર ભારતના ભ્રમણની સાથોસાથ, જૈન ધર્મના ઇતિહાસથી માંડીને ‘કામસૂત્ર’ની પહેલી આલોચનાત્મક આવૃત્તિ- તેના ગુજરાતી અનુવાદ સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યાં. ઇતિહાસમાંથી દંતકથા ગાળીને તેનાં સ્વસ્થ-તટસ્થ અર્થઘટન આપ્યાં. તેની વિગતો આવતા સપ્તાહે.)

5 comments:

  1. Anonymous1:11:00 PM

    ફાર્બસે તેમનો પરિચય મુંબઇના અગ્રણી ડો.ભાઉ દાજી સાથે કરાવ્યો. ડો.ભાઉ અને ભગવાનલાલનો વિશિષ્ટ સંબંધ એ બન્ને ઉપરાંત પુરાતત્ત્વવિદ્યાની અનેક શાખાઓ માટે ભારે ફળદાયી પુરવાર થયો.

    ReplyDelete
  2. khub khub aabhar urvish ji.

    ReplyDelete
  3. U R RIGHT BRO....MY NATIVE IS JUNAGADH DISTRICT BUT STILL I DONT KNOW ABOUT ......NICE

    ReplyDelete
  4. ખૂબ ખૂબ આભાર ઊર્વીશ.આ 'ધૂળધોયાનો' લેખ છે. આ વિશેષણ વિષય અને પ્રસ્તુતિ બંનેને લાગુ પડે છે.

    ReplyDelete
  5. urvishbhai Tamane Bahu Sari Hathoti Besi Gayee chhe ane ghani Sunder itihas ni Ajani vaato thi Nava Jamana Na Loko Ne Aapana varasaNI Dharohar nI anmol Yaad Apavo chho,Khub Khub Dhanyavaad !!

    ReplyDelete